Friday, 1 October 2021

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૪૮ શબ્દો)

અસ્થિ (હિમાંશી શેલત): સ્વજનને ગુમાવ્યાની પીડાની વાત. કોરોના મહામારીના સમયમાં અગ્નિસંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લાગેલી  લાંબી કતારમાં સ્વજન ગુમાવી બેઠેલા બે અજાણ્યા જણ એકબીજા પાસેથી આધાર શોધે છે. એકે પિતા ગુમાવ્યો છે, બીજાએ પુત્ર સમાન જમાઇ. પુત્રને અફસોસ છે કે તક હોવા છતાં છેલ્લાં દિવસોમાં પિતાની સેવા ના કરી શક્યો. પિતાને દુઃખ છે કે વિધવા બનેલી દીકરી સામે પહાડ જેવી જિંદગી ઊભી છે. આ વાર્તામાં ઘટના નથી, બની ગયેલી ઘટના પછીની થીજી ગયેલી ક્ષણોનું શબ્દચિત્ર છે.   

ધુમાડો અને અગ્નિ (સતીશ વૈષ્ણવ): અસ્તવ્યસ્ત વાર્તા! આ રચના એટલે દિશા વિનાનું વહાણ! પાણીનું વહેણ જ્યાં લઇ જાય ત્યાં વહાણે જવાનું! શરૂઆતમાં લાગે છે કે દેખાવડા પતિ (મન્મથ)ની તુલનામાં પોતાના સામાન્ય દેખાવના કારણે અસુરક્ષિતતા અનુભવતી એક પત્નીની (અમોલા)ની વાત છે. પછી ફોકસ બદલાય છે. મન્મથ અને અમોલાના દીકરાઓ મોટા થયા છે.  એક દીકરો સફળ વ્યાવસાયિકોનો સર્વે કરે છે. આવું કામ કરતાં કરતાં એ પોતાના માતા-પિતાના સંબંધોને મૂલવે છે.  ત્યાં એવું લાગે કે દીકરાઓ માતા-પિતા વચ્ચેની ખાઇ પૂરશે. પણ ફરીથી ફોકસ બદલાય છે. મન્મથને  હ્રદયરોગના કારણે હુમલો આવે છે. કંપનીનો ડોક્ટર કામથ મુખ્ય ભૂમિકામાં આવી જાય છે. મન્મથના મૃત્યુ પછી અમોલા કંપનીએ આપેલું ઘર ખાલી કરીને જૂનાં ઘરે જાય છે. સાવ અચાનક એક અજાણી વિધવા પોતાના દીકરા સાથે આવીને જાહેર કરે છે કે સાહેબનો મારા પર ખૂબ ઉપકાર હતો! હવે સાહેબ નથી એટલે હું ફરીથી રસ્તા પર આવી ગઇ છું! વાચકને લાગે કે મન્મથ કોઈ બીજા રસોડે જમી આવ્યો હતો કે શું? ત્યાં વળી મન્મથ-અમોલાનો દીકરો કહે કે પિતા નથી પણ હું છું ને?  એવું લાગે કે નવલકથાની માંડણી થઇ છે! લેખકજી, નક્કી કરો કે ચોક્કસ શું કહેવું છે?        

શોર્ટકટ (વલ્લભ નાંઢા): ચિત્તથરારક થ્રિલર વાર્તા. બદદાનતથી પીછો કરતાં જુવાનિયાઓથી પોતાને સલામત રાખવા માટે એક જુવાન કન્યાનો સંઘર્ષ. એક તરફ ગુંડાઓ, બીજી તરફ રાહ જોતા પિતાનો સંભવિત પ્રકોપ. કોણ સફળ થાય છે? નિર્દોષ છોકરી કે ગુંડાઓ? કન્યાના મનોવ્યાપારનું સરસ આલેખન. અંત સુરેખ.

નિરુત્તર (મોના લિયા વિકમશી):  કુટુંબના વારસાગત વ્યવસાયને  સંભાળવાની વાત. રમણિકભાઇ જૂની ચીજ-વસ્તુઓના વેપારી હતા. લોકો પાસેથી જૂની પણ કિંમતી કારીગરીવાળી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદતા અને શોખીન દેશી-વિદેશીઓને મોંઘા ભાવે વેચતા. પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત પુત્ર અને પુત્રવધુ પિતાની હયાતીમાં કૌટુંબિક વ્યવસાયમાં ધ્યાન આપી શક્યા નહીં. રમણિકભાઈના અવસાન પછી પુત્રવધુ પોતાનું કામકાજ દીકરીને સોંપીને કૌટુંબિક કામમાં ધ્યાન આપે છે. આ વાર્તામાં કોઈ ઘટના નથી. સસરાનું કામકાજ સંભાળી લેતી પુત્રવધુની મનોદશાનું આલેખન છે. વાર્તાનો પ્લસ પોઈન્ટ એ છે કે આ નિમિત્તે જૂની ચીજ-વસ્તુના વ્યવસાયની એક ઝલક મળે છે.      

વેશ (અરવિંદ બારોટ): આ લેખક હમણાંથી આપણી ભૂલાતી જતી લોકકથાઓનું રસપ્રદ શૈલીમાં આલેખન કરતા રહ્યા છે. અહીં પ્રસ્તુત છે એક બહુરુપીના જીવનમાં આવેલા પરિવર્તનની. પાટણના શૂરવીર સેનાપતિ ઉદયન મહેતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આ બહુરુપીએ થોડીક ક્ષણો પૂરતો જૈન મુનિનો વેશ ભજવ્યો. પોતાના વેશથી ઉદયન મહેતાનું સુધરી ગયેલું મૃત્યુ જોઇને બહુરૂપિયો સંસારનો ત્યાગ કરી દઇ આજીવન સાધુ બની ગયો! (આ વાર્તા જોડેનું ચિત્ર લેખકે પોતે દોરેલું છે.)  

--કિશોર પટેલ, 02-10-21; 10:06

###     


No comments: