મમતા સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૯૬ શબ્દો)
ગ્રામચેતના વિશેષાંક, નિમંત્રિત સંપાદક: કલ્પેશ પટેલ
દલ્લો (શ્યામ તરંગી):
હોસ્પિટલમાં સફાઇકામ કરતી મનીષાને સહકર્મચારીઓ અને દર્દીઓ તરફથી અવારનવાર
છેડતીના અનુભવ થયાં છે. લટુડાપટુડા કરતા એક મોટી ઉંમરના દર્દી વિષે એનો અભિપ્રાય
સારો નથી પણ એ કાકા તો ભગવાનનું માણસ નીકળ્યો. આમાં મનીષાની કે વાચકની ભૂલ થતી
નથી. લેખકે વાર્તામાં કેવળ એવાં સંકેત આપ્યાં છે કે વાચકને કાકાના મનમાં સાપ રમતાં
જણાય. આમ આવા અંતને ચમત્કૃતિ ના ગણતાં વાચક જોડે બનાવટ થઇ છે એવું કહેવું પડશે.
રાંઝણ (કિશનસિંહ પરમાર): ગામડાંમાં દેશી ઓસડિયાં આપતો સોમો
જાણી ગયો છે કે કકુની દીકરીને ગામના જ કોઈક બદમાશે અભડાવી છે. કન્યાના મા-બાપને
દીકરીની સાચી સ્થિતિ વિષે જાણ થઇ જાય એ પહેલાં કોઈક રીતે વાતને વાળી શકાય કે કેમ
એની તજવીજમાં પડેલા સોમો હજી કંઇ કરી શકે એ પહેલાં અસલી ગુનેગારને સજા મળી જાય છે.
કોણ એનો ન્યાય કરે છે એ વિષે લેખકે મોઘમ રીતે કહ્યું છે. સરસ રજૂઆત.
નાળવિચ્છેદ (રામ સોલંકી): કરુણાંતિકા. એક ખેડૂતની પોતાની
જમીન સાથેની લાગણીની વાત. દેવું ભરપાઇ કરવા વેચવી પડેલી જમીનની જુદાઇ સ્વીકારી ના
શકતાં રઘુના મગજ પર અસર થાય છે. અસરકારક રજૂઆત.
વસુંધરાને ખોળે ભણતર (નટવર આહલપરા): આ વાર્તા નથી, ગામડાંમાં
શિક્ષણકાર્ય કરવા તત્પર એક શહેરી દંપતીનું અને ગામડાના એક આશ્રમના બાપુનું
પ્રશસ્તિગાન છે.
નટુની નટાયણ (ભરત ચકલાસિયા): હાસ્યવાર્તા. ગામની એક કન્યાને
પટાવવાનાં પ્રયાસમાં નટુના નટબોલ્ટ ઢીલાં થઇ જાય છે.
ખોટા રસ્તે (પ્રકાશ દવે): ગામડાંગામમાં સામાજિક
રીતિરીવાજનાં નામે કન્યાઓને પર્યાપ્ત શિક્ષણથી વંચિત રાખીને પરણાવી દેવામાં માબાપો
ધન્યતા સમજે છે એ વિષે કટાક્ષ. વાર્તાનું સ્વરૂપ સારું છે. વ્યવહારિક કામસર પાડોશી
જોડે એની દીકરીને સાસરે જવાનું થાય, ત્યાંનું વાતાવરણ જુએ અને પાછા ફરે એટલી જ
ઘટનામાં વાર્તા કહેવાઇ છે. ત્યાં કથક જુએ
છે કે પાડોશની કન્યા જીવતીને અયોગ્ય ઘેર પરણાવવામાં આવી છે. જીવતીના પિતાને હજી
ભૂલ સમજાઇ નથી. દીકરીના સાસરેથી પાછાં વળતાં ટૂંકા રસ્તે ગાડી ખોટકાય છે ત્યારે
દીકરીના પિતા કહે છે, “ગાડી ખોટા રસ્તે લેવાઇ છે.” કથક કહે છે, “ના, આપણી ગાડી આ
રસ્તા માટે ખોટી છે.” કથક આવું કહે તેમાં પોતે એક શિક્ષક તરીકે જીવતીને તોફની
બાળકીમાંથી ઠરેલ કન્યા બનાવી એ વાતનો અફસોસ પ્રગટ થાય છે. એકંદરે સારી
વાર્તા.
કૂવા કાંઠે ચંપલ (હીરેન મહેતા): કરુણાંત પ્રેમકથા. મેળામાં
મન મળી ગયું. કન્યાના પિતા ખલનાયક. દીકરીના પ્રેમીને ઠંડે કલેજે કૂવામાં ધકેલી
દીધો. સત્યની જાણ થતાં કન્યાએ પણ એ જ કૂવો પૂર્યો. જૂનો વિષય, જૂની રજૂઆત.
સવલાનું બીજ (વિક્રમ સોલંકી): ફળિયામાં રમતાં એક છ-સાત વર્ષના છોકરાને જોઇને
એક મોટી ઉંમરની સ્ત્રી ગામમાં પરણીને આવેલી નવી વહુને સાત-આઠ વર્ષ જૂની વાત કહે છે
કે એ છોકરો જેનો હોવાનું કહેવાય છે એનો નથી પણ અસલમાં બીજા કોઈકનો છે. ગામડાની
સ્ત્રીઓ આવી ગોસીપ કરે એમાં નવીનતા નથી.
આ વાર્તામાં બે મુખ્ય ખામીઓ છે: ૧. વાર્તામાં વર્ણન, સંવાદ,
પાત્રોના મનમાં ચાલતાં વિચારો વગેરે બધું જ સો ટકા ઉત્તર ગુજરાતના કોઈ એક પ્રદેશની
બોલીભાષામાં લખાયું છે જે સમજવું અતિ દુષ્કર છે. બબ્બે વાર વાંચ્યા પછી માંડમાંડ
અર્થ સમજાય છે. ૨. જે બીનાનું વર્ણન થાય છે એમાં આ વાત કહેનાર પાત્ર કોઈ હિસાબે
સંડોવાયેલું નથી એમ છતાં એવી રીતે વાત કહે છે જાણે ત્યાં સર્વજ્ઞની જેમ હાજર હોય.
ઘટના એવી ખાનગી છે કે સંડોવાયેલા પાત્ર સિવાય બહારનું કોઈ ના હોઇ શકે.
જોગી (જગદીપ ઉપાધ્યાય): બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં
કહેવાયેલી જાતીય સુખ માટેના એક સ્ત્રીના વલવલાટની વાર્તા. નાયિકાના સંઘર્ષપ્રચુર મનોભાવોનું
સુંદર આલેખન. સંપૂર્ણ વાર્તા દરમિયાન વાચક વિચારતો રહે કે ખુલ્લેઆમ ઇજન આપતી
સ્ત્રીથી આ પુરુષ દૂર દૂર શા માટે રહે છે? પહેલાં રાત્રે ઘરનાં આંગણામાં સૂતો હતો અને
પછી એક કટોકટીભર્યા પ્રસંગ બાદ મંદિરમાં સૂતો થઇ ગયો! અંતમાં ખુલાસો થાય છે કે
નાયિકા તો એના નાના ભાઇની વિધવા હતી. નાયિકાની માતા જોડે ચર્ચા કર્યા બાદ નાયિકાના
વિધિવત બીજાં લગ્ન કરાવીને નાયક એને વિદાય
આપે છે. એક પ્રસંગે નાયકનું મન સંસારમાંથી
કેમ ઊઠી ગયું છે એનો ખુલાસો પણ મળે છે. સરસ વાર્તા.
--કિશોર પટેલ, 11-10-21; 09:54
###
No comments:
Post a Comment