મમતા જાન્યુ ફેબ્રુ ૨૦૨૩ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ
(૯૦૭ શબ્દો)
આ તહેવાર વિશેષાંકનાં નિમંત્રિત સંપાદક છે: ગીની માલવિયા.
અંકમાં કુલ દસ વાર્તાઓ છે જેમાંથી ત્રણ વાર્તાઓમાં વિદેશમાં
ઉજવાતા “હેલોવીન” અને “ડે ઓફ ડેથ” જેવા
તહેવારોની વાત છે. અન્ય વાર્તાઓમાં દિવાળી, નવું વરસ અને નાગપાંચમની વાત થઈ
છે. ચારેક વાર્તાઓમાં કોઈ પણ તહેવારનો દૂર કે નજીકનો સંબંધ નથી.
ચિઠ્ઠી (નીલેશ રાણા):
શ્રીમંત પરિણીત સ્ત્રી અને એનાં નોકર વચ્ચેના પ્રેમસંબંધની
વાત. અંતમાં ચમત્કૃતિ છે. વાર્તાના છેલ્લા વાક્યમાં રહસ્ય ખૂલે છે. પ્રેમિકાને
ભગાડી જવામાં છેલ્લી ઘડીએ પાછી પાની કરતા નોકરને સાણસામાં લેવા સ્ત્રી એને એવી ધમકી
આપે છે કે એની પાસે અપહરણ કરવા સિવાય કોઈ પર્યાય રહેતો નથી. રસપ્રદ અને અનપેક્ષિત અંત.
ભગવાનનું કામ (નરેન્દ્રસિંહ રાણા):
ગરીબ હોવું અને ગરીબીનો સ્વીકાર કરવો બે જુદી બાબત છે. આ વાર્તામાં
છોકરાને એના પિતા આ સત્યનો સ્વીકાર કરવાનું શીખવે છે. સારી વાર્તા.
જીવનોત્સ્વ (સુષ્મા શેઠ):
વિદેશી સંસ્કૃતિમાં હેલોવીન ઉત્સવની ઉજવણીની વાત. પતિના
મૃત્યુ બાદ નાયિકા વિરહવેદના અનુભવે છે. જે તહેવારની ઊજવણી નિમિત્તે વર્ષો પહેલાં એમની
પહેલી મુલાકાત થયેલી એ જ હેલોવીનની ઉજવણીના અવસરે
નાયિકાને ભ્રમણા થાય છે કે મૃત પતિનો આત્મા એને મળવા આવ્યો છે. નાયિકા માટે
આ પ્રસંગ ભય કે દહેશત અનુભવવાનો નહીં પણ લગ્નજીવનની મીઠી સ્મૃતિઓ વાગોળવાનો બની
રહે છે. ફિલગુડ વાર્તા.
નવ વરેહજી ધજ ધજ વધાઈયું (બલવીરસિંહ જાડેજા):
ચોમાસું બેસે અને હમીરસર તળાવ છલકાય જાય એ જોવા આખું ગામ
ભેગું થાય અને ઉત્સવનું વાતાવરણ જામે. એ દિવસે રાજ્ય દ્વારા રજા જાહેર થાય.
વાલબાઈએ હમીરસર તળાવમાં પતિ અને પુત્ર બંનેને ગુમાવ્યા છે પણ તળાવ પ્રતિ એમનાં
પ્રેમ કે ભક્તિમાં ઓટ આવી નથી. વિધવા વહુ મંજુલાના સુખ ખાતર વાલબાઈ મૃત્યુને
વ્હાલું કરે છે એ વાત ભાવનાત્મક છે. આ વાર્તા નિમિત્તે કચ્છના એ પ્રદેશની બોલી,
કહેવતો અને રૂઢીપ્રયોગોનું સુંદર દસ્તાવેજીકરણ આ વાર્તામાં થયું છે એની નોંધ લેવી
રહી.
ઈંતેજારી... ધ ડે ઓફ ડેથની! (પ્રશાંત સુભાષચંદ્ર
સાળુંકે):
વિદેશની સંસ્કૃતિની વાર્તા. મૃત્યુ જેવા દુઃખના પ્રસંગને આપણા
દેશ સહિત સર્વત્ર વિવિધ રીતે ઉજવવામાં આવે છે. અહીં વાત થઈ છે મેક્સિકોનાં એક
કુટુંબમાં ડે ઓફ ડેથની ઊજવણીનો. નાયિકાના પતિના મૃત્યુને ઉજવવાની વાત છે.
આ વાર્તાની છપામણીમાં પાર વિનાની ભૂલો છે. અરાજકતાના ઉત્તમ
નમૂના તરીકે આ વાર્તા યાદ રહેશે. વાક્યો અધવચ્ચે કપાઈ ગયાં છે, આખાને આખા ફકરા બબ્બે
વાર છપાયાં છે. વાર્તા સળંગ વાંચવી કે સમજવી દુષ્કર થઈ પડે એટલી બધી ભૂલો થઈ છે.
પ્રિન્ટર, પ્રૂફરીડર અને તંત્રી: આ સહુની નજર ચૂકવવામાં મુદ્રારાક્ષસ સફળ થયો છે.
દૂધનો ઘરાક (અર્જુનસિંહ રાઉલજી):
નાગપાંચમના તહેવારની વાત. મિત્રમંડળીમાં “નાગિન” તરીકે
ઓળખાતા મિત્રની મથરાવટી મેલી છે. એની સામે નાયિકાનો વિરોધ છે છતાં એનો પતિ એવાની
જોડે મૈત્રીસંબંધ શા માટે રાખે છે એ વિષે ખુલાસો મળતો નથી. શું નાયિકાના પતિનું
ચરિત્ર પણ એના મિત્ર નાગિન જેવું શંકાસ્પદ છે?
આ વાર્તામાં પણ મુદ્રારાક્ષસ એની મેલી રમતમાં સફળ થયો છે,
એક આખો ફકરો પુનઃ મુદ્રિત થયો છે.
સુગંધ કપૂરની (સ્વાતિ મહેતા):
દિવાળીના તહેવારની વાર્તા. આવા પ્રસંગે વડીલોનાં આશીર્વાદ
લેવાનાં હોય એટલે જે તે પાત્રને પોતાનાં માવતરની યાદ આવવી સ્વાભાવિક છે. પોતાના
માતા-પિતા જોડેના સંબંધો વણસેલા હોવાના કારણે વાર્તાની નાયિકા સીમા દુઃખી છે. એણે
પિતાની ઈચ્છા વિરુદ્ધ જુદી જ્ઞાતિના યુવક જોડે પ્રેમલગ્ન કર્યા હતાં.
વાર્તાનો અંત અસ્પષ્ટ છે. સીમાના પિતાને પક્ષાઘાતનો હુમલો
આવ્યો છે એવા સમાચાર મળતાં પિતાએ ભેટમાં આપેલી પાંચસોની નોટ હાથમાં પકડીને સીમા
રડવા લાગે છે. એ જોઇને સીમાનો પતિ વિરાજ કહે છે કે પાંચસોની એ નોટ તો હવે રદ્દ થઈ
ગઈ.
વિરાજ શું કહેવા માંગે છે? સીમાના પિતાનો પ્રેમ રદ્દ હવે થઈ
ગયો?
મધુ!... માલતી (અલકા ત્રિવેદી):
શ્રીમંતોની જીવનશૈલી વિરુદ્ધ મધ્યમ વર્ગની જીવનશૈલીની
વાર્તા. કથકની સખી માલતીની જીવનશૈલી આધુનિક
અને ફેશનેબલ છે. નાયિકાની કરકસરયુક્ત
જીવનશૈલીની એ ટીકાકાર છે. કથકના ગળામાંની ચેનમાં સેફટી પીન લટકાવેલી જોઇને એ એની
મજાક કરે છે. પણ જયારે રસ્તામાં માલતીની સેન્ડલ તૂટી જાય છે ત્યારે રસ્તા પરની
ફૂલવાળીના ગળામાંની ચેનમાં રહેલી સેફટી પીન વડે જ એની ઈજ્જત બચે છે.
રજૂઆતની વાત કરીએ તો માલતીની ફેશનેબલ જીવનશૈલીનું વર્ણન અતિ
વિસ્તારથી થયું છે. નાનકડી વાતને ખૂબ બઢાવીચઢાવીને કહેવાઈ છે. એકંદરે વાર્તામાં
“ચાર આને કી મુરઘી બારા આને કા મસાલા” જેવો ઘાટ થયો છે. કાપકૂપ કરીને ચોટદાર લઘુકથા બનાવી શકાય.
દેવદૂત (નિમિષા મજમુદાર):
હેલોવીન તહેવારની ઊજવણી પ્રસંગે એક અક્ષમ બાળકનું અપહરણ થઈ
જાય છે. કોણે અને શા માટે એનું અપહરણ કર્યું હશે? આ ઘટનાનો રહસ્યસ્ફોટ
હ્રદયસ્પર્શી છે. મઝાની વાર્તા.
બુલડોઝર: બે દ્રશ્યો (અનિલ જોશી):
એક પછી બીજી એમ બે દુર્ઘટનાના દ્રશ્યો રજૂ કરીને વાર્તાકારે કુદરતના કવિન્યાયનું ઉદાહરણ આપ્યું છે. પહેલી દુર્ઘટના
ખરેખર દુર્ઘટના નથી, માનવસર્જિત દુર્ઘટનાની ચેતવણી છે. જમીનદારે એક શ્રમજીવીને
ધમકી આપી છે કે એનું ઘર કાયદાની રુએ ધ્વસ્ત કરવામાં આવશે. પણ એવું થઈ શકે એ પહેલાં
ધરતીકંપની કુદરતી દુર્ઘટનામાં ધમકી આપનાર જમીનદાર પોતે અન્ય સેંકડો લોકો જોડે દટાઈ
મરે છે.
આ રચનાને પણ ટૂંકી વાર્તા નહીં પણ લઘુકથા કહેવી યોગ્ય
રહેશે.
એક ઓર હેમિંગ્વે (રવિન્દર રવિ; પંજાબી વાર્તા રજૂઆત:
સંજય છેલ):
ચિંતન-મનનની વાર્તા. કથાનાયક એક શિક્ષક છે જે અઠવાડિયાના
પાંચ દિવસ નિશાળમાં બાળકોને ભણાવે છે અને શનિ-રવિની રજાઓમાં જંગલમાં જઈને નિર્દોષ
પ્રાણીઓનો શિકાર કરે છે. એનું માનવું છે કે આવું કરીને એ સત્યની શોધ કરે છે. એના
પર વિશ્વપ્રસિદ્ધ લેખક હેમિંગ્વેના લખાણોની ઘેરી અસર છે. હેમિંગ્વેએ આત્મહત્યા
કરેલી એ જ રીતે એ પોતે પણ આત્મહત્યા કરવાની અણી પણ છે. કંઈ બને એ પહેલાં વાર્તાનો
અંત આવે છે.
સામગ્રીમાં બૌધિક ચર્ચાનો ભારે ડોઝ હોવાના કારણે વાર્તા
જોડે કેટલાં ભાવકો સમરસ થઈ શકશે એ એક કોયડો છે.
થ્રી ઈઝ એ લકી નંબર (માર્જરી એલિંગહામ; અનુવાદ:
યામિની પટેલ):
રસપ્રદ અપરાધકથા. અનુવાદ એટલો પ્રવાહી થયો છે કે અનુવાદ
જેવું લાગતું નથી.
વિનમ્ર વિજ્ઞાની (વાદિમ શેફ્નર, અનુ: યશવંત મહેતા):
સાયફાય (વિજ્ઞાન કલ્પનાકથા). સમયનાં ઊંધા પગલાં! મઝાની વાર્તા!
--કિશોર પટેલ, 15-04-23; 09:16
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment