Tuesday, 15 June 2021

શબ્દસૃષ્ટિ એપ્રિલ અને મે ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે નોંધ

 


શબ્દસૃષ્ટિ એપ્રિલ અને મે ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે નોંધ  

(૯૫૨ શબ્દો)

એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ:

૧. રજાઇ (પારુલ ખખ્ખર):  આ વાર્તા એટલે અસ્પષ્ટ પૂર્વધારણાનું ઉત્તમ ઉદાહરણ. લેખક ચોક્કસ શું કહેવા માંગે છે તે વાર્તામાં સ્પષ્ટ થતું નથી.

કમલી નામની એક કન્યાની વાત છે જે ઘેરથી ભાગી છૂટી છે. દૈવસંજોગે બસમાં મળેલી ચંદા નામની એક ભલી સ્ત્રી એને પોતાને ઘેર લઇ જાય છે. ચંદાના પતિને વાંધો પડે છે એટલે ચંદાની વિધવા નણંદ સવિતા ક્મલીને પોતાને ઘેર લઇ જાય છે. ક્મલી આ સવિતા જોડે રજાઈ ગૂંથવાનું કામ કરે છે. અન્ય શહેરમાં કામ કરતો સવિતાનો દીકરો વનરાજ બે વર્ષે ઘેર આવે છે ત્યારે સવિતા આ કમલી જોડે એને પરણાવે છે. પરણ્યા પછી પહેલી રાતે કમલી પોતાના પતિ વનરાજ જોડે વિચિત્ર વર્તન કરે છે.        

એવું કહી શકાય કે કમલીની અંદર રહેલી મુગ્ધ બાળકીની નિર્દોષતા કાયમ રહી છે. પરણ્યાની પહેલી રાતે પતિ જોડે કોઇ સંવાદ કરવાની બદલે એ હૂંફાળી રજાઇમાં ઊંઘી જવાનું પસંદ કરે છે.

એવું પણ કહી શકાય કે યુવાન છોકરીને ઘેરથી ભાગી છૂટેલી બતાવીને લેખક એક ગંભીર સામાજિક સમસ્યા પ્રતિ આંગળી ચીંધે છે.

વાર્તાનો આ અંત સ્વાભાવિક જણાતો નથી. કમલીના વાણી-વ્યવહારમાં એની મુગ્ધતા વિષે લેખકે વાર્તામાં ક્યાંક કોઇ સંકેત આપ્યો નથી. જે બે-ત્રણ પ્રસંગનું આલેખન થયું છે એમાં ક્મલીને સામાન્ય વર્તન કરતી બતાવી છે. હા, રજાઇની સુંવાળપ વિષે એને આકર્ષણ છે એવું કહેવાયું છે પણ એના બાળક જેવા સ્વભાવ અંગે કોઇ સંકેત મળતો નથી. એના પૂર્વાશ્રમના વીસ વર્ષ વિષે વાર્તામાં એક શબ્દનો પણ ઉલ્લેખ નથી. અલબત્ત, એવી માહિતીની જરૂર પણ નથી. આપણે એટલી કલ્પના કરી શકીએ કે કમલી કદાચ અનાથ હતી, જ્યાં એ રહેતી હતી ત્યાં કદાચ એની જોડે ગેરવર્તાવ થયો હતો. સાવકા પિતાના ઘેર અથવા અનાથાશ્રમમાં બાળકીઓના જાતીય શોષણના કિસ્સાઓ બનવા સામાન્ય બાબત છે. ઉલ્ટાનું આવા સંજોગોમાં કન્યાઓ ઉંમરના પ્રમાણમાં ઝડપથી પુખ્ત થઇ જતી હોય છે. જે હોય તે, વીસ વર્ષમાં ક્મલીનું જે ઘડતર થયું હોય એની ઝલક તો વાર્તામાંથી મળવી જોઇએ કે નહીં?     

પરણ્યાની પહેલી રાતે એકાંતમાં ઉમંગભર્યા પતિને હડસેલો મારીને કમલીનું રજાઇમાં સંતાઈને આખી રાત નિરાંતે ઊંઘી રહેવું અસ્વાભાવિક જણાય છે. પહેલી વાર જયારે સવિતાએ એની હાજરીમાં એક પાડોશણને એમ કહ્યું કે “...આ રૂપનો કટકો તો મારા વનરાજ હારુ રાખી મેલ્યો છે માડી.” ત્યારે કમલીનો પ્રતિભાવ એક સામાન્ય કન્યા આપે એવો જ હતો. બીજી વાર જયારે સવિતા કમલીને સીધું પૂછે છે કે કાલે વનરાજ આવે છે, મારે તો ઘડિયાં લગ્ન લેવાં છે, તને કંઈ વાંધો નથી ને?”  ત્યારે //... કમલીના મોં પર રેશમ જેવી જ ગુલાબી રંગત વેરાઈ ગઇ. એ સવિતાબેનને વ્હાલથી વળગી પડી. //  એવું લખાયું છે. સખેદ નોંધવું પડશે કે વાર્તાની નાયિકાના પાત્રાલેખન વિષે લેખક જો ઉદાસીન રહ્યા ના હોત તો એક સરસ વાર્તાની શક્યતા હતી.

(આ વાર્તાને કેતન મુનશી વાર્તાસ્પર્ધા ૨૦૦૯ માં દ્વિતીય પુરસ્કાર (રોકડ ઇનામ રૂપિયા દસ હજાર) પ્રાપ્ત થયો હતો. હાલમાં જ સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત નવલિકાનિકેતન સંગ્રહમાં પણ આ વાર્તા સંકલિત થઇ છે.)

 

૨. ઘર અને માળો (કેશુભાઇ દેસાઇ): કોઈના માથેથી છાપરું છીનવી લેવું એટલે શું? કબૂતર અને કબૂતરીનું એક જોડું પોતાનો વીંખાયેલો માળો ફરીથી બનાવવા ઝઝૂમે કરે છે તે જોઇને નાયકને પોતાનાં સંઘર્ષના દિવસો યાદ આવે છે. ઘર માટે પંખીનો માળો જેવું પ્રતિક ઘણું વપરાઈ ગયું છે.      

૩. પાંખો (પ્રિયંકા જોશી): છૂટાં પડવાની પીડા. વાસ્તવિક વિશ્વથી જોજનો દૂર કાલ્પનિક સૃષ્ટિમાં વિહરતાં હોય એવા નાયક અને નાયિકા. રજૂઆતમાં ‘ઇન્તેજારી’, ‘ખોજવા લાગ્યો’, ‘એક અરસા બાદ’, ‘જૂઠ’ જેવાં હિન્દીભાષી પ્રયોગો ટાળી શકાયાં હોત.

મે ૨૦૨૧ અંકની વાર્તાઓ:

૧. ઝાંપલી (જેસંગ જાદવ):

ગામનો એક યુવાન સુંદર જુવાનડી પરણેતર લાવ્યો છે. ગામના નવરા યુવાનો આ દેખાવડી સ્ત્રીની ઝલક માટે આતુર રહે છે.

વાર્તાનો વિષય સારો છે પણ રજૂઆતમાં અરાજકતા છે. વાર્તાનો પ્રારંભ અને અંત ત્રીજા પુરુષ એકવચનમાં કર્યો છે અને મધ્ય ભાગ પહેલા પુરુષ એકવચનમાં કર્યો છે. એમાં કથક નિશાળે જતી એક નાનકડી કન્યા છે.

વાર્તાનો નાયક ધનજી નામનો એક યુવાન વાળંદ છે. પત્ની સાવિત્રી અને ભત્રીજી જાગુ જોડે એક ઘરમાં રહે છે. કોઇ કામથી ધનજીને સિહોર જવાનું થયેલું ત્યાંથી એ પોતાના ઘર માટે એક નવીનક્કોર ઝાંપલી લાવ્યો છે. આ ઝાંપલી એટલે કદાચ ઘરનું મુખ્ય દ્વાર અથવા સુશોભિત ગેટ એવું કશુંક હોવું જોઇએ.

ધનજી કદાચ તાજો તાજો પરણ્યો છે અથવા વહુઘેલો છે અથવા શંકાશીલ માનસ ધરાવે છે. શેરીના નાકે બેસીને એ ગ્રાહકોની હજામત કરવાનું કામ કરે છે પણ કામ કરતાં કરતાં ફાલતુ કારણથી દિવસમાં સત્તર વાર ઘેર આવજા કરે છે.

ધનજીની દેખાવડી ઘરવાળી સાવિત્રીની એક ઝલક માણવા જોરુભા નામનો ગામનો એક આદમી કાયમ ફાંફા માર્યા કરે છે. આ જોરુભા પણ ધનજીના ઘેર આંટાફેરા મારવા ક્ષુલ્લક કારણો આપે છે.

અંતમાં ધનજી સમયસર ઘેર ના પહોંચે તો જોરુભા સાવિત્રી પર આક્રમણ કરવાની તૈયારીમાં હતો. છેલ્લી ઘડીને જોરુભા લીમડી ઉપર ચડી જઇને  “લીમડીની ચાર-પાંચ ડાળખી ઘરવાળીએ મંગાવી છે તે હું તો લેતો હતો, ધનજી, તારાથી આટલું પણ ના ખમાયું?”  એવું કહીને છટકી જાય છે.

વાર્તાની કથનશૈલીમાં લેખક દ્વારા પ્રયોગ થયો હોય એવું જણાતું નથી. કેટલાંક મહત્વના વ્યંજનાસભર પ્રસંગોનું વર્ણન લેખકે નિશાળે જતી કન્યાના મુખે કરાવ્યું છે. આ પ્રયાસ સાહસભર્યો કહેવાય. વાર્તાના એ હિસ્સામાં લેખક તંગ દોર પર ચાલ્યા છે એ નોંધવું પડશે. આખી વાર્તા એ રીતે કન્યાના મુખે કહેવડાવી હોત તો રંગ રહી જાત! સખેદ નોંધવું પડશે કે વાર્તાના સ્વરૂપ અંગે લેખક બેદરકાર રહ્યા છે.

૨. ડરેસ (જયેશ રાષ્ટ્રકૂટ):

કરુણાંત વાર્તા. છેવાડાના માણસની વાત. નાનકડા ભક્લાને સફેદ રંગનું આકર્ષણ છે. નિશાળમાં સફેદ ડ્રેસ પહેરીને જવાનું એનું સ્વપ્નું પૂરું થતું નથી. વાર્તાનું શીર્ષક ‘ડરેસ’ છે. ‘ડ્રેસ’ નું અશુદ્ધ રૂપ ડરેસ. અંતે ભક્લાને ડ્રેસ પહેરવા મળે છે ખરો, પણ એ નિશાળનો નહીં પણ મૃત્યુ પામેલા પિતાની ખાલી પડેલી જગ્યામાં વાજુ વગાડનારા બેન્ડવાળાનો ડ્રેસ છે.

વાર્તામાં વંચિત સમાજની એક ઝલક મળે છે. ભક્લાનો બાપ પોટલી પીને પડ્યો રહે છે. ભક્લાની માતા ધાવણી દીકરીને ઝોળીમાં પીઠ પર લટકાવીને રોજેરોજ ખજૂરીની જાતે વણેલી સાવરણી વેચવા જાય છે. વખતે દીકરી ઝીણકી ભૂખી-તરસી થાય, રડે કે તોફાન કરે એવે સમયે જોડે ભકલો હોય તો સામે ઊભેલા ગ્રાહકને એ સાચવી લઇ શકે. આમ ઈચ્છા હોવાં છતાં ભકલો નિશાળે જઇ શકતો નથી અને રોજેરોજ એણે માતા સાથે ઘસડાતા જવું પડે છે. અધૂરામાં પૂરું ગ્રાહકો રૂપિયા-બે રૂપિયા માટે ભક્લાની માતા જોડે કચકચ કરે છે. સારી વાર્તા.

--કિશોર પટેલ, 15-06-21

###


No comments: