Friday, 18 June 2021

મમતા જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ




 

મમતા જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૩૫ શબ્દો)

ગ્રામચેતના વિશેષાંક; અતિથી સંપાદક: કલ્પેશ પટેલ  

વચ્ચે (રવીન્દ્ર પારેખ): સંતાન માટે એક પિતાના આત્મબલિદાનની વાર્તા. દીકરીની સારવાર માટેના પૈસા ભેગાં કરવા કિસન દવા બનાવતી એક કંપનીના પ્રયોગો માટે સ્વયંસેવક બને છે. રસીનો એક ડોઝ લીધા પછી એ ભયાનક શારીરિક નબળાઇ અનુભવે છે એમ છતાં પણ બીજો ડોઝ લેવા પાછી પાની કરતો નથી. ગરીબી અને લાચારી માણસ પાસે કેવાં કેવાં કામ કરાવે છે! ટૂંકી પણ સચોટ અને હ્રદયસ્પર્શી વાર્તા.

વત્સલા (કિશોર વ્યાસ): પરિવારના સભ્યો એકબીજાની લાગણીઓનો અનાદર કરે એના પરિણામે ક્યારેક કરુણાંતિકા સર્જાતી હોય છે. રજૂઆત વેરવિખેર. આરંભમાં ગૃહત્યાગ કરી ગયેલી સ્ત્રી પર રહેલું ફોકસ પછી એની પરિણીત દીકરી પર સ્થિર થાય. દીકરી છૂટાં પડેલાં માતા-પિતાને એક કરવા મથે. પશ્ચાતાપની ભઠ્ઠીમાં સળગી રહેલા  પિતાને મૃત્યુ આંબી જાય. જૂની કરુણ હિન્દી ફિલ્મને હંફાવી દે એવી રૂમાલભીની વાર્તા. (સ્પર્ધાની સન્માનિત વાર્તા)  

સ્વૈરિણી (એકતા નીરવ દોશી): મા અને દીકરી વચ્ચે, લેખક અને પાત્ર વચ્ચે અને ચિત્રકાર અને એના મોડેલ વચ્ચે પરાપૂર્વથી ચાલ્યા આવતા ગજગ્રાહની વાત. માલિકીભાવ અને સ્વાતંત્ર્ય વચ્ચેની લડાઇ અનંતકાળ સુધી ચાલ્યા કરશે. રજૂઆતમાં વિષયને અનુરૂપ આલંકારિક ભાષાનો ઉપયોગ થયો છે. (સ્પર્ધાની સન્માનિત વાર્તા)

મેળો (કેશુભાઇ દેસાઇ): માનવમનના અટપટા ખેલ લેખકે આબાદ ઝીલ્યાં છે આ વાર્તામાં. એક તરફ બીભત્સ રસનું ચીતરી ચડે એવું ચિત્રણ અને બીજી તરફ સ્ત્રીના સંકુલ મનનું આલેખન!

નાયિકા વીરીનું પાત્રાલેખન જબરું થયું છે. મંદ્રોપુરના મેળામાં જોયેલો યુવાન મનમાં વસી ગયેલો. એનું માંગુ પણ આવ્યું હતું પણ મોટા બાપુ નડી ગયા. સાટામાં વહુ મળતી ન હતી એટલે મોટા બાપુએ નન્નો ભણી દીધેલો!  વીરીના ભાગ્યમાં તો લખેલો હતો આ ‘મરદ’નો બચ્ચો!

પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં ‘મરદ’ની વ્યાખ્યા પણ કેવી? સ્ત્રીનું કહ્યું ધરાર ના માનવું, સ્ત્રીના તાબે ના થવું, પોતાના મનનું જ કરવું! એટલું જ નહીં, પોતાની સ્ત્રી પાસે પણ પોતાનું ધાર્યું જ કરાવવું!

આવું મિથ્યાભિમાન પુરુષો તો રાખે, સ્ત્રીઓ પણ વળી એવો પુરુષ મળ્યાનો ગર્વ અનુભવે! પ્રસ્તુત વાર્તામાં નાયિકા વીરીને એક તરફ મનમાં વસેલો યુવાન ધણી તરીકે ના મળ્યો એનો અફસોસ છે તો બીજી તરફ આવો ‘જોરાવર’ ધણી મળ્યાનો ગર્વ પણ છે! વીરીનો પતિ ફલજી વ્યસની છે, દારૂ-બીડીનું એને બંધાણ છે પણ એ જેવો છે તેવો વીરીએ મનેકમને સ્વીકારી લીધો છે. વ્યસનના કારણે ફ્લજી મરવા પડ્યો છે ત્યારે એને સાજો કરવા કોઈ પણ કિંમત ચૂકવવા વીરી તૈયાર છે! પેલા ચંદ્રોપુરના મેળામાં મળેલો યુવાન હવે ડોક્ટર ડી એમ ચૌધરીના રૂપમાં આટલાં વર્ષે ફરીથી મળી ગયો ત્યારે વીરીના મનના ખૂણે સુષુપ્ત અવસ્થામાં રહેલાં અરમાન જાગી ઊઠે છે. વીરીના દેહ પર ફરી વળતી ડોક્ટરની નજરનો અર્થ ના સમજાય એટલી ભોળી તો વીરી નથી જ.

મર્યાદિત શબ્દોમાં સશક્ત વાર્તા. ક્યાંય બિનજરૂરી વર્ણન નહીં, હેતુ વિનાનો એક શબ્દ પણ નહીં! નમૂનેદાર વાર્તા.   

સોનેરી ચંપલ (પ્રવીણ ગઢવી): ગુજરાતનાં ગામોમાં અને દેશમાં અન્યત્ર ખૂણેખાંચરે સ્વાતંત્ર્યના સાત દાયકા પછી પણ આભડછેટનું દૂષણ હયાત છે. દલિતો મૂછ રાખે કે વરઘોડો કાઢે તો સવર્ણોને વાંધો પડે છે. પ્રસ્તુત વાર્તામાં એક દલિત સ્ત્રી નવી સોનેરી ચંપલ પહેરીને સવર્ણોના મહોલ્લામાં ગઇ એમાં તો સવર્ણોનો અહમ ઘવાયો. વાતમાંથી વાત વધી પડી અને સાંજે સવર્ણોએ દલિતવાસ પર સશસ્ત્ર આક્રમણ કર્યું ત્યારે પહેલેથી જ સાવચેત દલિતોએ પણ સશસ્ત્ર મુકાબલો કર્યો અને સવર્ણોને ભાગતાં ભોંય ભારે પડી. દલિતોમાં જાગેલાં આત્મસન્માન વિષેની પારંપરિક શૈલીમાં રજૂઆત પામેલી વાર્તા.      

માથે પડેલો (જિતેન્દ્ર પટેલ): રચનારીતિનું ઉત્તમ ઉદાહરણ. નાયકને ફોન પર બેનના ઘેરથી અશુભ ખબર મળે છે. પત્ની જોડે તૈયાર થઇને પોતાના ઘેરથી વાહન વડે બેનના ઘેર પહોંચે એટલા સમયમાં સંપૂર્ણ વાર્તા કહેવાઇ જાય છે. આટલા સમયમાં માથે પડેલા  બનેવીનું પાત્રાલેખન હુબહુ રજૂ થઇ જાય છે. છોગાંમાં અણધાર્યો અંત! સરસ વાર્તા!    

ઓછાયો (નટવર હેડાઉ): મરવાના ઇરાદે નદીએ પહોંચેલા ડોસા-ડોસી છેલ્લી ઘડીએ નિર્ણય ફેરવી તોળીને પાછાં ફરે છે. જીવનની માયા કંઇ સહેલાઇથી છૂટતી હશે? બેઉ પાત્રોના મનોભાવોનું સારું આલેખન.

બાપ! (પ્રભુદાસ પટેલ): નારીચેતનાની વાત. શોક્યના આગમનથી છંછેડાયેલી નાયિકા પતિ જોડેનો છેડો ફાડી નાખે છે. મા અને બાપ બંનેની ભૂમિકા ભજવીને એ દીકરાનો ઉછેર કરે છે. નાયિકાના મનના આટાપાટાનું સારું ચિત્રણ.  

તમાશો (નિયતિ કાપડિયા): આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે.  ઘરના સભ્યો વચ્ચે થયેલી તકરારનો અહેવાલ છે. 

વસૂલાત (જશુ પટેલ):  બીભત્સ રસનો અતિરેક. વ્યસની પુરુષના કારણે કુટુંબની થતી બેહાલીની વાત એક જ રાગમાં આલાપી છે. અસહનીય રચના.  

શ્યામલી (રક્ષા મામતોરા): ૧. શહેરમાં જઈને ભણતી કન્યાઓ અંગે ગામમાં ટીકાત્મક વાતો થતી હોય છે. ૨. કન્યાઓ સાંજે સમયસર ઘર ભેગી ના થાય તો ઘરના લોકો ચિંતાતુર થઇ જાય છે. ઇતિ વાર્તા: આટલા બે નિરીક્ષણ આ વાર્તામાંથી સાંપડે છે જેમાં  અર્થાત કોઈ નવી વાત નથી. રજૂઆત પણ સામાન્ય છે. ટૂંકમાં, આ વાર્તા નિરાશ કરે છે.  

જશોદામાસી (જયેશ સુથાર): એક ભાણેજના મૃત માસી જોડેના સંભારણા. સામાન્ય રજૂઆત.

ત્રાજવું (અજય પુરોહિત): આપણે ત્યાં કન્યાને ત્વચા પર ડાઘ હોવો એટલે મહાપાતક. વિરાણી પરિવારની જે દીકરીના લગ્નની વાત ચાલતી હતી એણે પોતાની ભાભીને જાણ કરી કે એના સાથળ પર ડાઘ છે. ભાભી દ્વારા ભાઇને જાણ થઇ અને ભાઈએ અન્ય ભાઈઓ જોડે ગુપ્ત મંત્રણા કરી. ચતુર મોટાભાઇએ આવી પડેલી વિપત્તિનો ઉપાય બતાવ્યો.

વિષય સારો અને માવજત પણ સરસ.

વાર્તામાં લેખકે એક ગજબનો વિક્રમ કર્યો છે. મુખ્ય પાત્રો તો ચાર-પાંચ છે પણ બીજા નાનામોટાં પાત્રો મળીને કુલ છત્રીસ પાત્રોનો વાર્તામાં ઉલ્લેખ છે! એકેએક પાત્રનું આ લેખકે નામકરણ કર્યું છે! વિરાણી પરિવારના ચાર ભાઈઓ, એમની પત્નીઓ, સંતાનો, જે પરિવાર જોડે દીકરી લગ્નની વાત ચાલે છે એ ભાલોડિયા પરિવારના કુટુંબીજનોનાં નામ, એક ભાઇની પત્ની જે સોરઠીયા પરિવારમાંથી આવી છે એમના સહુના નામ, ગાડું હાંકવા આવેલા સાથીનું નામ, અરે, એ સાથીના બળદોના પણ નામ લેખકે આપ્યાં છે!  કેટલાંક પાત્રોના તો હુલામણાં નામ લેખકે ચીવટપૂર્વક નોંધ્યા છે! એક દુકાનદારનો અને એક ભૂવાનો ઉલ્લેખ આવે છે, એમનાં પણ નામો છે! એક ટૂંકી વાર્તામાં છત્રીસ નામો! કદાચ ગો.મા.ત્રિ.ની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ માં પણ કુલ આટલાં પાત્રો નહીં હોય! (સંપૂર્ણ યાદી માટે જુઓ સંલગ્ન છબી.) શું આટલાં બધાં નામો આપવા જરૂરી હતાં?

અને છેલ્લે:

સમયનો તકાદો છે કે નીવડેલા વાર્તાકારો કેશુભાઇ દેસાઇ અને રવીન્દ્ર પારેખ જેવા વરિષ્ઠ લેખકો પાસેથી પ્રેરણા લે. માત્ર ટૂંકી વાર્તાને વરેલાં ફક્ત બે સામયિકમાંથી એક જલારામદીપ આજે છ મહિનાથી સ્થગિત થઇ ગયું છે. આવી સ્થિતિમાં જાણીતા લેખકો મમતા વાર્તામાસિક પ્રત્યેનો અભિગમ બદલશે એવી શુભ કામનાઓ!     

--કિશોર પટેલ; 18-06-21 06:40.

###


No comments: