Saturday, 3 September 2022

શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૭૮ શબ્દો)

એક દબાયેલી વાતની વાર્તા (અશ્વિની બાપટ):

અંગત જીવનમાં કોને કેટલી હદ સુધી નજીક આવવા દેવા? પ્રસ્તુત વાર્તામાં નાયિકા અત્યંત નાજુક સ્થિતિમાં મૂકાઇ જાય છે.           

નાયિકા અને  એના બોસના પરિચિત મનોહરભાઈ વચ્ચે સમાનતા એ છે કે પોતપોતાના જીવનસાથી ગુમાવ્યા પછી બંને જીવનમાં એકલતા અનુભવી રહ્યા છે. નાયિકાના એકપક્ષી પ્રેમમાં પડેલા મનોહરભાઈ નાયિકાને સોનાના દાગીના જબરદસ્તીથી ભેટ આપે છે. નાછૂટકે સ્વીકારેલાં એ દાગીના નાયિકા માટે એક જવાબદારી બની જાય છે. દાગીના પાછા આપી દઈ વાત પૂરી કરવાનું નાયિકા નક્કી કરે ત્યાં તો દાગીનાની બેગ ચોરાઈ જાય છે. દાગીનાની કિંમત જેટલાં નાણાં ભેગા થાય તે પહેલાં મનોહરભાઈનું મૃત્યુ થઇ જાય છે અને નાયિકા હિસાબ બરાબર કરી શકતી નથી. નાયિકા લેખક હોવાથી આ વિષે વાર્તા લખી  કાઢયા પછી પણ આ અનુભવની પીડામાંથી એ બહાર આવી શકતી નથી.

ઓફિસનો બોસ નિશાંત, દીકરો અને બહેનપણી કિન્નરી એમ ત્રણે ગૌણ પાત્રોનો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ. ચુસ્ત લેખનનો ઉત્કૃષ્ટ નમૂનો. બેનમૂન વાર્તા.         

તા.ક. આ વાર્તા આ અગાઉ પરબના સપ્ટેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આવું આપણા સામયિકોમાં અવારનવાર થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે માટે એની ચર્ચા ના કરતાં મારે એક બીજી વાત કરવી છે.

પરબ અને શબ્દસૃષ્ટિ બંનેમાં પ્રકાશિત પાઠમાં ઘણો ફરક છે. આપણે જાણતા નથી કે કયો પાઠ પહેલાં લખાયો હશે અને કયો પછી. અંગત રીતે મને શબ્દસૃષ્ટિમાંનો પાઠ વધુ ગમ્યો છે. ખાસ કરીને આમાં અંત સારો થયો છે. બંને પાઠમાં નાયિકા એવી લાગણી અનુભવે છે કે દુનિયાની નજરે મનોહરભાઈના મૃત્યુ સાથે વાત પૂરી થઈ ગઈ પણ એમાં પોતાનો જે ભાગ હતો એની પીડા કાયમ રહેશે. પરબમાં પ્રગટ થયેલા પાઠના અંતમાં નાયિકા એવું વિચારીને રાહત મેળવે છે કે જેમ પૈસા લઈને કોઈની આત્મકથા લખી આપી એમ દાગીના રાખીને કોઈની લાગણીઓને માન આપ્યું એવું સમજવું. શબ્દસૃષ્ટિમાં પ્રસ્તુત પાઠમાં નાયિકા કબૂલ કરે છે કે આ અનુભવ પરથી વાર્તા લખી કાઢયા પછી પણ એની ગૂંગળામણમાંથી મુક્તિ મળી નથી.  

છિન્ન ખાપ (પ્રિયંકા જોશી):  અદાલતમાં ચાલતા હત્યાના એક કેસમાં જે આરોપી છે તે ન્યાયાધીશનો પૂર્વપરિચિત યુવાન છે. તપાસ કરતાં એને જાણવા મળે છે કે બે જોડિયા ભાઈમાંનો એક અકસ્માતે ગુજરી ગયો તેની બીજા ભાઈ પર માનસિક અસર થયેલી છે. માબાપ હયાત હોવા છતાં એક માનસિક બીમાર અને સમાજ માટે જોખમી યુવાન વીસ વીસ વર્ષ છૂટો ફરે તે વાત ગળે ના ઊતરે એવી છે. અતાર્કિક વાર્તા.       

હિસ્સો (યોગેશ પંડયા ):  વ્યર્થતાની લાગણી.   ઘર ચલાવવામાં પતિને મદદ કરવા નાયિકા ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરીમાં જોડાય છે. ફરજના ભાગ રૂપે એણે બીજા શહેરમાં હોસ્ટેલમાં રહેવું પડે છે.  ઘર સહિત એના પતિ અને બાળકોને એની નણંદ સાંભળી લે છે. રજાઓમાં ઘેર આવ્યા બાદ એ અનુભવ કરે છે કે ઘરમાં એની ગેરહાજરી કોઈને સાલી નથી, જાણે એ આ ઘરનો હિસ્સો ક્યારેય ન હતી.

--કિશોર પટેલ, 04-09-22; 09:20        

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 


No comments: