મમતા ફેબ્રુઆરી ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૮૪૨ શબ્દો)
પ્રસ્તુત અંક શબરી
વિશેષાંક છે. મમતા વાર્તામાસિક આયોજિત દેવેન્દ્ર પીર વાર્તાસ્પર્ધા ૨૦૨૩માં વિજેતા
નીવડેલી પ્રથમ ત્રણ તેમ જ અન્ય છ સન્માનિત વાર્તાઓ આ અંકમાં રજૂ થઈ છે.
દોરો (જયેશ રાષ્ટ્રકૂટ)
શ્રધ્ધાના નામે
ગામડાંમાં કંઈકેટલા ભૂવાઓ-બાપાઓની દુકાનો ચાલ્યા કરતી હોય છે. એવા એક ભલાબાપાની આ
વાત છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે અંધશ્રધ્ધાળુ લોકો તો માનતા જ હોય પણ
કાળક્રમે દુકાનદાર પણ માનતો થઈ જાય કે એમની “દવા”માં સત છે. પોતાના મંતરેલા દોરાથી
ગામનાં કંઈકેટલાં લોકોને સારાં કર્યાં ને પોતાના દીકરાને સાજો કરી ના શક્યા તો હવે
લોકોને મોંઢું કેમ બતાવવું એવી મૂંઝવણમાં ભલાબાપા આત્મહત્યા કરી નાખે છે. ગ્રામ્ય
બોલીનો સરસ પ્રયોગ. ઓછાં શબ્દોમાં સર્વે મુખ્ય પાત્રોનું સરસ નિરુપણ. ભલાબાપાના
મનોભાવોનું સરસ આલેખન. સારી વાર્તા. (પ્રથમ સ્થાને વિજેતા વાર્તા.)
પોસ્ટર (સુષ્મા શેઠ)
અપંગ દીકરાનો ઈલાજ
કરાવવાને બદલે કેશવ ગામડાંના મેળાઓમાં એના ચિત્રવિચિત્ર દેહનું પ્રદર્શન કરીને
કમાણી કરીને પોતાનું વ્યસન પોષે છે. અપંગ અને લાચાર છોકરો પિતાની અમીનજરને તલસતો
રહી જાય અને વ્યસની પિતાનું અકાળ અવસાન થઈ જાય છે. કરૂણાંત વાર્તા. અપંગ છોકરાની
લાચારીનું પ્રભાવી ચિત્રણ. (દ્વિતીય સ્થાને
વિજેતા વાર્તા)
ઓડકાર (ભરત મારુ)
ગામડાના સુરેશ નામના
એક વિધુરની વાત. એણે પુનર્લગ્ન કરવાં છે પણ કોઈ યોગ્ય ઠેકાણું મળતું નથી. દરમિયાન
વેશ્યાવ્યવસાય કરતી રમતુને ઘેર જઈને સુરેશ એનો રાંધેલો “શીરો” ખાઈને પોતાની ક્ષુધા
સંતોષે છે ને ઘેર આવીને ઓડકાર ખાય છે. રમતુના ઘરનું વર્ણન, સુરેશની માનસિક
સ્થિતિનું વર્ણન અને એની દેહભાષાનું આલેખન સરસ થયું છે. સારી વાર્તા. (તૃતીય સ્થાને વિજેતા વાર્તા)
આ ઉપરાંત છ વાર્તાઓ
સન્માનિત થઈ છેઃ
૧. ઘૂંટણિયે પડવું (બકુલ ડેકાટે)
બે કોમ વચ્ચે વેરઝેર
ફેલાવતી તાજેતરમાં બની ગયેલી એક સત્ય ઘટનાના આધારે લખાયેલી વાર્તા. એકંદર રજૂઆત
વાસ્તવિકતાની નજીક અને દસ્તાવેજીકરણ સમાન છે.
૨. અજ્ઞાતવાસ (ધર્મેશ ગાંધી)
એક અકસ્માતમાં મૃત્યુ
પામેલાં થોડાંક લોકોમાંનાં એક અજાણ્યા મૃતદેહની ઓળખ પોતાના પતિ તરીકે કરાવીને એક
સ્ત્રી સરકાર પાસેથી આર્થિક લાભ તો મેળવે છે પણ પછી એના પતિએ ફરજિયાત અજ્ઞાતવાસમાં
રહેવું પડે છે. જે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પતિ-પત્ની એકમેકથી પણ દૂર રહેતાં
હતાં એ દીકરીનું શું થાય છે? આ દંપતીને
એમની તપસ્યાનું શું ફળ મળે છે? સંતુલિત
રજૂઆત.
૩. સોનેરી સમોસાં (નરેન્દ્રસિંહ રાણા)
ભોપાને કાનમાં મેલ
જામી જવાની કાયમી સમસ્યા છે. દર ત્રણ મહિને કાન સાફ કરાવવાના બે હજાર આપવાનાં.
વધુમાં કાનમાં પીડા ના થાય એ માટે બેભાન કરવાનાં પંદરસો ખર્ચવાનાં. ભોપાની ભૂખ રાક્ષસી. સમોસાં ખાવાનો શોખ પૂરો
કરવા માટે નોકરીના સ્થળે એક વાર વધુ પડતો ઉપાડ કર્યો ને કાન સાફ કરાવવા ટાણે બેભાન
થવાના પંદરસો બચ્યા નહીં. યુટ્યુબમાં ગમતાં વિડિયો જોઈને દર્દ સહી લેવાની એની
યુક્તિ સફળ થાય છે ખરી? કાનની પીડાનું વર્ણન સરસ થયું છે.
૪. ઢાંકણું (યશવંત ઠક્કર)
ગટરનું ઢાંકણું
ખુલ્લું રહી જવાથી દસ વર્ષનો વિરાટ નામનો એક છોકરો અકસ્માત એ ગટરમાં પડી જઈને
મૃત્યુ પામ્યો. લોકો ચર્ચા કરે છે કે ગટરનાં ઢાંકણાં ખુલ્લાં રહી જવાથી આવા
અકસ્માત થાય છે. વિરાટના માતા-પિતા-બહેન સહુ દુઃખી. ગટરનું ઢાંકણું કોણે ખુલ્લું
રાખ્યું હતું?
આ વાર્તા ત્રીજી
વ્યક્તિ કથન કેન્દ્ર પધ્ધતિના બદલે જો પિતાના પોઈંટ ઓફ વ્યુથી રજૂ થઈ હોત તો વધુ
પ્રભાવી બની હોત.
૫. ઘા (સમીરા પત્રાવાલા)
કોરોઉ, થોઈ, મોમ્બી
જેવાં અટપટા નામ કયા દેશમાં કઈ પ્રજાતિમાં હોય છે? બધું જ વિચિત્ર. પૃથ્વી પરના કયા દેશની આ વાત
છે એનું અનુમાન લગાવવું મુશકેલ થઈ પડે એવા નવતર વાતાવરણની આ વાર્તા છે. પરિવેશ
અજાયબ છે. કબૂતરો અને માણસો એક સાથે ક્યાં રહેતાં હોય છે ભલા? પતિ મારકણો હોય, જ્યાં પહેલેથી જ ઘા થયેલો હોય ત્યાં
જ ફરી ફરી ઘા કરનારા આદમી સાથે કોઈ સ્ત્રી કેટલા દિવસ રહે અને શું કામ રહે? આદમીની
આવકનો સ્ત્રોત છે તોફાનો. શહેરમાં તોફાન થાય એટલે દુકાનો લૂંટીને જે નાણાં મળે તેનાથી
એનું ઘર ચાલતું!
દરેક વાતની એક હદ
હોય છે. આદમીની સતત હિંસાથી કંટાળેલી સ્ત્રી એક દિવસ પ્રતિકાર કરવાનું નક્કી કરે
છે. વાર્તાની ક્લાઈમેકસ જબરી છે. બહુ જબરી વિડંબના છે. કવિન્યાય? કદાચ, હા. જબ્બર
વાર્તા! અજાણ્યો પરિવેશ, અજાણ્યા પાત્રો, અનપેક્ષિત ઘટના, અણધાર્યો અંત! વાહ!
૬. લલકીનાં લગન (મયૂર પટેલ)
રંગેરુપે કુરુપ
હોવાના કારણે અપરિણીત રહી ગયેલી એક સ્ત્રીના પોઈંટ વ્યૂથી કહેવાયેલી સરસ વાર્તા.
નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. પિધ્ધડ મંગળ લલિતાની છેડતી કરે એ ક્ષણથી વાર્તા
શરુ થાય અને જરુરી માહિતી કટકે કટકે ફ્લેશબેકમાં આવ્યા કરે એવી રીતે વાર્તા કહેવાઈ
હોત તો બિનજરુરી વિસ્તાર ટાળી શકાયો હોત અને વાર્તા ફાંકડી બની હોત. એકંદરે મજાની
વાર્તા.
આરોપી (જોન પાલ્મર અને હિલેરી સોન્ડર્સ નામના બે બ્રિટિશ લેખકોની જોડીની મૂળ
અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યામિની પટેલ)
ફાંસીની સજા પામેલો
બર્ટ નામનો કેદી છેલ્લી ઘડીએ નિર્દોષ છૂટી જાય છે. એ પોતાને ઘેર પહોંચે છે ને જુએ છે કે જેની
હત્યા માટે એની પર કેસ ચાલેલો તે એની પત્ની તો જીવિત છે! અંતમાં ચમત્કૃતિ જબરી છે.
લીલી આંખોવાળો છોકરો (સુધાંશુ ગુપ્ત લિખિત મૂળ હિન્દી વાર્તા, અનુવાદઃ સંજય
છેલ)
એક વાર્તાકાર
ફેસબુકના માધ્યમથી એક કવિયત્રીના સંપર્કમાં આવે છે. વાર્તાકારના એકપક્ષી પ્રેમની
વાર્તા.
વિજ્ઞાની વાનરનર (આર.એલ. સ્ટીવન્સની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)
ઉઠાવી લવાયેલા
માનવબાળ પર શસ્ત્રક્રિયા કરવા કે કોઈ પ્રયોગ કરવા વાનરો તૈયાર નથી. આ વાર્તામાં એક
વાત અધોરેખિત થઈ છે તે એ કે માનવી પ્રયોગો ખાતર પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે પણ
પ્રાણીઓ એવા નિષ્ઠુર થતાં નથી.
--કિશોર પટેલ, 26-03-24
09:17
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment