નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ દીપોત્સવી અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૦૯ શબ્દો)
આ પ્રતિષ્ઠિત સામયિકના દીપોત્સવી અંકની વાર્તાઓ એકંદરે
નિરાશ કરે છે. કેવળ નીવડેલાં લેખકોની વાર્તાઓ રજૂ કરવાની આ સામયિકની પરંપરા રહી
છે. એક-બે સિવાયનાં જાણીતા વાર્તાકારોએ નિરાશ કર્યા છે.
સરખામણીએ થોડીક સારી વાર્તાઓની વાત પહેલાં કરીએ.
રાજધાની (મધુ રાય): લાંબા અંતરની ટ્રેનના એક સ્લીપર વર્ગના એક ડબ્બામાં ચાર સ્ત્રીઓ સમય પસાર કરવા
ગપ્પાં મારે છે. એમની વાતોમાં સત્ય ઓછું અને કલ્પના વધારે છે. અનેક પ્રકારનાં
પ્રતિબંધો વચ્ચે જીવતી આપણા સમાજની સ્ત્રીઓની પીડા વિષે લેખક એક વિધાન કરે છે. છટકબારી
ખૂલી જાય આ સ્ત્રીઓ સ્વજનો વિષે સાચીખોટી ગોસિપ કરીને મન બહેલાવી લે છે. સરસ વાર્તા.
ટાઢું ટબુકલું (બિપીન પટેલ): મહામારીમાં સલામત અંતર જાળવવાની મોંકાણમાં સહુથી
અવળી અસર પડી હોય તો એ નાના બાળકો પર. ખુલ્લામાં રમવા ટેવાયેલાં બાળકોની બંધ ઘરમાં
થતી ગૂંગળામણ વિષે વાર્તામાં લેખકે પ્રકાશ પાડ્યો છે. સારી વાર્તા.
ધીરુબેન પટેલ, પ્રવીણસિંહ ચાવડા, હિમાંશી શેલત, વર્ષા
અડાલજા, વીનેશ અંતાણી અને પન્ના ત્રિવેદી. આ સહુ આપણા વાર્તાસાહિત્યનાં મોટાં નામો
છે. આ સહુએ પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને સરેરાશ વાર્તાઓ આપી છે.
સમયની સરહદને પેલે પાર (ધીરુબેન પટેલ): વર્ષના એક ચોક્કસ દિવસે સાથિયો પૂરવાની પોતાની કળા પ્રદર્શિત કરવાની તક માટે
ઝંખના સેવતી એક બાળકીની વાત. કોઇ જુએ કે ના જુએ, કોઇ વખાણે કે ના વખાણે પણ સાથિયો
પૂરવો એના પોતાના અસ્તિત્વ માટે મહત્વનો છે. આ રચનાને રેખાચિત્ર કહેવું વધુ યોગ્ય
રહેશે.
સાબર ઓઈલ મિલ (પ્રવીણસિંહ ચાવડા): વિશાળ જમીનના માલિક બે ભાઈઓ વચ્ચે હેતભર્યો સંબંધ
છે. એક ભાઈ મિલ શરુ કરે પણ પુત્રના અકાળ અવસાન પછી ચિત્તભ્રમ થઇ જતાં મિલનું
કામકાજ સંકેલી લે છે. કથક જે બીજા ભાઈનો પુત્ર છે એને ભાગે મિત્રસમાન પિતરાઈ ભાઈના
વિરહની વેદના સહેવાની આવે છે. સહુનાં પાત્રાલેખન ઉપરછલ્લાં થયાં છે. આ લેખકની
પ્રતિષ્ઠાની સરખામણીએ સામાન્ય રજૂઆત.
આકાશને અડતી બાલ્કની (હિમાંશી શેલત): વરિષ્ઠ નાગરિકની એકલતા. પત્ની સંતાનો પાસે વિદેશ
ગયાં છે. મહામારીના પગલે સંચારબંધીમાં પ્રભાકરભાઈ એકલા પડી ગયા છે. પત્નીએ જેમને
પ્રવેશબંધી ફરમાવેલી એ કબૂતરો હવે ઘરની બાલ્કનીમાં છૂટથી આવવાં લાગ્યાં છે. એમનાં
આગમનથી પ્રભાકરભાઈ ઘર ભર્યુંભર્યું અનુભવે છે. એકલતા અનુભવતા વરિષ્ઠ નાગરિકની
માનસિક સ્થિતિનું આલેખન. આ લેખક પાસેથી પ્રસ્તુત રચનાથી કંઇક વધુની અપેક્ષા રહે
છે.
પલાયન (વર્ષા અડાલજા): પત્નીના મૃત્યુ પછી અનંતરાય એકલતા અનુભવે છે.
સ્વાર્થી દીકરી-જમાઇથી નારાજ થઇને નાયક કાયમ માટે બનારસ પહોંચી જાય છે. મૃત્યુનું
વાતાવરણ નજીકથી જુએ છે. મોક્ષ મેળવવાની ઈચ્છાથી બનારસમાં અંતિમ શ્વાસ લેવા ઈચ્છતા લોકોની અહીં વાત થઇ છે.
અહીં છું, પપ્પા (વીનેશ અંતાણી): માતા-પિતાના સંબંધવિચ્છેદ પછી પિતા પાસે ઉછરેલી
દીકરીની વાત. પિતાના મૃત્યુ પછી સગી જનેતાએ દાખવેલી જુદાઈ નાયિકા માટે અસહ્ય થઇ
પડે છે. માનવીય સંબંધોના આટાપાટા આ લેખકનો
કમ્ફર્ટ ઝોન છે.
પડદા (પન્ના ત્રિવેદી): લેખકે આ વાર્તા દ્વારા એક સળગતી સામાજિક સમસ્યા પર
પ્રકાશ પાડ્યો છે. નાયિકાની મૂંઝવણ એ છે કે જિંદાદિલ સખી અચાનક જડસુ કેમ બની ગઈ
છે? નાયિકાના પિતા દ્વારા જ એ સખી દુરાચારનો શિકાર બની છે એવું જાણતાં નાયિકાને
આઘાત લાગે છે. નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. પણ આવી વાર્તાઓ આપણે ત્યાં ઘણી આવી
ગઈ. આ લેખક પાસેથી વધુ સશક્ત રચનાની અપેક્ષા રહે છે.
--કિશોર પટેલ, 27-01-22; 08:52
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)
No comments:
Post a Comment