નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૩૫૧ શબ્દો)
કોઈ પૂછે કે... (બાદલ પંચાલ)
વાર્તાના નાયકની
નોકરી છૂટી ગઈ છે પણ આ વાતની જાણ પત્નીને કરવાની એનામાં હિંમત નથી. રોજ નિયત સમયે
ઘેરથી નીકળી કામ પર જવાનું નાટક એ ચાલુ રાખે છે. દિવસભર ટ્રેનમાં જ આંટાફેરા મારી એ
સાંજે ઘરભેગો થાય છે. એવી સ્થિતિમાં એ એકલો જ નથી મૂકાયો, બીજા પણ એક માણસની પણ
અહીં વાત થઈ છે જેને ઘરમાં પ્રવેશ જ મળ્યો ન્હોતો કારણ કે નોકરી છૂટી ગયાની વાત એણે
પત્નીને કરી નહોતી! બીજા એક કાકા
નિવૃત્તિનો આનંદ માણવાના સમયમાં કામ શોધી રહ્યા હતા. આજની સ્પર્ધાત્મક સ્થિતિમાં બેકાર
હોવું એટલે શું એની વાત વિભિન્ન રીતે અહીં થઈ છે. બેધારી ચક્કીમાં પીસાતા માણસની
માનસિક સ્થિતિનું અચ્છું આલેખન. સરસ વાર્તા.
અને હા, આ
વાર્તાકારની વાર્તામાં દરિયો તો આવે જ. અહીં પણ દરિયાએ હાજરી પૂરાવી છે.
બળતરા (મેધા ત્રિવેદી)
બીમાર માતાનું
મૃત્યુ થઈ ગયું છે એ જાણતો નાયક માતાના મૃતદેહ નજીક બેઠાં બેઠાં ભૂતકાળની
સ્મૃતિઓમાંથી પસાર થાય છે. નાનપણમાં રમતમાં એનો મોટોભાઈ હંમેશા એની સાથે છેતરપીંડી
કરીને જીતી જતો અને વળી ઉપરથી એને ઉપદેશ પણ આપતો. બાળપણથી જેની સાથે દિલ મળી
ગયેલું એ રચનાને પરણી જઈને મોટાભાઈએ એને મોટો આઘાત આપેલો. પિતાના મૃત્યુ પછી બીમાર
માતાની દેખભાળ અને નાનાભાઈના ઉછેર જેવી જવાબદારીઓ નાયકના માથે નાખી મોટોભાઈ વિદેશ
જતો રહેલો.
આપણા સમાજમાં
ઘરપરિવારમાં એકાદ જણ સાથે કોઈક રીતે અન્યાય થતો હોય છે. નાયકની મનઃસ્થિતિનું સરસ
આલેખન.
બેસણું (મોના જોશી)
દીકરાની જુગાર
રમવાની કુટેવથી અત્યંત ત્રાસી ગયેલાં માતાપિતાએ શું ઈચ્છા કરી?
છાપાંમાં એક
બેસણાંની જાહેરખબરમાં પરિચિત નામ વાંચીને નાયિકા જે તે સ્થળે જાય છે. વર્ષોથી વિખૂટાં
પડી ગયેલું પાડોશી કુટુંબ મળે છે ખરું પણ કેવા સંજોગોમાં! કરુણાંત વાર્તા. પ્રવાહી
રજૂઆત.
સ્ટેચ્યુ (પરાગ માસારે)
બાળપણની સ્મૃતિઓ
મીઠીમધુરી હોય છે. પણ શારીરિક વિકાસની સાથે કોઈનો માનસિક વિકાસ અટકી જાય તો?
નાયિકાને એની એક બહેનપણીને મળવાનું થાય છે જે સ્વભાવે હજી એવી જ બાળકી રહી ગઈ છે
જેવી એ દસ વર્ષ પહેલાં હતી. હ્રદયસ્પર્શી
વાર્તા. બાળપણની રમતોનું સરસ વર્ણન.
--કિશોર પટેલ, 03-04-24
08:59
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment