મમતા ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૦૯ શબ્દો)
આ નરચેતના વિશેષાંક છે અને એના નિમંત્રિત સંપાદક છે સંજય
ઉપાધ્યાય.
ખબર નથી, પણ કેમ? (રેના સુથાર):
ઓફિસમાં બદલી થઈને એક નવી સ્ત્રીકર્મચારી આવે એ પછી સીધી
લીટીમાં ચાલતા એક આદમીના જીવનમાં ખળભળાટ મચી જાય છે. હળવી શૈલીમાં માણવાલાયક મજેદાર
વાર્તા. સ્તુત્ય પ્રયાસ.
રાખનાં રમકડાં (હસમુખ કે. રાવલ):
જૂની રંગભૂમિના સમયની અજ્ઞાત કરુણાંતિકા.
જીજ્ઞેશ નામનો એક પત્રકાર ખાંખાખોળા કરીને ગુમનામ થઈ ગયેલી પ્રસિદ્ધ
નટી મોહિનીની અસલ કહાણી શોધી કાઢે છે.
નાજુક શરીરના પુત્રને પિતાએ નાટકમાં સ્ત્રીપાત્ર ભજવવા મજબૂર કર્યો. બિચારાએ
નાછૂટકે મોહનમાંથી મોહિની બનવું પડયું. એ વેશમાં એને પ્રસિદ્ધિ મળી. પુરુષ દેહમાં
સ્ત્રી વસે છે એવું સમજી એની પ્રેમિકાએ એને ધુત્કાર્યો. ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીઓની
ભૂમિકા ભજવતાં ભજવાતાં દુઃખી થયેલો મોહન છેવટે ગુપ્તવાસમાં જતો રહે છે.
એક વાત સમજાતી નથી: મોહિનીની અસલ કથા પ્રકાશમાં આવે તેનાથી
કોને ભય લાગે છે? મોહિનીનું રહસ્ય જાહેર ના કરવા માટે જીજ્ઞેશને કોણ ધમકી આપે છે?
અંતરાલ (શ્રદ્ધા ભટ્ટ): સજાતીય સંબંધ જેવા ઓછા ખેડાયેલા વિષયની વાર્તા. રાકેશને પ્રતીતિ થઈ જાય છે કે
પોતે તો આલયને ભક્તિભાવપૂર્વક પ્રેમ કરે છે પણ આલય એની જોડે સગવડિયો અભિગમ રાખે
છે. સરાહનીય પ્રયાસ.
કંટ્રોલ ઝેડ (કુમાર જિનેશ શાહ): તાજેતરના ભૂતકાળમાં સુરત શહેરમાં ઘટેલી ટયુશન
કલાસિસની કરુણાંતિકાની પૃષ્ઠભૂમિ પર આધારિત હકારાત્મક અંતવાળી વાર્તા. કંટ્રોલ ઝેડ
કમાન્ડ આપવાથી કમ્પ્યુટરમાં ભૂંસાઈ ગયેલી ફાઈલ જેમની તેમ પાછી મેળવી શકાય છે, અસલી
જીવનમાં આવું બનવું અશક્ય છે પણ છતાં પ્રયત્ન કરવો જોઈએ એવો સંદેશ આપતી વાર્તા.
વાત એક રાતની (સુષ્મા શેઠ): નાટકનું પાત્ર ભજવતાં ભૂમિકામાં ઓતપ્રોત થઈ જવું અને વાસ્તવિકતામાં એ ભૂમિકા
જીવવા માંડવા જેવી ચમત્કારિક વાત. તાર્કિક રીતે સમજી કે સમજાવી ના શકાય એવો અજબ
અનુભવ.
એક અધરાતે (નગીન દવે): એક બહારવટિયાની ગેરહાજરીમાં એની પત્નીની અવદશા
જોઇને શિવુભાને પોતાનાં પત્ની-બાળકો યાદ આવે છે જેમને કહ્યાકારવ્યા વિના છોડીને
પરદેશ નાસી આવ્યો હતો. એનું પ્રાયશ્ચિત કરવા એ કૃતનિશ્ચયી બને છે. સરસ,
હ્રદયસ્પર્શી વાર્તા.
ફિકર (અશ્વિની બાપટ): માનવીય સંબંધોમાં મોટે ભાગે પતિ-પત્નીના સંબંધોની વાતો
હોય છે. અહીં ભાઈ-બહેન સંબંધની એક વાર્તા છે. બંનેને એકબીજા માટે જેટલી ફરિયાદો
હોય છે એટલી જ ફિકર પણ છે. બહેન પ્રત્યેની એક ભાઈની લાગણીની વાત. રજૂઆતમાં રહસ્ય સાદ્યંત જળવાયું. સરસ વાર્તા.
પ્રસવ પીડા (પૂજા ત્રિવેદી રાવલ): પત્ની
જ્યારે પ્રસવપીડા અનુભવતી હોય ત્યારે એનો પતિ જે અસ્વસ્થતામાંથી
પસાર થાય છે એનું સરસ આલેખન.
રસ પડે એવી એક માહિતી આ લેખકના પરિચયમાંથી
મળે છે. તેઓ ૩૭ જેટલી વિદેશી ભાષાના જાણકાર છે! આપણા દેશમાં આ કદાચ એક વિક્રમ હોવો
જોઈએ!
રાગ ગગન વિહંગા વિભાગમાં યશવંત મહેતાએ રજૂ
કરી છે રશિયન લેખકો આકાડી અને સ્ત્રુગાસ્કી લિખિત એક વિજ્ઞાનકથા “આગંતુકો”. આપ્તદા નામે ઓળખાતી એક ટેકરીના પુરાતત્વીય
સંશોધન વેળા એક ચમત્કારિક ઘટના બને છે. સંશોધન જૂથના વડા લોઝોસ્કી અચાનક ગૂમ થઈ
જાય છે. તપાસ કરતાં એક શીલા નીચેથી એમણે લખેલી ડાયરી હાથ લાગે છે. એ ડાયરીમાં એમણે
લખ્યું છે કે કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવેલા એલિયન્સની જોડે સંશોધનાર્થે તેઓ એમના
ગ્રહ પર જઈ રહ્યા છે.
--કિશોર પટેલ, 10-09-22; 09:06
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment