Thursday, 6 July 2023

શબ્દસૃષ્ટિ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ


શબ્દસૃષ્ટિ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૮૯ શબ્દો)

શબ્દસૃષ્ટિનો આ અંક ધીરુબેન પટેલ સ્મૃતિ વિશેષાંક છે. અંકમાં એમની પાંચ ટૂંકી વાર્તાઓ અને બે બોધકથાઓ રજૂ થઈ છે.

પાંચેપાંચ વાર્તાઓના વિષય-વસ્તુમાં વૈવિધ્ય છે. આ વાર્તાઓની રજૂઆત સહજ અને સરળ છે. દરેક વાર્તામાં આ નીવડેલાં વરિષ્ઠ વાર્તાકારે ઓછા શબ્દોમાં કલામય રીતે મોટી વાત કરી છે.  

૧. કોરોનાની કમાલ:

હળવી શૈલીમાં રજૂ થયેલી મઝાની વાર્તા. ધનવંત જાણે છે કે સતિયાને ઉધાર-ઉછીના આપવા એટલે મોટું જોખમ. એવો સતિયો ધનવંતનું મોટી રકમનું દેવું જ્યારે એકસામટું ચૂકવી દે છે ત્યારે ધનવંતને આશ્ચર્ય થાય છે કે આટલાં બધાં પૈસા એ લાવ્યો ક્યાંથી? એ કમાલ છે કોરોનાની. લગ્નપ્રસંગે મહેમાનોની સંખ્યા પર સરકારે મર્યાદા બાંધી હોવાથી પુત્ર સતિયાના લગ્નના મોટા ખર્ચામાંથી એ બચી ગયો હતો. 

વાર્તામાં કમાલ છે રજૂઆત વેળાની કથકની માનસિક સ્થિતીની આલેખનની. સતિયા સામે જાણે એ પહેલેથી જ હારી જવાનો હોય એવા કથકની માનસિકતાના લીઘે સંપૂર્ણ વાર્તા મજેદાર બની છે. 

૨. લિપસ્ટિક:

ગાંધીવાદથી રંગાયેલો અશોક અને શ્રીમંત ઘરની પૌલોમી એકબીજાને પસંદ કરે છે ને પરણે છે. અશોકને અનુકૂળ થવા પૌલોમી પોતાના શૃંગારના શોખને તિલાંજલી આપે છે ખરી પણ હોઠોને લાલ રાખવા માટે એ પાન ચાવતી થઈ જાય છે. એ જોઈને અશોકને સમજાય છે કે પૌલોમી પર આદર્શો લાદવામાં પોતે હદ વટાવી દીધી છે. હવે અશોક પોતાના અભિગમમાં ૩૬૦ અંશનું પરિવર્તન લાવે છે અને પત્ની માટે સૌંદર્ય પ્રસાધનોની ખરીદી કરે છે.

પ્રેમ પથ્થર જેવા જડ માણસને પુષ્પ જેવો કોમળ બનાવી શકે છે એનું સરસ ઉદાહરણ. મજાની વાર્તા.  

૩. સારાં કાન્તાબહેન:

દસ-બાર વર્ષનો મિહિર ખરો ફસાયો હતો. એને ક્રિકેટ રમવા જવું હતું ને એની બાને મિહિર માટે એક પછી એક કામ યાદ આવતાં હતાં. મહેમાનો આવવાનાં હતાં એટલે બજારમાંથી કશુંક લાવવાના બહાને છટકી શકાય તો જ રમવા જવા મળે એવું સૂઝતાં એક પછી એક વસ્તુ યાદ કરવા માંડે છે. છેવટે બરફ લાવવાના બહાને એને જવા મળે છે. પણ એ વખતે એની બા એને એક કામ ચીંધે છેઃ “કાન્તાબેનને આવવાનું કહેજે, સારાં કાન્તાબેનને, પેલી કાન્તુડીને નહીં.”

વાત જાણે એમ હતી કે મહોલ્લામાં બે કાન્તાબેન હતાં, એમાં સારાં એક જ, પણ સારાંની વ્યાખ્યા છોકરાઓની અને સ્ત્રીઓની જુદી જુદી હોય એની બિચારા મિહિરને ક્યાંથી ખબર? મિહિર માટે તો છોકરાઓને કદી વઢે નહીં એ જ સારાં કાન્તાબેન. જ્યારે સ્ત્રીઓ માટે પંચાતિયણ કાન્તાબેન સારાં હતાં. પરિણામે મિહિરને ક્રિકેટ તો રમવા મળે છે પણ જોડે બાનો ઠપકો પણ સાંભળવો પડે છે.

સ્ત્રીઓની માનસિકતા વિશે કટાક્ષ. મિહિરના મનોભાવોના આલેખન દ્વારા બાળમાનસની સરસ ઝાંખી.      

૪. પલાશ:

બે પેઢી વચ્ચે પડી જતા અંતર વિશેની વાત.

અવિનાશ અને સ્વાતિને લાગે છે કે એમનો પુત્ર પલાશ કંઈક મૂંઝવણમાં છે પણ એ બંને એને કંઈ પૂછતાં અચકાય છે. સામે પક્ષે પલાશને માતાપિતા જોડે વાત કરવી છે પણ એને એમ થાય છે કે તેઓ એની વાત સમજી શકશે કે નહીં.

બાલ્યાવસ્થા અને યુવાવસ્થાના સંધિકાળના નાજુક તબક્કા વિષેની વાત. બંને પેઢીના મનોભાવોનું સરસ ચિત્રણ.  

૫. ડાઘ:

પિતા-પુત્ર વચ્ચે પડેલી ખાઈની વાત.

પત્નીની હત્યા બદલ જન્મટીપની સજા ભોગવીને જનાર્દન ઘેર પાછો આવ્યો છે. એનો પુત્ર રવિ પોતાની માતાના હત્યારાથી અંતર રાખે છે. એણે ફક્ત એક અઠવાડિયું કાઢવાનું છે, પછી તો એ ઊડીને અમેરિકા ભેગો થઈ જવાનો છે. બીજી તરફ પુત્રનો ઉછેર ના કરી શકવા બદલ જનાર્દન દોષભાવનાથી પીડાય છે.

હકીકતમાં જનાર્દન ગુનેગાર ન્હોતો, અન્ય કોઈકે કરેલી હત્યાનો ગુનો એણે પોતાના માથે ઓઢી લીધો હતો. પણ એનો ખુલાસો એ પુત્ર પાસે કરતો નથી કેમ કે એમ કરવાથી પોતે વહોરી લીધેલી શહીદીનો કોઈ અર્થ રહેતો નથી.

સંઘેડાઉતાર હ્ર્દયસ્પર્શી વાર્તા.       

બોધકથાઓ    

૧. કાતર અને સોય:

જીવણ દરજીની દુકાનમાં કાતર અને સોય લડી પડી. કાતર કહે જીવણને હું વહાલી અને સોય કહે જીવણને હું વહાલી.  બંનેએ જીવણને ફેંસલો કરવાનું કહ્યું. બેઉના ઝઘડાથી  કંટાળેલા જીવણે કહ્યું, અઠવાડિયા પછી કહીશ, પહેલા ત્રણ દિવસ કાતરને રજા ને પછીના ત્રણ દિવસ સોયને રજા.  કાયમ જોડે રહેલી બેઉ સખીઓને સમજાય છે કે એમને એકબીજા વિના ચાલવાનું નથી. બંને વચ્ચે સુલેહ થઈ જાય છે.

બોધઃ જીવનમાં કોઈ એકલું રહી શકતું નથી, સાથી-સંગાથી વિના જીવન વ્યર્થ છે.

૨. પાડાપુરાણ:

માણસો દ્વારા થતી અવગણનાથી દુઃખી થઈને બધા પાડાઓ જંગલમાં જતા રહે છે. અહીં વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓનો તેઓ સંગઠિતપણે સામનો કરે છે અને સહુ લહેરથી રહે છે.

બોધઃ એકતામાં જ શક્તિ છે.

બંને બોઘકથાઓ ચોટદાર છે.

--કિશોર પટેલ, 07-07-23 11:19

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: