નવનીત સમર્પણ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે
(૪૭૦ શબ્દો)
પૈડું (વીનેશ અંતાણી):
નોખો વિષય નોખી વાર્તા. મુગ્ધાવસ્થામાં થતાં પ્રેમ/વિજાતીય
આકર્ષણની વાત.
વાર્તા પ્રથમ પુરુષ એકવચન કથનરીતિમાં કહેવાઇ છે. મધ્યમ વયનો
કથક એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક છે. જ્યાં બાળપણ વીત્યું એ ગામની મુલાકાત લેવાની
એને અનાયાસ તક મળે છે. એનું બાળપણ સજીવન થાય છે. એ પછી સંપૂર્ણ વાર્તા ફલેશબેકમાં કહેવાય છે.
નાનપણમાં સાયકલના ફાલતુ ટાયરને પૈડું બનાવીને કથક રસ્તા પર
ફેરવ્યા કરતો. ઉંમરમાં એનાથી બે વર્ષ મોટી એક બાળસખી મણિ હતી. રમતાં રમતાં એકબીજાને
સમજ પણ ના પડે એ રીતે બંને એકમેક પ્રત્યે આકર્ષાયા હતાં. સંતાકુકડીની રમત દરમિયાન મણિ
સાથેની થોડીક નાજુક ક્ષણોનું આલેખન વાર્તાકારે ઘણી જ કુશળતાથી કર્યું છે. પ્રેમ
એટલે શું એ સમજવાની ઉંમર થાય એ પહેલાં જ કથકને પ્રેમની અનુભૂતિ થઇ હતી. લગ્ન કરીને
મણિ કોઇ અજાણ્યા આદમી જોડે બીજા ગામડે ચાલી જાય એ વાતને ક્થક સ્વીકારી શકતો ન હતો.
ભોળા ભાવે પોતાની દાદીને એ પૂછે છે કે મણિ કેમ કાયમ માટે આપણી જોડે રહી ના શકે? હંમેશા
લઘરવઘર રહેતી મણિ કેવળ ક્થકને ગમે એટલા માટે સ્વચ્છ અને સુઘડ રહેવાનું શીખે છે. પ્રેમ
એટલે શું કદાચ એને પણ ખબર ન હતી.
કથક વિચારે છે કે આજે મણિ ક્યાં હશે? એને સમજાય છે કે
બાળપણના પ્રેમનું એ પૈડું હવે ના આગળ ફરી શકે છે કે ના પાછળ. એ તો સ્થિર થઇ ગયું છે, જ્યાં હતું ત્યાં.
ટૂંકી વાર્તાક્ષેત્રે આ લેખક ઘણું કરીને પરંપરાગત સ્વરૂપને
વફાદાર રહ્યા છે. એમનો પ્લસ પોઈન્ટ છે દમદાર અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી. એતદના
છેલ્લા અંકની “રણ” વાર્તામાં રણપ્રદેશની બદલાતી સંસ્કૃતિની વાત હતી. આ વાર્તામાં
મુગ્ધાવસ્થાના પ્રેમની વાત છે. સરસ વાર્તાનુભૂતિ.
તૂટેલી હોડી (કિરણ વી.મહેતા):
એકલપેટા માણસની વાત. પરિવારમાં રહ્યાં પછી પણ, સતત લોકસંપર્ક
થતો હોય એવી બેન્ક જેવી સંસ્થામાં આખી જિંદગી નોકરી કર્યા પછી પણ માણસો જોડે અનુકૂલન
સાધતાં એને આવડ્યું નહીં. એના કજિયાળા સ્વભાવથી ત્રાસીને દીકરો અલગ થઇ ગયો, પત્ની
પણ દીકરા પાસે જતી રહી ગયાં છતાં પણ એ એવો જ રહ્યો. જીવનસંધ્યાએ કોઈ તીર્થસ્થળે એક
પરિવારમાં એના જેવા જ એક વૃદ્ધને મળતાં સ્નેહ અને આદરને જોઇને એને સમજાય છે કે
જીવનમાં પોતે નિષ્ફળ ગયો છે.
વાર્તાના પ્રારંભમાં થયેલું તીર્થક્ષેત્રના પ્રાકૃતિક
સૌંદર્યનું વર્ણન વાર્તા માટે ઉપકારક નથી. વાર્તાના વિષય જોડે એ બંધબેસતું નથી. એના
બદલે ઉજ્જડ ગામ અથવા રણવિસ્તારનું વર્ણન યોગ્ય લાગત. અથવા આ જ તીર્થક્ષેત્રની શક્ય
એવી દુર્દશાનું ચિત્રણ થયું હોત તો પણ વિષયપ્રવેશ યોગ્ય રીતે થયો હોત. અથવા મંકોડો
એના ગળે ચટકો ભરે છે ત્યાંથી વાર્તા શરુ કરી હોત તો શ્રેષ્ઠ આરંભ થયો કહેવાત. સમગ્ર
વાર્તામાં ઉપમા અલંકારનો વિપુલ માત્રામાં ઉપયોગ થયો છે. વાર્તામાં
આરોહ-અવરોહ-વળાંક કંઇ જ નથી. એક જ સૂરમાં વહેતી વાર્તા ભાવકના ચિત્તને સ્પર્શવામાં
નિષ્ફળ રહે છે. એટલે જ અંતમાં એના પ્રાણત્યાગથી ભાવકના ચિત્તમાં કરુણ રસ નિષ્પન્ન
થતો નથી. પરિવાર પાસે જઇને સંબંધો પુનર્જીવિત કરવાનો પ્રયાસ એણે કર્યો હોત તો કંઇક
વાત બની હોત. પરિવારે જાકારો આપ્યો હોત તો ધાર્યું કારુણ્ય ઉપજ્યું હોત.
આ વાર્તાકારની રચનાઓ વિવિધ સામયિકોમાં સતત પ્રસિદ્ધ થતી રહે
છે. લખાણમાં અવનવા વિષયો તેઓ સતત અજમાવતા રહે છે.
--કિશોર પટેલ, 24-06-21;
05:44
###
No comments:
Post a Comment