Tuesday, 11 July 2023

અખંડ આનંદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ


અખંડ આનંદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૩૭ શબ્દો)

ભગવાનની મૂરત (યોગેશ પંડ્યા):

સંસારનો ત્યાગ કરવાથી શાંતિ મળતી નથી, પોતાની ફરજો બજાવવાથી જ જીવન અર્થપૂર્ણ બને છે એવો સંદેશ આપતી વાર્તા.

સંસાર છોડી સાધુ બનીને ભાગી ગયેલો બદરી વર્ષો પછી પોતાને ગામ આવે છે ને એની રાહ જોતી વૃધ્ધ માતાના ચરણોમાં પડી જાય છે. એ માતાને કહે છે કે જગતમાં ક્યાંય શાંતિ નથી મળી, મા, તારા ચરણોમાં જ ખરી શાંતિ મળે છે.

વાર્તાની રજૂઆતમાં કચાશ છે. વર્ષો ભટ્કયા પછી પણ બદરીને શાંતિ મળી નથી એટલે એ ગામડે પાછો આવ્યો છે પણ ઘેર ના જતાં હનુમાનની દેરીએ બેસી રહે છે. એને ઓળખી જનારા રણછોડ સમક્ષ પોતાની સાચી ઓળખ જાહેર કરતાં એને શરમ આવે છે એની પાછળ એના મનમાં રહેલી દોષભાવના અઘોરેખિત થવી જોઈએ જે થતું નથી. દેરીએ બેસી રહી એ આખા ગામને મળે છે ને પોતાની માની રાહ જોયા કરે છે પણ પોતે ઘેર જઈને માના પગમાં પડી જતો નથી એની પાછળ એની દોષભાવના છે એ વાત પર વજન મૂકાવું જોઈએ જે થતું નથી. સહુના ખબર એ પૂછે છે પણ લગ્ન પછી ચોથે દિવસે જેનો એ ત્યાગ કરી ભાગી ગયેલો એ અભાગિયણ સ્ત્રીની ખબર કેમ પૂછતો નથી?

રજૂઆતના કેન્દ્રમાં બદરી હોવો જોઈએ. એના મનોભાવોનું આલેખન થવું જોઈએ. એમ થાય તો વાર્તા સરસ બને.       

લાગણીની ભીંત (અનુરાધા દેરાસરી):

સંસારમાં સ્વાર્થી વિચારો બાજુએ મૂકી એકબીજાની લાગણીની કદર કરવી જોઈએ એવી સંદેશપ્રધાન વાર્તા. રજૂઆતમાં વિગતોનું વધુ પડતું વર્ણન ખૂંચે છે. 

પંચક્યાસ (નિર્ઝરી મહેતા):

નારીચેતનાની વાર્તા.

શિક્ષણના ચમત્કારની વાત. સાઘારણ લખીવાંચી જાણતી સાવિત્રી આંખ મીંચીને કોઈ કાગળમાં સહી કરતી નથી. ગામમાં પ્લાસ્ટિકનું કારખાનું આવવાનું હોવાથી જમીન સારા ભાવે વેચાવાની સહુને આશા જાગી હતી. પણ વેપારીઓ ગામના મોભીઓ સાથે મળીને અભણ ગામડિયાઓને છેતરતા હતાં તે ઘ્યાનમાં આવતાં સાવિત્રી  વેચાણના કાગળિયાં પર સહી ના કરતાં  દસ્તાવેજનો પંચક્યાસ કરાવવાની માંગણી કરીને સહુને ચોંકાવી દે છે.  અન્યાયી રીતરસમ સામે વિદ્રોહ કરતી સ્ત્રીની વાત.

ઓછાં શબ્દોમાં સાવિત્રીનું સારું પાત્રાલેખન.

અણગમતો અતિથી (કિશોર વ્યાસ):

રાઘવજીની પત્ની કર્કશા હોવાથી એમને ઘેર કોઈ મહેમાન થઈને આવતું નથી. રાઘવજીનો બાળપણના ગોઠિયો ભૂઘર સંજોગવશાત એક રાત માટે એમનો મહેમાન થાય છે તે ગૃહિણીને ગમ્યું નથી. વાળુ સમયે વાસણો પછાડીને એ પોતાનો અણગમો જાહેર કરે છે. સવારે રાઘવજીનો છોકરો પાણીના ટાંકામાં પડી જાય છે ત્યારે અણગમતો અતિથી ભૂઘર પોતે તરવાનું જાણતો ના હોવા છતાં ટાંકામાં કૂદી પડીને છોકરાને બચાવી લે છે. રાઘવજીની પત્નીને પોતાની ભૂલ સમજાતાં એ મહેમાનની માફી માગે છે અને ભૂઘરને રોકાઈ જવાનો આગ્રહ કરે છે પણ રાઘવજીની સ્થિતી સમજી ગયેલો ભૂઘર એક પણ ક્ષણ ત્યાં રોકાતો નથી.

કેટલીક સ્ત્રીઓની સંકુચિત માનસિકતાનું આલેખન. એવી એક સ્ત્રીની આંખો ઉઘાડવા નાટ્યાત્મક પ્રસંગનું આયોજન વાર્તામાં થયું છે.   

પરદેશ પરત થતી પુત્રીને પત્ર...(અનિલ આચાર્ય):

કાવ્યાત્મક ભાષામાં દીકરીને ઉદ્દેશીને લખાયેલો લાગણીભીનો પત્ર. આ રચનામાં પિતાપુત્રી સંબંઘનાં કેવળ સંસ્મરણો છે.

રક્ષાબંધન (શૈલેશ શાહ):

પતિના હત્યારાને ક્ષમા કરતી એક સ્ત્રીની વાત.

પીડિત સ્ત્રોઓ માટે કામ કરતી સંસ્થાની બહેનો રક્ષાબંઘન પ્રસંગે જેલની મુલાકાત લઈને ત્યાંનાં કેદીઓને રાખડી બાંઘતી હોય છે. એવા એક પ્રસંગે પ્રિયાની પોતાની સામે  પોતાના પતિના હત્યારાને જુએ છે. સહેજ અચકાયા પછી એ એને પણ રાખડી બાંઘે છે. પ્રિયાને ઓળખી ગયેલો પેલો કેદી પૂછે છે, “બહેન, મને ઓળખ્યો કે?” પ્રિયા કહે છે, “હા, બનવાકાળ બની ગયું, હવે હું તને મારો ભાઈ માનું છું.”

રજૂઆતમાં આશ્રમની વિવિઘ પ્રવૃતિઓનાં થયેલાં વિગતવાર વર્ણનને નિવારી શકાયું હોત. પતિના હત્યારાને રાખડી બાંઘતાં પ્રિયાને થતાં માનસિક સંઘર્ષનું વ્યસ્થિત આલેખન કરવાનું વાર્તાકાર ચૂકી ગયા છે.       

નો એન્ટ્રી (કામિની મહેતા):

માર્ગ અકસ્માતમાં યામિનીબેનને પગમાં ફ્રેકચર થયું. ચાર મહિનાનો ખાટલો થયો. ઘરની વ્યવસ્થા પુત્રવધુઓ પાસે ગઈ. સ્વાભાવિક છે કે ઘરનાં તંત્રમાં સરખામણીએ ફરક પડે. એમાં વળી પાડોશી મંગળાબેન અસ્તવ્યસ્ત ઘર વિશે ટીકા કરીને આગ લગાવી ગયા. દુઃખી થઈ ગયેલાં યામિનીબેન પતિ અતુલભાઈ આગળ રડી પડે છે. અતુલભાઈએ એમને હકારાત્મક વિચારો કરવા સમજાવ્યા કે જીવ બચી ગયો એ શું ઓછું છે?

ઘરને સુઘડ રાખતી સ્ત્રીઓની માનસિકતાનું સરસ આલેખન.

--કિશોર પટેલ, 12-07-23 08:33

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###   

 

 

 

No comments: