પરબ જાન્યુ-ફેબ્રુ-માર્ચ ૨૦૨૪ ના અંકોની
વાર્તા વિશે નોંધ
(૫૯૧ શબ્દો)
ટિકિટ ધર્મેન્દ્ર (ત્રિવેદી)
ખાલી પેટ અને ખાલી
ખિસ્સે ઘરથી માઈલો દૂર ધોમધખતા તડકાતાપમાં એક કિશોરના સંઘર્ષની વાત. બીજે ગામ
રહીને નોકરી કરતા પિતાને એક અગત્યનો સંદેશો પહોંચાડવા ગયેલા છોકરાની ભૂલ એટલી જ થઈ
કે એ સાદી બસને બદલે એક્સપ્રેસ બસમાં બેઠો. ચાર રુપિયાને બદલે છ રુપિયાની ટિકિટ
લેવી પડી ને એનું બજેટ ખોરવાઈ ગયું. પિતા કોઈ કામસર એમના ખાતાની હેડ ઓફિસ ગયેલા
હોવાથી મળ્યા નહીં અને જે તે શહેરમાં અન્ય કોઈ જોડે પરિચય નહીં. પિતાની પાડોશણ
બાઈએ પાણી પીવડાવ્યું એટલું ખરું પણ વિના ઓળખાણે કોઈ એને શા માટે જમાડે? લારી
પરનાં ભજિયા ખાવાનું બજેટ પણ છોકરા પાસે નથી. માતાએ ગણતરીના પૈસા આપેલા. એ પણ
બિચારી વધારે ક્યાંથી આપે?
મધ્યમ વર્ગના
સંસ્કારી કિશોરના મનોવ્યાપારનું સરસ આલેખન. કોઈની પાસે હાથ ના લંબાવવાની વાત
શિખામણની નહીં પણ સંસ્કારની છે. માતાપિતાને કરકસરથી પણ સ્વમાનભેર જીવતાં જોયા હોય
એવા બાળકને કશું કહેવું પડતું નથી, એવી ખુમારી આપોઆપ લોહીમાં જ પ્રગટતી હોય છે.
વાર્તાનાયક ચેખોવ અને ગોર્કીના પાત્રો જોડે સમાનુભૂતિ
અનુભવે એમાં એનાં વાચનશોખની ઝલક મળે છે.
શહેરનું તેમ જ
બસઅડ્ડાનું વર્ણન પરિવેશને જીવંત બનાવે છે અને વાર્તાકારની સૂક્ષ્મ
નિરિક્ષણશક્તિનો પરિચય પણ આપે છે. સરસ વાર્તા.
(જાન્યુઆરી ૨૦૨૪)
રાણકદેવીના ગાલ પરનું લાખું (રાહુલ શુક્લ)
વાર્તા વર્ષ ૧૯૬૮
માં શરુ થાય છે. શહેરમાં ઉછરેલી રેણુકા લગ્નપ્રસંગે
વઢવાણ જાય ત્યારે જાનીવાસમાં સગવડો અપૂરતી હોવાના કારણે નજીકમાં સુરેન્દ્રનગરમાં
એક પરિચિતના બંગલે રોકાય છે. અહીં એ સિધ્ધાર્થ નામના યુવાનના સંપર્કમાં આવે છે. બે યુવાન હૈયાં એકમેકના પ્રેમમાં પડે. વિખૂટાં
પડ્યા પછી સિધ્ધાર્થને અમેરિકામાં સ્થિર થયેલી કન્યાનું માગું આવે એટલે એ તો
રેણુકાને ભૂલીને લગ્ન કરીને અમેરિકા જતો રહે છે. આ તરફ રેણુકાને સિધ્ધાર્થથી ગર્ભ
રહી ગયો છે. સિધ્ધાર્થ તો ગ્રીન કાર્ડધારક કન્યાને પરણીને અમેરિકા જતો રહ્યો છે એવું
જાણ્યા પછી રેણુકા ગર્ભપાત કરાવે છે પણ કાયમી ખોડ રહી જવાથી એ અપરિણિત રહે છે.
વર્ષો પછી બેઉ મળે ત્યારે રેણુકા સિધ્ધાર્થનો તિરસ્કાર કરે છે. રજૂઆત પ્રવાહી છે.
વાત તદ્દન ફિલ્મી છે
પણ આ વાર્તા ખાસ બને છે જ્યારે રેણુકા આખી વાતને ઐતિહાસિક સંદર્ભો સાથે જોડે છે. આ
વાત જો કે હવામાંથી નથી આવી, એનું બીજ વાર્તામાં પહેલેથી છે. પહેલી મુલાકાતમાં જ
સિધ્ધાર્થે જ સિધ્ધરાજ જયસિંહ અને રાણકદેવીનો ઈતિહાસ કહ્યો હોય. સિધ્ધરાજે
રાણકદેવીને મેળવવા રાખેંગારની અને એમનાં બે બાળકોની કતલ કરી હોય. રાણકદેવી
સિધ્ધરાજને વશ ના થતાં ચિતાએ ચડી ગઈ હોય વગેરે. રેણુકા આ ઈતિહાસ જોડે પોતાની
જાતને જોડે છે. સિધ્ધાર્થના દગાને કારણે
એણે ગર્ભપાત કરાવવો પડ્યો હતો. પાત્રોનાં નામ જુઓઃ સિધ્ધાર્થ-સિધ્ધરાજ જયસિંહ, રેણુકા-રાણકદેવી.
(ફેબ્રુઆરી ૨૦૨૪)
વિશ્વકર્મા શિરીષ (પંચાલ)
મનુભાઈને પિતાની
સંપત્તિમાં રસ નથી. પિતા જોડે એમનો સંબંધ
છેક જ ઔપચારિક રહે છે. ઘરની સ્ત્રીઓ દ્વારા પિતા-પુત્રનો સંબંધ સુધારવાનો પ્રયાસ નિષ્ફળ
જાય છે. શું કનુભાઈના દિલમાં રામ વસે છે? રસપ્રદ અને પ્રવાહી રજૂઆત. (માર્ચ ૨૦૨૪)
લઘુકથા
નીલકંઠ (કાલિન્દી પરીખ)
શિવાલયમાં ગુરુજીના
મુખે શિવપુરાણ સાંભળ્યા પછી ભગો ભગવાન શંકર જોડે સમાનુભૂતિ અનુભવે છે, એણે પોતે પણ
કેટકેટલું ઝેર પચાવ્યું છે સંસારમાં!
(ફેબ્રુઆરી ૨૦૨૪)
અનુવાદ
અજ્ઞાત (મૂળ લેખક રેખા બૈજલ, અનુવાદઃ વિજય સેવક)
આશ્રમમાં મેઘન
નામનો એક અજાણ્યો યુવક આવે છે. જ્ઞાનપ્રાપ્તિની
ઈચ્છાથી આવેલા મેઘનને આશ્રમમાં પ્રવેશ મળી જાય છે. આશ્રમના ગુરુજી એનામાં રહેલી
પ્રતિભા ઓળખી જાય છે. મેઘનને સતત પ્રશ્નો
થયાં કરે છે. કેટલીક વાર તો ગુરુજી પણ તેની પૃચ્છા સંતોષી શકતા નથી. તેનામાં રહેલી
જ્ઞાનપ્રાપ્તિની ભૂખ આશ્રમના આચાર્યને બરાબર સમજાય છે. વધુ અભ્યાસ માટે તેઓ એને મુક્ત કરી દે છે.
આ રચના વાર્તા ઓછી
અને પ્રશ્નોત્તરી વધુ લાગે છે. (ફેબ્રુઆરી ૨૦૨૪)
(આ વાર્તા મૂળ કઈ
ભાષાની છે તેની માહિતી વાર્તા જોડે અંકમાં આપવામાં આવી નથી.)
--કિશોર પટેલ, 05-04-24
11:59
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment