એક અનન્ય સાહિત્યકર્મીને શ્રદ્ધાંજલિ
સબ-હેડિંગ: જલારામદીપનો દીપક બુઝાઇ ગયો.
સતીશભાઇ ડણાકસાહેબનું અવસાન ગુજરાતી ટૂંકી વાર્તા માટે
દુ:ખદ ઘટના છે.
નવેમ્બર ૨૦૨૦ માં વાર્તામાસિક ‘જલારામદીપ’ના માલિક-પ્રકાશક
શ્રી મનુભાઇ પટેલ (વાસદવાળા) નું અવસાન થયું. ડિસેમ્બર ૨૦૨૦ અંક તૈયાર હતો એ
પ્રસિદ્ધ થયો અને એ પછી જલારામદીપ સ્થગિત થયું. સરકારી નિયમાનુસાર જ્યાં સુધી નવા
પ્રકાશકના નામનું રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી સામયિક પ્રકાશિત થઇ ના શકે. આ
કાર્યવાહી પૂરી થઇ શકે એ પહેલાં તંત્રીશ્રી સતીશભાઇનું અવસાન થઇ ગયું.
‘જલારામદીપ’ના ભાવિમાં શું લખ્યું છે તે આપણે જાણતાં
નથી.
આ સામયિક વિષે મેં પહેલી વાર જાણ્યું ચાર-પાંચ વર્ષ અગાઉ
વરિષ્ઠ લેખકશ્રી રજનીકુમાર પંડ્યાના એક
લેખ દ્વારા. એમણે લખ્યું હતું કે “...સામયિકના નામથી કોઇને ગેરસમજ થાય, પણ
‘જલારામદીપ’ નામનું એક સામયિક સંપૂર્ણપણે ટૂંકી વાર્તાને સમર્પિત છે. મમતા
વાર્તામાસિક તો હાલમાં આવ્યું પણ છેલ્લાં ત્રીસેક વર્ષથી અવિરતપણે પ્રગટ થતું ટૂંકી
વાર્તાને વરેલું આ સામયિક ગુજરાતી ભાષાનું એકમાત્ર સામયિક છે.”
એ પછી આ સામયિક વિષે બીજી વાર સાંભળ્યું જયારે ૨૦૧૭ ની કેતન
મુનશી વાર્તા-સ્પર્ધામાં મારી એક વાર્તા ટોચની ૧૭ વાર્તાઓમાં સ્થાન પામી. સ્પર્ધાના
આયોજકોએ જણાવ્યું કે સ્પર્ધાની ટોચની સત્તર વાર્તાઓ એક સાથે ‘જલારામદીપ’ના એક
વિશેષાંકમાં પ્રકાશિત થશે. આમ પહેલી વાર આ સામયિક જોયું જુલાઈ ૨૦૧૮ ના કેતન મુનશી
સ્પર્ધાની વાર્તાઓના વિશેષાંકરૂપે. અંકમાં એ વાર્તાઓની સાથે સતીશભાઇએ સત્તરેસત્તર વાર્તાઓ વિષે પોતાની
વિવેચનાત્મક નોંધ પણ મૂકી હતી. આ ઘણી મહત્વની વાત છે. આવી નોંધમાંથી નવોદિત
લેખકોને અંદાજ આવે કે એમની વાર્તા વાચક-ભાવક સુધી કઇ રીતે પહોંચી છે.
એ પછી છેલ્લાં ત્રણ વર્ષમાં આ સામયિકના અંકોનું વાંચન નિયમિતપણે
થયું છે. સતીશભાઈ સંપાદિત આ સામયિકની કેટલીક
ખાસિયતો ધ્યાનમાં આવી છે.
૧. વર્ષમાં બે-ત્રણ વિશેષાંક નીકળતાં હતાં. વસંત વિશેષાંક
અને દીપોત્સવી વિશેષાંક તો ખરાં જ, એ ઉપરાંત જૂન કે જુલાઈ મહિનામાં પણ એકાદ
વિશેષાંક તેઓ આપતા. દીપોત્સવી વિશેષાંક માટે તો સામયિક પાસે એટલી બધી વાર્તાઓ જમા
થતી હતી કે બે ભાગમાં વિશેષાંકો કાઢવા પડતા!
૨. સામયિકની મની સેવિંગ ઈકોનોમી સ્ટાઈલ. કાગળોની ક્વોલિટીના
પારિભાષિક શબ્દો હું જાણતો નથી. સાધારણ પીળાશ પડતા મધ્યમ ગુણવત્તાના કાગળનો ઉપયોગ
સામયિક માટે થતો. મુખપૃષ્ઠ માટે રંગીન ગ્લેઝડ પેપરનો ઉપયોગ થતો અને એના પર ચિત્ર અવશ્ય
રહેતું. ટૂંકમાં, મુખપૃષ્ઠ માટે કરકસર થતી નહીં. બાઈન્ડીંગ સાદું રહેતું.
૩. સામાન્ય રીતે પ્રિન્ટ મીડિયામાં લેખકોને લખાણ છપાયાના
બીજે મહિને મહેનતાણું મળતું હોય છે, અહીં લેખકોને વર્ષમાં એક વાર એક સાથે પુરસ્કાર
મળતો! કોઇ લેખકની વર્ષ દરમિયાન એક અથવા એક કરતાં વધુ વાર્તાઓ પ્રસિદ્ધ થઇ હોય તો વર્ષ
દરમિયાન એક ચોક્કસ મહિનામાં જ હિસાબ થતો! આમ વહીવટી ક્ષેત્રે પણ ઓછા સ્ટાફ વડે કામ
લેવાની કરકસરયુક્ત નીતિ હતી.
૪. કોઈ પણ છાપું કે સામયિક ક્યારેય ફક્ત લવાજમ પર ટકી શકતું
નથી. જાહેરખબરોની આવક જ સામયિકને ટકાવતું હોય છે. જલારામદીપને ટેકો આપનારા નિયમિત
જાહેરખબરદાતાઓ હતા.
૫. સામયિકની અંદર સ્પેસનો તેઓ સારો ઉપયોગ કરતા. ઓછા ખર્ચે
વધુ સામગ્રીનો સમાવેશ થાય એનું ધ્યાન તેઓ રાખતા. દા.ત. લેખકે વાર્તામાં ફકરો
પાડ્યો હોય પણ લેઆઉટમાં એવું થતું કે બે ફકરા વચ્ચે ઘણી વાર થોડીક વધારે સ્પેસ
આપીને તેઓ જગ્યા બચાવતા. ફકરો પડ્યો છે એવું વાચકને પણ સમજાય.
૬. દરેક અંકમાં ‘તંત્રીની કલમે’ વિભાગમાં તેઓ પોતાની એકાદ
કવિતા મૂકતા. એ સિવાય ‘એક જ ડગલું’ વિભાગમાં પ્રેરણાત્મક વાતો લખતા. એમાં એમની એક
સ્ટાઈલ મેં નોંધી છે. ઉદાહરણ તરીકે: “...પછી ઘોડાએ પાણી પીધું કે નહીં, પછી તળાવનો
રસ્તો ચીંધનાર પેલો સાધુ ત્યાં જ ઊભો રહ્યો કે ચાલતો આગળ નીકળી ગયો તેની ચર્ચા આપણે
કરવી નથી. એક વાત નક્કી છે કે તરસ લાગે ત્યારે માણસે પાણી જાતે પીવું પડે છે...” (શબ્દો મારા છે, શૈલી એમની છે.)
૭. આ ઉપરાંત પ્રવીણ દરજી અને ભગીરથ બ્રહ્મભટ્ટના નિબંધો અને
હરીશ વટાવવાળા દ્વારા સંત સાહિત્યનું આચમન જેવા નિયમિત વિભાગો હતા. છેલ્લે છેલ્લે
જાણીતા હાસ્યલેખક શ્રી. નટવર પંડ્યાના હાસ્યલેખોની કટાર પણ સામયિકમાં શરુ થઇ હતી. કોઇને
પ્રશ્ન થાય કે વાર્તાના સામયિકમાં આવા બધાં વિભાગો શા માટે? કદાચ વાચકોના બહોળા
સમુદાયને આકર્ષવાનો/ સંતોષવાનો આ એક નુસખો હોઇ શકે.
૮. સામયિકની મુખ્ય સામગ્રી અર્થાત વાર્તાઓ રહેતી. આપણી
ભાષાની નવ/દસ/અગિયાર મૌલિક વાર્તાઓ પ્રગટ થતી. એકાદ ભગિની ભાષા અથવા વિદેશી ભાષાની
વાર્તાનો અનુવાદ પણ પ્રસ્તુત થતો. સામયિકના અંત ભાગમાં વૃત્તસંચય વિભાગમાં
સાહિત્યની વિવિધ સંસ્થાઓના સમાચારોનું સંકલન સતીશભાઇ પોતે કરતા.
૯. સામયિકમાં વાચકોના પત્રો માટે વિભાગ ન હતો. વાચકોને
વાર્તા ગમી કે નહીં તે લેખકને જાણવાનું અર્થાત ગમે. વાચકોને પણ પોતાનો પત્ર નામ
સહિત છપાયો છે એવું જોઇને સામયિકની પ્રવૃતિમાં સહભાગ લીધાનો આનંદ થાય. એ રીતે
સામયિકનું સર્ક્યુલેશન વધે એવી એક થિયરી છે. પરંતુ આ સામયિકમાં એવો કોઈ વિભાગ ન
હતો. આ વિષે મેં એક વાર ઈમેઈલ કરીને એમને પૂછ્યું
હતું પણ મને જવાબ મળ્યો ન હતો.
૧૦. એક અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનું વિવેચન બીજા અંકમાં
કોઈ જાણકાર પાસે કરાવો એવું સૂચન જે રીતે દસેક વર્ષ પહેલાં એક નવોદિત વાર્તામાસિકને
મેં કરેલું એમ જલારામદીપને પણ કર્યું હતું. પેલા વાર્તામાસિકે મારું સૂચન અમલમાં
મૂક્યું પણ અહીં સતીશભાઇએ મને જવાબ આપ્યો નહીં અને સૂચનનો અમલ પણ કદી કર્યો નહીં.
૧૧. લેખકો પાસેથી વાર્તાઓ ઈમેઈલના બદલે હાર્ડ કોપી
મંગાવવાનું તેઓ પસંદ કરતા હતા.
###
આજથી બરાબર એક વર્ષ પહેલાં, ૨૮ જૂન ૨૦૨૦ની સાંજે એમનો ફોન
મને આવ્યો. ફોન ઉપાડતી વખતે હું જાણતો ન હતો કે
વાત પૂરી થાય એ પછી મારી દિનચર્યા બદલાઇ જવાની છે.
સતીશભાઇને હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી. એ ફોન આવ્યો એ
પહેલાં બે વર્ષમાં પેલી કેતન મુનશીની વાર્તા ઉપરાંત મારી બીજી ત્રણ ચાર વાર્તાઓ એમણે
જલારામદીપમાં પ્રસિદ્ધ કરેલી. એમાંની એક વાર્તા વાંચીને એમણે મને ફોન કરેલો. સ્પષ્ટ
શબ્દોમાં તો એમણે કંઇ કહ્યું નહીં, પણ જે કંઇ વાતો થઇ એમાંથી સંકેત પકડાતાં મને લાગ્યું
કે એ વાર્તા એમને ગમી હતી.
એ દિવસે ફોન પર એમણે મારી સામે એક પ્રસ્તાવ મૂક્યો. જલારામદીપ
માટે એમણે એક નવા પ્રકારના વિશેષાંકની યોજના ઘડી હતી. માર્ચ ૨૦૨૧ ના અંક તરીકે
પ્રગટ થનારા એ વિશેષાંકના પ્રોજેક્ટ-ઇન-ચાર્જ તરીકે મારું નામ ગણતરીમાં લઈને એમણે મારી
ઈચ્છા પૂછી. એમણે કહ્યું કે હમણાં ને હમણાં નહીં, શાંતિથી વિચાર કરીને જવાબ આપજો.
આવા પ્રસ્તાવની મેં કદી સ્વપ્ને પણ કલ્પના કરી ન હતી. એમની
કલ્પનાનો એ પ્રોજેક્ટ જલારામદીપ માટે તો નવો હતો જ એ ઉપરાંત તમામ ગુજરાતી
વાર્તામાસિકો માટે પણ નવો હતો! સામયિકોના ઇતિહાસમાં ક્યારેય કોઈ સામયિકે એવો
પ્રોજેક્ટ કર્યો હોય એવું મેં સાંભળ્યું નથી! પ્રોજેક્ટ જો હકીકતમાં બદલાય તો
સાહિત્યક્ષેત્રે તો ખબર નહીં પણ મારી પોતાની કારકિર્દી માટે એક ઘટના ગણવી પડે એવું
કામ થાય!
જલારામદીપના એવા અદ્ભુત પ્રોજેક્ટના સર્વેસર્વા તરીકે મારા
જેવા અજાણ્યા માણસની પસંદગી થવી મારા માટે મોટું આશ્ચર્ય હતું. અઠવાડિયામાં મારે
જવાબ આપવાનો હતો.
મેં મારી જાતને પૂછી જોયું કે આવી જવાબદારી ઉપાડવા હું
સક્ષમ છું કે કેમ? પૂરતો સમય હતો. મનગમતું કામ હતું. હા, સમય અને શ્રમ માંગી લેતું
કામ હતું. આવી તક જીવનમાં ફરી નહીં મળે એ પણ હું સમજતો હતો. મેં બીડું ઉઠાવ્યું. સતીશભાઇને
ફોન કરીને મેં હા પાડી. “મને ખબર હતી કે તમે હા પાડશો.” નિર્વિકારભાવે એટલું
બોલીને એમણે ફોન કટ કર્યો.
બાંયો ચડાવીને હું કામે લાગ્યો. મેં પ્રોજેક્ટની ડિઝાઈન
બનાવી. એપ્રુવલ માટે સતીશભાઇને ટપાલમાં કાગળિયાં મોકલ્યા. એમનો ફોન આવ્યો: “કિશોરભાઇ,
તમારે કોઈ એપ્રુવલ લેવાનું નથી. કામ તમને સોંપેલું છે, તમે તમારી રીતે કામ કરો. મોડામાં
મોડું ફેબ્રુઆરી ૨૦૨૧ માં મને ફાઈનલ રીઝલ્ટ આપો.”
હું મારી રીતે પ્રોજેક્ટમાં આગળ વધ્યો. વર્ષ ૨૦૨૦ના અંત
પહેલાં કામ પૂરું કરવાનું હતું. ધારણા કરતાં ઝડપથી કામ પૂરું થયું. ત્યાં જ મોંકાણના
સમાચાર આવ્યા.
કોરોનાના કારણે સામયિકના માલિક-પ્રકાશક મનુભાઇ પટેલનું નવેમ્બર
૨૦૨૦ મહિનામાં અવસાન થયું. છેલ્લે ડિસેમ્બર ૨૦૨૦ નો અંક પ્રસિદ્ધ થયો એ પછી સામયિકનું
પ્રકાશન સ્થગિત થઇ ગયું.
સતીશભાઇ પાસેથી મને સૂચના મળી કે પ્રોજેક્ટનું કામ ભલે પૂરું
થઇ ગયું હોય, પણ એનાં કાગળિયાં હાલ તુરંત મારે વડોદરે મોકલવા નહીં. પણ એમણે મને ધરપત
આપી કે જયારે પણ જલારામદીપ પુન: સક્રિય થશે કે પહેલો અંક આ પ્રોજેક્ટનો વિશેષાંક
હશે.
હું મનોમન પ્રાર્થના કરતો રહ્યો કે જલારામદીપ જલ્દીથી પુન:
સક્રિય થાય.
વચ્ચે એક વાર સ્વ. મનુભાઇના ચિરીંજીવી અને સામયિકના
વ્યવસ્થાપક શ્રી જતીનભાઇ પટેલસાહેબ જોડે ફોન પર મારી વાત થઇ, એમણે કહ્યું કે “મારે
જલારામદીપ ફરીથી ચાલુ કરવું છે, પણ લોકડાઉનના કારણે હસ્તાંતરણની કાર્યવાહી અટકી
પડી છે, પ્રતિબંધો હળવા થાય એટલે બાકીનો વિધિ જલ્દીથી પતાવી દઈશું.”
વચ્ચે જ ક્યારેક
વોટ્સએપ પર સતીશભાઇના ગુડમોર્નિંગ મેસેજીસ રોજ સવારે આવવાનાં શરુ થઇ ગયાં
હતાં.
મારા માટે આ જરા અણગમતી વાત હતી. હું કોઇને આવા મેસેજીસ
કરતો નથી. કોઈના મેસેજીસનો ઉત્તર આપતો નથી. ફોનમાં નર્યો કચરો જમા થયા કરે. રોજેરોજ
ફોનની સાફસૂફી કરવાનું એક વધારાનું કામ ઊભું રહે છે.
પણ સતીશભાઇ માટે મેં અપવાદ કર્યો. આટલા મોટા જ્ઞાની માણસ. ઉંમર,
અનુભવ અને સિધ્ધિઓ જોઇએ તો આપણો કોઈ મેળ નહીં. વળી અમારા સંબંધનું પરિમાણ હવે
બદલાયું હતું. લેખક અને તંત્રી એવા સંબંધમાંથી હવે અમે એક મહત્વના પ્રોજેક્ટના
ભાગીદાર બન્યા હતા. એમનું માન મારે જાળવવું
રહ્યું. તેમના રેડીમેડ ગુડમોર્નિંગ મેસેજીસના હું રોજેરોજ ઉત્તરો આપવા માંડ્યો. અન્યો
તરફથી આવેલા રેડીમેડ મેસેજ હું ક્યારેય ફોરવર્ડ કરતો ન હતો. રોજેરોજ ‘સુપ્રભાત
સતીશભાઇ!’ અથવા ‘Good Morning સતીશભાઇ!’ એવું લખીને જોડે નમસ્તેનું ઈમોજી મૂકીને હું ઉત્તરો આપવા લાગ્યો.
મારા ધ્યાનમાં આવ્યું કે સોશિયલ મીડિયા પર તેઓ હતાં ખરા પણ સક્રિય ન હતા. પછીથી
સમજાયું કે પ્રગતિશીલ ટેકનોલોજી સાથે એમની મૈત્રી મોબાઈલ ફોન પર કેવળ પસંદગીના
મિત્રો જોડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રમવા પૂરતી સીમિત હતી. બીજો ખ્યાલ આવ્યો કે હું કદાચ એમનાં મિત્રમંડળમાં
સામેલ થઇ ગયો હોઉં!
૧૨ મે ૨૦૨૧ પછી ત્રણ-ચાર દિવસ મેસેજ આવ્યા નહીં. રોજ સવારે
નિયમિતપણે આવતાં મેસેજ બંધ થયાં એટલે હું ચિંતામાં પડ્યો. ૧૬ મી મે ના રોજ એમની
તબિયત વિષે જાણવા મેં એમને ફોન કર્યો. ફોન એમણે ઉપાડ્યો ખરો પણ સતત ખાંસીને લીધે
તેઓ બરાબર વાત કરી શક્યા નહીં. ચાર-પાંચ દિવસ પછી ફોન કરજો એટલું કહીને એમણે ફોન
કટ કર્યો.
૨૬ મે ૨૦૨૧ ના દિવસે એમના ફોન પરથી એમના જયેષ્ઠ પુત્ર
હેમાંગભાઇનો સંદેશો મળ્યો. એમણે જણાવ્યું કે “સતીશભાઇને ICU માં દાખલ કર્યા છે. કોરોના પોઝીટીવ આવ્યા છે. ઓક્સિજન લેવલ
નીચે ગયું છે.”
દરમિયાન અમારા કોમન ફ્રેન્ડ અને લેખકશ્રી પ્રભુદાસ પટેલ
જોડે કોઈ અન્ય કામ અંગે વોટ્સએપ પર સંવાદ થયો ત્યારે સતીશભાઇની વાત નીકળી. સતીશભાઇના
કથળેલા સ્વાસ્થ્ય અંગે એમને જાણ હતી. એમણે પણ એમનાં વિષે ચિંતા વ્યક્ત કરી
હતી.
એ પછી એક જ અઠવાડિયામાં એટલે કે બીજી જૂનથી ફરી સતીશભાઈના ગુડમોર્નિંગ
મેસેજ આવવાનાં શરુ થઇ ગયા એટલે મારા જીવમાં જીવ આવ્યો. બે દિવસ પછી એમના જ ફોનમાં
હેમાંગભાઇનો મેસેજ આવ્યો કે “પપ્પાને હજી અશક્તિ છે, વાત કરી શકે એટલી સ્વસ્થતા એમનામાં
આવશે પછી તમારી જોડે વાત કરાવીશું.”
એ પછી પણ ગુડ મોર્નિંગ મેસેજ નિયમિત આવતાં રહ્યાં. આઠમી
જૂને છેલ્લો મેસેજ આવ્યો અને ફરીથી મેસેજ બંધ થઇ ગયા.
અઠવાડિયા પછી ચૌદમી જૂને હાલચાલ જાણવા મેં ફક્ત “હેલ્લો!”
એટલો એક શબ્દનો મેસેજ કર્યો.
તરત જ સતીશભાઇનો જવાબ આવ્યો: “ઠીક છું.”
એ એમનો છેલ્લો મેસેજ હતો.
પ્રોજેક્ટનું તો જાણે સમજ્યા પણ મારી ઈચ્છા હતી એક વાર વડોદરા
જઇને સતીશભાઇને રૂબરૂ મળું. આટલું મોટું કામ મારા પર વિશ્વાસ મૂકીને મને સોંપ્યું
એ માટે મારે એમનો આભાર માનવો હતો. ભેગાં ભેગાં પ્રોજેક્ટના પેપર્સ પણ એમને હાથોહાથ
સુપ્રત કરવાં હતાં. પણ લોકડાઉનના પ્રતિબંધોના કારણે પ્રવાસ કરવાનું શક્ય બન્યું
નહીં. વળી કોરોના પોઝીટીવ દર્દીને મળવાની મંજૂરી કદાચ મને ના પણ મળે. જલારામદીપના
હસ્તાંતરણનું કામ પણ હજી થયું ન હતું.
પણ મારી ધીરજ ખૂટી રહી હતી. ૨૪ જૂનની સવારે મેં સતીશભાઇને
વોટ્સએપ સંદેશો કર્યો કે તમે સ્વસ્થ હો અને રજા આપો તો ટ્રેનનું રિઝર્વેશન કરાવું
અને રૂબરૂ મળવા વડોદરા આવું. સંદેશો કર્યો ને કલાકમાં તો ખબર આવ્યા કે...
###
સતીશભાઇ ડણાકસાહેબની પરિકલ્પના પ્રમાણેનો મારા હાથે તૈયાર
થયેલો અમારો એ ડ્રીમ પ્રોજેક્ટ હવે કદાચ ક્યારેય સૂર્યપ્રકાશ નહીં જુએ.
છેલ્લા એક વર્ષ દરમિયાન એકબીજાથી વિરુદ્ધ લાગણીઓ સાથે
જીવ્યો છું. પ્રોજેક્ટમાં હું જ્યારે ગળાડૂબ હતો ત્યારે મારી જિંદગી ઉત્સાહ, આનંદ
અને આવેશથી ભરપૂર હતી. રાતોની રાતો ઊંઘી શકતો ન હતો. ખાવાનું ભાવતું ન હતું. જેમ
જેમ પ્રોજેક્ટ આકાર લેવા માંડ્યો તેમ હું થોડો સ્વસ્થ થવા માંડ્યો. મનુભાઈ પટેલના
અવસાનના સમાચાર આવ્યા એ પછીના દિવસો ભારે મૂંઝવણ અને હતાશામાં વીત્યાં છે. મનોમન
પ્રાર્થના કરતો રહ્યો હતો કે હવે બીજી કોઈ નવાજૂની ના થાય. પણ જયારે સમાચાર આવ્યા
કે સતીશભાઇ કોરોના પોઝીટીવ આવ્યા છે અને ICU માં દાખલ કર્યા છે ત્યારે પ્રામાણિકપણે કહું તો હું ડરી ગયો હતો. છેવટે ના
બનવાનું બન્યું.
આ પ્રોજેક્ટ સતીશભાઈએ જીવનમાં કરેલા અગણિત પ્રોજેક્ટમાંનો
એકાદ હશે. પણ મારા માટે તો એ કેટલો મહત્વનો હતો એ એકલો હું જાણતો હતો.
કોઇ ફિલ્મ અધૂરી મૂકીને દિગ્દર્શક મૃત્યુ પામે તો નિર્માતા
અન્ય દિગ્દર્શક પાસે ફિલ્મ પૂરી કરાવે છે કારણ કે એક પ્રોજેક્ટમાં અનેક લોકોની
મહેનત લાગેલી હોય, અનેક લોકોનું ભાવિ સંકળાયેલું હોય, નિર્માતાના પૈસા લાગેલા હોય.
પણ આવા સાહિત્યિક પ્રોજેક્ટમાં તો શું થાય?
અમારા આ પ્રોજેક્ટમાં કોઈનો પૈસો ક્યાંય લાગ્યો નથી. ફક્ત મારો સમય અને મારું બૌદ્ધિક રોકાણ થયું છે પણ
એનું હવે શું? આ પ્રોજેક્ટ સતીશભાઇની કલ્પના હતી, એવી કલ્પના કોઈ અન્ય સામયિકના
માલિક/તંત્રીના મગજમાં તો હું આરોપી શકું નહીં! વળી મારા કહેવાથી કોઈ તંત્રી એવા
પ્રોજેક્ટમાં શા માટે પડે? કોઇને પોતાને સૂઝે તો કંઇક વાત બને! પછી ભલે એવો
પ્રોજેક્ટ એ મારી સાથે કરે કે અન્ય કોઇની સાથે કરે!
આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સાકાર થાય કે નહીં, એટલું ખરું કે આ
પ્રોજેક્ટના કારણે મને તો લાભ જ થયો છે. એક નવો આત્મવિશ્વાસ મારામાં પ્રગટ્યો છે.
એક નવી ઉર્જાનો સંચાર થયો છે. મને સાબિતી મળી ગઇ છે કે નવા આહ્વાનો હું ઉપાડી શકું
છું. પ્રોજેક્ટનું કામ કરતી વખતે જે excitement, જે thrill અને જે sense of fulfillment મેં અનુભવ્યાં છે એનો જોટો જડે એમ નથી. આ પ્રોજેક્ટ આમ જનતા માટે ખુલ્લો મૂકાય
કે નહીં, લોકોની સામે આખેઆખો આવે કે ટુકડા ટુકડા થઈને આવે, મને કોઈ ફરક નહીં પડે. મને
આમાંથી જે આનંદ મળવાનો હતો એ તો હું આગોતરા મેળવી ચૂક્યો છું. હવે એનું જે કંઇ પણ
થશે એ મારા માટે કેવળ ઔપચારિકતા હશે.
Age is just a number જેવી ઉક્તિ સતીશભાઇને બરાબર લાગુ પડતી હતી. ૮૦+ ની ઉંમરે
જલારામદીપનું સંપાદન તેઓ ખંતપૂર્વક કરતા હતા. મારા જેવા અજાણ્યા લેખકની એકાદ-બે
વાર્તા વાંચીને, નવી પ્રતિભાને ઓળખી લઈને વાર્તાની મીઠી ઉઘરાણી તેઓ કરી શકતા હોય તો
એમના માટે એમ જ કહેવું પડશે કે ઉંમરની મર્યાદા એમને ક્યારેય નડી ન હતી.
સતીશભાઈનું અવસાન મારા માટે ભરપાઈ કરી ના શકાય એવી અંગત ખોટ
છે. એક અફસોસ રહી ગયો. એમને મોઢામોઢ મળીને Big
Thank you! કહેવું હતું એ રહી ગયું.
પરમકૃપાળુ સર્વશક્તિમાન ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.
--કિશોર પટેલ, 28-06-21; 03:35.
###
No comments:
Post a Comment