મમતા જુલાઈ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૯૦૩ શબ્દો)
પ્રસ્તુત અંક
બાળવાર્તા વિશેષાંક છે, એનાં નિમંત્રિત સંપાદક છેઃ સતીશ વ્યાસ.
બાળવાર્તાઓ કેટલાંક
ખાસ સામયિકોમાં અને વર્તમાનપત્રોની સાપ્તાહિક પૂર્તિઓમાં પ્રગટ થતી હોય છે. આ
બાળવાર્તાઓને મુખ્ય ધારાના એક નિયમિત અને સ્થાપિત વાર્તામાસિકમાં સ્થાન આપવા બદલ મમતા
વાર્તામાસિકને અભિનંદન. આવી કલ્પનાને અમલમાં મૂકવા બદલ સામયિકનાં માલિકો અને
તંત્રી/સંપાદક સહિત સંપૂર્ણ ટીમનો વિશેષ આભાર!
આ સંપુટમાં કુલ
અગિયાર વાર્તાઓ રજૂ થઈ છે. લગભગ દરેક
વાર્તા આઠથી દસ-બારની વયના બાળકોને ધ્યાનમાં રાખીને લખાઈ છે. વાર્તાઓની રજૂઆત
સીધી, સરળ છે, શૈલી રમતિયાળ છે. લગભગ દરેક રચનામાં અવનવી કલ્પનાઓ રજૂ થઈ છે. એકંદરે બધી જ વાર્તાઓ સરસ, સુપાચ્ય અને મનોરંજક
છે.
ગિરિમા ઘારેખાન અને
હસમુખ કે. રાવલ જેવા જાણીતા અને અનુભવી વાર્તાકારો બાળવાર્તાઓની રચના કરે એ નોંધનીય
ઘટના કહેવાય. આ ઉપરાંત હેમંત કારિયા પણ બાળસાહિત્યનાં જાણીતા સર્જક છે. આવા
પ્રથિતયશ સર્જકો પાસેથી બાળવાર્તાઓ મેળવવા બદલ સતીશભાઈને અભિનંદન!
BTW, અંકમાં રજૂ થયેલી નિમંત્રિત સંપાદકની પ્રસ્તાવના મુદ્દાસરની છે. બાળવાર્તા
કોને કહેવાય એ વિશે એમણે ઓછાં શબ્દોમાં સરસ વ્યાખ્યા કરી છે.
વાર્તાઓ વિશેઃ
૧. આને કહેવાય દોસ્તી (સેજલ નિખિલ ચેવલી)
ખિસકોલીનાં
બચ્ચાંઓની સાહસકથા. ઘરમાં ઘૂસી આવેલાં ઠગલૂંટારાઓના હુમલા સામે આ ખિસકોલીનાં બચ્ચાંઓ મીત નામનાં એમના નાનકડા મિત્રનું રક્ષણ કરે છે.
૨. વાંસળી (મીતા મેવાડા ગોર)
નાનકડી મેઘનાએ પરીના
ઘર જેવા કમળને તોડ્યું નહીં એટલે પરીએ એને જાદુઈ વાંસળી આપી. આ વાંસળીની મદદથી એણે રાજાના દુશ્મનોને હરાવી દીધાં એટલે
એનાં લગ્ન રાજકુમાર જોડે થયાં.
૩. ટીનુભાઈ (વર્ષા તન્ના)
હોમવર્ક ના કરતા અને
ફક્ત વિડીયો ગેમ રમ્યા કરતા ટીનુભાઈને એકે ગ્રહ પર પ્રવેશ મળતો નથી. બોધપાઠ મળી જતાં
ટીનુભાઈ ડાહ્યાડમરા બની જાય છે,
૪. મોટી જગ્યાની શોધમાં (ગિરિમા
ઘારેખાન)
એકલાં એકલાં ફરવા
નીકળેલાં ત્રણ નાનાં ગલુડિયાં ખૂબ હેરાન થયાં. એમનાં સદનસીબે એમના રખેવાળ રોહનનો
ભેટો થઈ ગયો એટલે સહુ સુખરૂપ ઘેર પાછાં આવ્યાં.
૫. મેઘધનુષ (પ્રીતિ જરીવાલા)
સ્કુલમાં રજા પડતાં
રોહન ગામડે દાદાજી પાસે જાય છે. દાદાજી એને મઝાની વાર્તાઓ કહે છે.
૬. રોબોટભાઈની સ્કૂલ (ધાર્મિક પરમાર)
ભોલુકાકાની રમકડાંની
દુકાન છે, અહીં ભાતભાતનાં રમકડાં છે. ભોલુકાકાની દીકરી ચીકુ બધાં રમકડાંનું સારું
ધ્યાન રાખે છે.
૭. પહાડે ગાયાં ગીત (ભારતીબેન ગોહિલ)
બાળકોની વાતો સાંભળી
બરફના પહાડને થાય છે કે પોતે પાણી બનીને વહેવા માંડશે ત્યારે જ એ સહુને ગમવા
માંડશે. ધરા અને ચાંદામામા એની મદદ કરી શકતા નથી. સૂરજદાદા બરફના પહાડને પીગળાવી
દે છે ને એને નદી બનાવી વહેતો કરી દે છે. પહાડ ખુશ થઈને ગીતો ગાવા માંડે છે.
૮. સાત પૂછડિયો ઉંદર (હસમુખ કે. રાવલ)
એક ઉંદરરાજના
રાજ્યમાં ઉંદરો વચ્ચે થયેલાં મલ્લયુધ્ધની વાત.
૯. મેટ્રો ટ્રેન (મીનાક્ષી વખારિયા)
જંગલનો વાંદરો
અકસ્માતપણે એક ટ્રકમાં ઉંઘી જતાં છેક મુંબઈ આવી જાય. મુંબઈમાં એ મેટ્રો ટ્રેનમાં
નાચકૂદ કરે. ત્યાંથી ભાગીને દરિયાકિનારે જઈ ખૂબ ધમાલ-મસ્તી કરે, યુવાનો જોડે
સેલ્ફી પડાવે.
૧૦. અનુનું સ્વપ્નું (હેમંત કારિયા)
ઊંચે આકાશમાં એક
દુનિયામાં રાતદિવસ નાનાંમોટાં સપનાં બન્યા કરે. રાજાનો હુકમ થાય ત્યાં સપનાએ જવું
પડે. કોમળ નામના એક નવા સપનાને અનુ નામની છોકરીની આંખોમાં જવાનો હુકમ મળ્યો. કોમળને ખૂબ ડર લાગતો હતો. કઠોર નામના એક મોટા
સપનાએ એની મદદ કરી અને એ અનુની આંખોમાં પહોંચી ગયું, પછી તો એને અનુ જોડે ફાવી જતાં
એ બંનેએ ખૂબ આનંદ કર્યો.
૧૧. ધરતી પર જવાય? (મોનિકા મેધા)
ચંદ્ર પર અભ્યાસ માટે
આવતાંજતાં પૃથ્વીવાસીઓની વાતો સાભળી ચંદ્રની ધરતી પર જન્મેલી અને ઉછરેલી લુનાને
પૃથ્વી પર જવાનું મન થાય છે, એકાદ રોકેટમાં છૂપાઈને એ પૃથ્વી પર જવા ઈચ્છે છે પણ
રોવર નામનો એક રોબોટ લુનાને મિત્રભાવે સમજાવે છે કે એણે શા માટે પૃથ્વી પર જવું ના
જોઈએ. લુના સમજદાર છે, એને ખ્યાલ આવે છે
કે પૃથ્વી પર જવામાં જોખમ છે.
* * *
વીરાસ્વામી કૌશિક (બી.એસ.રામૈયા લિખિત મૂળ તમિળ વાર્તા, ગુજરાતી
પ્રસ્તુતિઃ સંજય છેલ)
વીરાસ્વામી નામના એક
તમિળ યુવાને એક અજાણ્યા દેશવાસીને અંગ્રેજ સિપાહીઓના હાથે મરતો બચાવવા પોતાના
પ્રાણની આહુતિ આપી દીધી. આ તમિળ યુવાનની નવી નવી સાસરે આવેલી દસ વર્ષની વયની
પરણેતરે એક અપશુકનિયાળ વિધવા તરીકે આખા ગામનાં મહેણાં સાંભળી સાંભળીને આખું આયુષ્ય
કાઢી નાખ્યું. છેક એની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યારે એને એના પતિએ આપેલાં બલિદાનની
વાત જાણવા મળે છે.
જેના સાથી તરીકે
વીરાસ્વામી બનારસ ગયો હતો એ દંપતી એના સગામાં લાગતાં ના હતાં. જે દેશી સિપાહીને
અંગ્રેજ સિપાહોના તાબામાંથી ભગાડ્યો એ પણ એનો સગો નહોતો થતો. છેક ૮૫ વર્ષે એના
વિશે સાચી માહિતી જે માણસ એનાં સ્વજનો સુધી લાવી આપે છે એ પણ એનો કોઈ સગો નથી! આ
બધી યોગાનુયોગની વાતો છે!
શિકાર તો શોધવો પડે (અમેરિકન લેખક હેન્રી સ્લેસર અથવા સ્લેચર લિખિત મૂળ
અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યામિની પટેલ)
દાંપત્યજીવનની
કડવી-મીઠી વાતો.
એક દંપતીમાં પતિ
પાસે પોતાની પત્ની વિરુધ્ધ ડઝનબંધ ફરિયાદો છે. એણે તો એની એક યાદી પણ બનાવી છે.
પત્નીથી કાયમનો છૂટકારો મેળવવા માટે એણે એક રિવોલ્વર પણ ખરીદીને રાખી છે. જ્યારે
એની સહનશક્તિ ખૂટી પડે છે ત્યારે એ રિવોલ્વર શોધે છે, સમસ્યા એ થાય છે કે એનું
બોક્સ એનાથી ખૂલતું નથી. બોક્સ ખોલવા એ કંઈક અણીદાર વસ્તુ શોધતાં એને એની પત્નીએ
લખેલી ચિઠ્ઠી હાથ લાગે છે કે જેનાથી આખી વાર્તા ૩૬૦ અંશે ફરી જાય છે. અંતની આ
ચમત્કૃતિ જબરી છે. મઝાની વાર્તા.
નવસો દાદીમાઓ (આર. એ. લેફર્ટી લિખિત મૂળ
અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)
સાયન્સ ફિક્શન.
પ્રોટા નામના એક એવા ગ્રહની વાત અહીં થઈ છે જ્યાં કોઈ મરતું નથી! પૃથ્વી પરથી સંશોધન
માટે ગયેલી ટુકડીના સેરાન નામના એક
ઉત્સાહી યુવાનને અમરત્વનું રહસ્ય જાણવું છે. એને જાણવા મળે છે કે જેમ ઉંમર
વધે એમ ત્યાંના લોકોની ઊંઘ વધતી જાય છે પણ એમનું કદ ઘટતું જાય છે. એ બધાં વયસ્કો
ઘરના ભોંયતળિયે રહે છે. આ વાર્તાના અંતમાં પણ જબરી ચમત્કૃતિ છે. સરસ વાર્તા.
--કિશોર પટેલ, 21-08-23
09:06
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment