નવચેતન ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૦૫ શબ્દો)
ભાર (રામચરણ હર્ષાણા):
કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં એક કરુણાંતિકા.
મેરકો હાથલારીમાં સામાનની હેરફેર કરીને આજીવિકા રળે છે. મહામારીના
લીધે મૂકાયેલા પ્રતિબંધોને કારણે એનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. બે ટંકના ભોજન માટે
પણ વલખાં મારવા પડે છે. શહેરમાં બીમાર માણસોની અને મૃતદેહોની હેરફેર માટે અનુક્રમે
એમ્બ્યુલન્સની અને શબવાહિનીની તીવ્ર અછત ઊભી થઈ જતાં લોકો મળે તે સાધનનો ઉપયોગ
કરવા લાગ્યા છે. મેરકાની હાથલારીની એકાએક માંગણી વધી જાય છે. એને મોંમાંગ્યા નાણા
મળવા લાગે છે. લાલચમાં આવીને મેરકો ગજા ઉપરાંતનું કામ હાથ પર લઈ લે છે. પૂરતાં
પોષણના અભાવે અશક્ત બની ગયેલું મેરકાનું શરીર હદ બહારનું વજન ખેંચી શકતું નથી. પરિણામે
મેરકો સ્વયં લાશમાં ફેરવાઈને અંતિમવિધિની રાહ જોતો થઈ જાય છે.
હાંસિયામાં રહેતા માણસની વાત.
દૂધની મલાઈ (મૂળ મરાઠી વાર્તા: યશવન્ત ગોપાળ જોશી,
અનુવાદ: આરતી સંતોષ):
માણસને મૂડી કરતાં વ્યાજ હંમેશા વહાલું લાગે છે. નાનપણમાં
માતા ગુમાવી દીધાં પછી નાના-નાની પાસે લાડકોડમાં ઊછરતી એક ચબરાક બાળકીની વાત.
--કિશોર પટેલ, 13-09-22; 10:02
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment