Saturday, 29 April 2023

મમતા માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

મમતા માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૭૨ શબ્દો)

ઇંજિન (દીવાન ઠાકોર):

ગરીબોનું લોહી ચૂસતા શ્રીમંતોની વાત. એક નિર્ધન માણસ બે ટંકનું ભોજન મેળવવાની કવાયતમાં જ થાકી જાય છે. એક દુકાનમાં કામ કરતા આ નોકરનું દુકાનમાં અને માલિકના ઘેર એમ બેઉ ઠેકાણે શોષણ થાય છે. એની બેજીવી પત્નીની સારવાર કરાવવાના પૈસા એની પાસે નથી, શેઠ કે શેઠાણી કોઈ એને ઉચક પૈસા આપતું નથી. આગગાડીનો બોજો ખેંચીને એંજીન હાંફી જાય એમ એ પણ હાંફતો ઊભો રહી જાય છે.

આપણા દેશની કે વિશ્વના કોઈ એક કાલ્પનિક પ્રદેશની અને ભૂતકાળના કોઈ સમયખંડની આ કથા છે. આ એક એવા વિસ્તારની વાત છે જ્યાં ગામડું અને શહેર નજીક નજીક છે. અહીં ગામડેથી શહેરની વચ્ચે લોકો રોજ કોલસાથી ચાલતી આગગાડીમાં આવ-જા કરે છે. સવારસાંજ લોકોને સહેલાઈથી આગગાડીમાં બારી પાસે બેસવાની જગ્યા મળે છે. શહેરમાં રિક્ષાઓ દોડે છે. શહેરમાં શ્રીમંતો બંગલાઓમાં રહે છે.  વાર્તાકારનું કહેવું કદાચ એવું છે કે સહિતો દ્વારા રહિતોનું થતું શોષણ એ સાર્વત્રિક અને સર્વકાલીન  ઘટના છે.   

આરજુ (હર્ષદ રાઠોડ):

પ્રેમકથા. ફેન્ટેસી વાર્તા. અહીં એવા નાયકની કલ્પના થઈ છે જે માત્ર નવલકથાઓ લખીને આજીવિકા મેળવે છે. એની લાગણીઓની કદર કર્યા વિના અન્ય કોઈને પરણીને વિદેશમાં સ્થાયી થઈ ગયેલી એની ભૂતપૂર્વ પ્રેમિકા વિધવા થઈ જતાં સ્વદેશ પાછી આવે છે અને હવે એની જોડે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સામાન્ય વાતની લાંબી કંટાળાજનક રજૂઆત.  

ભૂતનો ભેટો (સ્વાતિ રાજીવ શાહ):

અપરાધકથા. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને પેટિયું રળતું ગામડાનું એક દંપતી. બસસ્ટેન્ડ પર ફળ વેચવાના ધંધામાં મગનને ખાસ કમાણી થતી નથી. એની સ્ત્રી જમની હોંશિયાર ખરી પણ કોઈ કામધંધો કરતી નથી, છતાંય એ બેઉનું ઘર સરસ ચાલે છે! હકીકતમાં આ બંને રાત્રે ભૂતનો વેશ ધારણ કરી લોકોને ડરાવી ધમકાવીને લૂંટી લઈને પોતાની આજીવિકા મેળવતાં હતાં. રસપ્રદ રજૂઆત.

વાઢ (કિશનસિંહ પરમાર):

દાંપત્યજીવનમાં શંકાથી મોટું વિઘ્ન કોઈ નથી. છેક પાંચ વરસે પરબતની પત્ની બાળકને જન્મ આપે છે પણ પરબતને શંકા છે કે બાળક એનું નથી. આજના સમયમાં આવી શંકાનું નિવારણ થઈ શકે છે પણ ગામડાના અશિક્ષિત માણસોને કોણ સમજાવે? ગ્રામ્ય વાતાવરણ અને તળપદી બોલીનું સારું આલેખન.

પી આર (દિના રાયચુરા):

સ્ત્રીસમસ્યા. માતાપિતાની ઈચ્છાવિરુદ્ધ પુત્રના પ્રેમલગ્ન થયાં હશે એટલે પુત્રના અકાળ  અવસાન પછી પુત્રવધુ કે એના પેટમાં રહેલા પોતાના જ વંશજની નાયિકાના સાસરિયાંને પરવા નથી. યુવાનીમાં પેટમાં બાળક સહિત વિધવા થયેલી નાયિકા પિતાને ઘેર બંગલાની અગાસીમાં એક સ્વતંત્ર નાનકડી ઓરડીમાં રહે છે, એ બ્યુટીપાર્લરનું શીખીને પોતાનો અને બાળકનો ખર્ચ કાઢે છે પણ નાનાં બાળકને માતા સાચવે એની સામે ભાભીઓની એણે અનેક પ્રકારે વેઠ કરવી પડે છે. દીકરો મોટો થઈને કમાતોધમાતો થાય છે એ પછી પણ નાયિકાને પિયરનાં આશ્રયથી મુક્તિ મળતી નથી. શ્રીમંત કુટુંબની દીકરીને પરણીને કેનેડામાં સ્થિર થયેલો દીકરો ઈચ્છે છે કે માતાને મળેલી ઓરડી કોઈક રીતે મોટી બનાવી શકાય તો એ સુખસગવડમાં રહે, પણ દેશમાં જ રહે! માતાને કેનેડા લઇ જઈને પોતાની જોડે રાખવાનું એના મનમાં નથી. પુત્રને કેનેડાના પીઆર મળી ગયા, નાયિકા રાહ જુએ છે, પોતાને પીઆર ક્યારે મળે? (પીઆર=પરમેનેન્ટ રેસિડેન્સી વિઝા)

ક્યાંય વર્ણન નથી, કોઈ ખુલાસા નથી. રજૂઆતમાં એક પછી એક વિગત ખૂલતી જાય છે. નોંધનીય પ્રસ્તુતિ. સારી વાર્તા.    

મંદાર મંજરીનું વિવેચન (નગીન દવે):

હાસ્યવાર્તા. લાગે છે કે શીર્ષકમાં ભૂલ થઈ છે, વાર્તામાં એક પુસ્તકના વિમોચનની વાત છે, વિવેચનની નહીં.

જેનો સાહિત્ય સાથે દૂર દૂરનો પણ સંબંધ નથી એવી વ્યક્તિ કેવળ પોતાને સાહિત્યકાર ગણાવવા જે આયોજન કરે છે એની હળવી શૈલીમાં રજૂઆત.     

મમ્મી કેમ છે? મઝામાં? (માર્જરી એલિંગહામ, અનુવાદ: યામિની પટેલ): મઝાની રહસ્યકથા. વાર્તાના નાયક પર આરોપ મૂકાય છે કે એણે પોતાની માતાની હત્યા કરી છે જે હકીકતમાં ક્યારેય હતી નહીં. તપાસના અંતે એ નિર્દોષ છૂટી જાય છે ત્યારે ખરેખર એની માતા પ્રગટ થાય છે જે ક્યારેય હતી જ નહીં! રસપ્રદ વાર્તા. રહસ્ય સરસ જળવાયું છે. મજેદાર વાર્તા! 

મંગળ ગ્રહનો અંતિમ આદમી (ફ્રેડરિક બ્રાઉન, અનુવાદ: યશવંત મહેતા): સાયન્સ ફિક્શન. અદભુત કલ્પના! છાપાંની ઓફિસની સામે જ આવેલા એક બારમાં એક આદમી દાવો કરે છે કે એ મંગળ ગ્રહનો વાસી છે! એ પણ છેલ્લો! એના સિવાયના તમામ મંગળવાસીઓ મૃત્યુ પામ્યા છે!  છાપાનો તંત્રી એક રિપોર્ટરને તપાસ કરવા મોકલે છે, એ વળી જે માહિતી લાવે છે એ તો ઓર અફલાતુન છે! મજેદાર વાર્તા!

--કિશોર પટેલ, 30-04-23; 09:17   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: