નવનીત સમર્પણ
જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(482 શબ્દો)
મા, મને છમ વડું (ઈલા આરબ મહેતા):
ગર્ભધારણાની સમસ્યાના ઉકેલ માટે થતાં વૈજ્ઞાનિક પ્રયોગ અને
માનવીય મૂલ્યો વચ્ચે સંઘર્ષ.
પ્રશાંત અને કલ્પુના દાંપત્યજીવનમાં બાળકની સમસ્યા છે.
કલ્પુની તબીબી તપાસ પછી થયેલી સારવારમાં ગાયનેક ડોક્ટર મોનિકા સાવચેતી માટે
કલ્પુના ગર્ભાશયમાં એકથી વધુ એટલે કે
પાંચ મૂળાંકુર (Embryo) નું આરોપણ કરે છે. આશય એવો કે
પાંચમાંથી એકાદ અંકુર પણ જીવી જાય તો કલ્પુ માતા બનવામાં સફળ થાય. બને છે એવું કે
કલ્પુના ગર્ભાશયમાં પાંચેપાંચ ગર્ભનો વિકાસ થવા માંડે છે. હવે પ્રશાંત-કલ્પુ સામે
સમસ્યા એ ઊભી થાય છે કે પાંચ પાંચ બાળકોનું કરશું શું અને કેવી રીતે? ડોક્ટર
મોનિકા તો સહજપણે, જાણે રોજનું કામ હોય એમ પ્રશાંત-કલ્પુને પૂછે છે, કેટલાં બાળકો
જોઈએ છે, બે કે એક? બાકીનાનું શું થશે એની કલ્પના માત્ર કલ્પુને ધ્રુજાવી દે છે. “મા,
મને છમ વડુ” બાળવાર્તામાં તો “મને પણ, મને પણ,”
એમ સતત વડું માંગતી દીકરીઓને એમનો ગરીબ બ્રાહ્મણ બાપ કૂવામાં નાખી દે છે,
કલ્પુ એવું કઈ રીતે કરી શકે?
વિજ્ઞાનની વિકસતી ક્ષિતિજો સાથે ઊભી થતી અવનવી સમસ્યાઓ. નાયિકાના
માનસિક સંઘર્ષનું સુરેખ ચિત્રણ. નીવડેલી કલમ પાસેથી મળેલી સરસ વાર્તા.
ખુલ્લા વાળવાળી છોકરી (માવજી મહેશ્વરી):
યુવાની પછી વૃદ્ધાવસ્થા કુદરતી ક્રમ છે. માણસની એક વાર વીતી
ગયેલી યુવાની ક્યારેય પાછી આવતી નથી. ખાટલામાં તદ્દન નિષ્ક્રિય પડી રહેવું લોબનજીને
અકારું લાગે છે. ઘરના ઓટલે પડ્યા પડ્યા ગામની ગતિવિધિ જોયા કરવી અને ભૂતકાળ
વાગોળ્યા કરવા સિવાય એમની પાસે પ્રવૃત્તિ નથી.
ઘરમાં એમની બીજી પત્ની છે જે એમનાથી ઓછી ઉંમરની છે. આ બીજી પત્ની પોતાની
જોડે જે દીકરી લાવી છે એ જુવાન થઇ રહી છે.
એમના ઘરની સામે જ આવેલા પંચાયતના મકાનમાં એક દવાખાનું ખૂલ્યું છે. નજીકમાં
સ્કુલ છે. ઘરમાંની આ બંને માદીકરીની અને પેલા બંને જાહેર સ્થળોમાં ચાલતી
પ્રવૃત્તિઓ લોબનજી આખો દિવસ જોયા કરે છે. દવાખાનામાં બેસતી એક ખુલ્લા વાળવાળી
છોકરી જે કદાચ ડોક્ટર અથવા કદાચ તાલીમ પામેલી નર્સ હશે એનું નિરીક્ષણ એ કર્યા કરે
છે. એને મળવા કોણ આવે છે ને કોની સાથે હસીહસીને એ વાતો કરે છે એ બધું લોબનજી જોયા
કરે છે. આટલું ઓછું હોય એમ સાચા કે ખોટા બહાને એ પોતે પેલી ખુલ્લા વાળવાળી છોકરી
પાસે દવા લેવા પહોંચી જાય છે. ખુલ્લા વાળવાળી છોકરી લોબનજી જોડે સૌજન્યપૂર્ણ
વ્યવહાર કરે છે.
વાર્તામાં કોઈ ઘટના નથી. વાર્તાકારે એક વૃદ્ધના જીવનની સ્થગિત
થઇ ગયેલી ક્ષણોની સામે એક પ્રેમીયુગલની ચેતનવંતી ક્ષણો મૂકી આપી છે.
ગાંઠ (મોના જોશી):
લગ્નસંબંધમાં બંને ભાગીદારો વચ્ચે એકબીજા પ્રત્યે
પ્રામાણિકતાની અપેક્ષા રહે છે. બેમાંથી એક જણ જીવનસાથીનો દ્રોહ કરે ત્યારે સમસ્યા
ઊભી થતી હોય છે. આવા કારણે જીવનમાં ગાંઠ પડી જતી હોય છે.
સેજલને ક્યારેય સમજાયું ન હતું કે એની માતાનો સ્વભાવ કેમ
બદલાઈ ગયો. એ રહસ્યનો પરદો ખૂલે છે છેક એના પિતાના જીવનની અંતિમ ઘડીઓ ગણાતી હોય છે
ત્યારે.
અવસાન પ્રસંગે સામાન્ય લોકો કેવી રીતે વર્તતા હોય છે એનું
સરસ આલેખન.
--કિશોર પટેલ, 04-07-23; 11:25
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે
રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે.
અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment