નવનીત સમર્પણ જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે
(૭૨૮ શબ્દો)
દરિયો, કિલ્લો અને સ્ત્રી (માવજી મહેશ્વરી):
દરિયો અને કિલ્લો એકમેકથી વિરુદ્ધ પ્રતિકો છે. દરિયો વિશાળ
અને ગહન જયારે કિલ્લો બંદિસ્ત, સંકુચિત અને સુરક્ષિત ક્ષેત્ર. આ બંને જોડે
સંકળાયેલી એક સ્ત્રી કિલ્લાની સુરક્ષામાંથી નીકળી તોફાની દરિયા તરફ કદમ ઉઠાવે છે
તેની વાર્તા. પૃષ્ઠભૂમિમાં દરિયાકાંઠે કિલ્લામાં રહેતાં માછીમારોની જીવનશૈલીની
ઝાંખી મળે છે. આ માછીમારોનું જીવન કેટલું અનિશ્ચિત હોય છે! એક માછીમાર પોતાના મછવા
સહિત અદ્રશ્ય થઇ ગયો છે! કોઇને ખબર નથી કે દરિયો એને ગળી ગયો કે પાડોશી દેશના નૌસૈનિકોએ
એને સરહદ ઓળંગવાના ગુનાસર પકડી લીધો છે? આવાં કેટલાંય નિર્દોષ માછીમારો સરહદની બંને
તરફની જેલમાં સબડી રહ્યાં છે. છાપાંમાં આવતાં સમાચારો મુજબ અવારનવાર થોડાંઘણાંને મુક્ત
કરવામાં આવે છે પણ હજીય સરહદની બંને તરફ જેલની કાળકોઠડીમાં સબડતાં હોય એવાં માછીમારોની
સંખ્યા ખાસી મોટી હોવી જોઇએ. આવા કેટલાંય વિશિષ્ટ સમાજની વાર્તાઓ આપણાં સાહિત્યમાં
અવતારવી હજી બાકી છે.
રોશન સંપૂર્ણ સ્વસ્થ સ્ત્રી છે. એને દરિયાનું પ્રચંડ આકર્ષણ
છે. સમાજના અન્ય પુરુષોની જેમ એ પણ માછીમારી કરવા દરિયો ખેડવા ઈચ્છે છે. એનો પતિ
મામદ રોશનની અંદર રહેલી બાળસહજ વૃત્તિને સારી રીતે સમજે છે પણ દરિયો ખેડવાની એની ઈચ્છાને
એની અંદર રહેલો સરેરાશ પુરુષ મંજૂરી આપતો
નથી. જો કે એની પાછળ પત્નીની સુરક્ષાની પુરુષસહજ ચિંતા છે. મામદ અને રોશન બંને
પોતપોતાની રીતે એક એક દરિયો છે. રૂઢ અર્થમાં રોશન નદી નથી પણ દરિયો છે એ ધ્યાનમાં
લેવા જેવું છે. બાકીનો સમાજ કિલ્લો છે. કિલ્લાની અંદર રહેતા સમાજની સંકુચિત
દ્રષ્ટિએ રોશન અપશુકનિયાળ અને ગાંડી સ્ત્રી છે. રોશનને કોઇની પરવા નથી. ગામનો એક
છોકરો વૈયલ એની ભાવના સમજે છે. આખા ગામમાં એકલો એ રોશનને સામાન્ય અને સહજ ગણે છે.
રોશન માટે વૈયલ તરફથી મળતો ભાવનાત્મક સહારો પૂરતો છે. જો કે વાર્તામાં સંકેત અપાયો
છે કે રોશનને વૈયલ પાસેથી એથી પણ વધુ અપેક્ષા છે. મામદની ગેરહાજરીમાં પિયરીયાંને
અવગણીને પણ રોશન પોતાની ઈચ્છા પૂરી કરે છે. નારીચેતનાની વાર્તા.
વળાંક (અમૃત બારોટ):
સ્ત્રીસ્વાતંત્ર્યની વાત. કેટલાંક પુરુષો વ્યવસાયમાં સફળતા
મેળવવા સ્ત્રીનો ઉપયોગ કરતાં અચકાતાં નથી, પછી એ હાથ નીચેની કર્મચારી હોય કે પોતાના
ઘરની સ્ત્રી.
મિતેશથી છૂટી પડેલી મેઘાને ઓફિસના બોસ વિનીત તરફથી
સહાનુભૂતિ મળી. એ સંબંધ લગ્નમાં પરિણમ્યો. પછી વિનીતની સ્વાર્થી વૃતિથી કંટાળીને
મેઘા ગૃહત્યાગ કરે છે. મેઘાને કલ્પના પણ ન હતી કે દૂર એકાંત સ્થળે આવેલા હિલ
સ્ટેશન સુધી વિનીતનો જાસૂસ એનો પીછો કરશે. નિકુંજ નામે ઓળખાયેલો એક આદમી જાસૂસની
ભૂમિકા જબરી ચોક્સાઈથી ભજવે છે.
મુખ્ય વાત સ્ત્રી પર માલિકીવૃત્તિ ધરાવતા શોષણખોર વિનીતની
છે. વિનીતથી પહેલા મેઘાના મિતેશ જોડેના સંબંધ વિષે વાતો છે પણ મિતેશ મેઘાથી વેગળો
શા માટે થયો એનું કારણ જાણવા મળ્યું હોત તો મેઘાના પાત્રને થોડુંક વધુ ઊંડાણ મળત.
સંબંધવિચ્છેદ પછી પણ મેઘા-મિતેશના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યાં છે એનો વિનીતને વાંધો
પડ્યો છે. સ્ત્રીને શો-પીસ સમજતાં અને માલિકીવૃત્તિ ધરાવતાં પુરુષોની માનસિકતા પર
આ વાર્તા એક વિધાન કરે છે. સારી વાર્તા.
હવે તો તને અડી શકું ને...કે નહીં? (ડો. દ્વિતીયા
શુક્લ):
અવ્યક્ત લાગણીઓની વાત. વાર્તાનું જમા
પાસું છે પ્રારંભ. શરૂઆતમાં જ વાર્તાકાર સંકેત આપે છે કે ફૂલછોડ પ્રત્યે પ્રીતિ
રાખતા નીરવે અરસિક ક્ષેત્રમાં નોકરી કરીને જીવન વેડફી દીધું છે. પણ એ પછી વાર્તાની
રજૂઆતમાં અન્ય પાસાંઓ નબળાં રહ્યાં. ટૂંકી વાર્તામાં પાત્રાલેખન વિષે એક બહુ જાણીતી ઉક્તિ છે: show, don’t tell. બંને મુખ્ય પાત્રો નીરવ અને ઇશાન્વીની ખાસિયતોનું વર્ણન
કરવાને બદલે લેખકે પાત્રોનાં વાણી-વ્યવહારમાં એ ખાસિયતો વણી લઈને આલેખન કર્યું હોત
તો વાર્તા વધુ અસરકારક બની હોત. નીરવના અંતર્મુખી સ્વભાવના મૂળમાં એના પિતાનો એની
પ્રત્યેનો અસંવેદનશીલ વ્યવહાર જવાબદાર છે. ઇશાન્વી માટેની નીરવની લાગણીઓની ચર્ચા
સાતમા-આઠમા ધોરણમાં ભણતાં સહવિદ્યાર્થીઓ પુખ્તવયની વ્યક્તિઓની ભાષામાં કરે છે ગળે
ઉતરતું નથી. વાર્તાનો વિષય સારો છે પણ માવજતમાં કચાશ છે.
મરણનાં ભજન (મોના જોશી):
વરિષ્ઠ નાગરિકોની સમસ્યા. વૃદ્ધ દંપતીનો એકબીજા સાથે જેવી
સમજણ હોઇ શકે તેવી સમજણ બે પેઢીઓ વચ્ચે પ્રમાણમાં ઓછી જોવા મળે છે. બેમાંથી એકનું
મૃત્યુ થાય એ પછી પાછળ રહી ગયેલાની સ્થિતિ કફોડી થતી હોય છે. મહત્વના કામ માટે
ઘરના સભ્યો ડોસાને ગૃહિત ગણી લે છે તે સ્વાભાવિકપણે ડોસાના ગળે ઊતરતું નથી.
સ્વભાવથી વિરુદ્ધ જઇને પોતાના વિચાર તે પ્રગટ કરે છે એ હકારાત્મક વાત છે. સાંપ્રત
વિષયની વાર્તા.
ખજાનો (ધીરુબેન પટેલ):
માળિયું સાફ કરતાં હાથ લાગેલું જૂનું તોરણ ગૃહિણી ભંગારમાં
કાઢી નાખે છે. પાંચ વર્ષની બાળકી જેને ખજાનો કહેતી હતી એ તોરણ તો એના માટે રમકડું
હતું પણ તેના પિતા માટે તો એ મૃત માતાની અમૂલ્ય સ્મૃતિઓનો ખજાનો હતો. ખજાનો ખોવાઈ
ગયો એમ કહીને બાળકી ઉપદ્રવ મચાવે છે પણ એના પિતાથી તો સામાન્ય પ્રતિક્રિયા પણ આપી
શકાતી નથી. જૂનો વિષય, કદમાં નાનકડી વાર્તાની પારંપારિક અને અસરકારક રજૂઆત.
ધીરુબેન જેવા વરિષ્ઠ અને નીવડેલા વાર્તાકાર પાસેથી કંઇક જુદી અને વધુ દમદાર
વાર્તાની અપેક્ષા રહે છે.
--કિશોર પટેલ, 08-07-21;
12:47
###
No comments:
Post a Comment