મમતા મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૫૨૭ શબ્દો)
અલમારી (પ્રતીક ગોસ્વામી):
સંબંધવિચ્છેદની વાર્તા. તપન-નીના મળ્યાં, છૂટાં પડયાં.
એકબીજાથી દૂર રહીને બંને સંબંધને વધુ સ્પષ્ટ રીતે જુએ છે. હવે બેમાંથી એક જણ
સંબંધમાં ફરી જોડાવા ઈચ્છે છે, જયારે બીજું મનાઈ કરે છે.
કથનમાં હિન્દી શબ્દોની ભરમાર છે, થોડાંક શબ્દો નોંધ્યા છે: બૂ,
માહોલ, ચુપ્પી, જાનલેવા, ઘૂસપેઠ, કરીબ, અક્સ. આ સર્વે શબ્દો માટે ગુજરાતી શબ્દો
સરળતાથી ઉપલબ્ધ છે, પાત્રોની બોલચાલની ભાષામાં હિન્દી કે અંગ્રેજી શબ્દો આવી જાય એ
સ્વીકાર્ય , પણ સર્વજ્ઞ કથનશૈલીમાં આટલાં બધાં હિન્દી શબ્દો ખૂંચે છે.
અછૂત (શ્યામ તરંગી):
કોરોનાગ્રસ્ત દર્દીને થયેલા અસ્પૃશ્યતાના અનુભવની વાત. આ
બીમારી દરમિયાન સ્વજનોએ દાખવેલી આભડછેટથી નાયકની લાગણી દુભાઈ છે. આ વિષય પર ઘણી
વાર્તાઓ આવી ગઈ, અહીં કોઈ વિશેષ વાત નથી, સામગ્રી અને રજૂઆત બંને સાધારણ.
અધૂરો પ્રશ્ન (ઉમા પરમાર):
પ્રેમસંબંધમાં ગૂંચ. અજાણતાંમાં જેનાં પ્રેમની ઉપેક્ષા
કરેલી એ મિત્ર ઓફિસમાં ઉપરી તરીકે આવતાં સંભવિત સંઘર્ષ ટાળવા નાયક બદલી માંગે છે.
પણ થાય છે શું? વિષય-વસ્તુ અને રજૂઆતમાં નાવીન્ય નથી.
આઠમી રાણી (અશોક નાયક):
વાર્તાકારે બે વિરોધાભાસી ઘટનાઓ સામસામે મૂકી આપી છે. જૂનાં
સમયમાં મહેન્દ્રપ્રતાપસિંહ નામના રાજાની અઠવાડિયાના દરેક વારની એક એક અલગ રાણી
હતી. આજના સમયમાં મહેન્દ્ર ઉર્ફે મહીલા નામના ઓફિસમાં ચપરાસી જેવાં સામાન્ય માણસને
પરણવા માટે એક પણ કન્યા મળી નથી. આ મહેન્દ્રને પ્રસ્તાવ પણ કેવો આવે છે? કોઈકે દુષ્કર્મ
કરવાથી ગર્ભવતી થયેલી કન્યાની ઈજ્જત સાચવી લેવા એની જોડે લગ્ન કરવાનો!
કશુંક અલગ લખવાનો પ્રયાસ, પ્રવાહી રજૂઆત.
નામનો પહેલો અક્ષર (યશવંત ઠક્કર):
પ્રેમની શોધમાં નાયિકાને સતત નિષ્ફળતા મળતી રહે છે છતાં
દરેક વખતે કમર કસીને એ પ્રયત્નો ચાલુ રાખે છે. દરેક નવા પ્રેમીના નામનો પહેલો
અક્ષર હથેળીમાં લખીને પ્રેમીને પામવાનો સંઘર્ષ કરતી રહે છે.
સાધારણ પ્રયાસ. વાર્તામાં નાયિકાનો જેટલી વાર ઉલ્લેખ થાય
તેટલી વાર નામની જોડે અટકનો પણ ઉલ્લેખ કરવો શું જરૂરી હતો? વાર્તામાં સતત “તરલા
પ્રવાસી”, “તરલા પ્રવાસી” વાંચવાનું કષ્ટદાયી છે. આવું લખવાથી સાધ્ય શું થાય છે?
સામયિકની કિમતી જગ્યાનો બગાડ!
પોટલું (કિરણ બૂચ):
સાસુ-વહુ વચ્ચે વર્ચસ્વની સ્પર્ધાનો કરુણ અંજામ. જમાનો આજે
કેટલો બદલાઈ ગયો છે એની કદાચ આપણા ગામડાઓમાં ખબર પડી નથી. વર્ણનાત્મક શૈલીમાં
રજૂઆત. ગ્રામ્ય વાતાવરણ સરસ ઊભું થયું છે.
દક્ષિણ આફ્રિકાનો જમાઈ (જ્યોતિર્લતા ગિરિજાની મૂળ
તમિળ વાર્તા, અનુ: સંજય છેલ):
તામિલનાડુ રાજ્યમાં ગામડે રહેતી એક કન્યાના વિવાહની વાત
દક્ષિણ આફ્રિકાની કોઈ કંપનીમાં કામ કરતા દક્ષિણ ભારતીય યુવાન સાથે ચાલે છે. આ
યુવાને દક્ષિણ આફ્રિકામાં શ્યામવર્ણીઓ જોડે ગોરા અંગ્રેજો દ્વારા થતાં અન્યાય વિષે
ત્યાંના છાપામાં એક લેખ લખેલો જે વાંચીને કન્યાના મનમાં એ યુવક માટે માન ઉપજે છે.
પણ આ જ યુવાન રૂબરૂમાં કન્યાને જોયા પછી એ શ્યામ વર્ણની છે એવું કહીને ના પાડી દે
છે! આમ એ યુવાનના આચાર-વિચારમાં અસંગતિ છે. માણસોના બેવડાં ધોરણ વિષે એક વિધાન.
રોમાંચનું મૃત્યુ (એંથોની એબોટ અને રૂપર્ટ હ્યુજીસ લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ: યામિની
પટેલ):
હેન્રી ડોકિન્સને જીવનમાં રોમાંચ જોઈતો હતો, રોમાંચ માટે એ
એક જુગાર રમ્યો, એ જુગાર એટલો ખતરનાક હતો કે છેવટે એણે રોમાંચથી છેડો ફાડવો પડ્યો!
એ જુગાર એટલે અસલમાં શું હતું? નાનકડી પણ સરસ રીતે કહેવાયેલી અદ્ભુત રોમાંચક
વાર્તા.
સુષુપ્ત (કેનેડિયન લેખક એ.ઈ. વાનવોગ્ટની મૂળ
અંગ્રેજી વિજ્ઞાનકથા, અનુ: યશવંત મહેતા):
પ્રચંડ વિનાશ કરતાં યંત્રની રોમહર્ષક કથા.
--કિશોર પટેલ, 11-06-23; 10:28
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment