મમતા મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૬૦૮ શબ્દો)
પૃથા (જાગ્રત વ્યાસ): મહાભારતકાળની કુંતીની વ્યથા-કથાનું સાંપ્રત સમયમાં
પુનરાવર્તન. કોઇ સુધારો નહીં, કોઇ વળાંક નહીં, જેમની તેમ ડિટ્ટો!
વાર્તામાં એક ટેકનિકલ ભૂલ છે. સંવાદ અને કથન ભેગાં લખ્યાં
છે. સંવાદ દર્શાવવા માટે અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. દા.ત. // માધવીએ કહ્યું,
સારું, હું તને લાલ પરીની વાર્તા કહું. // આ વાક્ય આ રીતે લખાય: માધવીએ કહ્યું,
“સારું, હું તને લાલ પરીની વાર્તા કહું.”
નિર્ણય (ગુણવંત ઠાકોર): લગ્નેતર સંબંધની કરુણાંત વાર્તા. પ્લસ પોઈન્ટ: ગ્રામ્યબોલીનો
પ્રયોગ. માઇનસ પોઈન્ટ: વિષય જૂનો, રજૂઆતમાં
જણાઇ આવે છે કે વાર્તાકાર નવોદિત છે.
એક ઉદાહરણ: // “માણસુર હું વિચારઅ સઅ તું? કાઢી લેને
કાંટો.” માણસુરને ‘તમે’ કહેતી એ ‘તું’ પર આવી. //
વાક્ય લખ્યા પછી લેખક એનું વિશ્લેષણ કરે છે. વ્હાલા લેખકમિત્ર, વાચકે તો ઓલરેડી આ નોંધ્યું છે કે નાયિકા
માણસુરને અત્યાર સુધી માનવાચક સંબોધન ‘તમે’ કહીને બોલાવતી હતી. દ્રશ્ય રોમાંચક
બન્યું એ સાથે જ નાયિકા તુંકારા પર આવી ગઇ દેખીતું છે. આ પ્રકારની ભૂલો વાર્તામાં
ઠેર ઠેર છે. વાચકની સમજશક્તિમાં અવિશ્વાસ રાખવો લેખક માટે જોખમી જ નહીં પણ જાનલેવા
પણ છે.
છેલ્લી ખેપ (સરદાર મલેક): દુર્ઘટનાનો અંદેશો થવો. વિષય જૂનો, રજૂઆત સામાન્ય.
ગ્રામ્યબોલીનો બિનજરૂરી અને વિચિત્ર ઉપયોગ. બે માણસ સરળ ગુજરાતી બાષામાં વાત કરતાં
હોય ત્યારે એક પાત્ર અચાનક તળપદી બોલીમાં શા માટે બોલે? કોઇ રૂઢિપ્રયોગ કે કહેવત હોય
તો હજી સમજ્યા.
નવીનચંદ્રની વહુ (પૂજાબા જાડેજા): ગામડાંમાં સંયુક્ત કુટુંબમાં થતાં નાનામોટા કંકાસ.
કાં વિષય નવો જોઈએ, કાં રજૂઆત નવી જોઈએ.
ઝમકુડી રે ઝમકુડી (નેહા રાવલ): ફેન્ટેસી વાર્તા. ચિત્રગુપ્તના ચોપડામાં ભૂલ થઇ
હોવાથી ઝમકુ ડોસી મર્યા પછી એક દિવસ માટે પૃથ્વી પર પાછી આવી એવી જબરી કલ્પના. લોચો
એવો થયો કે પૃથ્વી પર આવ્યા પછી વાર્તાનું કેન્દ્ર ઝમકુ ડોસી પરથી ખસીને યમદૂત અને
એના પાડા પર ચાલી ગયું. વાર્તા હળવી શૈલીમાં લખાઇ છે એ ખરું પણ પૂર્વધારણા અસ્પષ્ટ
હોવાથી ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના એવો ઘાટ થાય છે. હાસ્યરસ પર સારી હથોટી
ધરાવતા આ લેખક આલેખન પરત્વે ગંભીર બને એવી અપેક્ષા રહે છે.
પ્રતિગામી (નરેન્દ્રસિંહ રાણા): ફેન્ટેસી વાર્તા. સામાન્ય માણસોની લાગણીઓ પર કાબૂ
રાખવા રાજ્ય પોતાના નાગરિકોનું રસીકરણ કરે છે. જેના પર રસીનો પ્રયોગ થયો છે એવા એક
પુરુષની પત્ની વૈજ્ઞાનિકોની ટીમની એક સભ્ય હોય એવી નાટ્યાત્મક યોજના લેખકે કરી છે.
પ્રયોગાત્મક વાર્તાઓ લખવા તરફ ગંભીર હોય એવા આ લેખકનો આ પ્રયાસ સારો છે.
કળા કરંતો મોર (ઉર્મિલા વિક્રમ પાલેજા): શરૂઆત સરસ થઇ. ક્રાઈમ સ્ટોરી માટે આદર્શ શરૂઆત. પણ
પછી વાર્તામાં એટલી બધી વિગતો, ખુલાસા અને વર્ણન આવ્યાં કે વાચકે કંઈ જ કરવાનું રહેતું
નથી. ના, ના, છેક આવું ના ચાલે.
રસો વૈ સ: (સુનીલ મેવાડા): અછાંદસ કવિતા જેવી રચના. અહીં ચાદરમાં ચિતરાયેલા પક્ષીઓ જીવતાં થઇને નાયિકાનો
કાન દાંત વડે ચાવી જાય છે, દુકાનો ઓગળીને દીવાલ બની જાય છે, શરીર ઓગળીને મોબાઈલના
સ્ક્રીનમાં ભળી જાય છે. ને આવું આવું બીજું પણ ઘણું બધું થાય છે. વાક્યના છેડે
“હજી” શબ્દ આવે એવી ત્રણ ત્રણ પંક્તિઓનાં યોજનાબદ્ધ ઝૂમખાં ઠેર ઠેર વેરાયેલાં છે.
જે કંઈ લખાણ પ્રસ્તુત થયું છે તેનો ચોક્કસ અર્થ કાઢવો મુશ્કેલ છે. આશરે એવું કહી
શકાય કે વિરહિણી અથવા પ્રેમભંગ કન્યાની એકોક્તિ છે. એકાદ નાનકડી ઘટના પણ હોત તો
વાર્તા સ્પષ્ટ બની હોત, જીવંત બની હોત. હમણાં આ રચના મોનોટોનસ લાગે છે. અવનવા વિષયની
વાર્તાઓ લખતા લેખકની આ રજૂઆતને પ્રયોગાત્મક જરૂર કહી શકાય પણ, છેવટે વાર્તા પાછળ
એક ચોક્કસ વિચાર હોવો ઘટે જે અફસોસ, અહીં નથી અથવા હોય તો એ પકડાતો નથી.
ઓધાન (વાસુદેવ સોઢા): ગેરસમજ. વિષયમાં કે રજૂઆતમાં નવીનતા નથી. બબ્બે
ત્રણત્રણ આશ્ચર્યચિહ્નો કે બબ્બે ત્રણત્રણ પ્રશ્નાર્થચિહ્નો કે આશ્ચર્યચિહ્ન અને
પ્રશ્નાર્થચિહ્ન સંયુક્તપણે મૂકવા એટલે નકરી બાલિશતા. આ અંગે મમતામંડળીની ટકોર સાથે
સહમત.
વિશેષ ટિપ્પણી: પ્રતિષ્ઠિત સામયિકોમાં વાર્તાઓ પ્રસિદ્ધ થવા માંડ્યા
પછી પણ મમતા વાર્તામાસિકમાં વાર્તા મોકલવા બદલ સુનીલ મેવાડા, બાદલ પંચાલ, છાયા ઉપાધ્યાય
અને સમીરા પાત્રાવાલા જેવા લેખકોનો આભાર અને અભિનંદન. આ એક તંદુરસ્ત અભિગમ છે. આવા
અન્ય લેખકો પણ હશે. આ સહુ પ્રસંશાને પાત્ર છે.
--કિશોર પટેલ; 18-05-21; 16:28
# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
###
No comments:
Post a Comment