શબ્દસૃષ્ટિ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૭૫ શબ્દો)
દેહરાગ (છાયા ઉપાધ્યાય):
આ એક પ્રયોગાત્મક વાર્તા છે. એક જ લાગણી, એક જ અનુભૂતિનું
ઊર્ધ્વીકરણ ત્રણ જુદાં જુદાં પાત્રોમાં કઇ રીતે જુદું જુદું થાય છે એનો તુલનાત્મક
અભ્યાસ થયો છે. શારીરિક લાગણી એક સરખી છે; એની અસર પણ ત્રણે પાત્રો પર એકસરખી થાય
છે પણ ત્રણે પાત્રો જુદી જુદી રીતે એની પ્રતિક્રિયા આપે છે. આવું શા માટે થયું?
વાર્તામાં ત્રણે પાત્રોની પાર્શ્વભૂમિ કે શિક્ષણ-સંસ્કાર
અંગે કોઇ જ વિગત કે સંકેત અપાયાં નથી. નિશ્ચિતપણે ત્રણે પાત્રોની ભૂમિકા જુદી જુદી
હોવાની. ત્રણેની જુદી જુદી પ્રતિક્રિયાની ચાવી કદાચ એ જ વિગતોમાં સમાયેલી છે.
મીતા નવીનક્કોર અનુભૂતિને શારીરિક રીતે પૂર્ણપણે માણી લે
છે; એટલું જ નહીં, ના-ના કરતાં પતિને પણ એ પોતાની જોડે ઘસડે છે. નીતા પલાયનવાદી
અભિગમ સ્વીકારે છે; પ્રજ્જવલિત થયેલી વૃત્તિઓનું દમન કરવા એ સ્નાન કરીને શરીરને
ઠંડુ પાડે છે. જયારે ગીતા સાવધ થાય છે. નવી અનુભૂતિનો ઉપયોગ એ ધ્યાનક્રિયાને વધુ
સઘન બનાવવામાં કરે છે.
આ પ્રયોગનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યમાં આ એક નવી અને
સુખદ વાર્તાનુભૂતિ છે.
ખાસ નોંધ: એતદના ડિસેમ્બર ૨૦૨૦ અંકમાં પ્રગટ થયેલી આ વાર્તા
અહીં પુન:પ્રકાશિત થઈ છે. ખરેખર તો આ ચોખવટ શબ્દસૃષ્ટિ સામયિકે કરવી જોઈએ, જે
થયું નથી. આપણી ભાષાના એક પ્રતિભાશાળી યુવાવાર્તાકાર ભાઈશ્રી ધર્મેન્દ્ર ત્રિવેદીએ
આ વાર્તાનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે જે શબ્દસૃષ્ટિના આ જ અંકમાં અન્યત્ર
પ્રસિદ્ધ થયો છે. વાર્તા અને રસાસ્વાદ બંને યોગ્ય શીર્ષક હેઠળ એકસાથે મૂકાવા
જોઈતાં હતાં. અથવા વાર્તા જોડે ફૂટનોટ
હોવી જોઈતી હતી કે આ વાર્તાનો રસાસ્વાદ અમુક ક્રમાંકના પાના પર વાંચો અને લેખ જોડે
ફૂટનોટ હોવી જોઈતી હતી કે મૂળ વાર્તા વાંચો અમુક ક્રમાંકના પાનાં પર. અફસોસ, એવું
થયું નથી. સામયિકે એક સારું કામ કર્યું છે પણ યોગ્ય રજૂઆત વિના. સામયિકમાં
સમાવિષ્ટ સામગ્રી અંગે તંત્રીલેખમાં કોઈ ઉલ્લેખ નથી. જો કે અંકમાં પ્રસ્તુત
સામગ્રી વિષે ભાગ્યે જ કોઈ તંત્રી પોતાના લેખમાં પરિચય આપે છે. આ સ્થિતિમાં પ્રશ્ન
એ થાય છે કે આ રસાસ્વાદવાળી વાત કેટલા વાચકોના ધ્યાનમાં આવશે?
મહાભિનિષ્ક્રમણ (રામ જાસપુરા):
સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થવાની ઘટના.
કુટુંબમાં એકાદ દીકરાના લગ્ન થાય એટલે એક વહુ આવે. પરિણામે એક
જ કુટુંબમાં બે કુટુંબ થાય, એટલે એ સંયુક્ત કુટુંબ થયું કહેવાય, બીજા દીકરાનાં
લગ્ન થાય એટલે બીજી વહુ આવે, સંયુક્ત કુટુંબનો વિસ્તાર થયો કહેવાય. એક સાસુ અને બે
વહુઓ, એમાંથી કાળક્રમે “મારું-તારું” શરુ થાય એ વાત નવી નથી. ઘરમાં શાંતિ જળવાઈ
રહે એવા શુભ હેતુથી માતા મોટા દીકરાને ઈશારો કરે છે. મોટો દીકરો ગોવિંદ સમજુ છે, એ
સમજીવિચારીને જુદો રહેવા જાય છે. પત્ની-પુત્ર સહિત એ શહેરમાં ઘર ભાડે રાખીને રહેવા
જાય છે. આમ એક વિભક્ત કુટુંબ આકાર લે છે. જે ઘરમાં ઊછરીને ગોવિંદ મોટો થયો તેનાથી
જુદાં થવું એને ઘણું કઠણ પડે છે, એણે વાંચવા લીધેલાં ગૌતમ બુદ્ધ અંગેના પુસ્તકમાં સિદ્ધાર્થના
ગૃહત્યાગની વાત છે, એ ઘટનાની સાથે પોતાના ગૃહત્યાગને એ સાંકળે છે. વાર્તાકાર પણ એ
જ હેતુથી વાર્તાને “મહાભિનિષ્ક્રમણ” જેવું ભારેખમ શીર્ષક આપે છે. જો કે
સિદ્ધાર્થનો ગૃહત્યાગ જ્ઞાનની શોધ માટે હતો, જયારે અહીં ગોવિંદનો ગૃહત્યાગ ઘરની
અને કુટુંબની શાંતિ માટેનો છે. વાર્તાકારે ગોવિંદના દીકરાનું નામ પણ સહેતુક
“રાહુલ” રાખ્યું છે.
વાર્તામાં ગોવિંદની વેદનાનું આલેખન સારું થયું છે.
ખરેખર જીત્યું કોણ? (મૂળ લેખક: ચિંતામણ મોરે,
અનુવાદ: મૂળજીભાઇ વી. ખુમાણ):
આ રચના કેવી રીતે “વાર્તાસૃષ્ટિ” વિભાગમાં મૂકાઈ તેનું
આશ્ચર્ય થાય છે, આ રચના વાર્તા નથી પણ લેખ છે. સિકંદર-પોરસ વચ્ચેના યુદ્ધનું
વિશ્લેષણ છે, સિકંદરે પોરસ જોડે કરેલા વ્યવહાર અને બ્રિટીશ સરકારે આપણા
સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડે કરેલા વ્યવહારની તુલના કરીને લખાયેલો લેખ છે.
--કિશોર પટેલ, 04-05-23; 10:19
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment