આંતરરાષ્ટ્રિય મહિલા
દિન નિમિત્તે વિશેષ લેખ ક્રમાંક ૨
વર્ષ ૨૦૨૨ ની ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં સ્ત્રીની છબી / કિશોર પટેલ
ઈ.સ. ૨૦૨૨ માં આપણા અગ્રણી સામયિકોમાં કુલ ૨૮૯ ટૂંકી વાર્તાઓ પ્રગટ થઈ છે. એમાંથી ૪૬ ટકા એટલે કે ૧૩૪ વાર્તાઓ વાર્તાઓ માનવીય સંબંધો વિશેની છે. આ સિવાયની ૧૫૫ વાર્તાઓમાંથી સ્ત્રીકેન્દ્રીય હોય એવી વીસ વાર્તાઓ મળી છે. એમાંની દસ વાર્તાઓ સ્ત્રીઓએ કેવી સમસ્યાઓમાંથી પસાર થાય છે એની છે જયારે અન્ય દસ વાર્તાઓ સમસ્યાઓ સામે માથું ઊંચકીને લડતી સ્ત્રીઓની એટલે કે નારીચેતનાની છે. આ વીસ વાર્તાઓમાંથી પસાર થતાં આપણી સામે વર્ષ ૨૦૨૨ ની સ્ત્રીની છબી થોડીઘણી સ્પષ્ટ થશે.
સ્ત્રીસમસ્યાઓની વાર્તાઓ:
૧. માસ્ટેક્ટોમી. કેન્સરના કારણે સ્તન દૂર કરવાની શલ્યક્રિયા.
પરબ જાન્યુઆરી ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી મીરાં જોશી લિખિત વાર્તા “મોંસૂંઝણું” માં નાયિકાના એક સ્તનમાં બીજા સ્ટેજનું કેન્સર થયું હોવાથી ઉપાયરૂપે એ સ્તનને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આના પરિણામે નાયિકાના મનમાં એક ખાલીપો સર્જાયો છે. માનસિક રીતે એ ભાંગી પડી છે. આવી સ્થિતિમાં પતિ તરફથી મળવો જોઈતો આધાર એને મળતો નથી. મા વિના કણસતા એક ગલુડિયાને છાતીએ વળગાડીને નાયિકા રાહત મેળવે છે.
૨. કુમળી કન્યા જોડે દુરાચાર.
એતદ. ડિસેમ્બર ’૨૧ માં પ્રસિદ્ધ થયેલી વર્ષા અડાલજા લિખિત વાર્તા “ચકલીનું બચ્ચું” માં ઘરનાં જ વડીલ દ્વારા કુમળી વયની કન્યા જોડે દુરાચાર થયો છે. કંઇક પગલાં લેવાના બદલે “ગામમાં ઢંઢેરો પીટાશે” એવાં બહાને કન્યાનો પિતા હાથ જોડીને ઘરમાં બેસી રહે છે. દીકરી કરતાં એને ઘરની-કુટુંબની ઈજ્જત વહાલી છે. કુટુંબની પ્રતિષ્ઠા બાબતે આપણા સમાજમાં કેવા કેવા ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે. આને પરિણામે કન્યાઓએ-સ્ત્રીઓએ ભોગવવી પડતી પીડાનું શું?
૩. લગ્નોત્સુક કન્યાને નકાર.
એતદ, ડિસેમ્બર ’૨૧ માં પ્રસિદ્ધ થયેલી ઉમા પરમાર લિખિત વાર્તા “મીરા” માં બબ્બે વાર લગ્નસંબંધમાં જોડાવામાં નિષ્ફળ ગયેલી મીરાનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું છે. પહેલી વાર નીરજ જોડે નક્કી હતું પણ અકસ્માત નડતાં મીરાના પપ્પા કોમામાં ગયા. નીરજ રાહ જોઈ ના શક્યો. બીજી વાર વિનોદ તૈયાર હતો પણ હ્રદયરોગના હુમલામાં મીરાના પિતાનું અવસાન થઇ જતાં લગ્ન પછી સાસુની પણ જવાબદારી લેવી પડશે એવા ભયથી વિનોદ તૈયાર ના થયો.
૪. બાળકની ઝંખના.
પરબ, જુલાઈ ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી રણછોડ પરમાર લિખિત વાર્તા “કમભાગી” માં નિ:સંતાન નાયિકા બાળક મેળવવાના સ્વપ્ના જુએ છે. ગલીના નાકે કોઈ સ્ત્રી નવજાત બાળક મૂકીને જતાં પકડાઈ ત્યારે સહુ એ સ્ત્રીને કમભાગી કહેવા લાગ્યાં. નાયિકાને થાય છે કે કમભાગી તો પોતે છે કે આવું ઘેર સુધી આવેલું બાળક પોતાને ના મળ્યું.
૫. સ્ત્રીઓના માસિક ઋતુચક્રની વાત.
પરબ, ઓગસ્ટ ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી મોના લિયા વિકમશી લિખિત વાર્તા “એ પાંચ દિવસો” માં સંયુક્ત કુટુંબમાં મધ્યમ વર્ગના ઘરમાં એકાંતની અછત છે. કુટુંબીજનો જૂનાં વિચારોના છે. સરિતા જાણે ઘરની પુત્રવધુ નહીં પણ કામવાળી હોય એવું એની સાસુનું વર્તન છે. પતિનું વર્તન એવું છે કે સ્ત્રી એટલે જાણે કેવળ ભોગવવાની વસ્તુ. પત્નીના ઋતુચક્રનાં પાંચ દિવસોમાં ઈચ્છાપૂર્તિથી પોતે વંચિત રહી જાય છે એટલે “બૌઉ નખરાં તારાં તો!” એવું મહેણું પત્નીને સંભળાવે છે.
૬. પુરુષ દ્વારા પોતાની એબ છુપાવીને લગ્ન કરવા.
બુદ્ધિપ્રકાશ, જુલાઈ ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી લતા હિરાણી લિખિત વાર્તા “ઘર” માં પરણ્યા પછી પતિ-પત્ની ખાસો સમય એકબીજાંથી દૂર રહે છે. અર્થહીન લગ્નજીવનથી કંટાળીને સ્ત્રી કાયમ માટે ગામ રહેવાનું વિચારે છે. ત્યાં એને છેતરપીંડીથી લગ્ન કરવા બદલ માફી માંગતો એના પતિનો વોઈસ મેસેજ ફોન પર મળે છે.
૭. એકપક્ષી પ્રેમકથા.
બુદ્ધિપ્રકાશ, જુલાઈ ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી કંદર્પ ર. દેસાઈ લિખિત વાર્તા “એંધાણી” માં નાયક સ્ત્રીમાત્રને બીજા દરજ્જાની ગણે છે. આમ છતાં એની એક અમીનજર માટે નાયિકા આખું જીવન તલસે છે. નાયક સમર્પિત સામાજિક કાર્યકર્તા છે પણ એ અપરિણીત હોવાથી સ્ત્રીઓ એની ઉપર વિશ્વાસ મૂકતી નથી. સ્ત્રીવર્ગનો વિશ્વાસ જીતવાના હેતુથી નાયક નાયિકા જોડે પરણવાનું નક્કી કરીને એની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. લગ્ન કરવા પાછળ એનો હેતુ સ્વાર્થી છે. આમ છતાં પણ નાયિકા મનોમન આશ્વાસન લે છે કે એ અન્ય કોઈને પણ પસંદ કરી શક્યો હોત.
૮. સંસારમાં ખુશ હોવાનો આભાસ ઊભો કરવો.
અખંડ આનંદ, નવે-ડિસે ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી રજનીકુમાર પંડયા લિખિત વાર્તા “મજામાં...” નાનીમોટી વાતમાં પતિના હાથનો માર ખાધા બાદ પણ નાયિકા પાડોશીઓ સામે હસતું મોં રાખે છે. સત્ય છુપાવવાના કારણે હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો શિકાર બન્યા કરે છે.
૯. ભેદભાવભરી પુરુષપ્રધાન માનસિકતા.
અખંડ આનંદ, નવે-ડિસે ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી નીલમ દોશી લિખિત વાર્તા “તમાચો” માં ઉજાસ પોતે ઓફિસની સહકર્મચારી ખુશી જોડે કોફી પીવા જવાની સ્વતંત્રતા ભોગવે છે પણ એ જ રીતે જયારે એની પત્ની પોતાના સહકર્મચારી આર્યન જોડે કોફી પીવા જાય ત્યારે એ પત્ની પર શંકા કરે છે.
૧૦. સ્ત્રીઓની સ્વભાવગત ખાસિયત.
વારેવા, જુલાઈ ૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલી સ્વાતિ મેઢ લિખિત વાર્તા “ટપાક ટપાક ટપાક ટપ્પ” માં કોઈ સમસ્યા નથી બલ્કે સ્ત્રીઓની એક વિશેષતા છે, પોતાની ખાસ વાનગી બનાવવાની રીતનું રહસ્ય ગુપ્ત રાખવાની સ્ત્રીઓની આવડત વિષેની આ હળવી વાર્તા છે. નણંદ-ભાભી એકબીજી પાસેથી એમની ખાસ વાનગીની રીત જાણી લેવાનો પ્રયાસ કરે છે પણ બેમાંનું એકે એમાં સફળ થતું નથી.
નારીચેતનાની વાર્તાઓ
૧. આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણીબધી બાબતોમાં ગૃહિત ગણી લેવામાં આવે છે. જાણે એનો પોતાનો સ્વતંત્ર મત હોય જ નહીં. કન્યાઓના શિક્ષણક્ષેત્રે પણ માધ્યમિક શિક્ષણથી વધુ અભ્યાસ અંગે સીમાઓ બાંધી દેવામાં આવે છે. શિક્ષણમાં જ આ સ્થિતિ હોય ત્યાં ઈતર પ્રવૃત્તિઓની તો વાત જ શું કરવી?
શબ્દસર, માર્ચ ’૨૨ માં પ્રગટ થયેલી ગિરિમા ઘારેખાન લિખિત વાર્તા “ટ્રોફી” માં સુધાએ કરેલાં સંઘર્ષના પરિણામે એની દીકરી એકતાને શિક્ષણેત્તર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળી શક્યું છે. સુધાને પોતાને નૃત્યમાં આગળ વધવું હતું પણ લગ્ન થઈ જતાં એની ઈચ્છાઓ રૂંધાઇ ગઈ હતી. દીકરી જોડે એવું ના થાય એ માટે સુધાએ પોતાના પતિ સહિત સર્વે સાસરિયાં સામે લડત આપી છે. પણ દીકરી જ જયારે એને ગૃહિત ગણી લે છે ત્યારે સુધા નક્કી કરે છે કે બસ, બહુ થયું. એક જાહેર મેળાવડામાં હઠપૂર્વક માઈક ખેંચી લઈને દીકરીની માતા તરીકે પોતે કરેલાં સંઘર્ષની એ વાતો કરે છે. એ બોલવા માંડે છે ત્યારે એ ફક્ત પોતાના વતી નહીં પણ ઉપસ્થિત કે અનુપસ્થિત સર્વે માતાઓ વતી બોલતી હોય છે. અને એટલે જ એના ભાષણના અંતે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે.
૨. ઘરની અને કુટુંબની ફરજો ઉપરાંત નોકરી કરતી સ્ત્રી પોતાના માટે જીવવાનું જ ભૂલી જતી હોય છે. મમતા મે ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી ઈંદુ જોશી લિખિત વાર્તા “મોજ” માં રજાના એક દિવસે નાયિકા વહેલી સવારે રખડવા નીકળી પડે છે ને અઠવાડિયાનો પ્રાણવાયુ એકઠો કરીને લાવે છે.
૩. ગર્ભસ્થ શિશુનું લિંગપરીક્ષણ ગેરકાયદેસર હોવા છતાં પણ આપણા સમાજમાં થતું આવ્યું છે, એટલું જ નહીં, ગર્ભમાં છોકરી જણાય તો ભ્રૂણહત્યા કરી નાખતાં પણ લોકો અચકાતાં નથી. મમતા, મે ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી અન્નપૂર્ણા મેકવાન લિખિત વાર્તા “મા” માં નાયિકા જોડે એના પતિ દ્વારા એક વાર એવું થયું છે. બીજી વાર એવું ના થાય એ માટે નાયિકા કટિબદ્ધ છે.
૪. વર્ણભેદ, દીકરા-દીકરી વચ્ચે ભેદ અને દહેજની સમસ્યા. નવચેતન, જૂન ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી અર્જુનસિંહ રાઉલજી લિખિત વાર્તા “લીલા તોરણે” માં દહેજ ઓછું પડવાથી જે કન્યાને શ્યામ વર્ણની કહીને જે યુવકે નકારી કાઢેલી એ જ કન્યા પછીથી ડોક્ટર બનીને એ જ યુવકને જીવલેણ માર્ગઅકસ્માતમાંથી બચાવીને જીવતદાન આપે છે. હવે પેલો યુવક જયારે લગ્નનો પ્રસ્તાવ મૂકે ત્યારે તેને નકારી કાઢીને નાયિકા પોતાનો બદલો લે છે.
૫.
સંતાનપ્રાપ્તિ માટે સ્ત્રીના બીજા લગ્ન. લાંબા સમયના લગ્નજીવન પછી પણ સંતાનપ્રાપ્તિ ના થાય ત્યારે આપણા સમાજમાં પુરુષ બીજા લગ્ન કરે છે. પણ આવી સ્થિતિમાં સ્ત્રી બીજા લગ્ન કરે એવા ઉદાહરણો કેટલાં?
નવચેતન, જૂન ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી અશ્વિન જોશી લિખિત વાર્તા “વાં ...” ની નાયિકા પગ પછાડીને સમાજને કહે છે કે સંતાનપ્રાપ્તિ માટે જો પુરુષ બીજા લગ્ન કરી શકતો હોય તો એ જ હેતુ માટે સ્ત્રી પણ બીજા લગ્ન કરી શકે છે!
કાશ્મીરા અને ભરતના સંસારમાં અગિયાર વર્ષ પછી પણ સંતાનપ્રાપ્તિ થઈ નથી. ભરતની માતાને દીકરો-વહુ સરોગસીથી બાળક મેળવે એની સામે વાંધો છે. એ કાશ્મીરાને અંધારામાં રાખી ભરતના બીજા લગ્ન કરાવે છે. કાશ્મીરા વિરોધ નથી કરતી. દોઢ-બે વર્ષ પછી પણ ભરતની બીજી પત્ની શુભ સમાચાર નથી આપતી પણ કાશ્મીરાને સારા દિવસ રહે છે ત્યારે સાસુને આશ્ચર્ય થાય છે. કાશ્મીરા સાસુને જાણ કરે છે કે પોતે ગર્ભવતી છે પણ ભરતથી નહીં. કાશ્મીરાએ સંપૂર્ણ તૈયારી કરીને એવું પગલું લીધું હતું. ઘરમાં જાણ કરતાં પહેલાં જ પોતાના લગ્નબાહ્ય સંબંધનું કારણ આપી એણે ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે.
૬. સ્ત્રીને દ્વિતીય નાગરિક ગણી કાઢવાની પુરુષપ્રધાન માનસિકતા સામે વિદ્રોહ કરતી નારીની વાત. બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી પારુલ ખખ્ખર લિખિત વાર્તા “કાપો” માં વર્ષોથી સૂક્ષ્મ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી નાયિકા એક અસહાય બાળકીની મદદે મક્કમપણે ઊભી રહે છે.
૭. “હા”, “પણ” અને “હવે” એમ ત્રણ શબ્દોને વિવિધ પ્રકારે જોઈ/તપાસી/ચકાસીને રચાયેલી વાર્તા. મમતા, ઓકટો-નવે- ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી છાયા ઉપાધ્યાય લિખિત વાર્તા “કઠપૂતળી” માં મુશ્કેલ સ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે સમાધાન કરતાં કરતાં નાયિકાની સહનશીલતા ખૂટી ગઈ છે, એનો “હું” માથું ઊંચકી બેઠો થયો છે, એનું આત્મસન્માન હવે જાગૃત થયું છે. બહુ થયું, હવે વધુ સમાધાન નહીં, હવે કોઈ “જો” અને “તો” વાળી શરત પણ નહીં. નાયિકા પોતાની શરતે જીવવા સજ્જ થઈ ગઈ છે.
૮. જાહેર સ્થળે જાતીય વૃત્તિઓનું સમાધાન. વારેવા, ઓક્ટોબર ’૨૨માં પ્રસિદ્ધ થયેલી નરેન્દ્રસિંહ રાણા લિખિત વાર્તા “ધક્કો” માં દાંપત્યજીવનમાં જાતીય સુખથી અતૃપ્ત રહેતી એક યુવાન સ્ત્રી ભીડથી ભરચક બસમાં ચતુરાઈપૂર્વક પડખે બેઠેલા પુરુષના શરીર જોડે અડપલાં કરીને ધોળે દિવસે પોતાની વૃત્તિનું શમન કરી લે છે. ક્યાંય વિવેક ચૂકી ના જવાય એ રીતે વાર્તાકારે સંપૂર્ણ ઘટનાને આલેખી છે. બસપ્રવાસમાં આ સ્ત્રી જોડે એની સાસુ પણ હોવા છતાં નાયિકા એના સાહસમાં સફળ રહે છે.
૯. આત્મનિર્ભર સ્ત્રી. વારેવા, ઓક્ટોબર ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી નીલેશ મુરાણી લિખિત વાર્તા “ખારા પાણીની” માં માછીમારી માટે દરિયો ખેડતા સમાજની વાત છે. હંસાના પતિને દરિયો ગળી ગયો છે. કોઈક કારણથી એના જ સમાજના લોકોએ હંસા જોડે બોલવા-ચાલવાનું ઓછું કરી નાખ્યું છે. દુઃખી થયેલી હંસા હિંમતપૂર્વક પોતાની લડાઈ પોતાની રીતે લડી રહી છે. પતિના અવસાન પછી પણ હંસા આર્થિક રીતે આત્મનિર્ભર બની શકી છે જે વાત સૂચક છે.
૧૦. વિપરીત પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતી એક સ્ત્રીની વાત. વારેવા, ફેબ્રુઆરી ’૨૨ માં પ્રસિદ્ધ થયેલી નંદિતા મુનિ લિખિત વાર્તા “બિન્ના” માં નદીવાળા ગામમાં ઊછરેલી બિન્ના પરણીને રણપ્રદેશમાં નદી વિનાના ગામમાં સંસાર વસાવે છે. રાતદિવસ ઘરમાં ઘૂસી આવતી રણની રેતી સાથેના બિન્નાના રોજના સંઘર્ષને જોઇને ગામવાસીઓ એની પર હસે છે. પણ નાહિંમત થયા વિના બિન્ના એનો સંઘર્ષ ચાલુ રાખે છે. આ સંઘર્ષ એટલે બાહ્ય પરિબળોથી વિચલિત થયા વિના પોતાની નિર્દોષતા અકબંધ રાખવાનો નાયિકાનો સંઘર્ષ. બહોળા અર્થમાં આ ફક્ત એક સ્ત્રીની નહીં પણ ભારતીય સમાજની સર્વે સ્ત્રીઓની પ્રતિનિધિકથા બની રહે છે જેઓ લગ્ન પછી પિતૃગૃહ તજીને પતિગૃહનો સ્વીકાર કરે છે. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિમાં મૂળસોતાં ઉખડી ગયેલાં વૃક્ષો પણ નવેસરથી નવી ધરતીમાં મૂળિયાં પ્રસરાવે છે.
#
ઉપસંહાર:
શું વર્ષ ૨૦૨૨ માં સ્ત્રીની છબી લગભગ એવી જ છે જેવી ૨૦૨૧ માં હતી?
૨૦૨૧ અને ૨૦૨૨ બંને વર્ષમાં નારીચેતનાની ૧૦-૧૦ વાર્તાઓ મળી છે. પણ આ વર્ષે સમીકરણ થોડું જૂદું છે. ગયા વર્ષે એક સામયિકે નારીચેતના વિશેષાંકનું આયોજન કર્યું હતું તેથી નારીચેતનાની દસ જેટલી વાર્તાઓ મળી હતી જયારે આ વર્ષે એવા કોઈ વિશેષાંક વિના સ્વતંત્રપણે દસ વાર્તાઓ આવી છે. આ સારી નિશાની કહેવાય.
સ્ત્રીશરીરની પ્રકૃતિદત્ત વિશિષ્ઠ રચનાના કારણે ઊભી થતી કેટલીક શારીરિક સમસ્યાઓ સામે સ્ત્રીએ હંમેશા લડતાં રહેવું પડશે. અન્ય સમસ્યાઓમાં આર્થિક, સામાજિક અને માનસિક પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. સ્ત્રી-પુરુષમાં અસમાનતાની વિરુદ્ધ લડાઈ સતત ચાલતી રહેવાની છે એટલે સમસ્યાઓ તો રહેવાની છે અને કારણ કે વાર્તાકાર સ્વયં પણ સમાજનો અભિન્ન હિસ્સો છે એટલે એવી વાર્તાઓ પણ લખાતી રહેશે.
આ લેખમાં ચર્ચેલી વીસ વાર્તાઓના લેખકોના નામ જોઈએ તો એક વાત ધ્યાનમાં આવશે કે તેર સ્ત્રીલેખકોની સામે સાત પુરુષલેખકો છે. આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે આપણી ભાષામાં પુરુષલેખક સ્ત્રીસમસ્યાઓ પ્રતિ ખાસો જાગૃત અને સંવેદનશીલ છે.
#
આ લેખ માટે તપાસવામાં આવેલાં સામયિકોની યાદી અને વર્ષ દરમિયાન એ દરેક સામયિકમાં પ્રગટ થયેલી વાર્તાઓની સંખ્યા:
નવનીત સમર્પણ: ૫૧, શબ્દસૃષ્ટિ: ૧૭, પરબ: ૨૪, મમતા: ૭૩, કુમાર (જાન્યુઆરીથી જૂનનાં ૬ અંકો): ૯, બુદ્ધિપ્રકાશ: ૮, શબ્દસર (જાન્યુઆરીથી સપ્ટેમ્બરનાં ૯ અંકો): ૭, વારેવા: ૩૧, એતદ: ૨૪, નવચેતન: (જુલાઈથી ડિસેમ્બર ૭ અંકો): ૧૫, અખંડ આનંદ: (સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૪ અંકો): ૩૦. કુલ વાર્તાઓ: ૨૮૯
--કિશોર પટેલ, 08-03-24 09:10
###
તા. ક. ૨૦૨૩ ની
નારીકેન્દ્રીય વાર્તાઓ અંગે લેખ ટૂંક સમયમાં.
#
(છબી સૌજન્યઃ Google images.)
No comments:
Post a Comment