શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૪૯૭ શબ્દો)
હરિભાઈ સારો માણસ નથી (દીવાન ઠાકોર):
પ્રયોગાત્મક વાર્તા.
મોહનલાલ નામના માણસને એક ચોક્કસ લત્તામાં ઘર લેવું હોય એટલે કોઈની ભલામણથી એ લત્તામાં હરિભાઈને મળવા જાય
છે પણ એને મળે છે મનુભાઈ નામનો માણસ. આ મનુભાઈ હરિભાઈની ગેરહાજરીમાં એમના વિશે એલફેલ બોલે છે અને કહે છે કે ઘર તો હું અપાવી દઈશ, હરિભાઈનો ભરોસો કરવા જેવો નથી, એ પૈસા ખાય છે, મારામારી કરે છે વગેરે. મનુભાઈ મોહનલાલને સરસ ચા પણ પીવડાવે છે. આખો વખત એ હરિભાઈની બુરાઈ કર્યા કરે છે.
અચાનક બહારથી હરિભાઈ આવી ચડે ત્યારે મનુભાઈ વિચિત્ર લાગે એ રીતે ત્યાંથી જતા રહે છે.
મોહનલાલને આશ્ચર્ય થાય એ હદે હરિભાઈ સારું વર્તન કરે છે. જ્યારે મનુભાઈની વાત નીકળે ત્યારે હરિભાઈ એમના વિશે ઘણી સારી વાતો કરે છે, એવું પણ કહે છે કે એમની ગેરહાજરીમાં એમના મહેમાનોને મનુભાઈ સારી રીતે સંભાળી લે છે વગેરે. હરિભાઈ વિશે મનુભાઈએ જેટલી ખરાબ વાતો કરી હોય તેનાથી વિપરિત સારું વર્તન હરિભાઈ કરે છે. પોતાની દલાલી પણ એ છોડી દેવા તૈયાર છે.
વાર્તાના અંતમાં ચમત્કૃતિ છે, હરિભાઈએ બનાવેલી ચા પીઘા પછી મોહનલાલને હરિભાઈ અને મનુભાઈ એકબીજામાં ભળી ગયેલા દેખાય છે.
આ પ્રયોગાત્મક વાર્તાને અભિઘા,
વ્યંજના અને લક્ષણામાં જોઈએ તોઃ
૧. અભિધાઃ
હરિભાઈ અને મનુભાઈ નામના ખરેખર બે જુદા જુદા માણસો હોય. હરિભાઈ ભલો માણસ હોય અને મનુભાઈને
અન્યોની નિંદા કરવાની કુટેવ હોય. હરિભાઈ મોટું મન રાખી મનુભાઈનું ગેરવર્તન ચલાવી લેતો હોય.
૨. વ્યંજનાઃ
મૂળે એક જ માણસ હોય. હરિભાઈ હેતુપૂર્વક મનુભાઈની ઓળખ ધારણ કરીને જાણીજોઈને હરિભાઈની નિંદા કરે અને પછી હરિભાઈ તરીકે અપેક્ષાથી વિપરિત સારું વર્તન કરીને સામા માણસ પાસે કામ કઢાવી લે, જેવું આ વાર્તામાં બને છે.
૩. લક્ષણાઃ હરિભાઈ નામના માણસને સ્વઓળખની (અંગ્રેજીમાં જેને personality disorder કહે છે) બિમારી હોય. એનામાં એકસાથે બે માણસ વસતાં હોય. (multiple personalities)
સરસ વાર્તા, સરસ વાર્તાનૂભૂતિ. ક્યા બાત! આ વર્ષની નોંધનીય વાર્તામાંની એક.
આરતી (મૂ.લે. :અમૃતા પ્રીતમ, અનુ: અનંત શાહ):
પ્રેમસંબંધમાં નિષ્ફળતા અને એની
પીડા. પ્રેમીના ચાલ્યા જવા પછી ચિત્રકાર આરતીએ સર્વે રંગનો ત્યાગ કરી કેવળ કાળા રંગનો ઉપયોગ પોતાનાં ચિત્રોમાં કર્યો.
જૂની સાઇકલ (બલવીરસિંહ જાડેજા):
શૈશવનાં સ્મરણો અને એક અધૂરી પ્રેમકથા. રજૂઆતમાં વારંવાર સમજૂતીઓ અપાયા કરે છે જેને લીઘે વાર્તાનો બિનજરૂરી વિસ્તાર થયો છે.
લઘુકથાઓ
પેટ (અન્નપૂર્ણા મેકવાન):
એક પાર્ટીમાં હાજરી આપવા
તૈયાર થતી કામિની આયનામાં પોતાને નિહાળતી ખુશ થાય. ચાલીસની ઉંમરે કામિનીનું
દેહસૌંદર્ય અદભૂત છે. અંતમાં ચમત્કૃતિ છે. અચાનક એ આયનામાં પોતાના પ્રતિબિંબ પર એક
વજનદાર વસ્તુનો ઘા કરીને કાચ તોડી નાખે છે.
કામિની પાસે બધું જ હોયઃ
અપ્રતિમ સૌંદર્ય, સારું ઘર, સારો પતિ, સારી આર્થિક સ્થિતિ. એને શી ખોટ હોઈ શકે? કામિની માતા બનવામાં નિષ્ફળ
ગઈ હશે? એના પતિનો લગ્નબાહ્ય સંબંધ હશે?
ચોટદાર લઘુકથા.
કાશ (અર્જુનસિંહ કે. રાઉલજી):
સાસરેથી રીસાઈને ઘેર
પાછી આવેલી દીકરીને કંઈ ના કહેતાં
નાયક જમાઈની કસોટી લે છે. જમાઈ કસોટીમાં પાર ઉતરે છે. નાયકને થાય છેઃ કાશ, એ સમયે મારા સસરાએ પણ મારી
કસોટી લીધી હોત!
આ લઘુકથા પણ ચોટદાર છે.
--કિશોર પટેલ, 09-07-23
09:55
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment