Saturday, 5 February 2022

પરબ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૪૪ શબ્દો)

આ અંકમાં રજૂ થયેલી ત્રણે વાર્તાઓ સરેરાશ કક્ષાની છે.

વારતાની વારતાની વારતા (જ્યોતીન્દ્ર પંચોલી):

નિવૃત્તિની સાંજે દેવરાજને ખબર મળે છે કે પાલક પિતા સમાન દાસભાઈ ગંભીર સ્થિતિમાં છે. દેવરાજ દાસભાઈ જોડેની સ્મૃતિ મમળાવે છે. દાસભાઈએ અનાથ દેવરાજને ભણાવીગણાવીને શિક્ષકની નોકરીએ લગાડેલો. દાસભાઈ અનાથાશ્રમમાં બાળકોના માતા-પિતા બંનેની ભૂમિકા ભજવતા હતા. સવારે સમાચાર આવે છે કે દાસભાઈ ગુજરી ગયા.

નાયકને દાસભાઈની યાદ ગમે ત્યારે આવી શકે, પણ એની નિવૃત્તિના દિવસે જ દાસભાઈનું મૃત્યુ થવાથી વાર્તામાં શું ફરક પડે? જૂના વિષયની સરેરાશ રજૂઆત.     

ઘાબાજરિયું (છાયા ત્રિવેદી):

કોરોના પોઝીટીવ દર્દીથી સામાન્ય માણસોએ અંતર રાખવું પડતું હોય છે. હોસ્પિટલમાં દર્દી જોડે ના રહી શકાય, ના હળીભળી શકાય. આવા સમયે સ્માર્ટ ફોન પર વિડીયો કોલ ઉપયોગમાં આવે છે. પ્રસ્તુત વાર્તામાં સ્માર્ટ ફોનની વિકસિત ટેકનોલોજી નાયિકા માટે ઘાબાજરિયું સાબિત થાય છે. અદ્યતન ટેકનોલોજીના ગુણગાન ગાતી રચના.     

ભૂતની ભવાઈ (મનહર ઓઝા):

ફેન્ટેસી વાર્તા. રાજાશાહી ચાલતી હોય એવા દેશમાં આધુનિક યંત્રો-સાધનોનો વિકાસ થયેલો બતાવાયો છે. ભૂતકથાના આ રૂપક દ્વારા એવું કહેવાય છે કે વિદેશથી આવેલાં વિષાણું ધીમે ધીમે આખા દેશની પ્રજાને રોગિષ્ટ બનાવી દે છે. સમગ્ર પ્રજાને બીમારી કરી દેતા આ રોગચાળાનો કોઇ ઉપાય નથી એવી કલ્પના થઇ છે. કોરોના મહામારીથી દેશ અને વિશ્વ રોગગ્રસ્ત થઇ ગયું છે એ તરફ લેખક ઈશારો કરે છે. હળવી શૈલીમાં સરખામણીએ ઠીકઠાક રજૂઆત.            

--કિશોર પટેલ, 06-02-22;10:14

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

###

No comments: