નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૨૪૦ શબ્દો)
કાળજી નામે કેર (સતીશ વૈષ્ણવ):
વાર્તાકારે શીર્ષકમાં શ્લેષ કર્યો છે. “કેર” શબ્દનો એક અર્થ
ભગવદગોમંડલ અનુસાર “જુલમ” થાય છે અને અંગ્રેજી શબ્દ care (કેર) નો અર્થ “કાળજી”
થાય છે. કોરોના મહામારીના સમયમાં નાયિકાનો પતિ કાળજીના બહાને પત્નીથી અંતર રાખીને
ભાવનાત્મક જુલમ આચરે છે.
શંકાશીલ સ્વભાવના લોકો કોઇ પણ સ્થિતિમાં શંકા કર્યા કરતાં
હોય છે. નાયિકાનો પતિ એમાંનો એક છે.
નાયિકાના મનોભાવોનું આલેખન કરવા લેખકે એક જુદી ડિવાઈસની
રચના કરી છે. નાનપણમાં જ ગુજરી ગયેલી નાની બહેન સોહિણીની છબી જોડે નાયિકા સંવાદ
કરે છે. મૃત સોહિણીની જોડે કાલ્પનિક નિકટતા કેળવીને નાયિકા નિ:સંતાન હોવાનું દર્દ
હળવું કરે છે.
ઋણ (ગિરીશ ભટ્ટ):
કોઈકે કરેલી મદદનું ઋણ અન્ય કોઇ જરૂરતમંદને મદદ કરીને ફેડી
શકાય છે. આવો સંદેશો આ વાર્તા આપે છે. હિન્દી
ફિલ્મોના ઝગમગાટથી આકર્ષાઈને કોલકાતાથી અનુરાધા નામની એક કન્યા મુંબઇ આવી
હતી. સ્થાપિત અભિનેત્રી અસ્માએ એને પોતાની પાંખમાં લીધી અને એની લાઈફ બની ગઇ.
અનુરાધામાંથી મંદિરા બનીને ફિલ્મોમાં એ નામના કમાઈ છે. એક દિવસે શૂટિંગમાં
એક્સ્ટ્રાનું કામ કરતી એક છોકરીને જોઇને મંદિરા ચોંકે છે, “તું તો નિશી છો! મારા
મહોલ્લાની!” નિશીને પોતાની પાંખમાં લઇને મંદિરા અસ્માનું ઋણ અદા કરે છે.
મુંબઇની ઝૂંપડપટ્ટી અને એનાં રહેવાસીઓની જીવનચર્યાનું આલેખન
પરિવેશને અધિકૃત બનાવે છે.
આ વાતનું દુઃખ (બાદલ પંચાલ):
વરિષ્ઠોની અવહેલના. પત્નીના મૃત્યુ પછી પ્રિય મિત્રનું
મૃત્યુ. જતી ઉંમરે વસંતભાઇ એકલાં પડી ગયા છે. મોબાઇલનો એક સહારો છે પણ એનીયે મર્યાદા
છે. વસંતભાઈને વધુ પીડા થાય છે સ્વજનો તરફથી થતી અવહેલનાથી. દુઃખની વાત કોની પાસે
કરવી?
-કિશોર પટેલ, 01-05-21; 20:51
###
No comments:
Post a Comment