પરબ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૪૪ શબ્દો)
કુંભ ઘડૂલો (પારુલ ખખ્ખર):
કોરોના મહામારીની વંચિતો પર થયેલી વિનાશક અસરની વાત.
મધ્યમ વર્ગના એક ઘરના બારણે નારણ નામનો એક પરિચિત મજૂર ગૃહિણી
પાસે પરચૂરણ કામની પૃચ્છા કરે છે. એવું કોઈ કામ નથી એવું નાયિકા તરફથી સાંભળ્યા
પછી નારણ નાછૂટકે કહે છે કે ગામ જવાના પૈસા આપો, અહીં ભૂખે મરવા કરતાં ગામડે જઈને પરિવારની
જોડે મરી જઈએ! કોરોનામાં પતિનું કામકાજ બંધ હોઈને નાયિકાનો હાથ પણ તંગ હતો એટલે એ
કહી દે છે કે પૈસા નથી. “ભલે માસી, જે
માતાજી.” કહીને નારણ ચાલતો થાય છે. પછીથી
પસ્તાવો થતાં નાયિકા સાડીને પાલવે થોડાંક રૂપિયા બાંધીને નારણને એની વસ્તીમાં
શોધવા નીકળે છે. નારણ તો મળતો નથી પણ એના ઘરના અસબાબને ઝાડની ડાળીએ લટકતો જોઇને એ પાછી
ફરે છે.
સમયચક્ર બદલાય છે અને નાયિકાના પતિનું કામકાજ ચાલી નીકળે
છે. આર્થિક પ્રગતિ થતાં તેઓ નવો બંગલો બનાવે છે. એ બંગલામાં કુંભઘડો મૂકતી વેળા
નાયિકાના મગજમાં ઝણઝણાટી થાય છે અને એની આંખો સામે ઝાડની ડાળીએ લટકતા નારણના ઘરનો
અસબાબ ઘુમરીઓ ખાવા લાગે છે.
પઠનીય વાર્તા.
એ પાંચ દિવસો (મોના લિયા વિકમશી):
સ્ત્રીઓના માસિક ઋતુચક્રની વાત.
સંયુક્ત કુટુંબમાં મધ્યમ વર્ગના ઘરોમાં સ્વાભાવિકપણે
એકાંતની અછત રહેતી હોય છે. એમાં વળી કુટુંબીજનોનો અભિગમ જૂનાં વિચારોનો હોય ત્યારે
તો શું કહેવું? સરિતા જાણે ઘરની પુત્રવધુ નહીં પણ કામવાળી હોય એવું એની સાસુનું
વર્તન છે. પતિ રાજેશ પણ ગાંજ્યો જાય એવો નથી. સ્ત્રી જાણે કેવળ ભોગવવાની વસ્તુ હોય
એવું એનું એકંદર વર્તન જણાય છે. એ ચોક્કસ પાંચ દિવસોમાં ઈચ્છાપૂર્તિથી પોતે વંચિત
રહી જાય છે એટલે “બૌઉ નખરાં તારાં તો!” એવું મહેણું પત્નીને સંભળાવે છે.
વાર્તાની રજૂઆત ઉલ્લેખનીય છે. નાયિકાના પોઈન્ટ ઓફ વ્યુથી
ફક્ત એક સાંજની વાત કહેવાઈ છે. ઘરમાં મહેમાનો છે અને અચાનક નાયિકાને ખ્યાલ આવે છે
કે ઋતુચક્રની શરૂઆત થઈ છે. એ પછી થતાં અનુભવો દરમિયાન નાયિકાના મનોભાવોનું
ઝીણવટભર્યું આલેખન થયું છે.
નોંધનીય વાર્તા.
--કિશોર પટેલ, 07-09-22; 08:43
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment