Saturday, 2 March 2024

મમતા ડિસે ‘૨૩ જાન્યુ ‘૨૪ સંયુક્ત અંકની વાર્તાઓ વિશે નોંધ

 


મમતા ડિસે ૨૩ જાન્યુ ૨૪ સંયુક્ત અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૦૪ શબ્દો)

મમતાનો આ અંક અતુલ્ય ભારત વિશેષાંક છે. એના નિમંત્રિત સંપાદક છેઃ ખ્યાતિ પુરોહિત શાહ.

લેણિયાત (સંજય ચૌધરી)

માલિક-નોકર વચ્ચેના ઋણાનુબંધની વાત. માલિકની દીકરીને લગ્નમાં રુપિયા અઢી લાખનો હાર  ભેટમાં  આપવા નોકરે પોતાની માલિકીની જમીન વેચી દીધી. અતિ દીર્ઘ અને વર્ણનાત્મક રજૂઆત.  

પાંચમો પુરુષ (કેશુભાઈ દેસાઈ)

પોતપોતાની એકલતા ના જીરવાતાં એક ડિવોર્સી પુરુષ અને ચાર સંબંધોમાંથી છૂટી થયેલી સ્ત્રી એકબીજા જોડે લગ્નસંબંધમાં બંધાય છે. પરંપરાગત રજૂઆત.  

સ્વીટી (રેણુકા મલય દવે)

એક સામયિકના તંત્રી વાર્તા/કવિતામાં ગુણવત્તા ના જોતાં કેવળ યુવાન સ્ત્રીલેખકની રચના સામયિકમાં પ્રગટ કરતો હોય છે. “સ્વીટી” નામની સ્ત્રીલેખક જોડે આ તંત્રીનો અનુભવ કેવો રહે છે? રહસ્યકથા જેવી રસપ્રદ રજૂઆત.   

પૂછીને જ થાય પ્રેમ (વિષ્ણુ પંડ્યા)

એકમેકને પસંદ કરતાં બે યુવાન પાત્રો લગ્ન કરતાં કોઈ અકળ કારણથી અચકાય છે. કથક એમને ભૂતકાળની બે વિલક્ષણ પ્રેમકથાઓ સંભળાવે છે પછી પેલાં બંને લગ્ન કરવા તૈયાર થાય છે. કાઉન્સેલિંગના એક કિસ્સાની અહેવાલ જેવી સામાન્ય રચના.

ભગવાનનું કામ (ઈશ્વરસિંહ ચૌહાણ)

પછાત કોમના માણસો જોડે થતાં અન્યાયની વાત. ગુજરાતના મોટા શહેરમાં પણ એમને  સારી સોસાયટીમાં ઘર ના મળે, એમનાં બાળકો જોડે ભેદભાવ થાય છે વગેરે હકીકતો પર પ્રકાશ પાડતી રચના.

રોઝી (હેમલ જાદવ)

કોઠે બેસતી એક પતિતા જોડે પરણીને એનો ઉધ્ધાર કર્યો હોવા છતાં એણે કેમ પતિનો ત્યાગ કર્યો હશે? છેવટ સુધી રહસ્ય જાળવી રાખતી કુશળતાથી કહેવાયેલી મજાની ટૂંકી વાર્તા.

સહપ્રવાસી (ત્રિલોક સંઘાણી)

લાંબા પ્રવાસમાં બસમાં અડોઅડ તો નહીં પણ પાછળની બેઠકમાં એક મનોહર યુવતી બેસે એ પછી નાયકના મનોભાવોમાં આવેલાં પરિવર્તનનું અચ્છું આલેખન. એ સાવ નજીક હોવાનો અહેસાસ, કન્યાનાં હળવા શ્વાસોચ્છવાસ સંભળાતાં નાયકનાં રંગીન બનતાં ભાવવિશ્વનું સુંદર ચિત્રણ. સારી વાર્તા.

લઘુકથાઓ

૧. ખંજવાળ (રોહિત કેસરવાની) નાના બાળકોની હાજરીમાં સ્ત્રી જોડે થતી હિંસાની ખરાબ અસર વિશે વિધાન. 

૨. કન્યાપૂજન (રોહિત કેસરવાની) આસ્તિક હોવાનો દેખાડો કરતો દંભી નાયક.

૩. દુર્ગંધ (આશિષ અજિતરાય આચાર્ય) સ્થૂળ વાતાવરણમાંથી આવતી દુર્ગંધ પ્રત્યે નાયકને અણગમો હતો. પહેલી વાર એને પોતાનાં મનમાંથી આવતાં વાસનાયુક્ત વિચારોની દુર્ગંધ આવે છે. સરસ ચોટદાર લઘુકથા.

અનુવાદ

નિમ્મલિખિત મૂળ હિન્દી ભાષાની ૮ (આઠ) રચનાઓ આ વિશેષાંકના સંપાદક દ્વારા અનુવાદિત છે.

૧. ભાનપુરાનાં જગતબા (નીલમ કુલશ્રેષ્ઠ) બક્ષીપંચની અનામત બેઠક પર ચૂંટાઈ આવેલી અભણ સ્ત્રીએ કોઠાસૂઝથી લોકોપયોગી કામ કર્યાં અને ગામની પ્રગતિ થઈ. આ રચના વાર્તા નથી પણ એક ચરિત્રકથા છે.

૨. હા, હું પ્રેમમાં છું (પ્રભા પંત) લેપટોપ જેવા સાધનની ઉપયોગિતા અંગેની હાસ્યકથા.

૩. દેશભક્તિની સજા (રવીન્દ્ર કુમાર) નિયમોની અંદર રહીને કામ કરવું સહેલું નથી. એ માટે લાગતાવળગતાઓ તરફથી કનડગત માટે તૈયાર રહેવું પડે એવો સંદેશો આપતી વાર્તા.

૪. દાદીની રમત (નિર્મલા શર્મા)  મોબાઈલમાં મશગુલ રહેતાં બાળકોને મેદાની રમત તરફ વાળવા દાદીમાએ ચતુરાઈ કરી.

૫. પ્રતીક્ષા (મીનાક્ષી “મીનલ”) સંતાનોએ તરછોડેલાં વૃધ્ધ માતાપિતા એકબીજાના સહારે જીવી રહ્યાં છે.

૬. હડતાળ (ઉમાસિંહ કિસલય) હડતાળિયાના તોફાનોથી રોજ કમાઈને રોજ ખાતાં શ્રમજીવીઓને પડતી હાલાકી પર પ્રકાશ.

૭. લોકડાઉનમાં હિમાલય આરોહણ (બન્દના પંચાલ) અપંગ પતિની સેવા કરતી સ્ત્રીની હિંમતની વાત.

૮. બાબાજી, અમને માફ કરો...! (બાલ્મિકીકુમાર) સ્થૂળ ચીજવસ્તુઓમાં માયા રાખનારા વૈરાગીનું જીવન જીવી શકતા નથી.

કાગળિયાં કોરાં કોરાં રે...(શરદ જોશીની મૂળ હિન્દી વાર્તા, અનુ. સંજય છેલ) ગામડે રહેવાનું રાખીને ગ્રામ્ય પાર્શ્વભૂમિની નવલકથા લખવા ગયેલા લેખક સાથે ગામડામાં શું થાય છે? લેખક કેમ ગામ છોડીને શહેરમાં પાછો જતો રહે છે? સરસ હાસ્યવાર્તા.   

આરોપી (અમેરિકન લેખક રુથ ચેસમેનની મૂળ અંગ્રેજી વાર્તા, અનુ. યામિની પટેલ) પતિના ખૂનકેસમાં નિર્દોષ ઠરેલી એની પત્ની ખરેખર નિર્દોષ હતી ખરી? સરસ રહસ્યકથા.    

ચંદ્રમાનવ (એલ ફ્રેન્ક બોમ લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ. યશવંત મહેતા) પૃથ્વી પર ઘણાં બધાં માણસોને જોઈને ચંદ્ર પર રહેતા એકલાઅટૂલા ચંદ્રમાનવને પૃથ્વીની મુલાકાત લેવાનું મન થાય છે. એ પૃથ્વી પર આવે છે પણ એને પૃથ્વી પર કેવો અનુભવ થાય છે? સરસ ફેન્ટસી વાર્તા.  

--કિશોર પટેલ, 03-03-24 10:18

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 


No comments: