Sunday, 25 September 2022

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨


 

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨

(૨૭૩ શબ્દો)

બાલભારતી, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ ખાતે શનિવાર તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના વાર્તાપઠનના કાર્યક્રમની શરૂઆત કરતાં સંચાલક સુશ્રી રાજુલ ભાનુશાલીએ કહ્યું કે ટૂંકી વાર્તામાં ત્રણ “સ” હોય એ ઇચ્છનીય છે: સહજ, સરળ અને સરસ.

સંજય ગુંદલાવકરની વાર્તા “ભાઈની બહેની લાડકી”માં ભાઈ-બહેનના સ્નેહસંબંધની વાત પ્રવાહી રજૂ થઈ. સંજય ગુંદલાવકર આઈટી ક્ષેત્રમાં કાર્યરત છે. એમની માઈક્રોફિક્શન વાર્તાઓ દિવ્ય ભાસ્કર અખબારમાં નિયમિતપણે પ્રસિદ્ધ થતી રહે છે.

જિતેન્દ્ર પરમારની વાર્તા “ગિલ્ટ” માં એક સંવેદનશીલ માણસની વાત થઈ છે જે એક માર્ગ અકસ્માતનો સાક્ષી બન્યો છે. એને દોષભાવના થાય છે કે પોતે સમય પર યોગ્ય નિર્ણય લઈ શક્યો હોત તો એક માણસની જિંદગી એ બચાવી શક્યો હોત. જિતેન્દ્ર પરમાર જાણીતા નાટયલેખક છે. તેઓ અનેક દૂરદર્શન શ્રેણીઓ લખી ચૂક્યા છે. હાલમાં તેઓ લોકપ્રિય ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલટા ચશ્મા” ની લખતી ટીમ એક સક્રિય સભ્ય છે.   

કોફીબ્રેક પછી પ્રેરણાબેન લીંબડીની વાર્તા “ડંખ” માં નારીચેતનાની વાત થઈ. પતિના અન્યાયી વલણ સામે એક દિવસ નાયિકા વિદ્રોહનું રણશિંગું ફૂંકે છે. પ્રેરણાબેનની એક નવલકથા પૌરાણિક પાત્ર  અશ્વત્થામાને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે.  

અંતમાં રાજુલ ભાનુશાલીએ રજૂ કરી વાર્તા “ખિસ્સાગમન”.  એક નધણિયાતું વોલેટ મળી આવતાં નાયકની સંપૂર્ણ દિનચર્યા બદલાઈ જાય છે. મૂળ માલિકને વોલેટ પહોંચાડવાના એના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. વક્રતા એ થાય છે કે વોલેટનો માલિક સામેથી વોલેટ શોધતો આવે તે દિવસે નાયક પાસેથી પેલું વોલેટ ગૂમ થઈ ગયેલું હોય છે! રાજુલ ભાનુશાલી ગુજરાતી મિડ-ડે ના જાણીતા કોલમિસ્ટ છે. તેઓ સાંપ્રત ગુજરાતી કવિતાઓના રસાસ્વાદ કરાવવા માટે જાણીતા છે.  

કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં કાર્યક્રમના આયોજક અને પુરસ્કર્તા હેમાંગભાઈ તન્નાએ આભારવિધિ કરતાં કહ્યું કે વાર્તાપઠનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં શ્રોતામિત્રોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થતો રહ્યો છે તે જોઈએ આનંદની લાગણી થાય છે.           

--કિશોર પટેલ, 26-09-22; 09:36

###

No comments: