મમતા જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૮૭૮ શબ્દો)
પ્રસ્તુત અંક ભારતીય ભાષા વિશેષાંક છે અને એના નિમંત્રિત
સંપાદક છે વિરાફ કાપડિયા.
ગુપ્ત વાતો (શૌકત હુસેન શોરો લિખિત મૂળ સિંધી
વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): પતિ-પત્ની વચ્ચે મીઠી નોંકઝોંક.
મૂળ વાર્તા સિંધી હોય ત્યારે એના અનુવાદમાં સિંધી બોલીભાષાના
અમુક શબ્દો આવે એ હજી સમજાય, પણ આખી વાર્તા પારસી બોલીમાં? મૂળ વાર્તા પારસી
બોલીમાં હોય તો તેનું સ્વાગત પણ સિંધી વાર્તા પારસી બોલીમાં? આવું શા માટે? આમ કરવા
પાછળનો તર્ક ના સમજાયો.
પાણીનું ઝાડ (કૃષ્ણચંદર લિખિત મૂળ ઉર્દુ વાર્તા,
અનુવાદ: વિરાફ કાપડિયા): સંપૂર્ણ વાર્તા
વ્યંજનામાં લખાઈ છે. અંગ્રેજો પાસેથી સ્વાતંત્ર્ય મળ્યા બાદ દેશની રાજકીય અને
સામાજિક સ્થિતિ અંગે તેમ જ શ્રમિકોની સ્થિતિ અંગે વાર્તામાં મહત્વનું વિધાન થયું છે.
લાલ સપનાંની વાત એટલે કમ્યુનિસ્ટ વિચારધારાની વાત થઈ છે.
બાલક્રીડા (અનુવાદ વિરાફ કાપડિયા): મૂળ હિંદી ભાષાની આ વાર્તાના લેખક કોણ હોઈ શકે એ વિષે
અંદાજ લગાવવાનું સામયિકે વાચકોને આહવાન કર્યું છે.): નદીકિનારે રમતાં બાળકોનું શબ્દચિત્ર.
સહપાઠી (સત્યજીત રાય લિખિત મૂળ બંગાળી વાર્તા,
અનુવાદ: વિરાફ કાપડિયા): અવિશ્વાસ. બદલાતા સમયની વાત. આજે માણસજાતમાં એકમેક
પ્રત્યેના વિશ્વાસમાં ખોટ આવી છે. સહુ એકબીજાને શંકાથી જુએ છે. શ્રીમંત માણસ ગરીબ
જણાતા માણસને શંકાની નજરથી જુએ છે. આ માણસ સાચું કહેતો હશે? એ છળકપટ નહીં કરતો હોય
એની શું ખાતરી?
સ્કુલમાં સહપાઠી હોવાનો દાવો કરનારા આગંતુકને વાર્તાનો નાયક
મોહિત શંકાથી જુએ છે. ત્રીસ વર્ષ પછી મળેલા માણસમાં પેલા સહપાઠીના કોઈ જ અણસાર એને
દેખાતાં નથી. આગંતુક આર્થિક મુશ્કેલીમાં હોવાનું કહીને મદદ માંગવા આવ્યો છે. મોહિત
સીધી ના પાડી શકતો નથી એટલે એને ઘરમાં રોકડ નથી એવું બહાનું કરે છે. રવિવારનો
વાયદો કરીને એ એને વિદાય કરી દે છે. પણ પેલો
સહપાઠી પીછો છોડતો નથી. નિયત દિવસે મુલાકાત ના થવાથી પછીના દિવસે એને પોતાને
મુશ્કેલી હોવાથી એ પોતાના પુત્રને મોકલે છે. સહપાઠીના પુત્રને જોયા પછી મોહિતનું
હ્રદયપરિવર્તન થઈ જાય છે.
ટૂંકી વાર્તા માટે એક ઉક્તિ જાણીતી છે: શો, ડોન્ટ ટેલ.
સત્યજીત રાયની આ વાર્તા એટલે સારી વાર્તાનો એક ઉત્તમ નમૂનો.
નાયકના મનોભાવોનું આલેખન શબ્દોમાં થયું નથી, એનું આકલન એના સંવાદો પરથી કરી શકાય છે.
સરસ વાર્તા.
પાંજરામાં લીલા પોપટ (ગોપી ગૌબા લિખિત મૂળ અંગ્રેજી
વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): ભાગલા પછી દેશમાં વિવિધ ઠેકાણે થયેલાં કોમી રમખાણોની
પૃષ્ઠભૂમિમાં રચાયેલી વાર્તા. સહુ સલામત સ્થળે વસવાટ કરવા ઘરબાર છોડીને જઈ રહ્યાં
છે. એક શ્રીમંત હિંદુના ઘરમાં મુસ્લિમ નોકરો છે. આ પરિવારના સભ્યો પણ સ્થળાંતર
કરવાના છે. મુસ્લિમ બહુમતીવાળું શહેર છોડીને જતાં પહેલાં પિંજરામાંનાં પોપટને
મુક્ત કરવાની વાત કરીને લેખક કદાચ કહેવા માંગે છે કે ઘરના મુસ્લિમ નોકરોને મુક્ત
કર્યા. સરસ વાર્તા.
ડાયનાસોરનું બચ્ચુ (ઈ.હરિકુમાર લિખિત મૂળ મલયાલમ
વાર્તા, અનુવાદ: હસમુખ કે. રાવલ): એક બાળકના સ્વપ્નાની
વાત. એને સ્વપ્નું આવે છે કે ડાયનાસોરનું બચ્ચુ એની જોડે રમવા આવે છે. એના પિતા
અનેક સાંસારિક, વ્યવહારિક મુશ્કેલીઓમાં ફસાયેલા હોવા છતાં એના બાળસહજ પ્રશ્નોના
ઉત્તરો આપવાના પ્રામાણિક પ્રયાસો કરે છે. સરસ વાર્તા.
નિયમિત સ્તંભ:
૧. રાગ શસ્ય શ્યામલા વિભાગમાં સુનીલ ગંગોપાધ્યાય લિખિત
બંગાળી વાર્તા “નિર્માણ-ક્રીડા” (અનુવાદ: સંજય છેલ):
આ એક પ્રયોગાત્મક વાર્તા છે. એક વાર્તાની સામગ્રી અને
લખાણની પૂર્વતૈયારીની રજૂઆત થઈ છે. અમલ નામના એક મધ્યમવર્ગીય યુવાનની વાત થાય છે
જેના પરિવારજનો જોડેના સંબંધો તંદુરસ્ત નથી.
૨. રાગ ગગનવિહંગા વિભાગમાં આઈઝેક અસીમોવની મૂળ અંગ્રેજી
વાર્તા “અબજો વર્ષ બાદ” (અનુવાદ: યશવંત મહેતા):
વાર્તામાં એવી કલ્પના થઈ છે કે અબજો વર્ષો પછી માનવશરીર
આજના જેવું રહ્યું નહીં હોય. કદાચ કોઈ આકાર નહીં હોય, હશે કેવળ એક ઊર્જા. એવા સમયે
એક જીવને બીજા એક જીવની સ્મૃતિ થાય છે અને એ સ્મૃતિના આધારે એનો આકાર રચવા માંડે
છે. આ પ્રક્રિયા દરમિયાન પાત્રને અનુભવ થાય છે કે આંખો જોવા ઉપરાંત વિશેષ કંઈક કરે
છે, અને તે છે અશ્રુ દ્વારા લાગણીની અભિવ્યક્તિ.
ભિન્ન ભાષાઓની વૈવિધ્યપૂર્ણ વાર્તાઓનો રસથાળ પ્રસ્તુત કરવા
બદલ મમતા વાર્તામાસિક અને આમંત્રિત સંપાદક વિરાફ કાપડિયા બંને આભાર અને અભિનંદનના
અધિકારી છે.
આપણા લેખકોની એક વિશેષ આવડત: ભગિની ભાષાઓની
જાણકારી!
મમતા વાર્તામાસિકના આ અંકમાં કુલ આઠ વાર્તાઓમાં બે અંગ્રેજી
અને એક હિન્દી ઉપરાંત અન્ય ચાર ભાષાઓની કુલ પાંચ વાર્તાઓ રજૂ થઈ છે. આ પાંચ
વાર્તાઓમાંથી એક ઉર્દુ, એક બંગાળી, અને એક સિંધી એમ ત્રણ ભાષાઓની વાર્તાઓના અનુવાદ
વિરાફ કાપડિયાએ કર્યા છે. બંગાળી ભાષાની એક વાર્તાનો અનુવાદ સંજય છેલે કર્યો છે. મલયાલમ
ભાષાની એક વાર્તાનો અનુવાદ હસમુખ કે.રાવલે કર્યો છે.
આપણા લેખકોને ઉર્દુ, બંગાળી, સિંધી અને મલયાલમ જેવી ભાષાઓની
જાણકારી છે એ જાણીને અત્યંત હર્ષની લાગણી થાય છે! આ ત્રણે લેખકોને વંદન અને
હાર્દિક અભિનંદન!
સામાન્ય રીતે દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી વિવિધ ભારતીય
ભાષાઓના પ્રતિષ્ઠિત વાર્તાકારોની વાર્તાઓના અનુવાદ હિન્દી તેમ જ અંગ્રેજી ભાષામાં
કરાવીને પ્રગટ કરતાં હોય છે અને એ રીતે એ વાર્તાઓ દેશ-વિદેશમાં પહોંચતી હોય છે. એ
પછી સમયાંતરે હિન્દી અથવા અંગ્રેજી અનુવાદોના આધારે એના અનુવાદ અન્ય ભારતીય
ભાષાઓમાં થતાં હોય છે. આ સ્થિતિમાં જે ભાષાના અનુવાદની મદદ લેવાઈ હોય એ ભાષા અને અનુવાદકને
પણ શ્રેય આપવું જોઈએ.
મમતાના લેખકોને જે તે ભાષા આવડતી હોય તો સારી વાત છે પણ જો
એમણે હિન્દી/અંગ્રેજી અનુવાદની મદદ લીધી હોય તો એનો ઉલ્લેખ એમણે કરવો જોઈતો હતો.
અફસોસ, અહીં આમ થયું નથી. જો કે આપણા સામયિકોમાં આવું પહેલી વાર થયું નથી. મૂળ
લેખકને યશ આપ્યો એટલે ફરજ પૂરી થઈ ગઈ એવી એક માન્યતા આપણે ત્યાં રૂઢ થયેલી છે. વચ્ચે
રહેલા અનુવાદકોનું શું? એમના પ્રદાનની
અવગણના શા માટે? શા માટે એમને taken for
granted લેવામાં આવે છે? માફ કરજો, પણ આ સદગૃહસ્થોની રીત નથી.
--કિશોર પટેલ, 16-08-22; 09:36
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment