પરબ એપ્રિલ અને મે ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે નોંધ
(૯૬૦ શબ્દો)
એપ્રિલ ૨૦૨૧: એક વાર્તા.
ના – એક પ્રલાપ (ધીરેન્દ્ર મહેતા):
‘પ્રલાપ’ શબ્દનો અર્થ શબ્દકોશમાંથી આવો મળે છે: અસંગત
બડબડાટ, આવેશમાં આવી અસંબદ્ધ બોલવું તે. વાર્તામાં નાયકની એકોક્તિ રજૂ થઇ છે.
મિલનની એક ક્ષણે સામેનું પાત્ર નકાર ભણે છે. પણ નાયક એનો હકારાત્મક અર્થ કાઢે છે.
સ્વની સાથે એકાકાર થવાની, ઐક્યની અનુભૂતિ કથકને થાય છે.
મે ૨૦૨૧: બે વાર્તાઓ.
વિદુષક આટલું હસે છે કેમ? (પ્રવીણ સિંહ ચાવડા):
મૈત્રીસંબંધ વિષયની હ્રદયસ્પર્શી વાર્તા. અનુઆધુનિક યુગના એક
પ્રમુખ વાર્તાકાર પાસેથી મળેલી નમૂનેદાર અને જબરદસ્ત વાર્તા.
તાજેતરમાં આ લેખકની અન્ય એક વાર્તા વિષે ટિપ્પણી કરતાં આ લખનારે
નોંધ્યું હતું એમ અહીં પણ કથક એક ચિંતકની ભૂમિકામાં માનવજીવન વિષે ઝીણું નિરીક્ષણ
કરે છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં કથક પોતે વાર્તાનું અગત્યનું
પાત્ર હોવા છતાં કથકની ભૂમિકા એક ચિંતકની જ રહે છે. હા, એક તફાવત છે, એમની
રમૂજવૃતિ આ વાર્તામાં ગાયબ છે. એનું કારણ છે: વાર્તાનો વિષય અને કથકની વિચિત્ર
પરિસ્થિતિ.
સ્થૂળ અર્થમાં વાર્તાના અંતે પૃથ્વીસિંહ એટલે કે પિથુ વિકટ
પરિસ્થતિમાં જણાય છે પણ હકીકતમાં પિથુ નહીં પણ કથક પોતે વિકટ પરિસ્થિતિમાં
મૂકાયેલો છે. કથકની પીડા વિષે વાર્તામાં એક શબ્દ પણ જડતો નથી અને છતાં ભાવક એની
પીડા તીવ્રપણે અનુભવી શકે છે. આ કમાલ પ્રવીણસિંહ ચાવડા નામના વાર્તાકારની છે.
સામસામા છેડે ઊભેલા બે મિત્રોને એક વિચિત્ર ક્ષણે ફ્રેમમાં
કેદ કરીને લેખકે વાર્તા રચી છે. બેમાંથી એકાદ મિત્ર જો એકાદ ક્ષણ માટે પણ વહેલોમોડો
થયો હોત તો કોઇ સમસ્યા ઊભી થવાની ન હતી. સામાન્ય માણસોના જીવનમાં આવું બનતું હોય
છે. આ વાર્તામાં જે બે મિત્રોની વાત થઇ છે એમાંથી એક અથવા બીજા પાત્રમાં કોઇ પણ
સામાન્ય માણસ પોતાની છબી જોઇ શકશે.
બંને મુખ્ય પાત્રો બાળપણના ભેરુ છે. સારી
સામાજિક-આર્થિક સ્થિતિના કથકનો જીવનપ્રવાસ સરળ અને સીધી ગતિનો અને ઉપરની દિશામાં
રહ્યો છે. ભણીગણીને એ સરકારી ખાતામાં કલેકટર જેવા હોદ્દે પહોંચ્યો છે. લગભગ સમાન
સામાજિક-આર્થિક સ્થિતિમાંથી પિથુનો પણ જીવનપ્રવાસ શરુ થયો હતો પણ એના જીવનમાં એક
પછી એક વિઘ્નો આવ્યાં છે. રોમાંચક પ્રેમકથાનું પરિણામ એવા પિથુએ બાળપણમાં
માતા-પિતા ગુમાવ્યા. અશિક્ષિત અને મિથ્યાભિમાની દાદા જોડે શિકાર અને અન્ય મોજશોખમાં
પ્રવૃત્ત રહેવાના પરિણામે એ અલ્પશિક્ષિત રહ્યો. બસ કંડકટર જેવી નોકરી તો ઠીક,
મજૂરની નોકરીમાં પણ એ કાયમી થઇ ના શક્યો.
જેની જોડે શૈશવની સોનેરી ક્ષણો વીતાવી હતી એવા મિત્ર માટે
કથકના હ્રદયમાં કાયમી સ્થાન છે. ક્યારેય એણે
એનાથી મોઢું ફેરવી લીધું નથી. જરૂર પડ્યે
એની ગેરકાયદે પ્રવૃત્તિમાં પણ ક્થકે સાથ આપ્યો છે. આવો પિથુ એક વાર એવી દશામાં
સામે આવી જાય છે કે કથક કફોડી સ્થિતિમાં મૂકાઇ જાય છે. હંમેશની જેમ આગળ વધીને કથક એને ગળે લગાડી શકતો
નથી.
ઉપરી અધિકારી સુસ્મિતા ખેર ઉચ્ચ વર્ગના, વળી મહિલા, લગભગ
ગાંડા અને જંગલી જેવા પિથુને રસ્તાની કિનારે જોઇને મોઢું મચકોડે એ સ્વાભાવિક છે.
ક્થકે તો પિથુને હજી જોયો પણ નથી ત્યારે મેડમ કથકનું ધ્યાન દોરે છે, જુઓ જુઓ, પેલો
ગાંડો કેવો ક્લાઉન દેખાય છે! કથકને ઓળખી લીધાં પછી પિથુ હર્ષાવેશમાં હાથ ઊંચા
કરીને હસે છે અને મેડમને લાગે છે કે ગાંડો એમની સામે દાંતિયા કરે છે. કથક શું
બોલે?
નાળા પાસે ઘેટાંબકરાંનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું છે,
વાહને ફરજિયાત થોભવું પડ્યું છે, જોડે
ઉપરી મેડમ છે જેમને આવા ગંદા-ગોબરા અને ગાંડાની સૂગ આવે છે. એવા સમયે પિથુની ઓળખાણ કથક એક મિત્ર તરીકે કઇ
રીતે જાહેર કરી શકે?
કારુણ્યના શિખરે લઇ જઇને વાર્તાકાર ભાવકને ઘેરા વિષાદમાં
ડૂબાડી દે છે.
વાર્તાનું શીર્ષક છે: ‘વિદુષક આટલું હસે છે કેમ?’ ઉપરી મેડમનો આ પ્રશ્ન કથકની સાથે સાથે પિથુ અને
ભાવક સહુનું કાળજું ચીરી નાખે છે.
પિથુના માતાપિતાની રોમાંચક પ્રેમકથા કહીને લેખકે પિથુની
કહાણીમાં કારુણ્યની માત્રા વધારી દીધી છે. ગામની બહાર સાધુની ઝૂંપડીમાં જામતી બેઠકમાં
ભજનોની સંગાથે ગાંજાની મહેફિલનું ચિત્રણ કરીને લેખક કહે છે કે કથકને તો પિથુની
રહેણીકરણીની ઈર્ષા આવતી હતી. પિથુને પહેલેથી જ ખબર હતી કે એની અને કથક વચ્ચે મોટું
અંતર છે પણ કથકે હંમેશા માન્યું હતું કે પિથુ એનો પોતાનો જ એક હિસ્સો છે.
લેખકે સંસ્કાર અને સોબતની અસર વિષે પણ વાર્તામાં મહત્વનું વિધાન
કર્યું છે. પિથુ જો મોસાળમાં રહ્યો હોત તો સારા સંસ્કાર પામ્યો હોત. પિથુ જોડે મૈત્રી
કરીને પણ કથક વ્યસનોથી દૂર રહી શક્યો છે કારણ કે એના માથે શિક્ષિત પિતાનું છત્ર છે.
કથકના હાથમાં દર્શનશાસ્ત્રનું પુસ્તક જોઇને સુસ્મિતા ખેર એની
જોડે ‘માનવજાતને થયેલી વિસ્મૃતિ’ વિષયની ફિલસૂફીભરી ચર્ચા કરે છે અને વાસ્તવમાં એક
માનવીની દયનીય પરિસ્થિતિ જોઇને સૂગ અનુભવે છે. આમ લેખક ઉચ્ચ વર્ગના માણસોના બેવડાં
ધોરણ અંગે કટાક્ષ કરે છે.
વાર્તા ખાસી લાંબી છે પણ પ્રવાહી શૈલી અને પ્રભાવી રજૂઆતના કારણે
લેશમાત્ર લાંબી લાગતી નથી.
નોંધનીય અભિવ્યક્તિ: // કાયરોમાં હોય એવી હિંમત સાચા
મરદોમાં હોતી નથી. // // પ્રવાહ જે ભીતર વહે છે, એને તો ભાષા નથી. // // મને એકે
કાંટો વાગ્યો નહોતો. પગે ફોલ્લા પડ્યા નહોતા. મારાં કપડાં ઝાંખરામાં ભરાઇને ફાટ્યા
નહોતાં. // // એને માટે ધોરી માર્ગ તો શું, પ્રમાણમાં થોડો સીધો અને સરળ એવો કાચો
રસ્તો પણ નહોતો. વગડો, ઝાડી-ઝાંખરા, ખીણો, ટેકરીઓ, ભેખડો, કોતરો. // // રસ્તા પર
પહેલો અધિકાર કોનો, મનુષ્યનો કે પશુપક્ષીઓનો, તેની સમજ અભણ ડ્રાઈવર પાસે હશે. //
કથકની ઉપરી અધિકારીનું નામ સુસ્મિતા છે પણ એક વાર ‘સ્મિતા’
લખાયું છે. ક્થકનો એમની જોડે એવો સંબંધ નથી કે સુસ્મિતાનું ટૂંકું રૂપ ‘સ્મિતા’
કહીને એમનો ઉલ્લેખ કરી શકે. પણ સો ટચના સોના જેવી આ વાર્તામાંની આવી ભૂલ અવગણવા
હું તૈયાર છું.
વસવસો (જગદીપ ઉપાધ્યાય):
કોરોના મહામારી અને ફેન્ટેસી વાર્તા.
મગન ગોટી પોતે મર્યા પછી પોતે કેવી રીતે મર્યો એની કથા
પ્રથમ પુરુષ એકવચનમાં હળવી શૈલીમાં કહે છે. નામમાં ગોટાળાના કારણે મનહર ગોટીના
બદલે મગન ગોટીને કોરોના પોઝિટીવ જાહેર કરાયો અને કથકને હ્રદયરોગનો હુમલો આવી
ગયો. મગનની પત્નીનો એક તકિયાકલામ “ઘડીક
ખમ્યા હોત તો?” મજેદાર છે. સરસ મજાની વાર્તા.
નોંધનીય અભિવ્યક્તિ: // ખરું પૂછો તો બેચાર વસવસાના
સરવાળાનું નામ જ જિંદગી છે. // // પાનખરમાં સાવ ખરી ગયેલા ઝાડને પાન ફૂટે ને જેવી
રાહત થાય તેવી રાહત //
વિશેષ નોંધ: પરબ મે ૨૦૨૧ ના અંકના મુખપૃષ્ઠ પર હાલમાં અવસાન
પામેલાં કેટલાંક સાહિત્યકારોની યાદી મૂકાઇ છે એમાં એક નામ ‘વસવસો’ વાર્તાના લેખક
જગદીપ ઉપાધ્યાયનું પણ છે. યોગાનુયોગ અને વક્રતા એ છે કે વાર્તાના વિષય પ્રમાણે
લેખક મૃત્યુ પામ્યા પછી આપણે એમની વાર્તા વાંચી અને માણી.
--કિશોર પટેલ; 23-05-21; 06:09
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
###
No comments:
Post a Comment