Tuesday, 7 November 2023

વાર્તાઓનું પુનઃપ્રકાશનઃ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય?




વાર્તાઓનું પુનઃપ્રકાશનઃ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય?

 (૧૧૬૯ શબ્દો)

અખંડ આનંદ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશેની મારી નોંધ મેં ગઈ કાલે આ પ્લેટફોર્મ પર મૂકી હતી. એમાં રજનીકુમાર પંડ્યાની વાર્તા “ટેક્સાસ” વિશેની ટિપ્પણી જોડે મૂકાયેલી વિશેષ નોંધમાં મેં લખ્યું હતું કે આ વાર્તા વાંચતા મને કશુંક ક્લિક થયું.

ક્લિક એ થયેલું કે આ વાર્તા તો અગાઉ કયાંક વાંચી છે. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ વાર્તા “ગુજરાત ૨૦૨૧ દિપોત્સવી અંક”માં પ્રગટ થઈ ચૂકી છે. (પૃ ૧૮૩ અને પૃ ૧૮૪) (જુઓ સંલગ્ન છબીઓ)

એ વાર્તાનું શીર્ષક હતુઃ “પેટ્રોલનો કૂવો”. હાલમાં  અખંડ આનંદ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી વાર્તાનું શીર્ષક છેઃ “ટેકસાસ” . આ શીર્ષકને જસ્ટિફાય કરવા વાર્તાના અંત ભાગમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યનો ઉલ્લેખ થયો છે જ્યાં કોઈક સમયે પેટ્રોલના સંખ્યાબંધ કૂવા મળી આવ્યા હતા.

આટલા ફરક સિવાય સંપૂર્ણ વાર્તા શબ્દસઃ એમની એમ છે.

*

સામાન્ય રીતે આપણાં સામયિકો એવો આગ્રહ રાખતા હોય છે કે લેખકોએ મોકલેલી વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ.

અહીં આપણે જોઈ શકીએ છીએ કે લેખકે ફક્ત શીર્ષક બદલીને એ શીર્ષકને યોગ્ય ઠેરવતો ઉલ્લેખ વાર્તામાં ઉમેરીને એક વાર પ્રગટ થયેલી વાર્તા બીજી વાર પ્રગટ કરાવી છે.

એકથી વધુ વખત વાર્તાઓના પુનઃ પ્રકાશનના તેમ જ ઉઠાંતરીના મામલાઓ કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા છે અને જે તે સમયે એ વિશે મેં જરુર લખ્યું છે.

રજનીકુમાર પંડ્યા આપણા ગુજરાતી સાહિત્યજગતના આદરણીય અને વરિષ્ઠ વાર્તાકાર છે. વળી આ લખનાર એમને એકાદ-બે વાર રુબરુ મળી ચૂક્યા છે, ટેલિફોન પર પણ એમની જોડે એકથી વધુ વખત વાતો થઈ છે.

સામયિકોમાં પ્રગટ થતી ટૂંકી વાર્તાઓની નોંધ નિયમિતપણે લેવાનો ઉપક્રમ આ લખનારે શરુ કર્યો એની નોંધ લેનાર અને બિરદાવનાર સૌપ્રથમ જાણીતી વ્યક્તિ / વરિષ્ઠ વાર્તાકાર કોઈ હોય તો એ છે રજનીકુમાર પંડયા સ્વયં.

પણ માત્ર એટલા માટે હું અપવાદ કરી શકું નહીં.  તેઓ મારાથી ફક્ત એક ફોનકોલ દૂર કહેવાય. વળી આવો કિસ્સો કોઈનો પણ હોય, જાણીતા હોય કે અજાણ્યા, બને ત્યાં સુધી બંને પક્ષની રજૂઆત હું ધ્યાનમાં લેતો હોઉં છું. 

આ વિશે રજનીકુમાર પંડ્યાસાહેબ જોડે ફોન પર મારી વાત થઈ.

સૌપ્રથમ તો એમણે સ્વીકારી લીધું કે હા, આવું થયું છે. એક જ વાર્તા બીજી વાર પ્રસિધ્ધ થઈ છે. પરંતુ એ સાથે જ એમણે કહ્યું કે વાર્તા અપ્રગટ જ હોવી જોઈએ એવા નિયમની એમને જાણ નથી. “એવું ક્યાં લખ્યું હોય છે?” એમણે મને પૂછ્યું હતું.

બીજી વાત એમણે એ કહી કે આપણે ફિલ્મી ગીતો ફરી ફરી સાંભળતા નથી? સારી વાર્તાઓ ફરી ફરી વાંચી ના શકાય?

ત્રીજી વાત રજનીકુમારજીએ એ કહી કે દરેક સામયિકનો વાચક વર્ગ જુદો જુદો હોય છે. એક વાર્તા એકથી વધુ સામયિકમાં  પ્રગટ થાય તો કંઈ ખાસ ખાટુંમોળું થતું નથી.  એમણે ઉમેર્યું કે હા. વાર્તાઓના પુનઃ પ્રકાશન વચ્ચે ચોક્કસ સમયગાળો હોવો જોઈએ.

છેલ્લે એમણે કહ્યું કે લગભગ બધાં જ સામયિકો (લગભગ દસ-બાર) તરફથી દર વર્ષે દીવાળી વિશેષાંકો માટે વાર્તા મોકલવાનું એમને આમંત્રણ મળતું હોય છે. એમણે એમ પણ કહ્યું કે તેઓ ૮૬ વર્ષના થયા, આ ઉંમરે પોતે નવું નવું ક્યાંથી લાવે?

*

સૌ પ્રથમ એક સ્પષ્ટતા હું કરીશ કે હું કોઈને આરોપીના પિંજરામાં ઊભા કરતો નથી. શું બન્યું છે શા માટે બન્યું છે એ સમજવા માંગતો હોઉં છું.

આ મુદ્દા વિશે મારા વિચારો હું રજૂ કરીશ.

૧. લગભગ બધાં જ સામયિકો એવો આગ્રહ રાખે છે કે લેખકે મોકલેલી કૃતિ મૌલિક અને અપ્રગટ હોય. મોટા ભાગે સામયિકના શરુઆતના પાનાં પર જ આવી સૂચનાઓ છપાયેલી હોય છે. કેટલાંક ફેશનેબલ સામયિકો વળી આવું લખતાં/છાપતાં નથી પણ એવો આગ્રહ તો ચોક્કસ રાખતા હોય છે. કલ્પના કરો કે આવો નિયમ ના હોય અને સર્વત્ર ફરી ફરી એની એ વાર્તાઓ છપાયા કરતી હોય તો કોણ સામયિક ખરીદશે અને કોણ એનું એ વાંચશે? કેટલી અરાજકતા વ્યાપી જાય!

રજનીકુમારજી એમ કહેતા હોય કે આવા કોઈ નિયમની એમને જાણ નથી તો એ ખરેખર આશ્ચર્યની વાત છે.

૨. વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન હું ગુજરાતી મિડ-ડે માં નાટ્યસમીક્ષાની અઠવાડિક કટાર લખતો હતો. એ દિવસોમાં ગુજરાતી મિડ-ડે ના તંત્રીશ્રી હતા જનક શાહ અને એમના ડેપ્યુટી હતા આજના વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા. એ દિવસોમાં મિડ-ડે માં પ્રગટ થતી ધારાવાહિક નવલકથા સમાપ્ત થઈ હતી અને નવી નવલકથાના હપ્તા જે તે લેખક પાસેથી હજી આવ્યા નહોતા. રમેશભાઈ જાણતા હતા કે હું વાર્તાઓ પણ લખું છું. શનિવારનું પાનું સાચવી લેવા રમેશભાઈએ મારી પાસે વાર્તા માગી. મારી પાસે વાર્તા તૈયાર નહોતી. મેં રમેશભાઈને જવાબ આપ્યો કે મારી પાસે વાર્તા રેડી નથી. હા, જો ચાલે એમ હોય તો સાત-આઠ વર્ષ પહેલાં પ્રગટ થયેલી એક સારી વાર્તા આપું. તમે વાર્તા જોડે ફૂટનોટ મૂકી શકો કે સૌજન્ય ફલાણું સામયિક.

દોઢ-બે વર્ષ પછી ફરીથી એ જ રીતે ગુજરાતી મિડ-ડે ને એક વાર્તાની જરુર ઊભી થઈ હતી. એ વખતે પણ મેં ઓલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થઈ ચૂકેલી વાર્તા એમને આપી હતી, અલબત્ત, સત્ય હકીકતની જાણ કરીને.

ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં વાચકને/ કોઈને પણ છેતરાયાની લાગણી થવી જોઈએ નહીં.   

૩.  સારી વાર્તાઓનાં પુનઃ પ્રકાશન અંગે ચોક્કસ નીતિ ઘડાવી જોઈએ.

(ક) બંને સામયિક જુદા જુદા હોવા જોઈએ.

(ખ) બે પ્રકાશન વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ગાળો હોવો જોઈએ.

*

મેં સાંભળ્યું હતું કે કેટલાક વરિષ્ઠ વાર્તાકારો જૂની વાર્તાઓ રિસાયકલ કરતા હોય છે. મારા માનવામાં આવ્યું નહોતું.  

હજી બીજો કિસ્સો જાણી લો. આ કિસ્સાના નાયક પણ બીજા એક નામચીન લેખક છેઃ મધુ રાય.

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલી મધુ રાયની વાર્તાઃ “રાજધાની એક્સપ્રેસ” આ વર્ષના ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૩ માં શબ્દસઃ પુનઃ પ્રકાશિત થઈ છે.  આ સાહેબે તો શીર્ષક એનું એ રાખ્યું છે! કૌન દેખતા હય ભલા?  

*

એક જ વાર્તા આમ એકથી વધુ વાર પ્રકાશિત થાય એ બાબત ત્રણે વિભાગના લોકોએ મનોમંથન કરવું રહ્યું. ત્રણ વિભાગ એટલે : લેખક, પ્રકાશક અને વાચક.

લેખક : લેખકે સ્પષ્ટ હોવું જોઈએ કે જો તેઓ પોતાની વાર્તા પુન પ્રકાશન માટે મોકલે છે તો તેવું તે કેમ કરી રહ્યા છે. સામયિક દીઠ વાચક વર્ગ બદલાઈ જાય છે ઉપરાંત સમય અનુસાર પણ વાચક બદલાય છે. વળી વાર્તાકારને ગુજરાતી સામયિકો એવો કોઈ તોતિંગ પુરસ્કાર આપતા નથી કે લેખક બે વાર વાર્તા છપાવી મોટો લાભ ખાટી જાય. કોઈ પણ લેખકની અપેક્ષા હોય છે કે તેની કૃતિ વધુ લોકો સુધી પહોંચે. માટે આમ વાર્તા પુન પ્રકાશિત કરવા બદ્દલ લેખકે કોઈ ગુનાહિત ભાવ રાખવો ન જોઈએ. બલકે તંત્રીને અગાઉના પ્રકાશન બાબત માહિતી આપી વાર્તા પ્રકાશિત કરવા આપવી જોઈએ. જો તમે એવું નથી કરતા તો એનો અર્થ એમ જ થાય કે તમે છેતરપીંડી કરો છોવાચક સાથેતંત્રી સાથે અને સરવાળે પોતાની જાત સાથે.

પ્રકાશક : એટલે કે વાર્તા છાપનાર તંત્રી/ સંપાદક. જ્યારે કોઈ સંપાદક  વાર્તા અપ્રકાશિત  હોવી જોઈએ’ એવો આગ્રહ રાખે ત્યારે એ બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ કે કોઈ લેખક પાસે આવી અપેક્ષા રાખવા સામે તેઓ વળતર કેવું અને કેટલું આપે છે. જે વળતર આપે છે એમાં આવી અપેક્ષા કેટલી ઉચિત એ વિચારવું રહ્યું. ‘ અમે છાપીએ છીએ એ અમારી મહેરબાની છે’ એવા મિથ્યાભિમાન મા રાચવું ન જોઈએ. દરેક સામયિક સાહિત્ય પ્રસાર અને સાહિત્ય વાચનની એક કડી છે, એક નાનકડો હિસ્સો છે, ન કે અપને આપમાં ગુજરાતી સાહિત્યનું એકમેવ પ્રતિનિધિ.  કોઈ પણ સામયિક ગુજરાતી સાહિત્યની એકહથ્થુ ઈજારાશાહી ધરાવતું નથી માટે એની અપેક્ષાઓ અને પૂર્વશરતો પણ એટલા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ.

વાચક : જો કોઈ વાર્તા એમને જુદા શીર્ષક સાથે વાંચવા મળે તો ઉક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખી લેખકને દોષી કે લેભાગુ ગણવું ટાળવું જોઈએ.

ઉર્દુ ભાષાના જાણીતા લેખક રાહી માસુમ રઝાએ એકવાર કહ્યું હતું કે “જે ભાષા પ્રજાને રોજગારી ન અપાવી શકે એ ભાષા આખરે મરી જાય છે.”  – આ નિરીક્ષણમાં ઘણી ઊંડી વાત છે. વિચારજો.

મિત્રો, વાર્તાના પુનઃ પ્રકાશનના આ મુદ્દા વિશે પોતાનાં વિચારો નીચે કમેન્ટબોકસમાં રજૂ કરી શકે છે.    

--કિશોર પટેલ, 08-11-23 12:45

* * *


અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૩ દિપોત્સવી અંકની વાર્તાઓ વિશે નોંધ

 

(૧૨૨૭ શબ્દો)

રંગરોગાન (દિનકર જોશી)

નવી પેઢી દ્વારા જૂની પેઢીની અવગણના. 

રમણભાઈએ ખૂબ હોંશથી બંગલો બાંધ્યો હતો. વર્ષો પછી બંગલાને રંગરોગાન કરાવતી વખતે અંદરના ઓરડાઓની દીવાલો વિવિધ રંગોથી રંગવાની પૌત્ર જીદ કરે છે જે રમણભાઈને સમજાતી નથી. છેવટે પૌત્ર બોલે છે, “બંગલામાં રહેવાનું તો અમારે છે, દાદાજી, તમારાં તો હવે કેટલાં બાકી રહ્યાં?” આ રીતે રમણભાઈની ઉંમર વિશે પૌત્રએ કરેલી ટકોર દાદાજીના હૈયે ચોટ પહોંચાડે છે. 

નીવડેલા વાર્તાકારની આ રચનામાં એક વરિષ્ઠ નાગરિકની પીડાનું સારું આલેખન થયું છે.   

સપનાની વસિયત (વર્ષા અડાલજા)

આ નાનકડી વાર્તામાં વાર્તાકારે જબરી સંઘર્ષસભર સ્થિતિ નિર્માણ કરી છે. કુશાને એકતા સામે બે પર્યાય મૂક્યા છેઃ શું જોઈએ છે? પૈસો કે પ્રેમ? એકતાની ઈચ્છાઓ જાણતો કુશાન એનો નિર્ણય સ્વીકારી લેવાની માનસિક તૈયારી કરતો હોય ત્યારે એકતા એને સુખદ આશ્ચર્ય આપે છે.

આ નીવડેલા વાર્તાકારે વાર્તામાં જૂજ શબ્દોમાં એક-બે નહીં ત્રણ ત્રણ પાત્રોનાં એકમેકથી વેગળા સંઘર્ષનું આલેખન કર્યું છે. કુશાનની માતાનો સંઘર્ષ છે સંબંધોની ગરિમા ના જાળવતા પતિથી જુદા થઈને એશોઆરામની જિંદગીનો સ્વેચ્છાએ ત્યાગ કરવો કે આત્મનિર્ભર રહેવું. કુશાનનો સંઘર્ષ છે આત્માના અવાજને અનુસરતી માતાને સાથ આપવો કે ધનદૌલતને શરણે જવું, એકતાનો સંઘર્ષ છે ગાડીબંગલાનાં સ્વપ્નાં સાકાર કરવા કે કુશાનનો પ્રેમ પામવો?

હકીકતમાં આ પ્રશ્ન ભાવકને પણ પૂછાય છે.  પૈસા કે પ્રેમ? શું પસંદ કરશો?

ટેક્સાસ (રજનીકુમાર પંડ્યા)

ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. નાનકડી પણ મઝાની હાસ્યકથા.

નવા મકાનનો પાયો નાખતાં નાખતાં પિતા-પુત્રને ખાડામાંથી પાણીને બદલે પેટ્રોલ મળ્યું. બંને મનોમન હવામહેલ ચણવા લાગ્યા, નવા મકાનનું નામ “ટેક્સાસ” રાખવું એવું પણ ઠરાવી દીધું. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પેટ્રોલનાં ઘણાં કૂવા છે. કોઈને ખબર પડે અને હોહા થઈ જાય એ પહેલાં બંદોબસ્ત કરવા વહેલી સવારે પિતા-પુત્ર સાઈટ પર જાય ત્યાં એમનાથી પણ પહેલાં બે મજૂરો પહોંચી ગયા હતા ને પોતાની રીતે કશુંક શોધતાં હતાં. વિગત જાણ્યા પછી પેટ્રોલનો પરપોટો ફૂગ્ગામાં બદલાય છે કે ફૂટી જાય છે? વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી રસપ્રદ હાસ્યવાર્તા.

(વિશેષ નોંધઃ આ વાર્તા વાંચતાં મારા મગજમાં કશુંક ક્લિક થયું. થોડુંક ખોદકામ કરતાં મને પેટ્રોલનો કૂવો તો ના મળ્યો, પણ ચર્ચા માંગી લે એવો એક મુદ્દો મળ્યો છે, મિત્રો, હવે પ્રતિક્ષા કરે મારી એક સ્વતંત્ર પોસ્ટની. દરમિયાન મારી જેમ અન્ય કોઈને પણ કશુંક ક્લિક થયું હોય એ મારી જોડે ઈનબોક્સમાં ચર્ચા કરી શકે છે.) 

પુણ્યતિથી (કેશુભાઈ દેસાઈ)

માતાનું ઋણ ના ચૂકવી શક્યાનો પુત્રને થયેલા અફસોસની વાત.

વિધવા માતાએ પાંચ દીકરીઓને અવગણીને એકના એક દીકરાને ભણાવ્યો, લાડકોડથી ઉછેર્યો, એ દીકરો વિદેશ જઈ સહુને ભૂલી ગયો. જતી અવસ્થાએ માતાની પુણ્યતિથિએ માતાને અન્યાય કર્યાનું ભાન થતાં નાયક અફસોસ કરે છે.  

અનન્યા (ડો. ચંદ્રકાન્ત મહેતા)

બાહ્ય રુપને પ્રાધાન્ય આપતો અર્ણવ પોતાની ગુણવાન પત્ની અનન્યાને અન્યાય કરી બેસે છે. પણ અનન્યા ધીરજપૂર્વક પતિને સન્માર્ગે વાળે છે.

આ લેખક બોધપ્રધાન ઉપદેશાત્મક સામાજિક વાર્તાઓ લખવા માટે જાણીતા છે. આ વાર્તાએ એમની આ ઓળખ જાળવી રાખી છે. 

દીપંકરની વિદાય પછી (યશવન્ત મહેતા)

એક્સરે રિપોર્ટ અન્ય દર્દી જોડે બદલાઈ જતાં થયેલી ગેરસમજ. નાયિકાની પીડાનું આલેખન સારું. જૂના વિષયવસ્તુ અને નાવીન્ય વિનાની રજૂઆતથી આ વરિષ્ઠ લેખક નિરાશ કરે છે.

ખેવના (રાઘવજી માધડ)

મા-દીકરીની એકબીજા માટેની ખેવના.

ત્રણ પાત્રોઃ મા-દીકરી અને માસ્તર. માતા વિધવા, એની દીકરી ગામની નિશાળમાં ભણાવતા ને બહારગામથી આવેલા માસ્તરને ઘેર નાનુંમોટું કામ કરે. આ ત્રણેનાં માનસિક આંદોલનોને ઝીલતી-આલેખતી સરસ મઝાની વાર્તા. બે ઘડી તો પન્નાલાલની શૈલી યાદ આવી જાય. વારે વારે શંકા જાય કે પાત્ર બોલે છે કે મનમાં વિચાર કરે છે?

વાર્તાકારે એક જ નાનકડી ઘટના આલેખી છે.  સવારના પ્હોરમાં પ્રભા માસ્તરને ઘેર આવી છે મનની વાત કરવા. એની દીકરી સંતાતીલપાતી માતાની પાછળ પાછળ આવી છે એ જાણવા કે ભળતા જ સમયે માતા માસ્તરને ત્યાં શું કરે છે. સંયમી માસ્તર પ્રભાથી શરૂઆતથી જ છેટા રહ્યા છે. પ્રભા જ્યારે પોતાની દીકરીનું માગું માસ્તર પાસે નાખે ત્યારે માસ્તર જે વાત કરે એમાં એના ગુણ અને સ્વભાવ ઝળકી ઊઠે છે. માસ્તર કહે છે, “દીકરીને ભણવા દ્યો, એનું સમયસર થઈ રહેશે.” જ્યારે પ્રભા પોતાની વાત ફરી ફરી ઘૂંટે છે ત્યારે માસ્તર કહે છે, “પહેલાં તમારું વિચારો, તમે સુખી થાવ, દીકરી આપમેળે સુખી થશે!” અહીં માસ્તર મોઘમ રીતે પ્રભા સામે પોતે પ્રસ્તાવ મૂકે છે એ વાર્તાક્ષણ સરસ પકડાઈ છે. ને બધું સ્પષ્ટ થઈ જતાં એ જ ક્ષણે પ્રભાની દીકરી પણ વિનાસંકોચ પોતાની હાજરી છતી કરી દે છે. સરસ વાર્તાનુભૂતિ. ત્રણેનાં પાત્રાલેખન દીવા જેવા સ્પષ્ટ થાય છે. નોંધનીય વાર્તા.

અગ્નિદાહની અધિકારી (કલ્પના જિતેન્દ્ર)

માતાની સેવા કરતી દીકરીને ગૃહિત ગણી લેવાની માનસિકતા.

અપરિણીત રહેલી સંધ્યાએ માતાની સેવા કરી શકાય એવા હેતુથી નોકરીમાંથી સ્વેચ્છાનિવૃત્તિ લઈ લીધી અને એના ભાઈ-ભાભીને ફાવતું મળી ગયું. બાળકોની સ્કૂલ દૂર પડે છે એવા બહાને જૂદું ઘર લઈ બહાર નીકળી ગયાં ને પથારીવશ બિમાર માતાનો સંપૂર્ણ બોજો સંધ્યા પર આવી પડ્યો. ઘરમાં સંધ્યાને ગૃહિત ગણી લેવામાં આવે છે, એણે આપેલાં બલિદાનની નોંધ લેવાતી નથી એટલે સ્વાભાવિકપણે સંધ્યાને ઘરનાં સહુ પ્રત્યે ઓછું આવે છે. એની પરવશ માતા પોતાના મૃત્યુપશ્ચાત અગ્નિદાહનો અધિકાર કોને આપે છે? સંધ્યાની સ્થિતિ વણસે છે કે સુધરે છે? પઠનીય વાર્તા. સંધ્યાના મનોભાવોનું સરસ આલેખન.

ન્યાય (ગિરિમા ઘારેખાન)

ન્યાયાધીશ હેમંતભાઈના પુત્ર પર અણધારી આફત આવી પડે છે. ડોકટર તરીકે ખાનગી પ્રેકટિસ એમના પુત્ર ગૌરાંગને પૂર્વી નામની એક સ્ત્રીદર્દીએ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે. થાય છે એવું કે પૂર્વી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે એ પહેલાં માર્ગ અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે. 

પૂર્વીનો અકસ્માત સાચે જ અકસ્માત હતો કે પછી એ અકસ્માત કોઈની સૂચનાથી થયો હતો?

સવારે ટીવી પર પૂર્વીના અપમૃત્યુના સમાચાર બ્રેકિંગ ન્યૂઝમાં આવે એ પછી હેમંતભાઈના મોંએથી નીકળેલા ઉદગારો અર્થસૂચક છે. આગલી રાતે જ હેમંતભાઈએ નક્કી કર્યુ. હતું કે પૂર્વીની ધમકીને હકીકતમાં પલટાતી રોકવા “પોતાનાથી થાય એવું એ કરી છૂટશે.”

અંતથી શરુ થતી નવી વાર્તા. નાટ્યાત્મક પ્રસંગયોજના.     

જિંદગીભર (સુષ્મા શેઠ)

સ્ત્રીના જીવનમાં સૌથી મુશ્કેલ ફેંસલોઃ જીવનસાથી તરીકે યોગ્ય કોણ?

ચારુ સામે આ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે જેનું માંગુ આવ્યું છે એ મધ્યમવર્ગીય આલાપની સરખામણીએ એનું મન સ્માર્ટ અને શ્રીમંત ધ્વનિત તરફ ખેંચાય છે પણ પછી એ વિચાર કરે છે કે બેમાંથી અન્યોની લાગણી પ્રત્યે કોણ બેફિકર છે અને કોણ સંવેદનશીલ છે.

ચારુની મૂંઝવણનું સારું આલેખન. 

ઈનફ ઈસ ઈનફ (નીલમ હરીશ દોશી)

અનાથાશ્રમમાંથી આવેલા બાળક પ્રતિ સમાજના ભેદભાવયુક્ત અભિગમ અંગે.

ઈરા મા બનવા અક્ષમ હતી એટલે અંકિત-ઈરા લવને અનાથાશ્રમમાંથી લાવ્યા પણ અંકિતની માતાને અનાથ લવ પ્રત્યે સૂગ હતી. જેવું નિદાન થયું કે ઈરા મા બની શકશે, ઇરાના સાસુને લવની હાજરી અસહ્ય થઈ પડી. દત્તક પુત્ર લવ અને સાસુ વચ્ચે પીસાતી ઈરા છેવટે શું કરે છે? વાર્તામાં માનવીય લાગણીના આટાપાટા સરસ ખેલાયા છે.

ઉડાન (નીલેશ રાણા)

પ્રેમ, લગ્ન, છૂટાછેડા, બીજા લગ્ન...ક્યારેક એવી ઘટનાઓ આકાર લેતી હોય છે કે એવું લાગે કે દુનિયા ઘણી નાની છે. અંશિતા ધીરજ જોડેના લગ્નજીવનમાંથી લગભગ છૂટી થઈને જેને પરણવાની હતી પણ પરણી ના શકી એ હેમંત અંશિતાને નવેસરથી મળી જાય છે.  હવે અંશિતાની દીકરી નિકિતા પ્રશાંતથી છૂટી થઈને હેમંતના જ દીકરા સાથે બીજું લગ્ન કરવાની છે, એટલે કે પતિ-પત્ની તરીકે જોડાઈ નહીં શકેલાં અંશિતા અને હેમંત વેવાઈ-વેવાણ બનશે! બદલાતાં સામાજિક નીતિમૂલ્યોની અવનવી અસર.

વિદેશની સંસ્કૃતિમાં આકાર લેતી વાર્તા.

વિસર્જન (ડો. પિનાકિન દવે)

વરિષ્ઠ નાગરિકની સમસ્યા.

પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયેલો રજનીકાન્ત પુત્રો અને તેમના પરિવારની લાગણીશૂન્ય વ્યવહારથી દુઃખી થઈને જીવનમાંથી રસ ગુમાવી દે છે. ગંગા નદીમાં ડૂબી મરવાના ઈરાદે એ ઘરબાર છોડીને ચાલી નીકળે છે.

આજ કે “આનંદ” કી જય! (સંજય થોરાત “સ્વજન”)

મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોકરી કરતા એક ડોક્ટરના ભલાઈની કામનો અહેવાલ. હા, આ રચના વાર્તા નથી, વાર્તાના સ્વરુપમાં અહેવાલ છે. પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાયેલી આ વાર્તામાં કથક એક બેકાર ગરીબ યુવાનને આર્થિક મદદ કરી ધંધો શરુ કરાવી સ્થિર થવામાં મદદ કરે છે. એક  યુવાન ભિક્ષુક સ્ત્રી જોડે એનો પરિચય કરાવી એ બંનેને લગ્ન કરી લેવાનું સૂચવે છે. આમ આ વાર્તા એક ડોક્ટરના ભલાઈના કામની કથા છે.

--કિશોર પટેલ, 07-11-23 08:35

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

 

###

 

Saturday, 4 November 2023

શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૯૫ શબ્દો)

અંજળપાણી (ડો.ભરતસિંહ હરિશ્ચંદ્ર બારડ)

પત્ની જોડે  પાશવી વ્યવહાર કરતો આદમી થોડાક રુપિયા માટે દીકરીનો સોદો કરી નાખે છે. લાચાર માતા દીકરીનો બચાવ કરી ના શકવાથી કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરે છે. કરુણાંત વાર્તા. ગ્રામ્યપ્રદેશની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ. ભારોભાર કરૂણ રસનું સુરેખ આલેખન.  

ખોળો (જી.યુ. સૈયદ, “બાબુ”)

કોરોનાના પગલે વાહનવ્યવહાર બંધ પડી જવાથી પગપાળા લાંબો પ્રવાસ કરીને યુવાન ગામડે પાછો ફરે છે. પૌત્રને જોઈને દાદીને થયેલી ખુશી ક્ષણજીવી નીવડે છે. કોરોનાકાળની એક કરુણાંતિકા.   

ઘૂમટો (મોના આર. જોશી)

ગેરસમજણની શિકાર બનેલી નાયિકા.

બહેનપણીઓની વાતમાં આવી જઈને ચારૂએ લગ્નની પહેલી રાતે પોતાના સ્વભાવ વિરુધ્ધ બોલ્ડ અવતાર ધારણ કર્યો અને પતિએ એને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી!

પોતાને થયેલા કડવા અનુભવ પછી ચારુ નણંદને સાવધ કરે છે કે પોતે કરી એવી ભૂલ એ ના કરે.

તદ્દન બારીક તંતુ પર વાર્તા રચવામાં આવી છે. છેક આવું ના હોય. આવું બની શકે પણ કોઈ એક જ અનુભવે આમ છૂટાછેડાનો અંતિમ ફેંસલો ના લઈ લે. કમસેકમ વિદેશમાં વસેલો શિક્ષિત માણસ તો એવું અંતિમવાદી પગલું ના લે. વાત કરે, ચર્ચા કરે, એકબીજાનાં વિચારો જાણે પછી ડિવોર્સ માંગે. આમ તર્કની દૃષ્ટિએ વાર્તા નબળી પડે છે.

અવાચક (યોગેશ ન. જોશી)

સંબંધોની માયાજાળ અટપટી હોય છે. દેખાય તેવું હોતું નથી અને હોય છે તેવું દેખાતું નથી. નાયકને એમ છે કે જે મિત્રનું એક પણ કામ એની પત્નીના ટેકા વિના પાર પડતું નહોતું એ એની પત્નીના અકાળ અવસાન પછી હવે સાવ ભાંગી પડ્યો હશે. પણ એને એ ખબર નહોતી કે માણસે માણસે જીવનમૃત્યુ પ્રત્યે જોવાની દૃષ્ટિ જુદી જુદી હોય છે, સંવેદનાઓની માત્રા ઓછીવત્તી હોય છે. અપેક્ષિત અંત પણ છતાં મઝાનો વાર્તાનુભવ. નાયકને જે આંચકો લાગે છે એ જ વાર્તા છે.  કંચનભાભીનું પાત્ર સારું ઊભું થયું છે. નાયકના મનોભાવોનું સરસ આલેખન થયું છે. 

આભડછેટ (વાસુદેવ સોઢા)

માલતી અને દિલીપ બંનેને આઘાત લાગ્યો છે કે વર્ષો પછી જેમનાં મહેમાન બન્યાં છે જીતેન્દ્ર અને નયના એમનું ભાવભીનું સ્વાગત કરવાને બદલે તેમનાથી દૂર દૂર રહે છે. જો કે કારણ જાણ્યા પછી એમને વળી બીજો મોટો આઘાત લાગે છે! સરસ નાનકડી વાર્તા.

લઘુકથાઓ

રંડાપો (પ્રભુદાસ પટેલ)

ટીવી પર સમાચારનાં દ્રશ્યો જોતાં નાયિકાને દુઃખદ સ્મૃતિ તાજી થાય છે.

અદા (દુર્ગેશ ઓઝા)

શિસ્તપાલનનો ચમત્કાર.

સ્વેટર (“શિલ્પી” બુરેઠા)

માતાના પ્રેમથી વંચિત રહેલા એક વિધ્યાર્થી જોડે શિક્ષક સમાનુભૂતિ અનુભવે છે.

--કિશોર પટેલ, 05-11-23 08:58

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

Thursday, 2 November 2023

નવચેતન ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

નવચેતન ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૦૯ શબ્દો)

વહુઘેલો (અશોક નાયક)

કન્યા ભિન્ન ધર્મની હોવાના કારણે પિતા દ્વારા પુત્રનાં પ્રેમલગ્નનો ઉગ્ર વિરોધ જેવો ચાર-પાંચ દાયકા જૂનો વિષય. રજૂઆત વર્ણનાત્મક.  

વાર્તા સંદેશપ્રધાન હોવાથી કદાચ તંત્રીએ “એડિટર્સ ચોઈસ” નો સિક્કો માર્યો હોઈ શકે. બાકી સામગ્રી અને રજૂઆત બંને ક્ષેત્રે કોઈ નવીનતા જણાતી નથી.

શીર્ષક “વહુઘેલો” પ્રેમીયુગલમાંનાં પતિ માટે નહીં પણ સસરા માટે છે. સંબંધીઓની સમજાવટને કારણે પુત્રનાં પ્રેમલગ્નને મંજૂર રાખ્યા પછી પુત્રવધૂના મધુર સ્વભાવથી પિતાનું હ્રદયપરિવર્તન થાય છે અને પુત્રવધૂથી કાયમ પ્રસન્ન રહે છે.

માધુરી (તૃપ્તિ-યશો)

લાગણીઓથી લથબથ લાંબી વાર્તા.  માધુરી નામની કોલેજની એક શિક્ષિકા નિર્મલ નામના એક વિધ્યાર્થીની તંબાકુવાળા પાન ખાવાની લતથી પરેશાન છે. નિર્મલ અન્ય વિધ્યાર્થીઓ જેવો જ એક સામાન્ય વિધ્યાર્થી છે. ભણવામાં એ હોશિયાર કે અભ્યાસેતર પ્રવૃત્તિમાં આગેવાન છે એવું પણ નથી. બસ, માધુરીના સમગ્ર ચિત્તતંત્રનો કબજો એણે લઈ લીધો છે. માધુરી આ નિર્મલને નાનપણથી ઓળખતી હતી એવું નથી. એ નિર્મલના પ્રેમમાં પડી હોય એવું પણ નથી, માધુરી પરિણીત છે અને પોતાના સંસારમાં સુખી છે. કોલેજમાં, સમાજમાં, અંગત જીવનમાં એને કોઈ સમસ્યા નથી. સમસ્યા હોય તો એક જ, આ નિર્મલની તંબાકુવાળું પાન ખાવાની લત. એની આદત છોડાવવા એ એને કોઈ મનોચિકિત્સક પાસે લઈ જતી નથી, એની લત અંગે એકાદ વાર ટકોર કર્યા બાદ કદી એની સાથે જીભાજોડી કે જીદ પણ કરતી નથી, બસ, દિવસરાત ફક્ત ચિંતા કર્યા કરે છે!  એક તદ્દન સામાન્ય વિધ્યાર્થી એક પરિપકવ શિક્ષિકાના જીવનનું કેન્દ્રબિંદુ બની જાય એ વાત ગળે ઉતરતી નથી. આ વાર્તા હાસ્યવાર્તા પણ નથી, ગંભીરપણે રજૂઆત પામેલી ભાવનાપ્રધાન પણ છેક જ અતાર્કિક વાર્તા છે.

અંતમાં લેખક ચમત્કૃતિ લાવ્યા છે પણ એમાં કોઈ ટ્વીસ્ટ નથી, આઘાત છે. સરવાળે સામાન્ય વાર્તા.

૦૦૭ રેટ બોન્ડ (ડો. રવીન્દ્ર અંધારિયા)

વિજ્ઞાનવાર્તા. પ્રયોગશાળામાં તૈયાર કરેલા ઉંદરો ગંધપારખુ કૂતરાઓની જેમ ગંધ યાદ રાખીને ગુનેગારોને ઓળખી બતાવે છે. 

લઘુકથાઓ

ગ્રામલક્ષ્મી (શાંતિલાલ ગઢિયા)

કુષ્ટરોગમાંથી સાજી થઈ હોવા છતાં ગ્રામજનો છબીલીને ગામનિકાલ કરવા ઈચ્છે છે. પણ જ્યારે છબીલી એક મૂંગા ઘાયલ શ્વાનની સુષુશ્રા કરે છે ત્યારે એ જોઈને ગ્રામજનોનું હ્રદયપરિવર્તન થાય છે.

વિશેષ-જ્ઞનો જમાનો (તુલસીભાઈ પટેલ)

કુલ ગાયો કેટલી એ પ્રશ્નનો જવાબ શોધવા એક ગણિતજ્ઞ ગાયો ગણવાને બદલે એમના પગ કેટલાં તે ગણીને ચાર વડે ભાગાકાર કરે છે. આ રચના લઘુકથા નહીં પણ ટુચકો છે.

ઘેર ઘેર ઈવીએમ (ગિરા પિનાકિન ભટ્ટ)

નવી પેઢીના સંસ્કાર વિશે કટાક્ષ.

ધી લેડી વિથ ધી લેમ્પ (અંબાલાલ ચૌહાણ)

નાનકડી અપરાધકથા.

નાની અમથી વાત (ઉમેશ જોશી)

દાંપત્યજીવનમાં મંગળફેરાનું મહત્વ.

--કિશોર પટેલ, 03-11-23 08:45

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###