બુદ્ધિપ્રકાશ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ
(૨૨૦ શબ્દો)
ઉત્તર (દીવાન ઠાકોર):
દર્શનની વાત.
વાર્તામાં પ્રસ્તુત થયેલું દર્શન: માણસને પ્રશ્ન થાય છે
એટલે એ જીવે છે. માણસને પ્રશ્નો થવાનું બંધ થાય એટલે મૃત્યુ પામે છે.
જીવનસંધ્યાએ પહોંચેલા કરસનદાસને અનેક પ્રશ્નો મૂંઝવતા હતાં.
જીવન કેમ અર્થહીન છે? માણસો સ્વાર્થી કેમ થતાં જાય છે?
પત્ની હયાત હતી ત્યારે એ કરસનદાસને પ્રશ્નો પૂછ્યા કરતી.
એમની પાસે ઉત્તરો ન હતાં.
નાનપણમાં બાળસહજ કુતૂહલથી થતાં પ્રશ્નોના ઉત્તરો એમણે
ક્યારેક મળતાં, ક્યારેક ના મળતાં. એની મોટી ઉંમરે ઈશ્વર એની સામે પ્રગટ થઇને પૂછે
છે, તને શું જોઇએ છે? કરસનદાસ કહે છે: મને પ્રશ્ન જ ના થાય એવું આપો. બસ, એ પછી
કરસનદાસ એક તારો બની આકાશમાં સ્થિર થઇ ગયા.
મંદિરમાંથી બહાર આવેલી છોકરી કરસનદાસને ચોકલેટ આપે છે. આ એક
રૂપક છે. ચોકલેટ ખોરાક નથી, એક છલના છે, એક ભ્રમણા છે. ચોકલેટ મળતાં જ ઉત્પાતિયું
બાળક શાંત થઇ જાય છે. ચોકલેટ હાથમાં આવતાં કરસનદાસનાં પ્રશ્નો બંધ થઇ જાય છે.
મિત્ર જીવણલાલના પુત્રને પિતાએ લઇ આપેલો ટુ બીએચકે ફ્લેટ
નાનો પડે છે. આ પણ એક રૂપક છે. માણસના લોભને થોભ નથી.
નોકરીના દિવસો દરમિયાન ઓફિસમાં મિસિસ પટેલના એક સ્મિતથી
કરસનદાસના દિવસની સંપૂર્ણ વિચારપ્રક્રિયા બદલાઇ જાય છે. આ પણ એક રૂપક છે. માનવપ્રજાતિમાં
અને બહોળા અર્થમાં પ્રાણીમાત્રમાં વિજાતીય
આકર્ષણની ઉપસ્થિતિ પ્રકૃતિદત્ત હોય છે.
વાર્તામાં ઘટના જેવું કંઇ છે નહીં. અહીં દર્શનશાસ્ત્રની વાત
છે, સામાન્ય વાચકને કદાચ રસ ના પણ પડે.
--કિશોર પટેલ, 13-09-21; 06:15
###
No comments:
Post a Comment