નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૩ ની વાર્તાઓ વિશે નોંધ
(૪૮૨ શબ્દો)
વાવ (મેધા ત્રિવેદી)
વ્યંજનામાં
કહેવાયેલી વાર્તા.
એક ગામડામાંની વાવની
વાત છે. આ વાવને હેરિટેજ સ્મારક જાહેર કરવામાં આવે છે એટલે એનું મહત્વ વધી જાય છે.
બહારથી લોકો વાવને જોવા અને જાણવા આવે છે. આ વાવની વધુ જાણકારી મેળવવા બીજે ગામથી એક પુરાતત્વવિદ આવે છે. વાવ વિશે અજાણ
ગ્રામજનો પુરાતત્વવિદને બુધિયા નામના માણસ પાસે મોકલે છે. બુધિયાએ કહેલી વાવ અને
એના માતાપિતાની કથામાં પુરાતત્વવિદને કંઈ ખાસ ગમ પડતી નથી અને તે મૂંઝાયેલી
સ્થિતિમાં પાછો ફરે છે.
વાર્તામાં દેશની
આર્થિક, સામાજિક અને રાજકિય સ્થિતિ પર કટાક્ષ થયો છે.
આ વાર્તાની વ્યંજના
સમજવા જેવી છે. ગામડું એટલે આપણો દેશ. વાવ એટલે આપણી પ્રાચીન સંસ્કૃતિ. આપણા નેતાઓ
વિદેશમાં જઈ દેશની સંસકૃતિનાં અને પ્રગતિનાં સાચાખોટા ગુણગાન ગાય એટલે વિદેશીઓ
આપણા દેશના પ્રવાસે આવે, દેશ વિશે જાણવા ઈચ્છે. અહીં પુરાતત્વવિદ એટલે બીજા દેશના
પ્રતિનીધી. પુરાતત્વવિદને ગામમાં કોઈની પાસે વ્યવસ્થિત માહિતી મળતી નથી. આપણા
દેશમાં વિવિધ ધર્મોની વિવિધ કથાઓ છે. દરેક જણ પોતપોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું
ગાણું ગાય એટલે બહારનાં માણસ ગૂંચવાઈ જાય. બુધિયો વિદેશી મહેમાનને ડોસાડોસીની કથા એટલે કે આપણી પુરાણકથાઓ સંભળાવે
જેમાં તર્ક ઓછો અને કલ્પનાવિહાર વધારે હોય. આવું હોય ત્યાં બહારના માણસો આપણા દેશ
વિશે શું ધારણા બાંધે?
સારી વાર્તા.
અમેરિકાથી અમ્મેરિકા (કંદર્પ ર. દેસાઈ)
એક તરફ ગામડામાં
બાપદાદાનાં ઘર-જમીન છોડીને અમેરિકામાં સાસરિયાંની મોટેલમાં મામૂલી નોકરી કરતાં
વાર્તાના નાયક અનિલનો જીવ ગૂંગળાય છે અને બીજી તરફ એક હોનહાર યુવકને અમેરિકા જવું
છે કારણ કે અનામતની નીતિ અને સ્પર્ધાના કારણે એને દેશમાં તક મળતી નથી.
વાર્તામાં નાયકની
પત્ની નિયતીના પાત્ર દ્વારા સ્ત્રીઓની માનસિકતા અંગે એક વિધાન થયું છે. પતિ
સ્વમાનભેર દેશમાં સારા હોદ્દે નોકરી કરતો હતો પણ પિયરિયાં અમેરિકામાં સ્થાયી
થયેલાં એટલે પતિને પણ ત્યાં ખેચી જઈને એ નાયકને જન્મભૂમિથી અને પરિવારથી અળગો કરે
છે.
સાંપ્રત સમસ્યા. વિદેશમાં
વસવાના મોહમાં ત્યાં સફાઈ કામદારની નોકરી કરવા પણ આપણા દેશી યુવકો તૈયાર થતાં હોય
છે એ વિશે પણ વાર્તામાં વિધાન થયું છે.
ઈમાનધરમ (અમૃત બારોટ)
ઈ.સ. ૨૦૦૨ માં થયેલા
ગોધરાકાંડની વાત. અમદાવાદમાં રહેતાં એક શીખ પરિવારના મોભી કિરપાલસિંહને શહેરમાં
થતી હિંસા જોઈને વર્ષો પૂર્વે ભાગલાના સમયે થયેલા રમખાણોની યાદ આવે છે. કેવી
પરિસ્થિતિમાં સહુ ઘરબાર છોડીને પહેરેલે કપડે સરહદની પેલી પારથી આ તરફ આવ્યા હતાં
તેની પીડાદાયક સ્મૃતિ તાજી થાય છે. એમને
થાય છે કે તે દિવસે તો ભાગવું પડ્યું હતું પણ આજે હવે જેટલાંને બચાવી શકું એટલાંને
મારે બચાવવા જોઈએ. કિરપાલસિંહ કિરપાણ લઈને નીકળી પડે છે.
વાર્તાનો મોટો ભાગ
જૂની યાદોના વર્ણનમાં વપરાયો છે એટલે સરવાળે પ્રસ્તુત લખાણ વાર્તા ઓછી અને અહેવાલ
વધુ લાગે છે.
વિભાજનની ઢગલાબંધ
કરુણાંતિકાઓ આપણે વાંચી છે. એટલે બીજું બધું બાદ કરીને કેવળ કિરપાલસિંહે દીવાલમાં
સંતાડેલાં ઘરેણાંનું શું થાય છે એ મુદ્દો પકડીને વાર્તા વિકસાવી હોત, ઘરેણાંના
ચોરને જ નાયક બનાવીને એના મનોમંથનનું આલેખન કર્યું હોત તો કદાચ વાર્તા અલગ અને ઉલ્લેખનીય
બની શકી હોત.
--કિશોર પટેલ, 02-08-23
11:41
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment