Tuesday, 22 June 2021

પરબ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૯૪૩ શબ્દો)

ચંદેરી (ગિરિમા ઘારેખાન):

પરિવારમાં એકાદ બહેન અપરિણીત હોય તો સગાંસ્નેહીઓ દ્વારા પ્રારંભિક વિરોધ પછી સમયાંતરે એને સ્વીકારી લેવામાં આવે છે. એટલું જ નહીં, પછી તો ઘણી સહેલાઇથી એને ગૃહિત ધારવામાં આવે છે. એણે સ્વેચ્છાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે કે સંજોગવશાત એવું થયું છે એ ભૂલાઈ જાય છે. “તને એકલીને વળી કેટલું જોઇએ?” કે “આખો દિવસ એકલી કરતી શું હોય છે?” કે “તારે વળી શું તૈયાર થવાનું?” જેવા સહજતાથી બોલાતાં વિધાનો જે તે કન્યાના હ્રદય પર કેવો ઊંડો જખમ કરતાં હોય છે એ આપણે વિચારતાં નથી.

અહીં યાદ આવે છે યુવા વાર્તાકાર અજય સોનીની ઈ.સ. ૨૦૨૦ માં પ્રસિદ્ધ થયેલી એક વાર્તા ‘પડછાયાના ટુકડા’. એ વાર્તામાં અપરિણીત વીમા એજન્ટને હાલતાં-ચાલતાં સાંભળવું પડતું હતું કે “તમારું કોણ ખાશે?” “તમારે વળી કેવી ઉતાવળ? ઘેર ક્યાં કોઈ રાહ જુએ છે?” જો કે એ વાર્તાનો વિષય અલગ હતો, બંને વાર્તા વચ્ચેનું સામ્ય અહીં પૂરું થાય છે.

નાયિકા શ્યામા પરવશ સ્થિતિમાં જીવતા પિતાની સેવા માટે અપરિણીત રહી છે. પિતા પ્રત્યે ત્રણે દીકરીઓની ફરજ સરખી જ કહેવાય છતાં શ્યામાએ કરેલા ત્યાગને અવગણીને બાકીની બંને બહેનો હાલતાં-ચાલતાં શબ્દબાણો ચલાવતી રહે છે અને જાણ્યેઅજાણ્યે શ્યામાનું હ્રદય ચાળણી જેવું બનાવતી રહે છે. શ્યામાની પોતાની પણ અંગત જિંદગી છે એ વાત મોટી બહેનો ધ્યાનમાં લેતી નથી. પિતાના મૃત્યુ પછી તો બહેનો “તારી ભાણીને તો તારા વિના ચાલે જ નહીં!” એવું કહીને એની પાસે મફતમાં વેઠ કરાવતી થઇ જાય છે.  

વાર્તાની શરૂઆતમાં સંકેત અપાયો છે કે શ્યામાની જિંદગીમાં એક યુવાન હતો. અંતમાં સંકેત છે કે એ દૂરદેશાવાર  ચાલી ગયો છે. શ્યામાએ ધાર્યું હોત તો પોતાની જિંદગીને વળાંક આપી શકી હોત.

ભાવકના ચિત્તમાં વિષાદ જન્માવવામાં આ વાર્તા સફળ રહે છે. સભ્ય સમાજના અંશ તરીકે આપણે થોડાંક વધુ સંવેદનશીલ કેમ બની શકતાં નથી?  વિષય જૂનો પણ માવજત સારી.  હ્રદયસ્પર્શી વાર્તા.                

કાલે તો કાલે, પછી તો પછી (દિલીપ ભટ્ટ):

મધ્યમ વર્ગના સંયુક્ત કુટુંબની ખાટીમીઠી. છોકરાં મોટાં થાય, પરણે, કુટુંબવિસ્તાર થાય. શહેરોમાં તો આમ પણ જગ્યાની અછત હોય છે. મોટો દીકરો પરણે ત્યારે નવી વહુનો સમાવેશ તો થઇ જાય પણ બીજો દીકરો પરણે એટલે બેમાંથી એકાદ દીકરાએ જુદાં થવું પડે. પૂર્વતૈયારીરૂપે જૂદું  ઘર લેવું અને સંજોગવશાત જૂદું ઘર લેવું એ બે અલગ બાબતો છે. પ્રસ્તુત વાર્તામાં નાના દીકરાએ લગ્ન પછી ફરજિયાત જુદાં થવું પડ્યું છે.

સમાજમાં દીકરાઓ વચ્ચે ભેદભાવ કરતાં માબાપો જોવા મળે છે. મધ્યમ વર્ગમાં દીકરાઓની વચ્ચે તેમની આવકના પ્રમાણમાં કે પછી વહુઓ પિયરમાંથી કેટલો માલ લાવી છે તેના પ્રમાણમાં માબાપ ભેદ કરતાં જોવા મળ્યાં છે. ક્યારેક ‘તારું-મારું’ કરનારી વહુનો સ્વભાવ મુખ્ય ભાગ ભજવતો હોય છે.

પ્રસ્તુત વાર્તામાં મોટા દીકરો એન્જીનિયર છે. એની આવક કદાચ સારી છે અને માતા એનાથી અને એની વહુથી દબાયેલી હોય એવું જણાય છે. પહેલા પુરુષ એકવચનમાં રજૂ થયેલી આ વાર્તામાં કથક નાનો દીકરો છે. એનું પહેલું સંતાન માંડ એક મહિનાનું હોય ત્યારે વરસતા વરસાદમાં એણે ઘર છોડીને નીકળવું પડે છે. લેખકે કંઇ જ કહ્યું નથી પણ ઘરમાં ભાઈઓ-વહુઓ કેવી દલીલો થઇ હશે એની ભાવકે કલ્પના કરવી રહી.

નોંધવાની વાત એ છે કે કુટુંબના કલુષિત વાતાવરણના છાંટા કથકના દાંપત્યજીવન પર ઉડ્યા નથી. પતિ-પત્ની વચ્ચેનો મનમેળ હેમખેમ રહે છે. હા, જે માતા પ્રારંભમાં કડવી જણાઇ છે એ હવે થાકી છે અને મોટા દીકરાનો સાથ છોડીને નાના દીકરા પાસે આવવા ઈચ્છે છે પણ અપરાધબોધના કારણે એવી ઈચ્છા એ પ્રગટ કરી શકતી નથી.

કથક જ્યાં ભાડે રહેવા જાય છે એ ઘરનું વાતાવરણ એટલે જાણે રણમાં મીઠી વીરડી. કથક અને એની પત્નીને ઘરનાં માણસોની ખોટ સાલવા ના દે એવું પ્રેમાળ કુટુંબ.

રજૂઆતમાં કથકના તબીબી વ્યવસાયની પરિભાષાનો સુંદર સમન્વય થયેલો જોવા મળે છે. વાર્તાકાર પોતે ડોક્ટર છે કે નહીં તે આપણે જાણતાં નથી પણ આ એક સુખદ આશ્ચર્ય છે કે વાર્તામાં ચાવીરૂપ જગ્યાએ આ વ્યવસાયને સાંકળતી સુંદર અભિવ્યક્તિઓ જોવા મળી છે.

પ્રસ્તુત છે કેટલાંક ઉદાહરણો: // બાના મોંએ ‘મારો દીકરો’ સાંભળ્યા પછી: પેશન્ટનું મૃત્યુ નક્કી જ છે એની ખાતરી થયા પછી અમે જે અંતિમ અને એકસ્ટ્રીમ દવાનો છેલ્લી ક્ષણે પ્રયોગ કરીએ છીએ એવો જ બાનો આ શબ્દપ્રયોગ હતો. // // મારામાં મરવા પડેલો દીકરો એકાએક સજીવન થતો મેં અનુભવ્યો. અચલાને અન્યાય થઇ જવાના ભયે માંડમાંડ મેં ભીતરના પુત્રપણાને ફરી એનેસ્થેસિયાની હવા આપી. //

આ ઉપરાંત અન્ય એક સુંદર અભિવ્યક્તિ:  // એક કઠિયારો જંગલમાંથી પસાર થાય ને લાખો પાંદડા ધ્રુજી ઉઠે એમ ઘરમાંથી ગઇ કાલે બા પસાર થયાં. પછીના કંપનો હું હજી અનુભવતો હતો. //

રૂપી (અરવિંદ બારોટ):

લોકવાર્તા.

આત્માના મોક્ષ માટે પુનર્જન્મ. ગોર મહારાજની પાંચ વર્ષની નબુ અચાનક ના સમજાય એવી વાતો કરવા માંડી, જાણે વયસ્ક સ્ત્રી હોય એવું વર્તન કરવા લાગી. બે બાળકો અને પતિ-સાસુના ત્રાસ વિષે વાતો કરવા માંડી. તપાસ કરતાં પાડોશના ગામની એક રૂપી નામની સ્ત્રીનો ઈતિહાસ માલૂમ પડ્યો.  ગામના અદેખા લોકોની વાતમાં આવી જઇને રૂપીના પતિ મેપાને વહેમ ભરાઈ ગયો કે એની પત્ની રૂપી ગામના એક જુવાનિયા જોડે આડો સંબંધ રાખે છે. એ પોતાની સુલક્ષણા પત્નીને ઘણો ત્રાસ આપે છે. બે બાળકોને રડતાં મૂકીને દુઃખિયારી રૂપી કૂવો પૂરે છે. એ રૂપીનો બીજો જન્મ ગોરને ત્યાં થયો. ગોર નબુને જોડે લઈને જે તે ગામે જઇને મૂળ માણસોને મળ્યાં. રૂપીના મોટા થયેલાં સંતાનોને નબુ મળી. મેપા પર બધો આક્રોશ ઉતાર્યા બાદ રૂપીના આત્માને શાંતિ મળે છે અને નબુ એના આત્માથી મુક્ત થાય છે.

અને છેલ્લે:

હજી હમણાં મે મહિનાના નવનીત સમર્પણમાં આ જ લેખક અરવિંદ બારોટની એક વાર્તા ‘સામા કાંઠે’ વાંચવામાં આવી. એ વાર્તામાં પણ આ જ રીતે એક જુવાનિયો પોતાની પત્ની પર શંકા કરે છે કે એ બીજા એક જુવાનિયા જોડે સંબંધ રાખે છે. એ પેલા જુવાન જોડે યુદ્ધ કરે છે. બંને માર્યા જાય છે.  એમાં ક્યાંય ‘લોકવાર્તા’ એવો ઉલ્લેખ ન હતો. પણ હવે લાગે છે કે એ વાર્તા પણ આવી જ કોઈ લોકવાર્તા પર આધારિત હતી.

લોકવાર્તા પણ સાહિત્યનો જ એક પ્રકાર છે. ટૂંકી વાર્તા કાલ્પનિક હોય છે જયારે આવી લોકવાર્તા પરાપૂર્વથી ચાલી આવતી દંતકથાઓના આધારે લખાતી હોય છે. આમાં ખોટું કે શરમાવાનું કંઇ નથી. આ રીતે કર્ણોપકર્ણ ચાલી આવતી દંતકથાઓને શબ્દસ્થ કરવી એ પણ એક મોટું સરાહનીય કાર્ય છે. જયારે પણ લોકકથાને આધારે વાર્તા લખાઇ હોય ત્યારે પરબના આ અંકમાં કરી છે એવી નોંધ ભૂલ્યા વિના કરવી જોઇએ.   

--કિશોર પટેલ; 22-06-21; 13:16

###

  

 

  

 

               

   


No comments: