Monday, 31 January 2022

કુમાર નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૨૯ શબ્દો)

ચબૂતરો (ચેતન શુક્લ):

એક દુઃખી માણસની ભગ્ન જિંદગીના વેરવિખેર ટુકડાં. જેલમાંથી સજા કાપીને ઘેર આવેલા કાંતિને ભૂતકાળ યાદ આવે છે. પાડોશના મંગુમાસીની અપંગ દીકરી ચકુ પર કોઇ બીજાએ કરેલાં બળાત્કારનો આરોપ કાંતિ પર આવે અને એને સજા થાય. નિર્દોષ કાંતિની જિંદગી રોળાઇ જાય. કાંતિની નૈરાશ્યપૂર્ણ માનસિક સ્થિતિનું વર્ણન. અંધારી રાત, કાંતિને ઓળખતાં રખડતાં કૂતરાં. મૂંગો ચબૂતરો અહીં લગભગ એક પાત્ર બન્યું છે. વાર્તાના નાયકની ભગ્ન જિંદગીના સ્થિરચિત્રનું આ રચનામાં આલેખન થયું છે.

એક પ્રશ્ન થાય કે કાંતિ જો નિર્દોષ હતો તો એણે પોતાનો બચાવ કેમ ના કર્યો? બળાત્કાર જેવી ઘટનામાં મેડિકલ તપાસ થાય કે નહીં? ચકુ ભલે મૂંગીબહેરી હતી પણ ઘટના પછી જો જીવતી હતી તો કંઇક બયાન આપી શકી હોત! મૂળે લેખકે એ બીના એટલી સાંકેતિક પદ્ધતિએ કહી છે કે ભાવક એની વિગતોમાં જઈ શકે એવી શક્યતા નથી. આમ પ્રશ્ન તો અનુત્તરિત રહે જ છે: નિર્દોષ કાંતિ હતો તો પછી પોતાનો બચાવ શા માટે નથી કરતો? એની પત્ની સુધા તો ચાલાક હતી, એણે કેમ માની લીધું કે એનો પતિ દોષિત હોઈ શકે? એના પાત્રાલેખન પ્રમાણે તો એક “પતિ”ની એની જીવનશૈલીમાં ઘણી જરૂરિયાત હતી. પડ્યું પાનું નિભાવી લેવાની કાંતિની પ્રકૃતિ હતી એવો એકાદ સંકેત વાર્તામાં મૂકવો જરૂરી હતો. એમ થયું હોત તો વાર્તા ઉત્તમ બની હોત.               

કેમોન આછે? (મનીષા રાઠોડ):

એકલવાયો વૃદ્ધ અને એકલવાયી જુવાન કન્યા એકબીજાના પાડોશી. એકબીજાનાં ખબરઅંતર પૂછવાથી પરિચય થાય અને સ્નેહસંબંધ વિકસે. આ સ્થિતિથી આગળ વધીને કોઇ વાર્તા બની હોત તો કંઇક નવું થયું હોત. લેખક તો ભૂતકાળમાં જઈ જૂનો ભંગાર ખોદી લાવ્યા. દીકરાના પ્રેમલગ્નના વિરોધમાં માતા ઝેર પીને આત્મહત્યા કરે, દીકરો આજીવન અપરિણીત રહે, વિદેશ જતો રહે, એના પિતા એકલા રહે, દુઃખી રહે, પેલી કન્યા (આપણી નાયિકા) અપરિણીત રહે, પોતાના કુટુંબથી જુદી, એકલી રહે, ટૂંકમાં સહુ દુઃખી દુઃખી થાય. વૃદ્ધના મૃત્યુ નિમિત્તે નાયક-નાયિકાનું પુનર્મિલન થાય! ચીલાચાલુ તાલમેલિયા અકસ્માતો! વાર્તા કે અવાર્તા?

--કિશોર પટેલ, 01-02-22 11:12

###  

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

No comments: