મમતા માર્ચ ૨૦૨૧ અંકની વાતાઓ વિષે નોંધ:
(૭૮૨ શબ્દો)
આ દલિત વાર્તા વિશેષાંકના અતિથી સંપાદકો છે: હરીશ મંગલમ અને
અરવિંગ વેગડા. અંકમાં કુલ ૭ દલિત વાર્તાઓનો
સમાવેશ થયો છે. અસ્પૃશ્યતા, વર્ણભેદ, દલિતો પ્રતિ સવર્ણોની માનસિકતા વગેરે મુદ્દાઓ
આ વાર્તાઓમાં ચર્ચાયા છે.
કંડ બનામ રામરાજ (જોસેફ મેકવાન): દલિત સાહિત્યમાં જોસેફ મેકવાન પહેલી હરોળના
સાહિત્યકાર ગણાય છે. પ્રસ્તુત વાર્તામાં દલિત ચેતનાનું પ્રભાવી આલેખન થયું છે.
વાર્તાનો વિષય છે: અન્યાય વિરુદ્ધ વિદ્રોહ. નાયક હાલ છેલ્લી
અવસ્થામાં છે પણ એનું આત્મસન્માન એવું જ કાયમ છે જેવું જુવાનીમાં હતું. ભૂતકાળમાં
પણ એણે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવેલો અને પાછલી અવસ્થામાં પણ એની અંદરનો અગ્નિ શાંત
થયો નથી. એને પોતાના દીકરાઓમાં તો એ અગ્નિ દેખાતો નથી પણ પૌત્રમાં એ તિખારો જુએ છે.
એ તિખારામાં પલિતો ચાંપવામાં નાયક સફળ રહે છે. પૌત્ર જયારે અન્યાય વિરુદ્ધ રણભેરી
ફૂંકે છે ત્યારે નાયકને શાંતિ થાય છે કે કોઈક તો વારસો જાળવશે.
દલિત સાહિત્યમાં જોસેફ મેકવાનનું પ્રદાન અનન્ય છે. આમ છતાં જે
વાત ખૂંચી છે એ કહેવી પડશે. તળપદી ભાષા પાત્રના મોંએ બોલાય એ બરાબર પણ કથનમાં ખૂંચે
છે. ત્રીજા પુરુષ એકવચન કથનમાં ભાષા શુદ્ધ હોવી ઘટે. અંકની બધી જ વાર્તાઓમાં તળપદી
ભાષાનો પ્રયોગ થયો છે પણ આવી ભૂલ કોઇ વાર્તામાં થઇ નથી.
દાદરો (ચંદ્રાબેન શ્રીમાળી): સમાજનો એક અંશ અનેક વિટંબણાઓ સહન કર્યા પછી પણ કચડાયેલો જ રહે છે. શહેરની એક
ચાલીમાં વસેલાં આ સમાજનું ઘેરું વાસ્તવદર્શી ચિત્ર લેખકે વાર્તામાં આલેખ્યું છે.
બિલ્ડીંગના જર્જરિત દાદરાનું સમારકામ તાત્કાલિક થવું ઘટે એવી રજૂઆત કર્યા પછી પણ
ઊંચી વરણના મકાનમાલિકના પેટનું પાણી હાલતું નથી. દાદરા પરથી પડી જવાના કારણે એક સ્ત્રીની
કસુવાવડ થઇ જાય છે પણ દાદરાનું સમારકામ થતું નથી.
ચંદન અને અંબા બંને સ્ત્રીઓ ચાલીના લોકોમાં જાગૃતિ લાવે છે.
ચાલીમાં જાતજાતના સુધારા લાવે છે. દર્દીને જોવા આવેલો ડોક્ટર દાદરા પરથી પડતાં
પડતાં બચી જાય એ ઘટનાને ચંદન અને અંબાની જોડીએ ટેક ઓફ પોઈન્ટ બનાવીને દાદરાના
સમારકામ માટે લડત શરુ કરવી જોઈતી હતી. પણ લેખકને તો ચંદનની કસુવાવડ કરાવીને
વાર્તાને કરુણતાની ઊંચાઈએ લઇ જવી હતી.
સૂર્યકાંતના ઘરની, ચંદન જોડેના એના વિવાહની, લગ્ન અને
આણાંની, સાંસારિક જીવનની વાતો એટલી બધી વિગતવાર થઇ છે કે એવું લાગે કે જાણે પચાસ-સાઠ
પ્રકરણની નવલકથાનું મંડાણ થયું છે. શું આ બધી વિગતોની જરૂર હતી? બિનજરૂરી લખાણ રદ્દ કરી નાખવામાં આવે તો વાર્તા ધારદાર
અને મુદ્દાસરની બને એવી છે.
લાખું (મધુકાન્ત કલ્પિત): દલિતનો સ્પર્શ થતાં ઊંચી વરણના લોક અભડાઇ જાય, પણ
એમની સ્ત્રીઓની શારીરિક છેડછાડ કરવામાં આભડછેટ ના લાગે? આ પ્રશ્ન પૂછે છે આ
વાર્તાની નાયિકા કાળી. આ પ્રશ્ન પૂછીને કાળી
અટકતી નથી, એ ધારિયું લઇને છેડતી કરનારનો વધ કરવા નીકળે છે! વાર્તા દ્વારા લેખકે
એક સોશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે કે સવર્ણો દ્વારા અત્યાચાર બહુ થયો, દલિતો હવે વધુ
સમય અન્યાય સાંખી લેવા તૈયાર નથી!
તેજોવધ (પથિક પરમાર): ગુજરાતના ગામડાંમાં દલિતો સાથે થઇ શકે એટલાં સર્વ
પ્રકારના અન્યાય આ વાર્તાના નાયક તેજા જોડે થયાં છે. શિક્ષક તરીકે પરગામમાં રહેવા
માટે એને સારું મકાન ભાડે મળતું નથી,
શાળામાં એના માટે પીવાના પાણીનું માટલું અલગ રખાય છે, નાનકડા વિદ્યાર્થીને પણ માત્ર
નામથી નહીં પણ નામની સાથે “સિંહ” જોડીને બોલાવવો પડે છે કારણ કે એ છોકરો એક ચોક્કસ
કોમનો છે. દરબારને ફરજિયાત “બાપુ” અથવા “ભા” નું સંબોધન કરવું પડે છે. ગામની
કન્યાની ઈજ્જત પર કોઇ દરબાર હાથ નાખે એ જોયા પછી પણ “નથી જોયું” કહેવું પડે છે.
આ વાર્તા દ્વારા આજના ગુજરાતના ગામડાંમાં દલિતોની સ્થિતિ
વિષે લેખકે એક સ્ટેટમેન્ટ કર્યું છે.
મૂછ (પ્રવીણ ગઢવી): દલિતો મૂછો રાખે અને ઘોડેસવારી કરે એ સવર્ણોથી સહન
થતું નથી. એમને એવું લાગે કે જાણે એમના એકાધિકાર પર જોખમ છે. તેઓ દલિતો પર
બળપ્રયોગ કરીને એમને રોકે છે. ગુજરાતમાં આવા અનેક બનાવો બન્યાં છે. મૂછ અંગેની એવી
ઘટનાને કેન્દ્રમાં રાખીને આ વાર્તાની રચના થઇ છે. આમ આ વાર્તા પણ એક સામાજિક
સ્ટેટમેન્ટ કરે છે.
બોટેલાં બોર (દિનુ ભદ્રેસરિયા): લગ્નબાહ્ય સંબંધ અને આભડછેટ એમ બે મુદ્દાઓ આ વાર્તામાં ચર્ચાયા છે. પરિણીત
કાન્તા પોતાના પતિ પથુથી અસંતુષ્ટ છે. પરિવારનો સાથી ખેડૂત ગલજી યુવાન અને અપરિણીત
છે. કાન્તાની સંગત માણવાનો મોકો એ શોધ્યા કરે છે પણ કાન્તા એને દાદ આપતી નથી.
શરીરના આવેગો અસહ્ય બનવાથી એક વાર એ ગલજીને સામેથી સહશયન કરવાનું આમંત્રણ આપે છે
પણ હવે ગલજી “બોટેલાં બોર અમારી નાતમાં કોઇ ખાતું નથી.” એવું કહીને કાન્તાનું ઈજન
ઠુકરાવી દે છે.
અહીં વાત ફક્ત સ્ત્રી-પુરુષની નથી. અહીં આભડછેટનો કોણ પણ
સંકળાયેલો છે. સવર્ણ કોમની કાન્તાએ એકથી વધુ વખત દલિત કોમના ગલજીને “મર્યાદામાં
રહેવા અંગે” ટપાર્યો છે. હલકી જાતનો કહીને એનું અપમાન કરેલું છે. એટલે તક મળતાં જ
ગલજી કાન્તાને “બોટેલું બોર” કહીને બદલો વાળે છે.
સંપૂર્ણ વાર્તા કાન્તાના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઇ છે. અંતમાં
જયારે ગલજી કાન્તાનું ઈજન ઠુકરાવે છે ત્યારે કાન્તાની જોડે ભાવકની પણ હાર થાય છે.
આખરે બાધા ફળી (રતિલાલ રોહિત): સવર્ણોની બેવડી માનસિકતા વિષે વ્યંગ. દલિત કોમના
એક સભ્યના ઘેર નવો નવો ટેલિફોન આવ્યો છે. એમના સવર્ણ પાડોશીઓએ ગામ-પરગામ રહેતાં
સ્નેહીજનોને નંબર આપી રાખ્યાં છે. એમનાં ફોન આવે ત્યારે તેમની જોડે વાત કરવાની
સગવડ પણ જોઈએ છે અને વાત કરતાં કરતાં દલિતના ઘરમાં ક્યાંય અડકી જઇને અભડાવું પણ
નથી!
-કિશોર પટેલ; 09-04-21; 09:03
###
No comments:
Post a Comment