Wednesday, 24 August 2022

વારેવા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૭૬ શબ્દો)

ફકિંગ ડેથ (અશ્વિની બાપટ):

કૌટુંબિક જીવનમાં સરિયામ નિષ્ફળ ગયેલા એક આદમીની વાત. રજૂઆતમાં ક્થકનું રહસ્ય સરસ જળવાયું છે. એવું લાગે કે પતિ-પત્ની વચ્ચે સંવાદની કોઈ ભૂમિકા રહી નથી. આ વાત બીજી રીતે છેક અંતમાં ખૂલે છે. વાચકને સાદ્યંત જકડી રાખે એવી જડબેસાલક રજૂઆત.  નાયકની નિષ્ફળતા અને હતાશાનું પ્રભાવી આલેખન.    

વાર્તામાં શીર્ષક સહિત અપશબ્દોની હાજરી છે. ગુજરાતી ટૂંકી વાર્તામાં કદાચ પહેલી વાર આ રીતે આ અપશબ્દોનો પ્રયોગ થયો છે. મરાઠી સાહિત્યમાં આવા અપશબ્દોની નવાઈ નથી. આ બદલાતા પ્રવાહની નોંધ લેવી રહી.

આ લખનાર આ અપશબ્દોને ટેકો પણ નથી આપતો અને એનો વિરોધ પણ નથી કરતો. હા, થોડાંક પ્રશ્નો જરૂર ઊભા કરે છે જેથી કરીને આપણે સહુ આ વિષે વધુ સ્પષ્ટ થઈ શકીએ.

પ્રશ્ન એ છે કે શું આ અપશબ્દો અનિવાર્ય હતાં? મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક સમયે ખૂબ ગાજેલા વિજય તેન્ડુલકર લિખિત મરાઠી નાટક “ગિધાડે” માં નાયકના પાત્રાલેખન માટે એના સંવાદોમાં અપશબ્દો અનિવાર્ય હતાં, શેખર કપૂરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હિન્દી ફિલ્મ “બેન્ડિટ કવિન” માં ચંબલની ખીણનું વાતાવરણ રચવા માટે તેમ જ અન્ય પાત્રો સહિત નાયિકા ફૂલનદેવીના પાત્રાલેખન માટે સહુ દ્વારા બોલાતાં અપશબ્દો અનિવાર્ય હતાં. એ રીતે જોઈએ તો પ્રસ્તુત વાર્તામાં આ અપશબ્દો શું ખરેખર અનિવાર્ય જણાય છે?

સ્પષ્ટ છે કે સાહિત્યનો હેતુ સમાજમાં સંસ્કારસિંચનનો ક્યારેય ન હતો. સાહિત્યકૃતિમાં વાસ્તવિકતાનું નિરૂપણ આવકાર્ય છે. ગામડાંની તળપદી બોલીનું દસ્તાવેજીકરણ જો આપણા સાહિત્યમાં થઈ શકતું હોય તો માણસની ભાષાના ઉદ્ગમ જોડે જ સંકળાયેલી ગાળોનું પણ દસ્તાવેજીકરણ શા માટે નહીં આવો પણ એક પ્રશ્ન ઊભો થાય છે.             

અગ્નિસંસ્કાર (સીમા મહેતા): એક બાળકના પોઈન્ટ ઓફ વ્યુથી મૃત્યુની અનુભૂતિ.  સરસ રજૂઆત.

પ્રસ્તાવ (ઈશાની વ્યાસ): એક નવતર વળાંક સાથેની પ્રેમકથા. અનપેક્ષિત અંત આ વાર્તાનું જમાપાસું છે. પ્રેમ નામની લાગણીને અવનવી શક્યતાઓ સાથે તપાસવાનો પ્રયાસ થયો છે. લગ્નજીવનમાં વફાદારીના નામ પર આજે માણસો એકબીજાના લોહીના તરસ્યા થઈ જાય છે એવી સ્થિતિમાં કોઈ માણસ માલિકીહક તજીને પ્રેમ વહેંચવાની વાત કરતો હોય તો એ નવી વાત છે. સારી વાર્તા.   

લિ. (દક્ષા સંઘવી): પત્નીથી તિરસ્કૃત થયેલા પતિની પત્રસ્વરૂપે કેફિયત. પતિ વિષે ગેરસમજ કરીને પત્ની ગૃહત્યાગ કરી ગઈ છે. સ્વરૂપમાં પ્રયોગ તો ના કહેવાય પણ રજૂઆતમાં વૈવિધ્ય આવ્યું છે એટલું ચોક્કસ.

અનુવાદિત વાર્તાઓ:

એક સાંજ અને બે સ્ત્રીઓ (સ્વકીયા વિભાગ, મૂળ તમિલ વાર્તા અને અંગ્રેજી અનુવાદ: આર. ચૂડામણી; અનુવાદ: કિશોર પટેલ): પતિ જોડે મનભેદ અને મતભેદ થતાં છૂટાછેડા લીધેલી નાયિકાને એક સાંજે એની નણંદ મળી જાય છે. બંને વચ્ચે બદલાયેલા સંબંધની વાત. નાયિકાના સ્વતંત્ર વ્યક્તિત્વના સમાજ દ્વારા થતાં સ્વીકારની વાત.  

ઉ: પરપોટો 476 (પરકીયા વિભાગ, મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ:વારેવા ટોળી): બહુ નજીકના ભવિષ્ય વિષે એક વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા (સાયફાય). પૃથ્વીની બહાર અન્ય ગ્રહ પર એકબીજાથી ભૌતિક રીતે દૂર રહેલાં બે પ્રેમીઓ વચ્ચે ઈમેઈલ દ્વારા સંવાદ થાય છે.

નિયમિત સ્તંભ

કથાકારિકા વિભાગમાં મનોજ સોલંકીની વાર્તા “બાઈની જાત” + એનો રસાસ્વાદ રજૂ કરે છે કિશોર પટેલ: આજની શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી સાસુના આધિપત્યમાં રહેવાનો ઇનકાર કરે છે.

લઘુકોણ વિભાગમાં ગિરિમા ઘારેખાનની લઘુકથા ટેક્સ + એનો રસાસ્વાદ રજૂ કરે છે રાજુલ ભાનુશાલી: પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી સ્ત્રીનું શોષણ થતું આવ્યું છે. સમયની સાથે એનું સ્વરૂપ બદલાતું રહ્યું છે પણ શોષણ થતું અટક્યું નથી.  

મુકામ પોસ્ટ વાર્તા સ્તંભમાં રાજુ પટેલ લઘુકથા વિષે નુક્તેચીની કરે છે.

--કિશોર પટેલ, 25-08-22; 10:02

###      

તા.ક. વારેવા સામયિકમાં પ્રગટ થતી વાર્તાઓ વિષે આ લખનારે લખવું ન જોઈએ કારણ કે એ પોતે વારેવા પરિવારનો સક્રિય સભ્ય છે. જે દિવસે અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની નોંધ લખવાની શરૂઆત કરશે, આ લખનાર વારેવાની વાર્તાઓ વિષે લખવાનું બંધ કરી દેશે.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: