Friday, 16 September 2022

રાક્ષસ અને પોપટની એડલ્ટ કથા



 

રાક્ષસ અને પોપટની એડલ્ટ કથા  

(મૂળ મરાઠી વાર્તા, લેખક: શ્રીકાંત બોજેવાર, અનુવાદ: કિશોર પટેલ)

 

પગ નીચે લટકતા રાખીને પલંગ પર બેઠેલો બળવંત સુલોચનાને એકીટશે જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે પોતાને શું પીડા થાય છે એની સુલોચનાને કંઇ પડી ન હતી. એ આરામથી છાપું વાંચતી બેઠી હતી. ઘૂંટણ નીચેનો પગ ઘણો સૂજી ગયો હતો. હાડકા પર માર વાગ્યો હતો. ગઈ કાલે રાત્રે વાંદાને મારતી વખતે સુલોચનાના હાથમાંથી લાકડી સીધી બળવંતના પગ પર વાગી હતી. “હાથમાંથી છટકી ગઈ.” સુલોચના બોલી હતી. પણ એ એણે જાણીજોઇને છટકવા દીધી હતી એવું બળવંતને લાગ્યું હતું. ફક્ત એટલું જ કે એવું એણે કહ્યું ન હતું. પણ એ વાત એના મનમાં હતી એટલે પગની સાથે એનું મન પણ પીડાથી કણસતું હતું. રાત્રે સહેજ સોજા જેવું હતું તે જ વખતે હળદરનો લેપ લગાડી આપવા એણે સુલોચનાને કહ્યું હતું પણ સુલોચનાએ એની તરફ ધ્યાન આપ્યું ન હતું. સવાર  સુધીમાં પગ ફૂલીને થાંભલા જેવો થઇ ગયો હતો. પગ જમીન પર મૂકતાં જ સખત દુખતું હતું. બળવંત પલંગ પર બેઠો થયો. એ વોશરૂમમાં પણ જઈ શકતો ન હતો. દુખતો ન હતો એ પગના ટેકે લંગડી કરતો જેમ તેમ કરીને ત્યાં જઈ આવ્યો. પણ એટલા કામ માટે એણે અસહ્ય વેદના ભોગવવી પડી.      

“શિઘ્યેને ત્યાં જઈ આવ, કાં તો પછી એને ફોન કર. એકાદ મલમ લખી આપે તે મેડિકલમાંથી લઇ આવ. બહુ દુઃખે છે પગ.” બળવંત બોલ્યો.

“ઘરમાં જ હશે એકાદ મલમ, જોઉં છું. શિઘ્યે તો એની એ દવા લખી આપે છે. મને તો બધાં નામ પણ મોઢે થઇ ગયાં છે. નકામો શું એને સતાવવો?” એવું બોલતાં સુલોચના ઊઠી અને દવાનો મોટો ડબ્બો ખોલીને એમાંથી ઈન્સ્ટન્ટ પેઈનકિલર મલમની ટ્યુબ કાઢીને એણે પલંગ પર ફેંકી. હવે બળવંતનો પારો ચઢી ગયો.

“ફેંકે છે શું આમ? લગાવી આપ મારા પગ પર!”

મોઢું કટાણું કરીને સુલોચના પલંગ પાસે નીચે બેઠી. ઢાંકણું ખોલીને ટ્યુબ દબાવી. ટ્યુબના મોંમાંથી ફુવારાની જેમ મલમ ઉપર આવ્યો તે આંગળી પર ઝીલી લઈને બળવંતના પગે ચોપડ્યો.

“આમ શું કરે છે?”

“શેનું શું કરું છું?”

“સત્તાવીસ વર્ષથી જેને હું ઓળખું છું તે સુલોચના તું નથી.” બળવંતે એનું મન હળવું કર્યું.

“તો?”

આ ‘તો?’ સાંભળ્યા પછી બળવંતથી આગળ કંઇ બોલાયું જ નહીં. કારણ કે એ ‘તો’ નો જવાબ એની પાસે ન હતો. સુલોચના ભારે વિચિત્ર વર્તન કરતી હતી. વીતેલાં સત્તાવીસ વર્ષમાં એણે આવી સુલોચનાને ક્યારેય જોઇ ન હતી. એના પર બહુ દબાણ કરીને પૂછવાની એની હિંમત થતી ન હતી. પોતાને નહીં ગમે એવો જ ઉત્તર એ આપશે એવો એને ડર લાગતો હતો. તેનું એ દિવસનું હસવું એને હજી યાદ આવતું હતું. ને એ યાદ આવતાં જ શરીરની બધી શક્તિ ઓસરી જઇને પોતે લૂલો થઇ જતો હોય એવી લાગણી એને થતી.  કંઇક કરવું જોઈએ એમ કરીને એણે પલંગ પર પડેલી ટ્યુબ ઊંચકીને ઊંધીચત્તી કરી જોઇ. “આ તો એક્સપાયર્ડ છે. મહિનો થઇ ગયો તારીખ વીતી જઇને.” બળવંતે ટ્યુબ સુલોચનાના શરીર પર ફેંકી. નીચે પડી ગયેલી ટ્યુબ એણે ઊંચકી પણ નહીં અને એના પરની તારીખ જોવાનો પ્રયત્ન પણ એણે કર્યો નહીં. “એક્સપાયર્ડ થયાં પછી પણ બેએક મહિના સુધી દવાઓ ચાલે છે એવું સુધાકરે એક વાર કહ્યું હતું.” એના આ જવાબથી બળવંત ગુસ્સે થઇને બોલ્યો, “તું ડાહી અને તારો ભાઈ ડાહ્યો. હું જ એક મૂરખ છું.” એટલે,  “આ જુઓ, તમે પોતે જ કબૂલ કરો છો. હું તો કંઇ બોલી જ નથી.” એવું બોલીને સુલોચના ત્યાંથી ઊઠી ગઈ. નાસ્તાની તૈયારી કરવા એ રસોડા તરફ જતી રહી. નવવારી સાડી પહેરેલી સુલોચનાની ભરાવદાર પીઠ અને પુષ્ટ નિતંબ જોઇને બળવંતના મનને જાણે ડંખ લાગ્યો.

પરણ્યા પછી એટલે કે સત્તાવીસ વર્ષ પહેલાં સુલોચના એક નાનકડા ગામડામાંથી તાલુકાના ગામડે આવી હતી. નોકરી કરતો પતિ જોઈએ છે એવી એની પોતાની ઈચ્છા હતી. બળવંતે એને જોતાંવેંત પસંદ કરી હતી પણ લગ્ન માટે એક શરત મૂકી હતી. શું તો કહે કે લગ્ન પછી નામ બદલીને સુલોચના રાખવાનું અને નવવારી સાડી પહેરવાની. આઈએ કહ્યું હતું, “અરે, બે-ચાર દિવસ નવવારીનું ઘેલું રહેશે એને પછી તો છે જ ને આપણી સાડી! તને પલ્લવી કહીને બોલાવે કે સુલોચના, શું ફરક પડે છે? છોકરો દેખાવડો છે, હોંશિયાર છે, ઓફિસર છે, બીજું શું જોઈએ?”  સગાઇ થયા પછી રાજદૂત પર બેસાડીને બળવંત એને ડેમ પર ફરવા લઇ ગયો હતો. બળવંત બોલ્યો હતો, “આ ગાડીનો અવાજ સાંભળ. એના જોરદાર અવાજના લીધે જ મને ગમે છે.” સુલોચનાને પણ એ અવાજ ઘણો ગમ્યો હતો. ડેમ પર ફરતાં ફરતાં બળવંતે એને કહ્યું હતું, “મારા આઈ-બાબા ભાઈ જોડે રહે છે, હું એકલો જ રહું છું. પણ બધાં આવતાંજતાં રહે છે. મારા ઘર માટે, ઘેર આવતાં-જતાં લોકો માટે તારે નવવારી પહેરેલી પ્રેમાળ સુલોચના બનવાનું છે અને મારા માટે નવવારીમાં જયશ્રી.” એ વખતે એને લાગ્યું હતું કે પતિ કેવો રસિક મળ્યો છે પોતાને. એણે મરાઠી ભાષાની જૂની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોની સીડી મંગાવી મંગાવીને જોઇ. પછી એના ધ્યાનમાં આવ્યું કે બળવંત રસિક ન હતો, એટલી મોટી અભિનેત્રીનો ચાહક પણ ન હતો. ફક્ત પરદા પરની એમની મૂર્તિ પોતાની જિંદગીમાં ઊતારીને જીવનારો સ્વાર્થી પુરુષ હતો.  સાસુ, સસરા, દિયર, દેરાણી, નણંદો માટે એ આખો દિવસ સુલોચના બનતી રહી અને રાત્રે પતિ માટે જયશ્રી. લગ્ન પછી મહિના-બે મહિનામાં જ એ ફક્ત એના પિયર પૂરતી ‘પલ્લવી’ બચી, બાકી બધાં માટે એ કાયમની સુલોચના બની ગઈ. નવવારી અંગ પર ચોંટી ગઈ તે હંમેશ માટે.

લગ્ન પછી થોડાંક સમયમાં જ એ ઘાંઘી થઇ ગઈ. ભ્રષ્ટાચારના પૈસા ઘરમાં સતત આવતાં હતાં. ક્યારેક બેગ ભરીને તો ક્યારેક થેલીઓ ભરીને રોકડ રકમ આવતી. એ પૈસાની ચરબી બળવંતના સર્વાંગ પર અને બોલચાલમાં સતત છવાયેલી રહેતી. ચાર-પાંચ વખત પોલીસ આવેલી, પૂછપરછ થયેલી, એના સમાચાર પણ છાપાંમાં છપાયેલાં. પણ દિવસે પૂછપરછ માટે આવેલા પોલીસો રાત્રે બંગલા પર પાર્ટી કરવા આવતાં. સમાચારનું તો પછી કંઇ થતું જ નહીં. સુલોચના પિયરમાં જઇને રડી પડેલી. એની આઈએ સમજાવેલું, બેટા, સર્વ સુખો તારી સામે હાથ જોડીને ઊભાં છે. જે દુઃખ નથી એનું ગાણું નાહકનું શા માટે ગાય છે? દીકરીનું દુઃખ અને એની નિરાશા આઈને સમજાતી ન હતી એવું ન હતું. પણ હમણાં જો એ અહીંથી બહાર નીકળી જાય તો પછીનો એનો રસ્તો ખૂબ જ કાંટાળો હશે એવું એની આઈને લાગતું હતું. ભરચક બસના દરવાજામાં ઊભેલા પ્રવાસીના મનમાં અંદર જાઉં કે નીચે ઊતરી જાઉં એવું દ્વંદ્વ ચાલતું હોય છે. એટલામાં નીચે ઊભેલો કોઈક દરવાજામાંની ગરદીને જોરથી અંદર ધકેલી દે ત્યારે પેલો દરવાજામાં ઊભેલો પ્રવાસી અંદરની ગરદીનો હિસ્સો બની જાય છે. આ જ રીતે સુલોચના સામાજિક અને કૌટુંબિક પદ્ધતિથી ભારતીય લગ્નસંસ્થાની બસમાંની ગરદીમાં ધકેલાઈ ગઈ અને બસના દરવાજાથી દૂર દૂર જતી રહી. નીચે ઊતરી જવાનો વિચાર જ એણે પડતો મૂકવો પડ્યો. પણ પેલો દરવાજો એણે એના મનમાં સાચવી રાખ્યો હતો. એ દરવાજામાંથી ક્યારેક બહાર નીકળી જવાનો વિચાર પોતે કર્યો હતો એની સ્મૃતિ રહે એટલા માટે.

રસોડામાં જઇને એણે ખાંડણીમાં લીલાં મરચાંનો તાજો છૂંદો બનાવ્યો. છૂંદો અને અમૂલ બટર એક વાટકીમાં મિક્સ કરીને એમાં ચાટમસાલો નાખ્યો. એનું મિશ્રણ છરીથી બ્રેડ પર લગાવતાં પહેલાં ગેસ પર ચાનું પાણી મૂક્યું. આખી બ્રેડ બળવંત એકલો ઉડાવી જશે એ જાણતી સુલોચનાએ બે સ્લાઈસ પહેલેથી જ પોતાના માટે બાજુ પર મૂકી દીધી. ચાનો મોટો કપ અને છૂંદો-બટર લગાવેલી ચાર સ્લાઈસ લઈને એ બેડરૂમમાં બળવંત પાસે ગઈ. વચ્ચેના સમયગાળામાં બળવંતે ચોક્કસ ઘણો વિચાર કર્યો હશે. બાજુમાં પડેલું ટેબલ પલંગ સામે ખેંચીને તેની ઉપર નાસ્તો મૂકીને સુલોચના પાછી જવા લાગી એટલામાં બળવંતે કહ્યું,

“અહીયાં બેસ જરા મારી સામે.”

“શું કામ? આ ચાર સ્લાઈસમાં તમારું પેટ ભરાવાનું છે કે?”

“એ પછી લાવજે, પહેલાં બેસ.”

ખુરસી ખેંચીને સુલોચના બેઠી. “બોલો, શું કહેવાનું છે?”

“વાંદાના બહાને તેં મારા પગ પર લાકડી મારી એની મને સો ટકા ખાતરી છે.”

“તમે નક્કી કરી નાખ્યું છે પછી હું શું બોલું?”

“એટલે કે તું કબૂલ કરે છે.”

“ના. મેં તો લાકડી ફેંકીને વાંદાને જ મારી હતી. પણ મેં તમને જાણીજોઈને મારી એવું માની લેવાથી તમારા મનનું સમાધાન થતું હોય તો હું શું બોલું?”

“તારામાં આટલી હિંમત ક્યાંથી આવી એ જ મને સમજાતું નથી.”

સુલોચના ઊભી થઇ ગઈ, “ક્યાંથી હિંમત આવી એની ખબર પડે એટલે મને કહેજો. મારા જ્ઞાનમાં વધારો થશે.”

આટલું સાંભળતાં જ બળવંત ક્રોધથી ધ્રુજવા લાગ્યો. પોતાનો પગ દુઃખે છે એ વાત ભૂલી જઇને સુલોચના પર ધસી જવાના પ્રયાસમાં એનો પગ દુખવા માંડતાં એ ઊભો રહી ગયો. પગમાં જબરો સણકો લાગ્યો.  જેમ તેમ કરીને એ પાછો બેઠો.

“તને શું લાગે છે, મારો પગ હંમેશ માટે આવો સૂજેલો રહેશે? ચાર દિવસમાં સોજો ઊતરી જાય એટલે જોઉં છું તને.”

“હજી જોવાનું શું બાકી છે? સાડી ઉતારું તમારી સામે અહીંયા?”

“નાલાયક! હરામખોર! આ ભાષા છે ધણી સાથે વાત કરવાની? અચાનક શેની ચરબી ચડી ગઈ છે તને? ઊભી રહે, હું તાત્યાને બોલાવું છે અહીંયા. બધું કહું છું એને.” બળવંતે મોબાઈલ ઉપાડ્યો.

* * *

કલાકમાં જ તાત્યાની કાર બંગલા સામે ઊભી રહી. તાત્યા ઘરમાં આવ્યો અને હંમેશ મુજબ સુલોચનાનાં પગે લાગ્યો. “તાઈ, શું થયું? તાબડતોડ આવ એવું બળીએ કહ્યું!” એમ બોલતાં એણે સુલોચના સામે જોયું. એ સાડીનો છેડો મોંમાં ખોસીને રડતી હતી. કંઇક ગંભીર ઘટના બની ગઈ છે એવું અનુમાન તાત્યાએ કર્યું.

કારના અવાજ પરથી તાત્યા ઘેર આવ્યો છે એની બળવંતને ખબર પડી હતી. હવે એ બેડરૂમમાં આવશે એમ કરીને એ રાહ જોવા લાગ્યો. પણ તાત્યા બહાર જ બેઠો હતો. સુલોચના એને વાત કરે એ પહેલાં પોતે એની સાથે વાત કરવી જોઈએ એવું એને તીવ્રપણે લાગતું હતું. પણ પગ ઊંચકીને બહાર જવાનું શક્ય ન હતું. સુલોચના એના કાન ભંભેરશે ને પછી હું જે કહીશ તે એના માનવામાં નહીં આવે. “સુલોચના એટલે સાક્ષાત માઉલી. ભગવાને મને બહેન ના આપી કારણ કે સુલોચના મારા જીવનમાં બહેન બનીને આવશે એની એને ખબર હતી.” તાત્યાનું આ હંમેશનું વાક્ય આજે બળવંતને બાવળના કાંટાની જેમ ખટકવા લાગ્યું. તાત્યા તો એનો “પાર્ટનર ઇન એવરી ક્રાઈમ” હતો. ગમે તેની સામે બાથ ભીડવા બાંયો ચડાવીએ ધસી જતો તાત્યા સુલોચના સામે બકરી બની જતો.

“તાઈ, પહેલાં તું આંખો લૂછી નાખ. શું થયું તે મને કહે.” એવું તાત્યા બોલ્યો એમ છતાં સુલોચના થોડીક વાર ડૂસકાં લેતી રહી. પછી એ બોલી, “ગઈ કાલથી ભેજું ફરી ગયું હોય એવું વર્તન કરે છે. શું થયું છે એ જ સમજાતું નથી. ડોક્ટર પાસે આવવા પણ તૈયાર થતા નથી.”

“પણ અચાનક આવું થયું કેમ કરતાં?”

“આઉટહાઉસની પાછલી ભીંત પડી ગયેલી છે એની તો તને ખબર છે. એ ભીંત સમરાવી લેવા માટે છેલ્લા ચાર મહિનાથી હું કહું છું પણ એ સાંભળતા જ નથી.  પરમ દિવસે રાત્રે એ ભીંત ઓળંગીને એક ચોર ઘરમાં ઘુસી આવ્યો...”

“બાપ રે! એ દિવસે તો આપણા ગામમાં ચાર ઘેરે ખાતર પડ્યું છે! આપણા બંગલામાં પણ ચોર ઘુસેલા હશે એની મને તો ખબર જ પડી નથી!”

“હા, કારણ કે કંઇ જ ચોરાયું નથી એટલે અમે ફરિયાદ કરી નથી. એ રાત્રે ચોરોના ખખડાટથી અમે જાગી ગયાં. આમનું તો માથું પહેલેથી જ ગરમ, એમાં વળી આપણા ઘરમાં ચોર ઘુસ્યો એ વાત જ એમનાથી સહન થઇ નહીં. લીધી લાકડી દોડી ગયા પેલાની ઉપર.  પોતે સાઠી વટાવી દીધી છે એ પણ ભૂલી ગયા. ચોર જુવાન અને તગડો હતો. એણે આમના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી ને આમના પગ પર ફટકારીને એમને ધક્કો મારીને આઉટહાઉસની ભીંત ઓળંગીને ભાગી છૂટ્યો. સવારે ઊઠયા ત્યારે પગ આમ સૂજેલો ને ત્યારથી ભેજું ફરી ગયું હોય એમ બડબડ કર્યા કરે છે. મને કહે છે કે તેં જ મને લાકડી ફેંકીને મારી. ત્યારથી મારી સાથે સરખી વાત પણ કરતા નથી.” મોં પર સાડીનો છેડો લઈને સુલોચના ફરીથી રડવા લાગી.

વાત સાંભળીને તાત્યા અસ્વસ્થ થઇ ગયો. “તું રડ નહીં તાઈ, હું જોઉં છું. ડોક્ટરને ઘેર લઇ આવું છું. પણ પહેલાં જરા બળી સાથે વાત કરી લઉં, એને શાંત કરું.”

* * *

“સાલા, તારે આરામ જ કરવો હતો તો મને કહેવું હતું ને, ચોરની પાછળ લાકડી લઈને દોડવાની શું જરૂર હતી?”

“ચોર કેવો ને વાત કેવી? પેલીએ શું કહ્યું તને?”

“છોડ એને, એને ફાવે એમ બોલવા દે. તારો પગ બતાવ, જોઉં.” કહેતાં તાત્યાએ પગ જોયો. “હું શિઘ્યેને ઘેર જ લઇ આવું છું. પહેલાં એને દેખાડીએ, એ જો કહે તો એક્સરે કઢાવીએ.”

“તાત્યા, હું શું કહું છું તે સાંભળ, આણે શું કહ્યું તને?”

તાત્યા એક ખુરસી ખેંચીને બળવંતની સામે બેઠો. થોડોક આગળ ઝૂકીને ધીમેથી બોલ્યો, “તાઈએ તને લાકડી ફેંકીને મારી છે ને?” પછી હો હો કરીને હસી પડતાં બોલ્યો, “બળી, ચોર પાસેથી લાકડીનો પ્રસાદ ખાધો એવું કહેવામાં શરમ આવતી હોય તો ગપ્પું તો સરખું માર! મારા ગળે ઉતરે એવું!”

“એણે એવું કહ્યું કે ચોરે મને લાકડી મારી? તાત્યા, તારા સોગંદ, રાત્રે વાંદો દેખાયેલો, એ વાંદાને મારવા એણે લાકડી ઉપાડી ને પછી મારા પગનું નિશાન લઈને મારી.”

“ઠીક, પણ મારી શું કામ? કંઇ ઝગડો થયેલો તમારી વચ્ચે?”

“ના.”

“બળી, તને થયું છે શું? ફાલતુમાં ગમે તેમ ના બોલ. હું શિઘ્યેને લઇ આવું છું. ત્યાં સુધી એકાદ પેગ બનાવી આપું તને? એટલે શું કે તારું માથું ઠેકાણે આવે.”

“ના. આ રાંડે જીવનનો નશો જ ઊતારી નાખ્યો છે.”

તાત્યાએ નારાજ થઇને બળવંત સામે જોયું અને બોલ્યો, “બળી, મારી સામે તાઈ વિષે ફાવેતેમ ના બોલ.  તારી જગ્યાએ બીજું કોઇ હોત તો આવું સાંભળીને એના બીજા પગ પર મેં લાકડી મારી હોત, તું તો મને ઓળખે છે.”

“તમને બધાંને ખોટું લાગે છે પણ મને ખબર છે કે સત્ય શું છે તે.”

તાત્યા ઊભો થઇ ગયો. “હું આવું છું શિઘ્યેને લઈને. પછી વાત કરીએ આપણે.”

બહાર સુલોચના નિરાશ ચહેરે બેઠી હતી. તાત્યાએ એને કહ્યું, “તાઈ, હું શિઘ્યેને લઇ આવું છું. પણ મને થાય છે કે એકાદ ન્યુરોલોજિસ્ટને બતાવી જોઈએ. પણ પહેલાં શિઘ્યે શું કહે છે તે જોઈએ.”

* * *

લગ્ન પછી તાત્યા જયારે પહેલી વાર ઘેર આવ્યો ત્યારે બળવંતે સુલોચનાને કહ્યું હતું, “તાત્યા ઘેર આવ્યો એટલે એ જમીને જ જશે એ હું ફરી ફરી નહીં કહું. એ આપણા ઘેર રહેતો નથી એટલું જ, બાકી છે તો ઘરનો જ.” તાત્યાનું મુક્ત ખડખડાટ હાસ્ય સુલોચનાને પણ ગમ્યું હતું. સુલોચનાના હાથની રસોઈ પહેલી વાર જમ્યા પછી તાત્યાએ બળવંતને કહ્યું હતું, “બળી, તું ઘરે અન્નપૂર્ણાને લાવ્યો છે. કચુંબર આટલો સ્વાદિષ્ટ લાગી શકે છે એની મને પહેલી વાર ખબર પડી. તું જોજે તો ખરો, આ જ્યાં સ્પર્શ કરશે ત્યાં સ્વાદ આવશે ને હવે તારા જીવનમાં પણ સ્વાદ આવશે. મને બહેન નહોતી, એ તેં આપી.” તાત્યા માટે કન્યા શોધવાથી માંડીને એની પત્નીના ડોહાળે* પૂરા કરવા સુધીના લાડ પણ સુલોચનાએ સંતોષ્યા હતાં. ફક્ત તાત્યાને જ નહીં, બળવંતના સંપૂર્ણ કુટુંબને સુલોચના વ્હાલી લાગવા માંડી હતી.  બળવંત વખાણ કરતાં કહેતો, “આને મેં કહ્યું હતું કે તારે સુલોચના થવાનું છે, આ તો એનાથી પણ વિશેષ થઇ ગઈ.” જયશ્રી ગડકરની મૂર્તિના પ્રેમમાં પડેલો બળવંત તો કંઇક જુદો જ હતો જેની જાણ ફક્ત સુલોચનાને હતી. પ્રણિતી વખતે છઠ્ઠા મહિનામાં એક રાત્રે બળવંત એની પાસે આવ્યો હતો. એને એ જોઇતું ન હતું. ગર્ભપાતનો ડર પણ લાગતો હતો. સુલોચનાએ ખૂબ વિરોધ કર્યો પણ બળવંતે દાદ આપી નહીં. બીજી રાત્રે સુલોચના જુદા ઓરડામાં સૂતી હતી ત્યાં જઇને બળવંત એના ગાલે લાફો મારીને જતો રહ્યો હતો. પાંચે આંગળા ઉમટી આવ્યાં હતાં. ગાલ પર સોજો આખું અઠવાડિયું રહ્યો હતો. તાત્યાના ધ્યાનમાં આવ્યું ત્યારે, “તને મારા સમ છે જો અમારી વચ્ચે પડ્યો તો” એવું કહીને સુલોચનાએ એને રોક્યો હતો.

ઘરમાં સતત આવતી રોકડ જોઇને એની છાતી થરથરતી. ખૂબ ડર લાગતો. “આટલા પૈસા આવે છે ક્યાંથી? શા માટે આવું જોખમ વહોરી લો છો?” એવું એક વાર હિંમત કરીને એણે બળવંતને પૂછ્યું હતું. “આમાં તારે ધ્યાન આપવાનું નથી અને મને કંઇ પૂછવાનું નથી. ફરીથી આ વાત કાઢી છે તો પિયરમાં મોકલી આપીશ.” લગ્નના પાંચ વર્ષ પછી પણ પિયરમાં મોકલી આપવાની ધમકી આપે છે એટલે શું હું હજી પણ અહીંની થઇ જ નથી? આવું વિચારીને એ ઉદાસ થઇ ગઈ હતી. પિયરમાં એની જગ્યા પૂરાઈ ગઈ હતી. ત્યાં સુધાકરની પત્ની આવી ગઈ હતી. એક રીતે પિયર હવે પારકું થઇ ગયું હતું. ત્યાં મહેમાન થઇને જાય તો જ સ્વાગત થાય. એ દિવસે એને લાગ્યું કે પોતે બેઘર થઇ ગઈ છે. બસનો દરવાજો ફરીથી યાદ આવ્યો. કેમ ના ઊતરી ગઈ પોતે એ જ વખતે!

* * *

તાત્યા શિઘ્યેને લઇ આવ્યો. શિઘ્યેએ બળવંતને તપાસ્યો અને કહ્યું કે ફ્રેકચર લાગતું નથી, પણ સાંજ સુધીમાં સોજો ના ઊતરે તો સાંજે એક્સરેનું જોઈશું. એણે નવો મલમ અને પેઈનકિલર લખી આપ્યાં. એ કાગળ તાત્યાએ તાબામાં લીધો. બેડરૂમમાંથી હોલમાં આવીને તાત્યાએ શિઘ્યેને ધીમા અવાજે પૂછ્યું, “નોર્મલ લાગે છે ને?”

“હા, બોલવા પરથી તો લાગે છે નોર્મલ.”

“પણ તાઈ જોડે બોલતી વખતે કહે છે કે કંઇ વિચિત્ર બબડાટ કરતો હતો.” ડોક્ટરને બધું સ્પષ્ટ કહેવું જરૂરી હતું એટલે શું થઇ ગયું એ બધું જ તાત્યાએ કહી નાખ્યું.

બધું સાંભળીને શિઘ્યે ગંભીર થઇ ગયો. સુલોચના ચા બનાવવા ગઈ એટલે એણે તાત્યાને ધીમેથી કહ્યું, “એકાદ માનસિક આઘાતને લીધે ક્યારેક ટૂંક સમય માટે આવું થઇ શકે. વહિનીને કહી રાખો કે આવો બબડાટ ઓછો ના થાય અથવા વધી જાય તો ડોક્ટર માનશિંદે  પાસે લઇ જઇને બતાવી આવો.”

સુલોચના ચા લઈને આવી. તાત્યાએ જતી વખતે એને કહ્યું, “હું મલમ અને ગોળીઓ મોકલાવું છું,  પણ બળી પર ધ્યાન રાખજે. કંઇ ઓછું-વત્તું થાય તો મને ફોન કરજે.” તાત્યા ગયો એ પછી સુલોચના બેડરૂમમાં ગઈ. બળવંતની સામે કમર પર હાથ મૂકીને ઊભી રહી અને બોલી, “ભૂલી ગયા પરમ દિવસે રાત્રે ઘરમાં ચોર આવ્યો હતો એ? તાત્યાને શું કહ્યું તમે? ઘરમાં વાંદો દેખાયો હતો? ને મેં વાંદાને મારવાના બહાને તમારા પગ પર લાકડી મારી? ગયા અઠવાડિયે જ એક જણ પેસ્ટ કંટ્રોલ કરી ગયો છે, આટલી જલ્દી વાંદો દેખાયો હોય તો એની પાસે જઇને પૈસા પાછા માંગી લાવીશ.”

બળવંત ચકિત થઇને એને જોઇ રહ્યો. જાણે ભૂતને જોતો હોય. પોતે જે કંઇ જોયું એ સત્ય છે એ વાત પર એને વિશ્વાસ આવતો ન હતો.

* * *

એ દિવસે જે કંઇ બની ગયું એની પર સુલોચનાને પણ વિશ્વાસ આવતો ન હતો. બળવંત અને તાત્યા બહાર શું શું કરે છે તે એનાં ધ્યાનમાં આવતું હતું. એક વાર તો બંને જણા એક આખા અઠવાડિયા માટે બેંગકોક જઇને મઝા કરી આવ્યા હતા. પણ તે દિવસે જે કંઇ બન્યું તે છેક જ અવિશ્વસનીય હતું.

બળવંત અને તાત્યા પાસેથી હંમેશા નાનુંમોટું કરજ લેનારા દામોદરે નવો ધંધો કરવા માટે થોડુંક મોટું કરજ લીધું હતું. છ મહિનામાં એનો ધંધો ડૂબી ગયો ને એ રસ્તા પર આવી ગયો. લીધેલું કરજ લેણદારથી ના ચૂકવાય તો એનું સોનું, ઘર અથવા જમીન પોતાના નામ પર કરી લેવાનો બળવંત અને તાત્યાનો ભાગીદારીમાં ધંધો જ હતો. દામ્યાને સંદેશો મોકલ્યા પછી પણ એ ન તો આવતો હતો કે ન ઘેર પણ મળતો હતો. જમીન કે ઘર એની પોતાની માલિકીની કંઇ જ ન હતું. સોનું તો બધું પહેલેથી જ વેચાઈ ગયેલું. એક બપોરે દામ્યાની પત્ની ઘેર આવી અને પગે પડી ગઈ. બોલી, “માલક, તમારો એક રૂપિયો પણ ડૂબવા નહીં દઉં, બધું કરજ હું ફેડીશ, હું વચન આપું છું, પણ હાલ તુરંત એમને માફી આપો. તમારી બીકે ક્યાંક સંતાઈને બેઠો છે, છોકરાં ઘેર રડે છે.”

બળવંતે પૂછ્યું, “કઇ રીતે કરજ ફેડીશ તું? ક્યાંથી લાવીશ પૈસા? કેવી રીતે વિશ્વાસ મૂકવો તારી પર? સૂઈ જઈશ કે મારી સાથે?”

એ પછી બે જ દિવસમાં દામ્યો ઘેર પગે લાગવા આવ્યો હતો, કરજ માફ કર્યું એ માટે.

* * *

દામ્યો આવી ગયો એ રાત્રે સુલોચનાએ પૂછ્યું હતું, “દામ્યાનું કરજ કેવી રીતે માફ કરી દીધું તમે?” ત્યારે બળવંત બોલ્યો હતો, “જે ઘટના આપણી નજર સામે ઘટતી નથી, એના વિષે વિચારવાનું નહીં. એનાં કરતાં છોકરી દસમાંમાં ભણે છે એના અભ્યાસની ચિંતા કર.” હવે પ્રણિતી લગ્ન કરીને સાસરે ગઈ એ વાતને છ મહિના વીતી ગયાં હતાં. પણ દસ વર્ષ પહેલાંનો એ જવાબ હજી પણ સુલોચનાના કાનમાં ઘુમરાતો હતો અને એકાંતમાં એના પડઘાં મનમાં ને મનમાં હજીયે સંભળાતાં હતાં. દુઃખતા અને સૂજેલા પગવાળા સામે બેઠેલા બળવંતે એવા જ અવિશ્વાસથી સુલોચના તરફ જોઇને પૂછ્યું, “મને ગાંડો ઠેરવવાનું નક્કી કર્યું છે કે શું? તાત્યા પાસે ફાવે તેવું ગપ્પું માર્યું. કયા કારણથી આવું કાવતરું તારા ભેજામાં આવ્યું? તે દિવસે આવું થયું એટલે? એક વાર થયું એટલે કંઇ રોજ ના થાય. આટલું હસવાનું શું હતું એ વાતમાં?”

“જે સત્ય છે તે જ મેં કહ્યું છે. વાંદાની મને કેટલી બીક લાગે છે તે સહુ જાણે છે. ખોટું બોલે ત્યારે કમસેકમ ગળે ઉતરે એવું તો બોલવાનું  માણસે!”

સુલોચનાના આવા જવાબ પછી તેની તરફ ધારી ધારીને જોતાં બળવંત બોલ્યો, “આપણા વિસ્તારના બધાં ચોર-લૂંટારા પણ ઓળખે છે મને. તે દિવસે ગામમાં કોણ કોણ આવ્યું હતું તે હું જોઉં છું અને બધાંને તાત્યા સામે ઊભાં કરું છું.”

બળવંતના બોલવા તરફ ધ્યાન ના આપતાં હાથ પહેલાંની જેમ જ કમર પર રાખીને સુલોચના બોલી, “ન્યુરોલોજિસ્ટને બતાવી આવો એવું શિઘ્યે ડોકટર કહેતા હતા. માનસિક આઘાતને લીધે ક્યારેક આવું થાય એવું કહેતા હતા.”

“એની માને પરણું શિઘ્યેની તો! અરે, પગ પર લાકડી વાગી છે, કંઇ માનસિક બાનસિક થયું નથી. હું કહું છું તાત્યાને.” બળવંતનું ધ્યાન કમર પર હાથ મૂકીને ઊભેલી સુલોચનાના કાંડા પર ગયું. એટલા માટે જ સુલોચના ક્યારની જાણીજોઈને કમર પર હાથ મૂકીને ઊભી હતી. બળવંતે શંકિત ચહેરે પૂછ્યું, “ સોનાના પાટલા કેમ કાઢી નાખ્યાં? કાચની બંગડી કેમ ચઢાવી છે?” એમ બોલતાં રોષે ભરાયેલો બળવંત અજાણતામાં ઊભો થવા ગયો, એટલે પગ પર વજન આવતાં લાગેલો પીડાનો તીવ્ર ઝટકો ઠેઠ મગજમાં જતાં એની આંખ મીંચાઈ ગઈ. એ જ ક્ષણે બંગલાના ગેટ પરની ઘંટડી વાગી.

બળવંત બોલ્યો, “તાત્યા આવ્યો લાગે છે. સારું થયું.”

છદ્મ હાસ્ય કરતાં સુલોચના બોલી, “કમલાકર આવવાનો હતો, એ જ આવ્યો હશે, તાત્યા તો સાંજે આવવાનો છે.”

“આ કમલો શું કામ આવ્યો? ભગાડી મૂક સાલાને હમણાં ને હમણાં.” બળવંત ગુસ્સે થઇને બોલ્યો. બધાં સગાંવ્હાલાંમાં એકલો કમલાકર એવો હતો જેના પર બળવંતનાં પૈસા, દમામ, રુવાબ વગેરેમાંથી એક પણ ચીજનો પ્રભાવ ન હતો. “કેટલાં પૈસા ખાઇશ તું બલિયા? લોકોનાં બૈરાં તને ગાળો દે છે, શ્રાપ આપે છે. આટલાં બધાં પૈસા તું મર્યા પછી સ્વર્ગમાં સાથે લઇ જવાનો છે કે?” આવું પૂછનારો એ એક જ હતો. સુલોચનાના મનમાં એના માટે આદરભાવ હતો અને એ જયારે વ્યક્ત કરતી ત્યારે બળવંત ચીડાઈ જતો. એ બંગલે આવતો ત્યારે બળવંતની ચીડચીડ શરુ થઇ જતી. “તારા પાપો કરતાં સુલોચનાભાભીનાં પુણ્યોનું પલડું ભારે છે એટલે જ તારું ઠીક ચાલે છે.” એવું બળવંતને સંભળાવવામાં એ પાછો પડતો નહીં. “જોઉં છું, એને શું કામ છે.” એવું બોલતાં સુલોચના જતી રહી.                 

બળવંતે સૂજેલા પગ તરફ જોયું. જબરો માર વાગ્યો હતો. ના તો ઓછો થતો હતો સોજો કે ના ઓછી થતી હતી પીડા. ઘેર ચોર આવ્યો હતો કે સુલોચનાએ વાંદાના બહાને મને લાકડી મારી? શું ખરું માનવું? ખરેખર જ મને કંઇ માનસિક પ્રોબ્લેમ થયો હશે? પણ મને તો ચોક્ખું યાદ આવે છે કે વાંદાનું. તો સુલોચના જુદી જ વાત કેમ કરે છે? કે પછી એ કહે છે એવું જ બન્યું હશે અને વાંદો મારી કલ્પનાનો હશે? એના મગજમાં વિચારોની ખીચડી થઇ ગઈ. એટલામાં એને બંગડીનો રણકાર સંભળાયો. બહાર આટલી શાંતિ કેમ છે? સુલોચના અને કમલાની વાત કેમ સંભળાતી નથી? ફક્ત બંગડીનો રણકાર સંભળાય છે, ફરી ફરી. આ હરામખોર કમલો મને મળવા અંદર કેમ આવતો નથી? પગ મારો સૂજી ગયો છે અને એ બેઠો છે બહાર આની સાથે ગપ્પાં મારવા. ગપ્પાં મારવા? પણ અવાજ તો ફક્ત બંગડીનો આવે છે. શું ચાલી રહ્યું છે બહાર? મૂંઝવણ અસહ્ય થઇ પડતાં બળવંતે ઊભા થવાનો પ્રયત્ન કર્યો અને સમતુલા ગુમાવીને એ નીચે પડ્યો. પલંગની કિનારી પકડીને જેમ તેમ એ ઊભો થયો, ફરીથી પલંગમાં બેઠો અને દીવાલ સાથે પીઠ  ટેકવીને પડી રહ્યો. બંગડીનો રણકાર એના મગજમાં ગિરમિટની જેમ છિદ્ર પાડતો છેક ઊંડે સુધી ગયો. પગ પર ચઢેલો સોજો અને પીડાનો ત્રાસ હવે એને થતો ન હતો. એનામાં રહેલી બધી શક્તિ ચૂસી લીધી હતી તે દિવસે બનેલી ઘટનાની સ્મૃતિએ. અને હવે આ બંગડીઓનો રણકાર.

સુલોચના ચાનો કપ લઈને બેડરૂમમાં આવી હોઠો પરથી જીભ ફેરવતી ફેરવતી.

“શું થયું? હોઠો પર જીભ કેમ ફેરવે છે?”

“હવે શું હોઠો પર જીભ ફેરવવા માટે પણ તમારી મંજૂરી લેવી પડશે?”

“કમલો આવ્યો હતો ને?”

“હા.”

“શું ચાલતું હતું બહાર?”

“જે ઘટના આપણી નજર સામે ઘટતી નથી, એના વિષે વિચારવાનું નહીં, એવું તમે જ કહ્યું હતું ને?”

“બંગડીઓનો રણકાર કાન પર પડતો હતો સતત.”

“નવવારી પૈઠણીઓનો આવેલો નવો માલ લઈને આવ્યો હતો કમલાકર. પૈઠણીઓ ખોલીને જોવાની,  શરીરે વળગાડીને જોતાં બંગડીઓનો અવાજ તો આવવાનો જ ને?”

“તો પછી એ અંદર કેમ ના આવ્યો મને મળવા?”

“એક તો બળીનો પગ દુઃખતો હોય, એમાં મને જોઇને એનો પારો હજી વધારે ચઢી જશે, એવું એ બોલ્યો.”

ચાનો ખાલી કપ લઈને અંદર જતી સુલોચનાની પીઠ દેખાઈ ત્યારે તેની નવવારીનો કચ્છો બરાબર ખોસાયો નથી એવું લાગતાં બળવંત ચોંક્યો. ઘાંટો પાડીને એ બોલ્યો, “પેલી બંગડીઓ કાઢીને મૂકી દે ને પાટલા પહેરી લે. મારું માથું દુઃખે છે એના અવાજથી.”

પાછળ જોઇને “ઠીક, કાઢું છું.” બોલતાં સુલોચના જતી રહી. બળવંતે કમલાકરને ફોન લગાડ્યો.

“કમલા, ઘેર આવ્યો ને બે મિનીટ માટે મને મળ્યો પણ નહીં?”

“જા જા હવે, તારે ઘેર હું ક્યારે આવ્યો હતો?”

“હમણાં આવ્યો હતો ને આને પૈઠણીઓ બતાડવા?”

“શું મજાક કરે છે, ભાભી જ આવવાની હતી દુકાનમાં પૈઠણીઓ જોવા. તારો પગ કેમ છે? કહે છે કે ચોર ઘુસ્યો હતો ઘરમાં? એ તો સારું થયું તારા હાથમાં ના આવ્યો, જીવતો જ રહ્યો ના હોત બિચારો!”

બળવંતે ફોન કટ કર્યો ને ઘાંટો પાડ્યો, “સુલે...અહીંયા આવ હમણાં ને હમણાં!”

સુલોચના દોડતી આવી.

“કેમ, શું થયું?”

“તેં કહ્યું ને કે કમલો હમણાં આવીને ગયો?”

“લે, હું ક્યારે એવું બોલી? તમને થયું છે શું?”

દાંત નીચે હોઠ ચાવતાં બળવંતે ઘાંટો પાડ્યો, “મને ગાંડો કરી મૂકીશ તું! સુલે, તમારા બંનેનું શું ચાલતું હતું બહાર?”

આંખ લૂછતાં લૂછતાં સુલોચનાએ બળવંતની સામે જ તાત્યાને ફોન લગાડ્યો. “તાત્યા, જો ને આ કેવું કરે છે...તું ઘેર આવ જલ્દી મારા બાપ.”

* * *

બળવંત એક વાર સુલોચનાને લઈને ફાર્મહાઉસ પર ગયો હતો. ત્યાં રાત્રે એણે કોઈક ગંદી સીડી ચાલુ કરી અને જિદ કરી, “આપણે પણ આવું કરીએ.” સુલોચનાને એ જોઇને જ ચીતરી ચઢી. એ બોલી, “મરી જાઉં તો પણ હું નહીં કરું આવું.” “તો પછી આજે હું તને મારી જ નાખું છું.” બોલતાં બોલતાં ખૂણામાં પડેલો તાજી શેરડીનો સાંઠો ઉપાડીને એણે સુલોચનાને ઝૂડી નાખી અને એવી અવસ્થામાં જ ઈચ્છાપૂર્તિ કરી લીધી. પછી એને સોડમાં લઈને બોલ્યો, “તને આટલું વૈભવી જીવન આપ્યું, સમૃદ્ધ સંસાર આપ્યો, કોઇ વાતે ખોટ નથી, માન-સન્માન મળ્યું છે. આમ છતાં મને તું ના કઇ રીતે પાડી શકે છે? વિનાકારણ તું મારા હાથનો માર ખાય છે.”  

ઘેર પહોંચ્યા પછી હાથ અને પેટ પર ઉપસેલાં જખ્મો પર પ્રણિતીએ લેપ લગાવી આપ્યો હતો. છોકરી એન્જીનિયરિંગનું ભણતી હતી, કંઇ પણ ન કહેતાં તેને બધું સમજાતું હતું. છ મહિના પહેલાં દીકરી પતિ સાથે પૂણે ગઈ. એને સોફ્ટવેરવાળો પતિ મળ્યો હતો. ઘર સૂનું થઇ ગયું. બે દિવસ પહેલાં એનો ફોન આવેલો ત્યારે કહેતી હતી, “આઈ, તારો સંસાર જોઇને મને લગ્નનો ડર લાગતો હતો. પણ રાહુલ પપ્પા જેવો નથી. હું તારા માટે કંઇ જ કરી શકી નહીં એનું મને ખૂબ જ સાલે છે.” સુલોચનાએ ફોન પર જ એની પપ્પી લીધી. દીકરીને બસના દરવાજામાંથી ઊતરી પડવા જેવું લાગતું નથી એમાં જ એને સંતોષ થયો.        

* * *

ચાર દિવસ પહેલાં સત્તાવીસમી લગ્નગાંઠ ઉજવાઈ. દીકરી-જમાઈએ ઓનલાઈન શુભેચ્છાઓ આપી. તાત્યા બંનેને બહાર જમવા લઇ ગયો. રાત્રે બળવંતે સુલોચનાના અંગ પર પગ નાખીને એને ખેંચી લીધી. સુલોચનાએ કહ્યું, “આજે નહીં, બહાર બેઠી છું.” બળવંત ચીડાઈને બોલ્યો, “તને કારણ જ જોઇતું હોય છે.” એટલું બોલીને એ અટક્યો નહીં. કચ્છા પર હાથ નાખીને જ જંપ્યો. હીરામાણેકની ચાદર ઓઢીને આવેલી સત્તાવીસ વર્ષની ગુલામી એની આંખોમાંથી વહેવા લાગી. બળવંત એના કામે લાગ્યો પણ થોડી વારમાં જ અંધારામાં એનો કંટાળેલો અવાજ આવ્યો, “એની માને, આ શું થાય છે આજે?” બળવંતે ઘણાં પ્રયત્ન કરી જોયા, આમ કર, તેમ કર કહેતાં કહેતાં સુલોચનાની મદદ પણ લઇ જોઇ. પણ એક વાર એ ક્ષણ ગઈ તે ગઈ. એના પ્રયત્નો પૂરાં થઇ ગયાં છે એનો ખ્યાલ આવતાં સુલોચના પલંગમાં બેઠી થઇ, હાથ લંબાવીને લાઈટ કરી અને બળવંત સામે જોઇને જે હસવા માંડી, કેટલીય વાર સુધી એ અવિરત હસતી જ રહી. “તું ગાંડી થઇ ગઈ કે શું, હવે તારું ગળું જ દબાવી દઈશ, દાંત શેના કાઢે છે?” એવું એ પૂછતો રહ્યો. છેવટે મડદાલ ચાલે એ બીજા ઓરડામાં સૂવા જતો રહ્યો. એ પછી ચાર પાંચ દિવસ એ સુલોચના જોડે બોલ્યો જ ન હતો. પણ સુલોચના ખુશ હતી. એણે ખૂબ મોકળાશ અનુભવી.

કાલે રાત્રે કામ કરતાં કરતાં એ ગણગણતી હતી, “બુગડી માઝી સાંડલી ગ જાતા સાતાર્યાલા...ચુગલી નકા સાંગુ ગં કુણી માઝ્યા મ્હાતાર્યાલા...”* ગીત સાંભળીને બળવંતને ગુસ્સો આવ્યો, “સાલી રાંડ, મને મ્હાતારો કહે છે? તે દિવસે કેટલું ખડખડ હસતી હતી? અડધી રાતે તને ઘરની બહાર કાઢી મૂકીશ...મને સમજે છે શું તું?”

સત્તાવીસ વર્ષ રાતદિવસ આ ઘર માટે સુલોચના બનીને રહ્યા પછી પણ અહીંયા મારું કંઇ જ નથી? હું કોઇ છું જ નહીં? કોઈ જ ચીજવસ્તુ પર મારો હક નથી? આજે પણ આ માણસ મને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપે છે? સુલોચનાના મગજમાં ચીડ, આક્રોશ બધું જ ભેગું થઇ ગયું. ખૂણે મૂકેલી લાકડી પર  ક્યારે એનો હાથ પડ્યો, ક્યારે એ લાકડી ઊંચકાઈ તે એના ધ્યાનમાં આવ્યું જ નહીં. બધું જોર એકઠું કરીને બળવંતની દિશામાં એણે મારેલો ફટકો એના ઘૂંટણ નીચે સટ્ટાક કરીને લાગ્યો. અચાનક લાગેલા ફટકાને લીધે બળવંત પીડાથી ટળવળતો નીચે પડ્યો. સુલોચના દોડીને એની પાસે ગઈ અને બોલી, “હે ભગવાન, હું તો વાંદાને મારતી હતી, તમે ક્યાંથી વચ્ચે આવી ગયા?”

* * *

“તાઈ, મેં માનશિંદેની એપોઇન્ટમેન્ટ લીધી છે. હું જાણું છું કે બળી સહેલાઈથી એની પાસે નહીં આવે. તું એકલી જ આવ, ડોક્ટરને બધી વાત કર. પછી આપણે જોઈએ સારવાર માટે બળીને કેવી રીતે તૈયાર કરવો તે.” તાત્યાના અવાજમાં બળી માટેની ચિંતા ભારોભાર હતી.

નવી કોરી સાડી લઈને સુલોચના બેડરૂમમાં ગઈ. બળવંતની સામે જ એ સાડી બદલવા લાગી. એ જોઇને બળવંત ચીડાઈ ગયો ને બોલ્યો, “જાણીજોઈને મારી સામે તું લૂગડું બદલે છે ને? ક્યાં ચાલી તું?” સુલોચનાએ એની તરફ ધ્યાન આપ્યું જ નહીં. સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને આરામથી એણે સાડી પહેરી. સાડી પહેરતી વખતે એ બળવંત તરફ જોતી હતી અને તેના ચહેરા પર એની ખિલ્લી ઉડાવતી હોય એવું નફિકરું હાસ્ય હતું. તેના એ હાસ્યથી ગાંડો થઇ ગયો હોય એમ બળવંત બૂમો પાડવા લાગ્યો, “ચોર આવ્યો હતો, એણે લાકડી મારી. ના, ના, વાંદો જ આવ્યો હતો...ને પેલો કમલાકર શું કામ આવ્યો હતો?”

બળીને એમ જ બડબડતો મૂકીને સુલોચના બંગલાની બહાર નીકળી. રાક્ષસનો જીવ પોપટમાં હોય છે એવી બાળવાર્તા એણે નાનપણમાં સાંભળી હતી, અને રાક્ષસનો જીવ પોપટમાં હોવાની આ એડલ્ટ વાર્તા એ પોતે હવે અનુભવતી હતી. બસનો દરવાજો ખોલીને નીચે ઊતરી જવાની હવે જરૂર ન હતી. ભરચક ગરદીમાં એણે મુક્ત શ્વાસ લીધો હતો. સુલોચનાની જેમ એણે છેડો માથા પર ઓઢ્યો અને એ કારમાં બેઠી એટલે ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરી.

###

* ડોહાળે=ગર્ભવતી સ્ત્રીને અવનવી વાનગી આરોગવાની ઈચ્છા થતી હોય છે. એના સીમંત પ્રસંગે એની એવી ઈચ્છા પિયરના સ્વજનો પૂરી કરતાં હોય છે. મહારાષ્ટ્રમાં એ વિધિને “ડોહાળે પૂરવણે” કહે છે.    

* બુગડી માઝી સાંડલી ગ જાતા સાતાર્યાલા...ચુગલી નકા સાંગુ ગં કુણી માઝ્યા મ્હાતાર્યાલા.= એક મરાઠી ફિલ્મનાં ગીતની પંક્તિ. બુગડી એટલે કાનની રિંગ, કડી. યુવાન સ્ત્રીનો પતિ મોટી વયનો હોય તો મોટે ભાગે પત્ની પર શંકા કર્યા કરતો હોય. નાયિકા કહે છે કે રસ્તામાં મારી રિંગ પડી ગઈ છે પણ મારા પતિ પાસે કોઇ ચાડી ખાશો નહીં. એ શંકા કરશે કે એ રિંગ મેં મારા કોઈ પ્રેમીને આપી દીધી છે. 

###         

 (“વારેવા” સામયિકના ડિસેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રગટ થઈ.)             

 

      

8 comments:

Anonymous said...

જોરદાર છે ભાઈ, અભિનંદન. કમલાકર અને બળી ને સામ સામે લઈ આવ્યા હોત તો જબરા સંવાદો રચવાની તક હતી લેખક પાસે, ખેર, આપનો અનુવાદ સરસ અને સરળ છે વાંચવામાં. આભાર

DASHRATH PARMAR said...

ખૂબ સરસ, કિશોરભાઈ. સુંદર અનુવાદ.

Anonymous said...

આ વાર્તા અંકમાં પણ વાંચેલી...દામ્પત્યની નઠોરતાનું નિર્મમ ચિત્રણ...અદભુત અનુવાદ...વાહ,કિશોરભાઈ...

Anonymous said...

વાહ અદભૂત👍

Anonymous said...

મરાઠીમાંથી એટલો સરસ ભાવાનુવાદ!!!
બધાં પાત્રો એટલાં જીવંત કે વાંચતાં વાંચતાં તાદૃશ્ય લાગે.
ખરેખર અપ્રમાણિકતાના રુપિયા અને એનાથી બનાવેલ ભૌતિક એશોઆરામનાં સાધનોથી સાચું, સુખી, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ગૃહસ્થ જીવન ના જ જીવી શકાય.

Anonymous said...

વાહ, આનંદ આનંદ...સરસ અનુવાદ થી વાર્તા માણી શકાઇ.અભિનંદન કિશોરભાઈ.

Anonymous said...

ધ.શ્રી.

Anonymous said...

વાહ.. સુંદર વાર્તા .. સુંદર અનુવાદ.. 👍