વારેવા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૭૭૬ શબ્દો)
નવા શરુ થયેલા વાર્તામાસિકનો આ પ્રવેશાંક છે. ગુજરાતી
સાહિત્યક્ષેત્રે “વારેવા”નું સ્વાગત છે.
માનવ (સંકેત વર્મા):
માણસના જીવનની યાંત્રિકતા અંગે આ વાર્તા એક વિધાન કરે છે. દીવાલો, સળિયા, સીડી વગેરે પ્રતિકો છે. ચાર
દીવાલો વચ્ચે કેદ જિંદગી એટલે આપણે સ્વીકારી લીધેલી સીમિત જિંદગી. રોજેરોજ લોખંડની
સીડીઓ ઓગાળવી એટલે જીવનયાપન માટે યાંત્રિકપણે આપણે કરતાં કામ. બારીની બહારની
દુનિયા એટલે આપણી બહારની દુનિયા. આકાશ અને પંખીઓ એટલે આપણા સ્વપ્નો. સહકેદી
મનુકાકા એટલે જેમણે પડ્યું પાનું નિભાવી લીધું છે એવા આપણાં સ્વજનો. કાપેલાં સળિયા
ફરીથી ઊગી નીકળવા એટલે આપણા પૂર્વગ્રહો, આપણી નકારાત્મકતા. સળિયા કાપતાં ઈજા થવી
એટલે પ્રગતિ કરવા માટે ચૂકવવી પડતી કિંમત. વાર્તાનો નાયક આવી કેદમાંથી બહાર નીકળવા
કૃતનિશ્ચય છે. બહાર નીકળીને એને જાણ થાય છે કે હજી દરિયો ઓળંગવાનો બાકી છે. જેલની
બહાર એક બીજી જેલ છે. કદાચ ત્રીજી જેલ પણ હોય. આ વાત સૂચવે છે કે જીવનમાં વિઘ્નો
ડગલે ને પગલે આવે છે. સંપૂર્ણપણે વ્યંજનામાં કહેવાયેલી સરસ વાર્તા.
આદમખોર (નંદિતા મુનિ):
વિખ્યાત પ્રકૃતિપ્રેમી, પ્રાણીવિદ, શિકારી અને લેખક જિમ
કોર્બેટની નોંધપોથી પરથી પ્રેરિત માનવભક્ષી દીપડાના શિકારની સ્વતંત્ર રોમાંચક કથા.
માણસનું લોહી ચાખી ગયેલો એક ખૂંખાર દીપડો અને એક અનુભવી
શિકારી સામસામા આવી જાય ત્યારે કેવું દ્રશ્ય રચાય અને શિકારીની મન:સ્થિતિ કેવી થઇ
જાય એનું શ્વાસ થંભાવી દે સુંદર ચિત્રણ આ વાર્તામાં થયું છે. આપણે ત્યાં શિકારકથાઓ
લખાતી નથી ત્યારે આવી વાર્તાનું મૂલ્ય અદકેરું છે.
રમત (નેહા રાવલ):
નાયિકાનો પતિ ઓફિસેથી ઘેર પાછો ફર્યો નથી અને પાડોશીનું
કુટુંબ દેશમાં ગયું હોવાથી પુરુષ એકલો જ છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રમાતી માનસિક
રમતના આટાપાટા. આ લખનારની જ એક વાર્તાનો આ બીજો ભાગ હોવાથી આથી વધુ ટિપ્પણી કરવી અનુચિત
ગણાશે.
માવઠું (વિષ્ણુ ભાલિયા):
દરિયાઇ કથાઓ લખવા માટે જાણીતા આ યુવાલેખક દરિયાની
પાર્શ્વભૂમિમાં રચાયેલી એક પ્રેમકથા લઈને આવ્યા છે. ચાલુ સીઝને વરસાદ પડે એટલે
માછીમારોને નુકસાન થાય. મનોજના મનમાં જાગેલા ઓરતાં ઉપર માવઠું એવું વરસી જાય છે કે
એની પ્રેમકથા શરુ થતાં પહેલાં જ પૂરી થઇ જાય છે. નાયકના મનોવ્યાપારનું સરસ આલેખન.
માછીમારોના વ્યવસાયની પરિભાષાનો સરસ પ્રયોગ.
ડ્રિમલેન્ડ (શ્રદ્ધા ભટ્ટ):
કપોળકલ્પિત કથા. વાર્તામાં એવી ફેન્ટસી થઇ છે કે ભવિષ્યમાં
માણસો એમનામાં સંચિત કરેલી માહિતીના જથ્થા જેવા હશે અને કેવળ ઉપરીઓના આદેશ પ્રમાણે
કામ કરશે. એમને પોતાની ઈચ્છા જેવું કંઇ નહીં હોય. ટૂંકમાં ચાવી આપેલા રમકડામાં અને
એમનામાં ફરક નહીં હોય. એવા એક માણસને સ્વપ્નમાં અજબ અનુભવ થાય છે. સ્વપ્નમાં એને મળવા
આવેલો એક વિચિત્ર જીવ પોતાને વૃક્ષ તરીકે ઓળખાવે છે.
વૃક્ષના સ્પર્શ માત્રથી એનામાં ઊંડે ઊંડે દટાયેલી માનવીય
સંવેદના જાગૃત થાય છે. એ પોતાના વિશ્વને એક નવી નજરે નિહાળે છે. જીવનમાં પહેલી વાર
એ પોતાના ઉપરીના આદેશને અવગણે છે. એટલું જ નહીં એ અન્યોમાં પણ નવી ઉર્જાનો સંચાર
કરવાનું શરુ કરે છે.
વાર્તાકાર એક વિધાન કરે છે કે વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ
કરે, માનવીય લાગણીઓ સામે એ ક્યારેય જીતી નહીં શકે. સરસ કલ્પના, સરસ રજૂઆત.
* * *
અનુવાદ:૧ સ્વકીયા (ભગિની ભાષાની વાર્તા)
અંકલ (અર્ગિયાસિંગારની મૂળ તમિલ વાર્તા, અંગ્રેજી અનુવાદ: એસ,એન.ચારી, ગુજરાતી અનુવાદ: અશ્વિની
બાપટ):
બાળક પ્રત્યે લાગણી હોવાનું મિથ્યાભિમાન. કોઇ કારણસર એક
દંપતીએ પોતાનાં દીકરાને થોડાંક સમય માટે એના મોસાળમાં મૂકવો પડે છે. જે સહેલાઈથી
પત્નીએ આમ દીકરાને અળગો કરી દીધો તે જોઇને
પતિ તેની પર આરોપ લગાવે છે કે તે પોતાના દીકરાને ચાહતી નથી. બે મહિનાના અંતે તેઓ
ફરીથી દીકરા સાથે જોડાય છે ત્યારે દીકરો માને તો ભેટી પડે છે પણ પિતાને ઓળખવાનો
ઇનકાર કરી દે છે! પત્ની કરતાં પોતે દીકરાને વધુ ચાહતો હોવાનો એનો ગર્વ ધૂળમાં મળી
જાય છે.
અનુવાદ: ૨ પરકીયા (વિદેશી વાર્તાનો અનુવાદ)
નિલેરા કુત્તાની આંખો (ગ્રેબિયલ ગાર્સિયા માર્ક્વેઝની મૂળ અંગ્રેજી
વાર્તા, અનુવાદ: છાયા ઉપાધ્યાય):
આ લેખકે મેજિક રિયાલીઝમમાં લક્ષણીય કામ કર્યું છે. આવી
વાર્તાઓને અભિધામાં સમજવી અશક્ય છે. હા, વ્યંજનામાં એકથી વધુ અર્થઘટન થઇ શકે. આ લખનાર
આ વાર્તાને આ રીતે જુએ છે:
એક વાર્તાકારને નવી વાર્તાનો વિષય તો મળ્યો છે પણ એનું
મુખ્ય પાત્ર લેખકને દાદ નથી આપી રહ્યું. સંપૂર્ણ વાર્તા લેખક અને પાત્ર વચ્ચેના
સંઘર્ષની છે. અહીં લેખકની જગ્યાએ ચિત્રકાર, શિલ્પકાર, સંગીતકાર કે નૃત્યકારને
મૂકીને પણ કોઇ આ વાર્તા જોઇ-માણી શકે.
આપણા ગુજરાતી સાહિત્યમાં આ પ્રકાર કોઈએ ખેડ્યો છે કે નહીં
એની માહિતી આ લખનારને નથી.
* * *
અંકમાં ત્રણ વાર્તાઓના રસાસ્વાદ રજૂ થયાં છે, જયંતિ
દલાલની એક ક્લાસિક વાર્તા “આ ઘેર પેલે ઘેર”, ગિરિમા ઘારેખાનની એક સાંપ્રત વાર્તા “આંખથી
મોટું આંસુ”, અને મનોહર ત્રિવેદીની એક લઘુકથા: “ઉઝરડો”. નોંધનીય છે કે દરેક વાર્તાના
મૂળ પાઠ પણ અહીં રજૂ થયાં છે. ભાવકને વાર્તા+રસાસ્વાદ એકસાથે વાંચવા મળે ત્યારે એને
સંપૂર્ણ ચિત્ર સરખાવીને જોવા મળે છે.
આ ઉપરાંત મુકામ પોસ્ટ વાર્તા વિભાગમાં હોલીવુડની એક
અંગ્રેજી ફિલ્મ “સ્ટ્રેન્જર ધેન ફિક્શન” ની વાર્તાના સાહિત્યિક પાસાનો અભ્યાસ રજૂ
થયો છે. વાર્તાલેખન અંગેની પ્રાથમિક સમજૂતી
આપતા વરિષ્ઠ લેખક રમેશ ર. દવેના લેખમાંથી નવોદિત વાર્તાલેખકોને આવશ્યક માર્ગદર્શન મળી
રહેશે.
--કિશોર પટેલ, 25-01-22;10:39
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)
No comments:
Post a Comment