Wednesday, 3 May 2023

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ






નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૫૪ શબ્દો)                                                                                                                                         

સંતોકબેન (વીનેશ અંતાણી):

વરિષ્ઠ નાગરિકની સમસ્યા. વધતી ઉંમર સાથે વધતી જતી સુરક્ષા સંબંધિત ભીતિ. પંચોતેર વર્ષની વયનાં સંતોકબેન શાંત સોસાયટીમાં એક બંગલામાં તદ્દન એકલાં રહે છે. એક કામવાળી બાઈ સાવિત્રી અને એક રસોઈઓ કિશોર નિયમિત આવીને તેમનું કામ કરી જાય છે. નજીકના એક બંગલામાં થયેલી લૂંટ અને હત્યાની ઘટના પછી સંતોકબેન થોડાં વધુ ચિંતામાં છે. ઉંમરના પરિણામે થતાં ફેરફારોનાં કારણે એમને જાતજાતની ભ્રમણાઓ પણ થવા માંડી છે.

આજના સમયની આ એક જ્વલંત સમસ્યા છે. સંતાનો કારકિર્દી નિમિત્તે બીજા શહેરમાં/વિદેશમાં વસી ગયાં હોય, સ્વતંત્ર રહેવાની ઈચ્છા ધરાવતાં હોય વગેરે જેવાં અનેક કારણોથી વરિષ્ઠ નાગરિકોને એકલાં રહેવાનો સમય આવે છે. સાંપ્રત સમસ્યાની વાત. પ્રવાહી રજૂઆત.        

ટેકો (મોના જોશી):

દેરાણી-જેઠાણી સંબંધની વાર્તા. અત્યાર સુધીના જેઠાણી જોડેના અનુભવના આધારે એમને ઘેર પ્રસંગમાં ખાસ રસ નહીં લેવાનું નક્કી કરીને ગયેલી ચંદ્રિકાનું જેઠાણીની નાદુરસ્ત શારીરિક સ્થિતિ જોઇને હ્રદયપરિવર્તન થાય છે. એ જેઠાણીને  સંપૂર્ણ સહકાર આપવાનું નક્કી કરે છે. સારી રજૂઆત.  

એ ઘરમાં (ગિરીશ ભટ્ટ):

સ્ત્રીના પુનર્લગ્નની વાત. વૈધવ્ય એટલે સ્ત્રીના સુખનો અંત એવું નથી, હવે સમય બદલાયો છે, વિધવા બનેલી સ્ત્રી બીજું લગ્ન કરીને એ જિંદગીને પૂર્ણપણે માણી શકે છે. જો કે આ સીધીસાદી વાત અહીં આકર્ષક રીતે કહેવાઈ છે. વાર્તાના આરંભમાં કહેવાય છે કે ‘એ ઘરમાં બે સ્ત્રીઓ વસતી હતી,’ અને અંતમાં કહેવાય છે, ‘એ ઘરમાં હવે એક સ્ત્રી રહે છે.’ આ બે વાક્યની વચ્ચેના ગાળામાં સંપૂર્ણ વાર્તા કહેવાઈ છે. વસુબેન અને મોના એટલે કે સાસુવહુ બંને વિધવાઓ હતી, વસુબેનનો પુત્ર અવસાન પામ્યો પછી એની ઓફિસમાં એની જગ્યાએ એની વિધવા મોનાને નોકરી ઓફર થઈ. વસુબેને પ્રોત્સાહન આપ્યું અને મોના કામ પર જતી થઈ. બહારની દુનિયામાં બીજા યુવકનો પરિચય થયો અને એને નવી જિંદગી જીવવાની તક મળી.  જો કે વાર્તા સારપથી પીડાય છે, બધું સમુંસૂતરું પાર પડે છે, ક્યાંય નામમાત્રનો સંઘર્ષ નથી.    

ભાઈ-બહેનના હેત-મિનારા (લોકકથા, અરવિંદ બારોટ):

ભાઈ-બહેનના સ્નેહસંબંધની કથા. પરણીને સાસરે ગયેલી બેન સાથે ભાઈએ ગોઠવેલું કે રોજ સાંજે પોતપોતાના ગામડામાં બાંધેલા ઊંચા મિનારે ચડી ભાઈ-બહેન બેઉએ દીવા પ્રગટાવવા. એક દિવસ ભાઈ કોઈ કામે શહેરમાં ગયો, એની પત્નીએ જાણીજોઈને સાંજે દીવો ના પ્રગટાવ્યો, દીવો ના જોતાં બેનને લાગ્યું કે ભાઈ હવે આ દુનિયામાં નથી, એણે મિનારેથી કૂદીને જીવ આપી દીધો. મોડેથી ગામ પહોંચેલા ભાઈએ જોયું કે ઘરવાળીએ દીવો પ્રગટાવ્યો નથી, એ મિનારે ચડીને જુએ છે, સામે બેનના ગામના મિનારા પર દીવો ના જોઇને એને થયું કે બેન હવે આ દુનિયામાં નથી, એણે પણ મિનારેથી પડતું મૂક્યું! વાર્તાકારની નોંધ છે કે એ બેઉ ગામમાં આજે પણ મિનારાના અવશેષો છે.

રેસનો ઘોડો (હબીબ કૈફી, અનુવાદ: રજનીકાંત એસ. શાહ):

પાળેલા પ્રાણી અને માનવી વચ્ચેના સંબંધની વાત. હસને ઉછેરેલો કમાલ નામનો ઘોડો શરૂઆતમાં એને આજીવિકા મેળવી આપે છે અને પછી રેસના મેદાનમાં ઊતરીને એ મોટી કમાણી કરાવી આપે છે. એમાં હસનનો પરિશ્રમ પણ ખરો. એ જ કમાલ એક અકસ્માતનો ભોગ બની પાંગળો બની જાય ત્યારે હસનને ગોળીએ દઈને એનો છૂટકારો કરે છે. ઘોડો સાજો થવાની શક્યતા ના હોય ત્યારે એને આ રીતે મુક્તિ આપવામાં આવે છે. પાળેલાં પ્રાણીની એક અલગ જ વિષયની સરસ વાર્તા. મૂળ વાર્તા કઈ ભાષાની છે તેની માહિતી અપાઈ નથી, હિન્દી અથવા ઉર્દુ ભાષાની હોઈ શકે.

આ સામયિક અન્ય ભાષાની વાર્તાઓના અનુવાદો પ્રગટ કરે છે ખરું પરંતુ જોવામાં આવ્યું છે કે મૂળ વાર્તા કઈ ભાષાની એ જણાવવાનું એમને ક્યારેય જરૂરી લાગ્યું નથી.        

--કિશોર પટેલ, 02-05-23; 08:29

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

     

 

No comments: