નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૨ અંકની વાતાઓ વિષે નોંધ
(૪૯૬ શબ્દો)
નોંધની શરૂઆત કરીએ આવનારા સમયની એક વાર્તાની વાતથી.
અજાણ્યો અતીત (ગીતા માણેક):
જીત લગ્નસંસ્થામાં માનતો નથી. બે-ત્રણ સ્ત્રીમિત્રો
જોડે એના સંબંધો થયાં છે, પણ કોઈની જોડે એ બંધાયો નથી. અચાનક એક દિવસ અમેરિકાથી
આદિત્ય નામનો એક યુવાન એની સામે આવીને ઊભો રહે છે. અસલ જીતની જ પ્રતિકૃતિ! યુવાનીમાં એક વાર પૈસા માટે વીર્યદાન કરીને જીત
ભૂલી ગયેલો. એ વીર્યદાનનું પરિણામ એટલે આદિત્ય! અલબત્ત, આદિત્યનો કોઈ કાનૂની દાવો
વગેરે ઝંઝટ નથી, ફક્ત, બાયોલોજિકલ પિતા જોડે એક મુલાકાત!
કાયદાકીય રીતે સ્પર્મ ડોનરનું નામ ગુપ્ત રખાય છે, આદિત્યને
એ નામ કેવી રીતે જાણવા મળ્યું એની યોજના વાર્તાકારે ઘણી ચતુરાઈપૂર્વક કરી છે.
જીતને આદિત્ય વિષે વધુ જાણવાની ઉત્કંઠા થાય છે પણ હેતુ
સિદ્ધ થઇ ગયા પછી આદિત્ય જીતને દાદ આપતો નથી. જીતની વિંનતી ઠુકરાવીને એ જતો રહે છે
એ થોડુંક વિચિત્ર લાગે છે. પોતાના બાયોલોજીકલ પિતા સાથે આદિત્ય થોડોક ગુણવત્તાસભર
સમય અવશ્ય વીતાવી શક્યો હોત. અહીં વાર્તાકાર કદાચ એવું કહેવા માંગે છે કે કોઈની
જોડે સંબંધો ના વિકસાવવાની જીતની લાક્ષણિકતા આદિત્યમાં ઊતરી આવી છે.
કલ્પનામાં નાવીન્ય! ભવિષ્યની સમસ્યાઓ વિષે લેખકની આ એક
મહત્વની આગાહી ગણી શકાય. નોંધનીય વાર્તા!
વેલકમ હોમ (વર્ષા અડાલજા):
“પતિ, પત્ની ઔર વોહ” ફોર્મ્યુલા. ગામડામાં રહેતી નિરાધાર
વિમળા કારકિર્દી બનાવવા શહેરમાં પરિણીત બહેનપણી સ્મિતાને આશરે આવે છે. હવે સંજોગો
એવા ઊભા થાય છે કે વિમળાના કારણે સ્મિતા પોતાના લગ્નજીવનમાં અસુરક્ષા અનુભવવા
માંડે છે. વિમળા અને સ્મિતા બંનેના મનોભાવોનું આલેખન
ઝીણવટભર્યું થયું છે.
જૂનો વિષય, પારંપારિક રજૂઆત.
મથામણ (બાદલ પંચાલ):
ગૂઢકથા. વાર્તાનો નાયક સંકેત દૈનંદિન જીવનથી કંટાળીને જંગલમાં
જતો રહે છે. અહીં રાત્રે તેને એક અલૌકિક દુનિયાનું દર્શન થાય છે જ્યાં નાનકડી કીડી
બળવાન હાથીને ઊંચકીને ફંગોળી દેતી હોય તેમ જ એક ડોસી સો ઘડા માથે મૂકીને પાણી ભરવા
જતી હોય. સવારે એ વાસ્તવિક જગતમાં પાછો ફરે છે. ત્યાર પછી રોજ દિવસ અને રાત બે
જુદાં જુદાં જગત વચ્ચે એ અટવાયા કરે છે.
તર્કની પેલી પારની દુનિયાનું ચિત્રણ.
બૂમ (મોના જોશી):
બોધકથા.
“તમારી બૂમ સાંભળીને ભાગી જનારાંની સંખ્યા કરતાં દોડી
આવનારાની સંખ્યા વધુ હોવી જોઈએ.”
વાર્તાનો નાયક એક નિવૃત્ત શિક્ષક છે. કરિયાણાની દુકાને
ખરીદી કરવા ગયેલા નાયકની હાજરીમાં એક ગુંડો દુકાનમાલિક પાસે હપ્તો માંગવા આવે છે.
યોગાનુયોગે એ ગુંડો નાયકનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય. બંને વચ્ચે સંવાદ થાય. નાયક
એને ઉપરોક્ત ઉપદેશ આપે છે.
નિવૃત્ત શિક્ષક અને ગુંડા વચ્ચેના સંવાદનું આ દ્રશ્ય અસહજ
અને નાટકીય લાગે છે. પણ આવું બની શકે કારણ કે આ ગુંડો જયારે વિદ્યાર્થી અવસ્થામાં
ગરીબ અને નિર્બળ હતો ત્યારે તોફાની છોકરાંઓ એને પજવતાં. એવે સમયે આ જ શિક્ષક એની
ઢાલ બની રહેતા. એટલે શિક્ષકની ઓળખાણ પડયા પછી ગુંડો સ્થળકાળનું ભાન ભૂલીને પોતાની
સફાઈ આપવા માંડે છે. બીજા કોઈ પણ ગુંડાએ શિક્ષકને ઓળખ્યા છતાં ઓળખવાની ના પાડી
દીધી હોત. બહુ બહુ તો દુકાનદારને દમદાટી આપી હોત કે અમારા માસ્તરસાહેબનું ધ્યાન
રાખજો નહીં તો જોઈ લઈશ.
--કિશોર પટેલ, 06-08-22; 10:23
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment