Thursday, 25 May 2023

એતદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

એતદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૫૬ શબ્દો)

લેબ્રાડોર (રાકેશ દેસાઈ):                                                                                                

પિતાના આધિપત્યમાંથી મુક્ત થયેલી દીકરીનું નવું ઝળહળતું રૂપ. અહીં લેબ્રાડોર કેવળ કૂતરો ના રહેતાં લગ્ન પછી પિતાના આધિપત્ય હેઠળથી આઝાદ થયેલી એક કન્યાના સ્વાતંત્ર્યનું પ્રતિક બની રહે છે.

મંયક-શિખાની દીકરી ટીની લગ્નનાં અઠવાડિયા-દસ દિવસ પછી પહેલી વાર પિયરમાં આવી છે. પોતાની જોડે એ લઈ આવી છે સાસરે પાળવામાં આવેલો લેબ્રાડોર કૂતરો જેને ટીની પ્રેમથી “રાજા” કહીને સંબોધે છે. મયંક કંઇક વિસ્મયથી અને કંઈક આઘાતથી દીકરીનું બદલાયેલું સ્વરૂપ જોઈ રહે છે. ટીનીના લગ્ન થયાં એ પહેલાં મયંકે એને પોતાના સંપૂર્ણ અંકુશ હેઠળ રાખી હતી. ટીનીને કૂતરો પાળવો હતો પણ મયંકે સિફતપૂર્વક નન્નો ભણી દીધો હતો. ગલીના નાકે ટીનીને જોઇને એક છોકરાએ સીટી મારી એ પછી મયંકે ઓફિસમાંથી ત્રણ દિવસની રજા લઈને ટીનીના આવવાજવાના સમયે ગલીમાં ફિલ્ડીંગ ભરી હતી. પાનના ગલ્લા પાસેથી આવતાંજતાં ટીનીએ ઝડપથી પસાર થઈ જવું એવી એની કડક સૂચના હતી. ટીનીએ કેવા વસ્ત્રો પહેરવાં અને કેવા નહીં એ વિષે પણ મયંક પાસે આચારસંહિતા હતી. એવી, સદાય એનાં અંકુશ હેઠળ રહીને મોટી થયેલી ટીની પરણ્યા પછી સાસરેથી પોતાની જોડે લેબ્રાડોર લઈને આવે છે ત્યારે મયંક કેવો પ્રતિભાવ આપે છે? એ ટીની જોડે કઈ રીતે વર્તે છે? પેલા “રાજા” નામના લેબ્રાડોર પ્રતિ એ કેવું વર્તન કરે છે? આ સમગ્ર સ્થિતિમાં ટીનીની મમ્મી શિખા કેવી ભૂમિકા ભજવે છે? દીકરી અને માતાપિતા વચ્ચે શું વાતો થાય છે? એમાંથી શું ફલિત થાય છે? સંપૂર્ણ મુલાકાત દરમિયાન ટીનીનું સહજ રહેવું શું સૂચવે છે?

વાર્તાનું સ્વરૂપ નોંધનીય. પિયરમાં નાયિકાની એક કે બે કલાકની મુલાકાત દરમિયાન સંપૂર્ણ કહેવાઈ જાય છે. પિતા, પત્ની અને પુત્રી ત્રણેનું પાત્રાલેખન વિશિષ્ઠ. પઠનીય અને રસપૂર્ણ વાર્તા.     

જાંબલી નદી (જયંત રાઠોડ):

કાળની ગર્તામાં લુપ્ત થઈ ગયેલી એક નદીની વાત.

ઇસરોના સેટેલાઈટ આર્કિયોલોજિસ્ટ શુક્લા એક પુરાતન કિલ્લાની સાઈટ પર તપાસ કરવા જાય છે. એની જોડે છે એનાં બે મિત્રો:  યુનિવર્સીટીના જીઓલોજી વિભાગનો હેડ ભાસ્કર અને બેંકમાં કેશિયર સૌમિલ. શુક્લા લેખક છે અને સૌમિલ કવિ. આ ત્રણે મિત્રો મસ્તીમજાકના હળવા મૂડમાં છે. દરમિયાન એમની દ્રષ્ટિ સમક્ષ એ સ્થળનો ભૂતકાળ જાણે સજીવન થાય છે. લુપ્ત થયેલી નદી અને એનાં કિનારે વિકસેલી સભ્યતાની ઝાંખી એમને થાય છે.

વાર્તા જોડે પાદટીપ તરીકે કચ્છના જાણીતા કવિ રમણીક સોમેશ્વરની કવિતા “જાંબલી નદી” મૂકાઇ છે. એવું જણાય છે કે આ કવિતા પરથી વાર્તાકારને આ વાર્તા સ્ફૂરી હોય. જે હોય તે, આ હળવી શૈલીમાં રજૂ થયેલી આ વાર્તા આપણી પ્રાચીન સભ્યતાની ઝાંખી કરાવે છે.           

વાસી છાપું (નીલેશ મુરાણી):

પોલીસ ખાતાના કર્મચારીઓ દ્વારા આચરતા ભ્રષ્ટાચારની વાત. આપણા દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીની છબી લટકાવવામાં આવે છે. વળી વાર્તામાં પોલીસ સ્ટેશન જે ચોકની નજીક છે એ ચોકમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમા પણ ઊભી છે. આમ મહાત્મા ગાંધીની મૂર્તિની સામે ખુલ્લેઆમ થતાં ભ્રષ્ટાચાર વિષે એક કટાક્ષ.

સામગ્રી કે રજૂઆતમાં નાવીન્ય નથી.     

સફેદ શર્ટ (એકતા નીરવ દોશી):

સ્કુલના પાંચમાં ધોરણમાં ભણતા સુમિતના ખમીસ પાછળ કોઈક ટીખળીએ ત્રણ શબ્દો: “આઈ લવ યુ” લખી દીધાં. એનાં પરિણામે ક્લાસમાં હોબાળો થયો, વર્ગશિક્ષકે સુમિતને પ્રિન્સીપાલ સામે ઊભો કર્યો, પ્રિન્સિપાલે એને એની મમ્મીને બોલાવી લાવવા કહ્યું. સુમિતને એનાં મમ્મી-પપ્પા બેઉનો ઠપકો સાંભળવો પડયો. એની ઈચ્છાવિરુદ્ધ એણે વાળ કપાવીને ટૂંકા કરાવવા પડયા. આ જે કંઈ થયું એ બધું સ્થૂળ ઉથલપાથલ. વાર્તા છે અગિયાર-બાર વર્ષની ઉંમરના બાળક સુમિતના માનસમાં થતી ઉથલપાથલની. સુમિતની  મનગમતી કલ્પના છે એની પસંદગીની કોઈ કન્યાએ એને એવું લખ્યું હોય!  જો કે કોણે લખ્યું છે એનું રહસ્ય તો ખૂલતું નથી. વાર્તાના અંતમાં એક સરસ ચમત્કૃતિ છે.

પ્રશ્ન એ છે કે વાર્તામાં વર્ણવેલી માનસિક ઉથલપાથલ અગિયાર-બાર વર્ષના છોકરામાં થઈ શકે? આ પ્રકારની સભાનતા માટે આટલી ઉંમરમાં આવવી અસ્વાભાવિક જણાય છે. અગિયાર-બાર વર્ષ કરતાં તેર-ચૌદ વર્ષના કિશોરવયના છોકરા માટે આ વાર્તા એકદમ યોગ્ય રહેત. કે પછી આજની પેઢીનો માનસિક વિકાસ અતિશય ઝડપી થઈ ગયો છે?  ઉંમરની ગરબડ બાજુએ મૂકીએ તો સરસ મઝાની વાર્તા!           

બોગનવેલ (સુનીલ મેવાડા):

સંબંધવિચ્છેદની પીડા. પ્રયોગાત્મક વાર્તાઓ લખવા માટે જાણીતા વાર્તાકારની આ વાર્તા પણ પ્રયોગાત્મક જ છે. વાર્તા ત્રણ ભાગમાં કહેવાઈ છે, આ ત્રણ ભાગમાં કથક અનુક્રમે સર્વજ્ઞ, નાયિકા અને નાયક છે.    

૧.પ્રેમ= સંબંધવિચ્છેદની વાતની પ્રસ્તાવના. ૨. પ્રકૃતિ= અહીં કથક નાયિકા છે. પ્રેમીથી છૂટા પડયા પછીની એની લાગણીઓનું આલેખન થયું છે. નાયકની સરખામણીએ નાયિકા ઘણી સ્વસ્થ જણાય છે. ઓફિસમાં રોશન નામના એક યુવકને એનામાં રસ છે. રોશન એવું કહેવા માંગે છે કે નાયિકા માટે થઈને એણે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યા. પાડોશમાં એક એલિના નામની છોકરી રહે છે એની વાત. આ એલિના ઘણી બધી રીતે વિચિત્ર કન્યા છે. ૩. પુરુષ= આ ભાગમાં કથક બદલાય છે, કથક હવે નાયક છે. સંબંધવિચ્છેદની ઘેરી અને પીડાદાયક અસર નાયક પર થયેલી જણાય છે.

રજૂઆત સરળ અને પ્રવાહી છે. સારી વાર્તા.         

આ લેખક વાર્તાઓમાં નવા નવા શબ્દો પ્રયોજતા રહે છે. અહીં થોડાંક નોંધ્યા છે: અચળતા, શ્લોકાવેલા, આપણેઓ, અંત્યકૃતિ, એકાયામી, કરવુંઓ, બન્નો (આ શબ્દ “બંને”ની અવેજીમાં એકાધિક વાર વપરાયો છે, એટલે છાપભૂલ કે પ્રૂફરીડરની ભૂલ નહીં હોય, આમ  પણ એતદમાં એવી ભૂલ ભાગ્યે જ રહી જાય. લેખકે હેતુપૂર્વક આ શબ્દ પ્રયોજ્યો હોવો જોઈએ.)          

“આ રાજુય તે...!” (રાધિકા પટેલ):

જીવનમાં નિષ્ફળતાની પીડા. દરેક વાતે પોતાનાં અને પત્નીના વખાણ કરતો અને વાતે વાતે મિત્ર રાજુની ટીકા કરતો કથક હકીકતમાં કોની  નિષ્ફળતાની વાત કરે છે? એ પોતાના મિત્ર રાજુની ઈર્ષા કેમ કરે છે?

વાર્તાની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી. કથકની સ્વસ્તુતિ ક્યારે સ્વનિંદામાં પરિવર્તિત થઈ જાય છે તેની સરત વાચક-ભાવકને ના રહે એટલી સરસ રજૂઆત.   

--કિશોર પટેલ, 26-05-23; 10:48  

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: