ઝરુખોમાં રાજુલ દિવાન અને જયેશ મહેતા ૬ એપ્રિલ ૨૦૨૪
(૮૨૪ શબ્દો)
બોરીવલી પશ્ચિમના સાંઈબાબા
મંદિરમાં સાંઈબાબા મંદિર વેલ્ફેર કમિટી દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યક્રમ “ઝરુખો”માં
શનિવાર તા. ૬ એપ્રિલ ૨૦૨૪ ની સાંજે ગુજરાતી રંગભૂમિના બે અગ્રણી કલાકારો પધાર્યાઃ અભિનેતા-દિગ્દર્શકશ્રી રાજુલ દિવાન અને નાટકો, સિરિયલો,
તેમ જ ઓટીટી શ્રેણીઓના જાણીતા લેખકશ્રી
જયેશ મહેતા.
કાર્યક્રમના સંચાલક
કવિશ્રી સંજય પંડ્યા દ્વારા બંને કલાકારોને વારાફરતી પ્રશ્નો પૂછાતાં ગયા અને રસિક
શ્રોતાઓ આ બંને કલાકારોની નાટ્યસફરથી પરિચિત થતાં ગયાં.
રાજુલ દિવાન
સ્કુલ-કોલેજના
અભ્યાસ દરમિયાન નાટકોનો પરિચય થતાં નાટકોમાં કામ કરવાની લગની લાગેલી પણ ઘરમાંથી
સહુ પ્રથમ અભ્યાસ પૂરો કરવાની તાકીદ થયેલી. અભ્યાસ પૂરો થતાં જ ભાઈ રાજુલ એમની
ન્યાતના જ એક જાણીતા રંગકર્મી કમલેશ દરુને મળ્યા અને એમને નાટકોમાં કામ અપાવવાની
વિનંતી કરી. કમલેશ દરુએ એમને નાટ્યસંપદાના કર્તાહર્તા કાંતિ મડિયા સમક્ષ ઊભા
કર્યા. કાંતિ મડિયાએ સૂચવ્યું કે પ્રથમ બેકસ્ટેજમાં કામ કરો, પછી જોઈશું. રાજુલે
બેકસ્ટેજમાં કામ કર્યું. બેકસ્ટેજમાં હેલ્પરનું કામ કરતાં કરતાં રાજુલ દિવાને
રંગભૂમિને નજીક જોઈ અને જાણી. બેકસ્ટેજમાં કામ કરતાં ક્યારેક તુમાખીભર્યા કલાકારો
દ્વારા હડધૂત પણ થતા પરંતુ નાટકનો કીડો રાજુલભાઈને એવો કરડી ગયેલો કે નાટ્યકળાની
આરાધના કરવા માટે નાનાંમોટાં અપમાન એમણે સહન કરી લીધાં. છેવટે એની તપસ્યા ફળી અને નાનીમોટી
ભૂમિકાઓમાં અભિનય કરવાની તક એમને મળતી થઈ. પરિણામે એમની કળાપ્રતિભાનો પોતાને તેમ જ
અન્યોને પણ પરિચય થયો. સોમવારથી શનિવાર ગોરેગામ ખાતે નિર્લોન કંપનીમાં
એકાઉન્ટન્ટના હોદ્દે જવાબદારીભરી નોકરી કરવાણી, સાંજે રિહર્સલ્સ કરવાનાં અને
રવિવારે નાટ્યપ્રયોગોની ભજવણી કરવાની. એ રીતે લાંબો સમય સુધી એમણે એકસાથે બે
નાવમાં સવારી કરી. મુંબઈમાં જ પ્રયોગો હોય ત્યારે બહુ વાંધો ના આવતો પણ બહારગામના
શો હોય ત્યારે મુશ્કેલી થતી. કારણ કે પ્રાઈવેટ કંપનીમાં જોઈએ ત્યારે રજાઓ મળતી
નહીં. સુરત ખાતે પ્રયોગો દરમિયાન રાજુલ દિવાને દિવસના ગોરેગામ ખાતે ઓફિસ, સાંજે
બહારગામની ટ્રેનમાં બોરીવલીથી સુરતનો પ્રવાસ, રાત્રે સુરતમાં નાટ્યપ્રયોગ અને અડધી
રાતે મુંબઈ પાછા ફરવા સુરતથી મુંબઈ સુધીની ટ્રેનની સફર. સવારે ફરીથી ગોરેગામની
ઓફિસમાં હાજર. એ રીતે તંગ દોરડા પર ચાલવાની કસરત લાગલગાટ આઠ આઠ દિવસ સુધી એમણે એકથી
વધુ વખત સફળતાપૂર્વક કરી છે.
ખરજનો અવાજ ધરાવતા
રાજુલ દિવાને વોઈસઓવર આર્ટિસ્ટ તરીકે ગુજરાતી ઉપરાંત હિન્દી. મરાઠી, અંગ્રેજી અને
અરેબિક ભાષામાં પુષ્કળ કામ કર્યું છે.
જયેશ મહેતા
પોતાને લેખક તરીકે
ઘડવામાં મોટો ફાળો મલાડમાં સોમવારી બજાર વિસ્તારમાંના વિચિત્ર પાડોશીઓએ અને
સ્કોટર્સ કોલોનીના weird (વિચિત્ર, ભેજાગેપ) મિત્રોએ આપ્યો છે એવો દાવો જયેશ મહેતા કરે છે.
વળી પ્રેમિકાને
પ્રેમપત્રો લખી આપવા માટે એમની પાસે મિત્રોની લાંબી લાઈન લાગતી. જયેશ મહેતા
શેરોશાયરીના શોખીન હતા અને પ્રેમપત્રોમાં એ શાયરીઓ બહુ કામ આવતી એવું એમણે કહ્યું.
પછીથી કોલેજકાળમાં સમાનરસવાળા મિત્રોની સોબતમાં તેઓ કવિતાઓ/વાર્તાઓ લખતા થયા.
ઘરમાં દાદીમા પાસે ઘણા લોકગીતો સાંભળ્યા હતાં જે પછીથી નાટકોમાં પણ કામે લાગ્યાં.
વાતવાતમાં એક ત્યકતાની જીવનસંઘર્ષની કથાવસ્તુ જયેશ મહેતાએ નાટ્યદિગ્દર્શક વિપુલ
મહેતાને કહી સંભળાવી ત્યારે વિપુલ મહેતાને એમાં “મસાલામામી” નાટક દેખાયું. એ નાટકનો કન્સેપ્ટ સરિતાબેનને સંભળાવાયો ત્યારે
સરિતાબેને શરત કરી કે નાટકનો ઓપનિંગ સીન લખી લાવો. એ મને પસંદ પડશે તો હું નાટક
કરીશ. જયેશ મહેતાએ એક અઠવાડિયામાં દ્રશ્ય લખ્યું પણ વિપુલ મહેતાએ એ દ્રશ્ય નાપાસ
કર્યું. જયેશભાઈએ બીજા બે દિવસની મહેતલ માંગી. બે દિવસ પછી લખાયેલા દ્રશ્ય જોડે
લેખક-દિગ્દર્શક ફરીથી સરિતાબેનને મળ્યા. સીન સાંભળીને સરિતાબેને કહ્યું, “નાટકનું
મુહુર્ત જોવડાવો.” જયેશભાઈનો વ્યવસાય છે ગ્રાહકોને વિવિધ પ્રકારના ફાયનાન્સ મેળવી
આપવાનો. એક ક્લાયન્ટ જોડે હાઉસિંગ લોન માટે થયેલી માથાકૂટની વાત જ્યારે જયેશ
મહેતાએ નાટ્યદિગ્દર્શક ઉમેશ શુક્લને અમસ્તાં જ કરી ત્યારે ઉમેશ શુક્લએ
કહ્યું કે ભાઈ, આમાંથી તો એક આખું નાટક થાય.
અને એમ તૈયાર થયું નાટક “એક રુમ રસોડુ”.
હળવી ક્ષણો
નાટકમાં થતાં “ભગા”
સંબંધે થયેલા પ્રશ્નના ઉત્તરમાં રાજુલભાઈએ ચર્ની રોડ રેર્લ્વે સ્ટેશન નજીકના હિન્દુજા
થિયેટરમાં એક પ્રયોગ દરમિયાન થયેલા ગોસમોટાળાને યાદ કર્યો હતો. એક દ્રશ્યમાં ઈન્સપેક્ટરની
ભૂમિકામાં રાજુલભાઈ કોઈની પૂછપરછ કરે છે અને “ક્યાં છે પેલો “અબક”? કેમ એ દેખાતો નથી?” એસંવાદના પ્રતિસાદમાં પેલા “અબક”એ
પ્રવેશ કરવાનો હોય પણ એ આવે જ નહીં! પેલો પ્રવેશ કરે નહીં અને દ્રશ્ય આગળ વધે નહીં!
એટલે છેવટે રાજુલભાઈ બોલ્યા કે “વારુ, હું જ એને પકડી લાવું છું!” એવું બોલી એ
બહાર નીકળવા ગયા તો બારણું ખૂલે જ નહીં! વાત એમ હતી કે ગ્રીન રુમનો દરવાજો ત્યાંથી સાવ નજીક હોવાથી ત્યાંની ગતિવિધિને
કારણે નાટકમાં વિક્ષેપ પડતો હોવાથી સેટના એ દરવાજો બહારથી રબર બેન્ડ વડે બંધ રખાતો.
પ્રવેશ કરનાર કલાકારે જાતે જ એ દરવાજો ખોલીને આવવાનું રહેતું, સ્ટેજ પરથી એ દરવાજો
ખોલી શકાતો નહીં!
છેવટે “ક્યાં છે, ક્યાં
છે પેલો હરામખોર!” એવા રાજુલભાઈના બૂમબરાડા પછી પેલા “અબક” ભાઈ હોશમાં આવ્યા, એમણે
પ્રવેશ કર્યો અને નાટક આગળ વધ્યું!
પછીથી જાણવા મળ્યું
કે એ “અબક” ભાઈને બીડી ફૂંકવાની તલબ લાગેલી એમાંથી એ ભગો થયેલો!
જયેશભાઈના મિત્રો કેટલા
weird હતા એનું એક ઉદાહરણ
એટલે નઝર “નંગો”. આ નઝરે સોળ-સત્તર વર્ષની વય સુધી ક્યારેય કમર નીચે એક પણ વસ્ત્ર
પહેર્યું નહોતું! લાંબા કુર્તા કે પિતાના/દાદાના ખમીસથી એનું કામ ચાલી જતું! એ
દિવસોમાં ટેલિવિઝન સેટ એટલે લક્ઝરી વસ્તુ ગણાતી. કોઈને ઘેર સહુ મિત્રો સાથે નઝર પણ
ક્રિકેટ મેચ જોવા કોઈકના ઘેર ગયેલો. ઘરમાલિકને ધીમે રહીને નઝર અંગે શંકા આવી. એમણે
નઝરને ઊભો કર્યો. નઝરની પોલ પકડાઈ ગઈ એટલે એને તાત્કાલિક ઘર બહાર તગેડી મૂકવામાં આવેલો.
કાર્યક્રમના અંતમાં
શ્રોતાઓની વિનંતીને માન આપીને રાજુલ દિવાને ઝવેરચંદ મેઘાણી રચિત “ચારણકન્યા” ની રજૂઆત
કરી. એમની પ્રસ્તુતિ એટલી “જોસ્સાભરી” હતી કે આ લખનાર સહિત અનેક મિત્રોનાં રુંવાડા
ઊભાં થઈ ગયાં!
ટૂંકમાં, ઝરુખોની એક
યાદગાર સાંજ!
--કિશોર પટેલ, 07-04-24
11:55
* * *
No comments:
Post a Comment