એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૬૧૦ શબ્દો)
રણ (વીનેશ અંતાણી):
કચ્છ અને રણપ્રદેશની સંસ્કૃતિના થઇ રહેલાં વ્યાપારીકરણ વિષે
આ વાર્તા મહત્વનાં પ્રશ્નો ઊભાં કરે છે.
આપણી ભાષાના નીવડેલા વાર્તાકારની આ લાંબી ટૂંકી વાર્તામાં
કથાનાયક મુસાની સંપૂર્ણ જિંદગીના ઘટનાક્રમ રજૂ કરવાના નિમિત્તે કચ્છની ભાતીગળ
સંસ્કૃતિનું આલેખન થયું છે. મુસો અને એની પહેલાંની બે તેમ જ પછીની બે-એમ કુલ પાંચ પેઢીની
વાતો અહીં વિસ્તારથી થઇ છે. મુસો ઉપરાંત વાર્તામાં મુસાની પત્ની નૂરાં, પુત્ર
સુલેમાન, પૌત્ર ગફુર, મિત્ર જાનમામદ વગેરે મહત્વનાં પાત્રો છે. અહીંના માણસો પાળેલાં
પશુઓ જોડે કુટુંબના સભ્ય જેવો સંબંધ રાખે છે. કચ્છના ભરતકામ અને હસ્તકળા દેશ-વિદેશમાં
જાણીતાં થયાં છે. વાર્તાની રજૂઆતમાં તળપદી ભાષાનો સુંદર પ્રયોગ થયો છે.
વાર્તાના નાયક મુસાનું પાત્રાલેખન વાર્તાકારે ફુરસદથી કર્યું
છે. પિતા અને દાદા જોડેના સંસ્મરણો, રેડિયો કાર્યક્રમ માટે વાદ્ય વગાડવાની વાત, કયા
સંજોગોમાં નૂરાંનો પરિચય થયો, નૂરાં જોડેની અંતરંગ ક્ષણો, મિત્ર જાનમામદ જોડેની સ્મૃતિઓ,
રણમાં એક વાર દિશા ભૂલીને ભટકી ગયેલો તેની યાદ, પાળેલાં પશુઓ જોડેની વાતચીત વગેરે નાનીમોટી
ઘટનાઓના આલેખનથી મુસાનું ત્રિપરિમાણીય પાત્ર ભાવક સમક્ષ હુબહુ ઊભું રહે છે.
અંતમાં રજૂ થતી રણપ્રદેશની બદલાતી તસ્વીર કેટલાંક પ્રશ્નો
ઊભાં કરે છે. મુસો અને એની પેઢીના માલધારીઓ અસહાય થઇને નવી પેઢીના બદલાયેલાં
અભિગમને જોઇ રહે છે.
રણપ્રદેશમાં વરસાદ ઓછો પડવો કે એકાદ-બે વર્ષ દુકાળની સ્થિતિ
રહેવી નવી વાત નથી. એટલે આ વિસ્તારમાં જયારે વરસાદ મન મૂકીને વરસે ત્યારે તો જાણે
ઈશ્વરની મહેર થઇ હોય એમ લોકો રાજી થાય, ઘેલાં થઇ જાય. પણ સહુના આશ્ચર્ય વચ્ચે મુસાનો
દીકરો સુલેમાન વરસાદ પડવાથી નારાજ થઇ જાય છે, ફક્ત નારાજ નહીં, એ બેબાકળો થઇ જાય છે,
ક્રોધે ભરાય છે! સહુ વડીલોને એ ઠપકો આપે છે, “શેની મુબારકબાદી આપો છો એકબીજાને?
અહીંયા મારા ધંધાનું કેટલું નુકસાન થઇ ગયું છે, કંઈ ભાન છે?”
રણપ્રદેશની મુલાકાતે પ્રવાસીઓ આવે એના પર જ સુલેમાનના વ્યવસાયનો
આધાર છે. પ્રવાસીઓને રીઝવવા સુલેમાને કરેલી સજાવટ પર ભારે વરસાદના કારણે પાણી ફરી
વળ્યું છે. સુલેમાનના બગડેલા મિજાજ સામે કોઇ કંઈ બોલી શકતું નથી.
વ્યથિત થયેલો મુસો પોતાનો ભૂંગો છોડીને, દાદાની અજરખ અને
પિતાની ડાંગ જોડે લઇને પોતાના જાનવરો ભેગો રહેવા ચાલી જાય છે તે ઘણું સૂચક છે.
મુસાના દાદાની શિખામણ: ૧. ક્યારેય કુદરતની સામે થવું નહીં.
કુદરત કંઇ ઉધાર રાખતી નથી. ૨. તમે માલધારી છો એ ભૂલજો નહીં. તમારાં પશુઓને દગો ન
દેજો.
નોંધનીય અભિવ્યક્તિ: દાદાના કંઠે બન્નીના પશુધનનું વર્ણન
સાંભળીને મુસાની આંખ સામે સુંદર ખરી, સુરેખ શિંગડા અને આકર્ષક પૂંછડાવાળી રૂપાળી
ભેંસો અને ગાયોનું વિશાળ ધણ દેખાતું. એને લાગતું કે એ પોતે પણ બન્નીનું ઉત્તમ ઘાસ
ચરી ધરાયેલાં ચોપાંનો હિસ્સો બની ગયો છે. (ચોપાં=ચોપગાં, પશુઓ)
માણસની વાત (કંદર્પ ર.દેસાઇ):
વનવાસીઓ માટે સામાજિક કાર્ય કરતા એક સેવાભાવી ડોક્ટરની
સંઘર્ષકથા. સ્થાપિત હિતોને ડોક્ટર અમિત આંખના કણાની જેમ ખૂંચે છે કારણ કે એ
આદિવાસીઓમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. આદિવાસીઓના લાભાર્થે આવેલી યોજનાઓનો કાગળ
પર જ રહી જાય છે. એ કામ માટે મંજૂર થયેલાં રૂપિયા લાગતાવળગતા અધિકારીઓ ચાઉં કરી
જાય છે. અમિતના કારણે એવી લાલિયાવાડીમાં બાધા આવે છે. પરિણામે અમિત અને આદિવાસી કાર્યકર્તાઓ
પર બનાવટી આરોપો મૂકાય છે, એમની પ્રતાડના શરુ થાય છે. અમિત પર એક વાર જીવલેણ હુમલો
પણ થાય છે.
નક્સલવાદ કઇ રીતે પેદા થાય છે અને નક્સલી એટલે કોણ એનો
ઉત્તર આ રચનામાંથી મળી રહે છે. સરકારી અભિગમ સામે અણિયાળા પ્રશ્નો ઊભા કરતી
વાર્તા.
‘ઓમ નમ: શિવાય’ (રવીન્દ્ર પારેખ):
ફેન્ટેસી. આ વાર્તામાં એવી કલ્પના થઇ છે કે રાધા અને મોહન
બંને એક થાય છે એટલે કે બંને એક જ દેહ ધારણ કરે છે.
રાધા અને મોહન એકમેકને ગાઢ પ્રેમ કરે છે. રાધાએ તપસ્યા કરી
એટલે ભોળા શિવજી પ્રસન્ન થયા અને રાધાએ માંગેલું વરદાન આપ્યું. રાધાએ માંગ્યા
પ્રમાણે બેઉના દેહ એક થયા તો ખરા પણ પછી એક જ દેહ હોવાના કારણે પડતી વ્યવહારુ
મુશ્કેલીઓથી બંને ત્રાસી ગયા. હળવી શૈલીમાં રજૂઆત થઇ છે. પ્રેમકથાઓમાં કહેવાતું
હોય છે કે બે દેહ અને એક આત્મા. લેખક કહે છે કે આ તો એક વિભાવના થઇ; વાસ્તવિકતા કંઇક
જુદી જ હોય છે.
--કિશોર પટેલ; 04-05-21; 20:56
###
No comments:
Post a Comment