Tuesday, 9 May 2023

બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય




 

બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય

(૬૯૬ શબ્દો)

વ્યવસાયે ખેડૂત એવા વાર્તાકાર ગોરધન ભેસાણિયાની ટૂંકી વાર્તાઓએ class અને mass બંનેનું ધ્યાન ખેંચ્યું છે. કેવળ છ ધોરણ સુધી ભણેલા ગોરધન ભેસાણિયાનો વાર્તાસંગ્રહ “પડથારો” ભાવનગરની યુનિવર્સીટીમાં એમ. એ. ના વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. લોકલાડીલા કવિ રમેશ પારેખ એમને આજના પન્નાલાલ કહેતા હતા. હમણાં જ પ્રગટ થયેલાં એતદ માર્ચ ૨૦૨૩ અંકમાં એમની વિગતવાર મુલાકાત પ્રસિદ્ધ થઈ છે. 

ગઈ કાલે અખંડ આનંદ એપ્રિલ ૨૦૨૩ અંકમાં ગોરધન ભેસાણિયાની વાર્તા “કોણીનો ગોળ” વિષે લખતાં મેં નોંધ્યું હતું કે હાલમાં પ્રગટ થયેલી અન્ય એક વાર્તા જોડે એનું ગજબનું સામ્ય છે. એ બીજી વાર્તા એટલે આ જ વાર્તાકારની પરબ જાન્યુઆરી ૨૦૨૩ અંકમાં પ્રગટ થયેલી “ચકરાવો”. આ બંને વાર્તાઓમાં ચોંકાવનારું સામ્ય જણાયું છે.

બંને વાર્તાઓનો ધ્વનિ એક જ છે: વાર્તાનો નાયક કામચોર છે, જીવવા માટે કરવી પડતી મહેનત એ કરવા માંગતો નથી. સાંસારિક જવાબદારીઓથી ભાગવાની છટકબારીઓ એ શોધ્યા કરે છે પણ સફળ થતો નથી, અંતે તો એણે સ્વજનનો ઠપકો જ સાંભળવો પડે છે.

૧. બંને વાર્તાઓમાં નાયકનું નામ દામો છે.

૨. “ચકરાવો”  માં દામો પરિણીત છે, “કોણીનો ગોળ” માં દામો અપરિણીત છે.

૩. “ચકરાવો” માં ખેતરમાં પાકનું રખોપું કરતાં, પંખીઓને ઉડાડવા કરવી પડતી મહેનતથી એ કંટાળ્યો છે, આમ પણ ખેતીમાં કાળી મજૂરી કરવી પડતી હતી. ગામમાં બાવાઓ આવેલાં ત્યારે એણે જોયેલું કે ગામનાં લોકો એમને માલપુવા ખવડાવતાં હતાં. પત્ની પાસે જબરદસ્તી હા પડાવીને એ બાવાઓની જમાતમાં ભળી જાય છે. “કોણીનો ગોળ” માં દામાના પિતા અને ભાઈઓ ખેતીમાં ખૂબ કામ કરે છે પણ દામો એવી મહેનતથી કંટાળે છે. એક સંઘ જોડે જાત્રામાં ગયેલા દામાએ જોયું કે સાધુબાવાઓને તો બેઠાં બેઠાં ખાવાપીવાનું મળતું હતું. એને થયું કે આ સારું છે, કામધંધો કંઈ કરવાનો નહીં. ઘરનાં લોકો પાસે હઠ કરીને હા પડાવીને એ બાવાઓની જમાતમાં ભળી જાય છે.

૪. “ચકરાવો” માં સાધુઓ નવા ભરતી થયેલા દામા પાસે ખૂબ કામ કરાવે છે, લાકડાં ફડાવે, કૂવેથી સહુના માટે પાણી ખેંચાવે, આવી મજૂરી કરતાં દામો થાકી જાય છે, કંટાળે છે, એ બાવાઓની જમાત છોડીને રાતોરાત ઘેર આવવા ભાગી નીકળે છે. “કોણીનો ગોળ” માં મોટા બાવાએ પ્રારંભમાં જ દામા પાસે ત્રણ દિવસનું તપ કરવાનું કહ્યું, પહેલી જ રાતે ઠંડા પાણીએ સ્નાન કરાવડાવ્યું, ધ્રુજતા શરીરે તાપણીથી દૂર ઉઘાડા શરીરે તપસ્યામાં બેસવાનું કહ્યું. દામાને થયું કે આમ તો જીવ નીકળી જશે, બાવાઓને મૂકીને એ ત્યાંથી ભાગીને ઘેર આવવા  ટ્રેન પકડી લે છે.

૫. “ચકરાવો” માં ઘેર આવવા નીકળેલો દામો રસ્તે રાત પડી જતાં એક ગામે અવાવરુ મંદિરમાં આશરો લે છે. સવારે ત્યાંના ગામલોકો સાધુના વેશમાં દામાને જોઇને વિનંતી કરે કે બાવાજી, અહીં જ રોકાઈ જાઓ, મંદિર ઉજ્જડ પડયું છે, દેવસેવા કરો, સીધુંસામાન અમે આપીશું. દામો રોકાઈ જાય. ત્યાં મંદિરની માલિકીના ખેતરમાં પાકનું રખોપું કરવા એણે પંખીઓને ઉડાડવા પડ્યાં. એના હોકારા-પડકારા સાંભળી ગામની એક બાઈ એને ઓળખી ગઈ, એ બોલી, “એય બાવા, બાયડી છોકરાંવને રઝળતાં મૂકીને તું આંય ગુડાણો છે? પંખીઓ જ ઉડાડવા હતાં તો ઘરનાં વાડી-ખેતર શું ખોટાં હતાં? ભમરાળા, તારા પાપે મને એક ભવમાં બે ભવ કરવા પડયા!” એ દામાની પત્ની હતી જેણે દામાએ તરછોડયા પછી એ ગામમાં બીજું ઘર કર્યું હતું. 

“કોણીનો ગોળ” માં મોટા બાવાની આકરી પરીક્ષાથી બીધેલો દામો ભાગીને ગામડે પાછો આવે, ખેતરમાં ગોળ ગળાતો હોય ત્યાં બાવાના વેશમાં ગોળ ખાવા ઊભો રહી જાય. એનાં પિતા એને ઓળખી જાય અને કડવા વેણ ઉચ્ચારે, “આખું વરસ કેટલાંય માણસો મહેનત કરે ત્યારે થાળામાં ગોળ આવે છે, ગોળ કોણીએ હોય છે, એને ખાવો હોય તો હથેળીમાં લેવો પડે, એને માટે મહેનત કરવી પડે.”

આમ બંને વાર્તાઓમાં કામચોર અને આળસુ વાર્તાનાયકે ઠપકો ખાવો પડે છે, એકમાં પત્નીનો, બીજીમાં પિતાનો.

#

આ પ્રકરણને શું કહીશું? વાર્તાકારે એક જ વિષયવસ્તુનું આલેખન બે જુદી જુદી રીતે કરવાનો પ્રયોગ કર્યો? કે પછી ચાલાકીથી થોડાંક ફેરફાર કરીને, શીર્ષક બદલીને એક જ વાર્તા જુદાં જુદાં બે સામયિકોમાં મોકલીને પ્રગટ કરાવી?

મારા અભિપ્રાય મુજબ, પરબમાં પ્રકાશિત વાર્તાને પહેલો અને અખંડ આંનદમાં પ્રકાશિત વાર્તાને બીજો પાઠ ગણીએ તો બની શકે કે વાર્તાકારે પ્રયોગ ખાતર નાયકને અપરિણીત રાખીને બીજો પાઠ લખ્યો હોય. એ સંજોગોમાં એમણે બીજા પાઠ સાથે સૂચના કે નોંધ મૂકવી જોઈતી હતી કે અમુક શીર્ષક હેઠળ લખાયેલી/પ્રગટ થયેલી મારી વાર્તાનો આ બીજો પાઠ છે.  

સાહિત્ય શું કે જીવન શું, પારદર્શિતા મહત્વની છે. કોણ જુએ છે એમ કરીને સિગ્નલ લાલ હોવા છતાં વાહન હંકારી જનારાઓ જાણતાં નથી કે જે ખોટું છે એ ખોટું છે, કોઈ જોતું ના હોય એટલે એ સાચું બની જતું નથી.

કોઈ પણ પ્રયોગનું સ્વાગત છે, બશર્તે એ પ્રયોગ સભાનપણે થયો હોય.

--કિશોર પટેલ, 10-05-23; 10:16

#

(સંલગ્ન છબીસૌજન્ય: Google images)

           

No comments: