કુમાર ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૮૬ શબ્દો)
આ અંકની બંને વાર્તાઓ વાચનક્ષમ છે.
સ્વજન (ગિરીશ ભટ્ટ):
સ્વજન કોને કહીશું? લોહીના સંબંધથી જોડાયેલાં માણસોને? પાડોશીઓ
અને સહકર્મચારીઓને?
ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાતી આ વાર્તા સ્તવન નામના
યુવાનના દ્રષ્ટિકોણથી કહેવાઈ છે. અઠવાડિયા પછી નિવૃત્ત થનારા પાડોશી વડીલ અભિજિત
દવે અચાનક માંદા પડી જાય છે. હોસ્પિટલના ડોક્ટરની સૂચના પ્રમાણે એમના નજીકના
સંબંધીઓને સ્તવન જાણ કરે છે. પત્ની, દીકરી અને અન્ય સગાંને. વિશ્વના ખૂણેખાંચરે
ફેલાઈ ગયેલાં દરેકને અભિજિત પાસે પહોંચવામાં કંઈને કંઇ અડચણ છે. સહેલાઈથી દોડી આવી
શકે એવી પત્ની ઠંડો પ્રતિસાદ આપે છે, દીકરી પણ કંઇક મોળો જવાબ આપે છે.
દરમિયાન અભિજિતની દેખભાળ કરે છે પાડોશી સ્તવન અને ઓફિસના
સહકર્મચારીઓ. અરે, ઓફિસના વોચમેન સુજાનભાઈ,
જે અભણ છે, ગરીબ છે એ પણ કહે છે કે સાહેબ સારા ના થાય ત્યાં સુધી પોતે
ત્યાંથી નહીં ખસે!
છેવટે આવી પહોંચે છે કેવળ એક જણ, જેને અભિજીતે ક્યારેય
પોતાનો માન્યો નથી એવો પરધર્મી, વિદેશી જમાઇ. સહેલાઈથી આવી શકે એવું કોઇ સગું
આવ્યું નથી ત્યારે આ જમાઇ અનેક પ્રકારની થકવી નાખે એવી લાંબી મુસાફરી કરીને આવી
પહોંચ્યો છે.
માનવીય સંબંધો વિષે નવેસરથી વિચારવા મજબૂર કરે એવી વાર્તા.
અસંખ્ય પાત્રોના વૈવિધ્યપૂર્ણ નામોની યાદી વાર્તામાં છે પણ કોઇ ગોટાળા થતાં નથી.
પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.
ઇન્ફેકશન (જિતેન્દ્ર પટેલ):
કોરોના મહામારીના કારણે ભલભલાં લોકોનાં મુખવટા ઊતરી ગયાં છે.
શહેરમાં ઉછરેલા રજનીને ગામડાની સૂગ છે. પારિવારિક પ્રસંગે પણ જે માણસ ગામ તરફ
ફરકતો નથી એ શહેરમાં ચેપી રોગનો પ્રકોપ વધી ગયો હોવાથી ગામડે આવીને પિતરાઈ
દેવરાજને ઘેર રહેવા માંગે છે. આવા મતલબી માણસને આવતો રોકવા દેવરાજ શું ઉપાય કરે
છે? સારી વાર્તા.
--કિશોર પટેલ, 11-02-22; 09:24
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી.)
No comments:
Post a Comment