Monday, 8 May 2023

અખંડ આનંદ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

અખંડ આનંદ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૦૬૮ શબ્દો)

કોણીનો ગોળ (ગોરધન ભેસાણિયા):

સંદેશપ્રધાન વાર્તા. ખેડૂત જસમતભાઈનો એક દીકરો દામો કામનો આળસુ છે. જ્યાં મહેનત કરવી પડે ત્યાંથી દૂર ભાગે છે. એક જાત્રામાં એણે જોયું કે બાવાઓને મઝા છે, લોકો પોતે સીધુંસામાન આપી જાય છે. એ બાવો બનવા ગયો પણ બાવાની આકરી પરીક્ષામાં નાપાસ થયો ને ભાગીને ઘેર આવ્યો. પિતાની વાડીએ ગોળ ગળાતો હતો ત્યાં મોં ઢાંકીને ગોળ ખાવા ઊભો રહ્યો. એને ઓળખી ગયેલા પિતાએ કડવા વેણ ઉચાર્યા, “વરસ આખું મહેનત કરીએ ને કંઈકેટલાં માણસો મથે ત્યારે ગોળ તૈયાર થાય છે. એને કોણીએ ગોળ કહેવાય છે. ગોળ ખાવો હોય તો હથેળીમાં લેવો પડે છે, ને એ માટે મહેનત કરવી પડે છે.”     

આળસુ પ્રકૃતિના માણસો અંગે કટાક્ષ થયો છે અને જીવનમાં માણસે જાતમહેનત કરવી પડે એવો સંદેશ આ વાર્તામાંથી મળે છે. 

રજૂઆતમાં વાર્તાકારની ખેતીવિષયક જાણકારી જણાઈ આવે છે. આ રીતે આપણા વાર્તાકારો જે કોઈ વ્યવસાય કરતાં હોય એનું આલેખન એમની વાર્તાઓમાં કરે તો આપણી વાર્તાઓમાં વૈવિધ્ય પણ આવે અને જે તે ક્ષેત્રની બારીકીઓનું દસ્તાવેજીકરણ પણ થાય. એકંદરે સારી રજૂઆત, સરસ વાર્તા.                                                                                                                                                    

બાય ધ વે, આ વાર્તા અંગે વાંચીને કોઈને કંઈ યાદ આવે છે? હાલમાં અન્ય એક સામયિકમાં પ્રગટ થયેલી વાર્તામાં અને આ વાર્તામાં ગજબનાક સામ્ય છે. કઈ છે એ વાર્તા? કોની છે એ વાર્તા? છે કોઈ અંદાજ? માથું ખંજવાળો, યાદ કરો, અન્યથા રાહ જુઓ, આ અંગેની એક સ્વતંત્ર પોસ્ટ લઈને હું પાછો આવું ત્યાં સુધી. 

ઇન્ટરવ્યુ (ચંડીદાન ગઢવી):

બોધકથા. પેઢીની ઓફિસમાં જનસંપર્ક અધિકારીની નિમણુંક કરવા માટે મુકુન્દરાય ઇન્ટરવ્યુ લેવા બેઠા છે. યોગ્ય ઉમેદવાર મળતો નથી. સમય પૂરો થઈ ગયા પછી આવેલો અભય પાઠક નામનો એક ઉમેદવાર મોડા પડવાનું કારણ કહે છે. રસ્તામાં અકસ્માતમાં ઘાયલ થયેલા કોઈક ત્રાહિતને હોસ્પિટલમાં પહોંચાડતા એને મોડું થયું હતું એવી રજૂઆત કરીને એ જતો રહે છે. મુકુન્દરાય ભૂતકાળમાં ચાલી જાય છે, એમને પોતાને પણ એવા જ કારણોસર ઇન્ટરવ્યુ આપવા જતાં મોડું થયેલું! એ સમયે મયુરશેઠે એમનામાં રહેલી માણસાઈને જોઇને પેઢીમાં નિમણુંક કરેલી. મયુર શેઠને અનુસરીને મુકુન્દરાય પણ ઇન્ટરવ્યુમાં મોડા પડેલા અભય પાઠકને નોકરીએ રાખે છે.  

નુકસાન સહન કરીને પણ ભલાઈનું કામ કરતાં રહો એવો બોધ આ વાર્તા આપે છે.

સીધી સાદી વાર્તા, સરળ રજૂઆત.   

પરિક્રમા (ભગીરથ બ્રહ્મભટ્ટ):

ઘર સાથે જોડાયેલી લાગણીઓની વાત. કથક સહિત ત્રણ ભાઈઓ ગામડામાં ઉછર્યા છે, ત્રણે મોટા થઈને આજીવિકા માટે શહેરમાં વસ્યા છે. માતાપિતાનાં અવસાન બાદ કથકના બંને મોટા ભાઈઓ ઘર વેચી નાખવા ઈચ્છે છે, કથક મોટાભાઈઓને એમનાં ભાગનાં નાણા આપી દે છે. કથકના મોટા થયેલા બંને પુત્રો ગામનું ઘર વેચી નાખવાનું કહે છે ત્યારે એ ના પાડે છે. મોટા દીકરાની વહુ કહે છે, એ ઘર રાખવું હોય તો તમે ત્યાં જઈને રહો. કથક એકલો ગામડે રહેવા જવાનો નિર્ણય કરે છે.

ગામનું ઘર જીવંત થઈને કથક જોડે સંવાદ કરે છે એ લખાણ કલ્પનાશીલ છે, એટલો ભાગ હ્રદયસ્પર્શી બન્યો છે. એ સિવાય, સરળ રજૂઆત.   

પીઠબળ (મોના જોશી):

નાનાં ભાઈ-બહેનો પ્રતિ સંતાન જેવો સ્નેહભાવ રાખતી મોટીબહેનની વાત. ત્રણેને મોટાં કરીને જીવનમાં સ્થાયી કરવાં મોટીબહેન અપરિણીત રહ્યાં છે. ભરત, વીણા અને સુષ્મા એમ ત્રણ ભાઈબહેનો પૈકી સૌથી નાની સુષ્મા પ્રતિ મોટીબહેનને વિશેષ ભાવ છે. આ સુષ્મા પરણીને વિદેશ વસેલી છે. એ સહુને મળવા એક વાર ભારત આવે તે સ્નેહમિલનની વાત છે.

વાર્તાની રજૂઆતમાં કેટલીક ક્ષતિઓ જણાઈ છે.

૧. સુષ્મા સ્વદેશ પાછી આવે છે ત્યારે વિમાનપ્રવાસમાં સતત બાળપણની વાતો કરતી રહે છે એવું વાર્તામાં લખ્યું છે, પણ વાતો કોની સાથે કરે છે? એની જોડે એનો પતિ તુષાર કે બીજું કોઈ હોય એવો ઉલ્લેખ ક્યાંય નથી. એની ભારત મુલાકાત દરમિયાન એક પણ વાર તુષાર અથવા સુષ્માના અન્ય કોઈ જોડીદારનો ઉલ્લેખ નથી, જો એ એકલી આવી હતી તો અમેરિકાથી ભારત વિમાનપ્રવાસમાં એ નાનપણની વાતો કોની જોડે કરતી હતી?

૨. જો એ કોઈ બાળકને દત્તક લેવા જ ભારત આવી હતી તો મોટીબહેનના પ્રિય બાળક (જે આશ્રમનો રહેવાસી હતો અને જેનું નામ વાર્તાકારે પાડયું નથી) પર શું સિક્કો માર્યો હતો કે એને જ દત્તક લેવાનું એ વિચારે? એ બાળકને પોતે દત્તક લઈને અમેરિકા લઈ જશે તો મોટીબહેન અહીં દુઃખી થશે એવું વિચારીને સુષ્મા પેલા બાળકને દત્તક નહીં લે એવું જાહેર કરે છે. પણ પાયાની વાત, સુષ્માએ ક્યારે નક્કી કર્યું કે એ જ બાળકને દત્તક લેવું છે? સુષ્મા કંઈ જ બોલી નથી અને મોટીબહેન જાતે પેલા છોકરાને કહે છે કે આ બહેન તને અમેરિકા લઈ જશે! માન ના માન મૈ તેરા મેહમાન! 

૩. લગ્નજીવનનાં પંદર વર્ષ પછી પણ સુષ્મા નિ:સંતાન છે અને એક બાળક દત્તક લેવાનું વિચારે છે એવું વાર્તામાં ક્યાંય કહેવાયું થયું નથી.      

૪. બાળક દત્તક લેવા જેવી મહત્વની ઘટના સમયે સુષ્માનો પતિ એની જોડે હોવો જોઈએ કે નહીં? મોટીબહેન જે આશ્રમમાં નિયમિત જાય છે ત્યાં એમની જોડે ગયેલી સુષ્માની જોડે એનો પતિ હતો એવો ઉલ્લેખ નથી.

૫. આ અગાઉ સુષ્મા જેટલી વાર ભારત આવવાનું નક્કી કર્યું હતું તેટલી વાર છેલ્લી ઘડીએ મોટીબહેન યેનકેનપ્રકારેણ સુષ્માનો પ્રવાસ રદ્દ કરાવતી. મોટીબહેન એવું શા માટે કરતી હતી એનું રહસ્ય ખૂલતું નથી. એને સુષ્મા તરફથી શેનો ડર હતો?  

આમ અનેક આવશ્યક માહિતી વિનાની અને ઘણાં છેડા મળતાં ના હોય એવી આ વાર્તા સાધારણ બની રહે છે.  

વાત એક દોસ્તીની (યોગેશ પંડયા):

મિત્રતાની વાત. સંદીપ અને રમેશ જૂનાં મિત્રો છે. રમેશને ત્યાં પ્રસંગમાં સંદીપથી હાજરી ના અપાય ત્યારે રમેશને ખોટું લાગી જાય છે, આવું વારંવાર બને છે, દરેક વખતે સંદીપથી હાજરી ના અપાય એના અનિવાર્ય કારણો હોય છે પણ રમેશ સંદીપની વાતમાં વિશ્વાસ નથી કરતો. સંદીપ એનું માન રાખતો નથી એવું એ માને છે. અંતે એ મૈત્રીની બધી યાદગીરી સંદીપને પાછી મોકલી આપીને દોસ્તી પર પૂર્ણવિરામ મૂકી દે છે. બનવાકાળ રમેશની પત્ની ભારે ગંભીર સ્થિતિમાં હોય ત્યારે સંદીપ લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચીને રમેશની પત્નીને મૃત્યુના મોંથી પાછી લાવે છે ત્યારે જ રમેશ એને સાચો મિત્ર સમજે છે. બંને મિત્રોની મૈત્રી યથાવત ચાલુ થાય છે.

વાર્તાની રજૂઆતમાં સૌથી મોટી ખામી એ છે કે રમેશનું પાત્ર તદ્દન મૂર્ખ અને નાદાન ચિતરાયું છે. મૈત્રી સરખેસરખાં વચ્ચે થઈ શકે. આવા માણસની જોડે મૈત્રી રખાય જ નહીં. રમેશની દલીલો તદ્દન મૂર્ખતાભરી બતાવાઈ છે. મૈત્રીના ઉદાહરણ માટે રમેશનું પાત્રાલેખન સર્વથા અયોગ્ય છે.  વાર્તાનો પાયો જ કાચો છે.    

લઘુકથાઓ

આતમનું અજવાળું (અનુરાધા દેરાસરી):  મંદિરમાં ભગવાન પ્રત્યે લોકોની શ્રદ્ધા જોઇને મૂર્તિની ચોરી કરવા આવેલા ચોરનું હ્રદયપરિવર્તન થાય છે.

વિદાયગીત (શાંતિલાલ ગઢિયા): કાર્યક્રમની સાંજે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું છતાં લોકગાયક જીલુભા “શો મસ્ટ ગો ઓન” ની પરંપરા જાળવીને કાર્યક્રમમાં ગીતો ગાઈને શ્રોતાઓનું મનોરંજન કરે છે.

મદનિયું (નવીન જોશી): ઝાડના થડ જોડે બંધાઈને રહેતી ભેંસને થડથી અળગી કરતાં જ એ દૂધ દેતી બંધ થઈ જાય છે. ભેંસના માલિકે એ થડના સ્વરૂપમાં ભેંસની સ્મૃતિ સાચવી રાખી છે.

ગમગીની (ગિરા પિનાકિન ભટ્ટ): દીકરી વિધવા થઈ એનું દુઃખ બાજુએ મૂકીને એની માતા સહુની સાથે હોળી રમે છે.

--કિશોર પટેલ, 09-05-23; 10:49  

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: