પરબ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૪૩૦ શબ્દો)
મારો ધણી પોચકો? (કનુ આચાર્ય):
આ વાર્તા હાંસિયામાં રહેતાં લોકોની જિંદગીમાં ડોકિયું કરાવે
છે.
લલીના પાડોશી ગોબરનું કહેવું છે કે એનો પતિ મગન પોચકો છે, એનામાં
શક્તિ હોત તો લલીનો ઉપયોગ કરીને રૂપલીની જેમ એક નહીં પણ બબ્બે ગાડીઓ વસાવી શક્યો
હોત. ગોબરનો ઈશારો અભદ્ર છે. રૂપલી આડાઅવળા ધંધા કરીને મોંઘી ચીજ-વસ્તુઓ ઘરમાં લાવી
છે. ગોબરનું કહેવું છે કે લલી રૂપાળી છે, સહેલાઈથી કમાણી કરી શકે છે. લલી અભાવગ્રસ્ત
જીવનથી કંટાળી છે એ ખરું, પણ અનીતિના માર્ગે જાય એવી એ નથી.
“પોચકા” શબ્દનો લલી બીજો અર્થ કાઢે છે, ટીવી ખરીદવા માટે લલી
જીદ કરે છે ત્યારે ગુસ્સે થઈને મગન એની પર હાથ ઉપાડે છે. લીલી ખુશ થાય છે, એને
સંતોષ થાય છે કે એનો ધણી પોચકો નથી. સોએક વર્ષ જૂની આદર્શ ભારતીય નારીની જેમ
પતિ ધીબેડે એમાં એ ખુશ થાય છે.
રજૂઆતમાં ઝૂંપડાવાસીઓના પાત્રોનું, એમની જીવનચર્યાનું અને
બોલચાલની ભાષાનું આલેખન વાસ્તવિક લાગે એવું થયું છે.
જાનીવાલીપીનારા (જયેશ રાષ્ટ્રકૂટ):
રંગ બદલતા માણસની વાત.
વાર્તાકારે એક એવા માણસની કલ્પના કરી છે જેનામાં સરિસૃપ
પ્રાણી જેવાં લક્ષણો હોય. એની પૂંઠે એક પૂંછડી છે, એની ગરદન પર ભીંગડા છે. એનું
સૌથી વધુ નોંધનીય લક્ષણ એ છે કે એ સ્થળ અને સમય વર્તીને કાચિંડાની જેમ પોતાની
ચામડીનો રંગ બદલી શકે છે. કાચિંડાની જેમ
આંખોના બંને ડોળા એકમેકથી વિરુદ્ધ દિશામાં એ ફેરવી શકે છે. ટૂંકમાં, એ જે હોય તે
થોડોક ચાલાક અને ચતુર જણાય છે. ઓફિસ જતી વેળા બસમાં એનાથી તાકાતવાન માણસની સામે એ
નરમઘેંસ બની જાય છે. સાંજે પાછા વળતી વેળા બસમાં સીટમાં બેઠેલા એક ફટેહાલ ગરીબ માણસને
દબડાવીને ઉઠાડી મૂકી પોતે બેસી જાય છે. ઓફિસમાં પણ એ કામ કરવાને બદલે હોદ્દાનો
રુવાબ ઝાડતાં દેખાડો કરીને સમય વીતાવે છે. હવા પ્રમાણે એ પોતાનું વલણ બદલે છે. આટલો
ચાલાક માણસ સાંજે એક ટોળાની હિંસાનો શિકાર બની જાય છે. એને એમ હતું કે પોતે ટોળા
જોડે ભળીને ધમાલમસ્તી કરશે પણ ઝનૂની ટોળા સામે એનું કંઈ ચાલ્યું નહીં. ટોળામાં એની જેવા અનેક કાચિંડા જેવા લોકો હોવા છતાં આવું બન્યું.
વાર્તા વ્યંજનામાં કહેવાઈ છે. આજની સામાજિક અને રાજકીય
પરિસ્થિતિ પર વાર્તાકારે વ્યંગ કર્યો છે. આજના સામાન્ય માણસમાં પ્રાણીના લક્ષણો
ઉમેરીને વાર્તાકાર કહેવા માંગે છે કે આજની સ્થિતિમાં ટકી જવા કદાચ કાચિંડાનું રૂપ
ધારણ કરવું પડે, રંગ બદલતાં શીખવું પડે, પણ એમ છતાંય તમે ટકી જશો એની ખાતરી નથી. એવું
બને કે કહેવાતા તમારા જ માણસો તમને હાનિ પહોંચાડે.
સરસ વાર્તા.
--કિશોર પટેલ, 08-04-23; 10:51
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment